31.12.09




નવા વર્ષે આટલું તો કરીએ


કળી ખિલી લ્યો લાલ, ડાળીએ
ખર્યાં, સુકા ની વાત ટાળીએ


ઇશુ, પયંબર, બુધ્ધ વાંછીએ
પછી અહમ ને ક્રોધ ખાળીએ


દસે દિશાએ જ્યોત પ્રાગટે
શમા બુઝાવી, જાત બાળીએ


કસમ ભગતની ખાવ હવે સૌ
ચડે કસાબો તુર્ત ગાળીએ


નહીં, નરાધમ, કોઈ ડોકમાં
ધરો પ્રસંશા ફુલ, પાળીએ

29.12.09



નવા વર્ષે
નવમા (૨૦૦૯)ની દસમા(૨૦૧૦)ને


ટિપ્સ


ભલે પધાર્યા, સ્વાગત છે, ઓ દસમાં
શરૂ થયા છે દિવસ તમારા વસમા


જશે ગુલાબી મોસમ રંગી, ક્ષણમાં
હરખ હરખમાં આગળ જલદી ધસ માં


નવા વિચારો, સંકલ્પો શું કરવા
બદી ભરી છે લોકોની નસ નસમાં


વળી ઉજવશે તહેવારો વટ વટમાં
વહી જશે બાકીના દિન અંટસમાં


ચડે, પછાડે, ગુલાંટ મારે પળમાં
મઝા બધી લેજે માનવ-સરકસમાં


અમે શિખામણ બધીયે દીધી તમને
તમેય દેજો ફરી ફરી હે...દસમા..!!

27.12.09


મારા દિધેલ સાદનો પડઘો પડ્યો નહીં
જાણે અમારાં આયને, ખુદ હું જડ્યો નહીં


મંઝિલ, ડગર ને ફાંસલો, સઘળું સુગમ હતું
ઝંખ્યો હતો જે સાથ કદી સાંપડ્યો નહીં


બેતાજ બાદશાહ છું હું સ્પર્શનો છતાં
ટહુકો અમારી લાગણીનો ત્યાં અડ્યો નહીં


તારૂં જવું, ને આપણું મયખાને તો જવું
એવો નશો, જે રોજ ચડે એ ચડ્યો નહીં


પાછો વળું એ દહેશતે ટોળે મળ્યા બધાં
બાકી અમારા મોત પર એકે રડ્યો નહીં

23.12.09






कीसकी क्रिस्टमस....??
मेरी क्रिस्टमस.......!!


પટેલ, બ્રાહ્મણ, શીખ, લુહાણા, સઈ, વાણિયા ભિસ્તી
ઝાકમ ઝોળે, ક્યાંય ન જોયો, એક બિચારો ખ્રિસ્તી

પાર્ટી, નૃત્યો, શોર શરાબા, લાખ કરે તું મસ્તી
ઈશુ રીઝવવા પ્રગટાવો બસ મીણબત્તી એક સસ્તી

22.12.09


ચાલ ભેરુને સંગ
લાલ દોરીને રંગ
ચિત્ત ચોટેના આજ કોઈ કામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચોક ફળીયા સૂમ સામ
પોળ કરતી આરામ
ગામ રંગે ચડ્યુ છે બધું ધાબમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
લાલ પીળા ચટ્ટક
ફુલ ખિલ્યાં અઢળક્ક
જાણે ધરતી વરસી’તી આસમાનમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
બોર ગંડેરી પાક
ખાવ ઉંધીયાના શાક
સાંજ રડવડતી ખાલી સૌ ઠામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
માર કાઈપા ની બૂમ
પછી પકડ્યાની ધૂમ
કોઈ દોડે લઈ ઝાંખરાંને વાંસમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ફરરર ઉડી ગઈ લાજ
છેડ બિંદાસી સાજ
વહુ તાળી દે સસરાનાં હાથમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ક્યાંક હૈયાનાં તાર
ક્યાંક છુપો અણસાર
પેચ લાગે છે ક્યાંક કોઈ આંખનાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચાંદ તારાને રાત
ઉગે સરખું પરભાત
તોયે કરતી ઉત્પાત
સાલી માણસની જાત
આભ વહેંચે છે અલ્લા ને રામમાં

19.12.09


શબ્દ કોષો એકમાં ઠાંસી, ગઝલ ક્યાંથી લખું
તાજગી નામે બધું વાસી, ગઝલ ક્યાંથી લખું


બે ટકે હર શેર છે, ભાજી હો કે ખાજા ભલે
બેગુનાહીની સજા ફાંસી, ગઝલ ક્યાંથી લખું


છે અછંદાસી ધૂમાડો, ને ધરારી ધૂળ પણ
બંધ ના થાતી હવે ખાંસી, ગઝલ ક્યાંથી લખું


હાથમાનો જામ સીધો દિલ મહી ઉતરી જતો
ને નજર સાકી તણી ત્રાંસી, ગઝલ ક્યાંથી લખું


રે! અપેક્ષા દાદની રાખી હતી તારા થકી
શેર બે વાંચી, ગયો ત્રાસી..?,ગઝલ ક્યાંથી લખું


પાનખાર સિંચી ઉગાડ્યું ઝાડ મેં
લાખ તું ચાહે હવે રંઝાડ ને...


શ્વાસને સરવાળે તું, નિ:શ્વાસની
બાદબાકી કો’કદિ તો માંડને


એક મુઠ્ઠી કોઈ કાજે ના ખુલી
થઈ સુદામો પોટલી સંતાડને


"ગ્રામ લક્ષી પંચવર્ષી યોજના"
નામ રૂડું દઈ દીધું કૌભાંડને


રંગ ખુટે, એટલી ફરકે ધજા
સો હરિ દીધાં, અખિલ બ્રહ્માંડને

18.12.09


પહેલ તો કરવીજ પડશે કોઈએ
રાહ સહુની ક્યાં સુધી, સૌ જોઈએ


જીંદગી સાચી જીવ્યાતાં કેટલી
રાખમાંથી સોયને ફંફોસીએ


આમતો સસલાં છીએ પણ દંભની
ઢાલ નીચે જાતને સંકોરીએ


ધોરણોનાં ક્યાં હતાં કોઈ ધોરણો
કે પસંદગીના કળશને ઢોળીએ


ડાઘુઓની આંખ ભીની ના થઈ
કેમ જાણે સાવ હળવા હોઈએ


સહેજ હજી મૃગજળ મમળાવ્યું
જંગલને બહુ લાગી આવ્યું


શબ્દ વગરના વાણી ગૃહે
મૌન અમે હોઠે લટકાવ્યું


બંધ રચી, પાપણનો આંખે
સ્વપ્ન ઝરણ કોણે અટકાવ્યું


દુ:ખ ઉગ્યાં ખેતરના ખેતર
ક્યાંય અમે તો નહોતું વાવ્યું


જામ ખુટ્યા, થઈ બોતલ ખાલી
માંડ મને જ્યાં પીવું ફાવ્યું

17.12.09


અરીસો દિવાલે
ઘણાઓને સાલે
પ્રતિબિંબ ખુદના
દઈદે હવાલે


નથી, આજ જેની
કહે શું ત્રિકાલે
કહો જ્યોતિષિને
હથેળી ન ઝાલે


અભિવ્યક્તિ જુદી
હતી વ્હાલે વ્હાલે
ચૂમે કોઈ ભાલે
વળી કોઈ ગાલે


અમસ્તી આ તસ્બી
બધાં હાથમાં લે
ખુદા યાદ આવે
પછી સહેજ ચાલે


જીવનભર હું નાચ્યો
તમારાજ તાલે
હવે ગ્રાન્ડ, ઈશ્વર
કરી દે ફિનાલે

15.12.09


’આહા જીંદગી’ ના મુખપૃષ્ઠ ઉપરની વન લાઇનર પરથી
રચેલી રચના

પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા’તાં ટોળાને તાપણે
સંબંધો સળગાવી, હૈયાઓ શેકીને, અંદરથી બળબળતાં આપણે


જોબનની પાંખોએ ઉડીને પાછો હું પૂગી ગ્યો પોતીકે પાદરે
કહું છું ભમ્મરડાને પાછું આપી દે મેં શૈષવને મુક્યુ;તું થાપણે


પરબિડીયું, નીંદરડી બિડીને નાખ્યું’તું, આંખ્યુંને સરનામે એમની
અમને તો લાગ્યું કે ઉછળતાં કુદંતાં સપનાઓ ડોકાશે પાંપણે


સદીઓથી અટવાતો લખને ચોરાશી આ ભવભવના ફેરામાં તોય રે
છલ્લક છલાણાની માફક સૌ કહી દેતાંઅહીંયા શું આવ્યો તું જા પણે

14.12.09


વાંસળીના સુર...
સા..રે..ગ..મ..પ..ધ..નિ..સા


તમે વાંસળીમાં રાધાને ફુંકો છો શ્યામ
પછી સાત સાત સુર વહે આભમાં
એક એક સુર મહી રાધાના રૂપ દિસે
ગોકૂળીયું ગામ કેવું લાભમાં...


પહેલો તે સુર એની સુંવાળી કાયા પર
રેશમનો પાલવ સોહામણો
બીજો તે સુર એની મતી અદાઓથી
હરણાનો દેશ દિસે વામણો


ત્રીજો તે સુર એની ભરૂતા નખશીખે
નીતરતી જાય દિન રાતરે
ચોથો તે સુર એની મારકણી આંખોનો
ગામના ગોવાળ બધાં મ્હાત રે


પાંચમો તે સુર એનો પાયલ ઝંકાર
જાણે ઘંટડીઓ ગાયોની ડોકમાં
છઠ્ઠો તે સુર એની લવલતી ચાલ
કહે પનઘટ, કે બાંવરીને રોકમાં


સાતમો તે સુર એની નાભિથી નીકળતો
સીધો રે વાલમના કાનમાં
બાઈ મીંરા કહે ભલે રાધાનો હોય
મારા તંબુરે રહેતો એ બાનમાં

12.12.09


હવા શું, શ્વાસમાં લીધી
સજા જીવન તણી દીધી


મળ્યાથી અંત છે જેનો
પ્રતિક્ષા, મેં સદા કીધી


સુરા નહીં, આજ મયખાને
ઉદાસી સૌની મેં પીધી


તમે તો મૌનમાં પણ ક્યાં
કરો છો વાત કંઈ સીધી


બધાયે આંગળી મારી
તરફ હંમેશ કાં ચીંધી ?

8.12.09


શબ્દ જે કહી ના શક્યું એ આંખથી સરકી પડ્યુ
કેમ જાણે રણ મહી મીઠું ઝરણ આવી ચડ્યું


એ અદા,ચંચલ હંસી, ઝુલ્ફો અને ગોરૂં બદન
સ્પર્શ નો પર્યાય હો એવી રીતે અમને અડ્યું


કંટકોના શહેરમાં, કંકર સમા છે દોસ્તો
લાગણી નામે અમોને એક પણ ઘર ના મળ્યું


હર પ્રસંગે આંસુઓ ચોધારને મુલવી જુઓ
કોણ કોની યાદમાં, ને કેટલું શાથી રડ્યું


આટલો તું રહેમદિલ ક્યારેય ન્હોતો એ ખુદા
આજ મયખાને જતાં, મસ્જીદ કે મંદિર ના નડ્યું

4.12.09


.................નગર ચર્યા........................


ઉગતા સુરજની શેહમાં રમતું મળે નગર
હર શ્વાસ ને ઉચ્છવાસમાં રમતું મળે નગર

દફતર ભરી સવારમાં, જનનીની લ્હાયથી
પીઠે લદાયા ભારમાં, રમતું મળે નગર

રસ્તા, ગલી, કુચી ને વળી ફ્લાય ઓવરે
ચોગમ વળેલી ગુંચમાં, રમતું મળે નગર

ગિરજા મસીદ હો, કે હો મંદિરનાં દ્વાર પર
યાચી રહેલા હાથમાં રમતું મળે નગર

પકવાન દોઢસો ને ઓડકાર દંભનાં
ભભકે ભરેલી નાતમાં, રમતું મળે નગર

સઘળાં નિયમને ઓકતી નફ્ફટ આ ચીમનીઓ
ગળફે પડેલા રક્તમાં રમતું મળે નગર

આદર, અદબ, ને સ્મિત બિડાયા છે મૌન માં
ભંકસ, ટપોરી વાતમાં રમતું મળે નગર

ઓળા ઉતરતાં રાતના, વ્હિસ્કીને બોતલે
છલકી જતાં એ જામમાં રમતું મળે નગર

મણની તળાઈ રેશમી હો કોઈની ભલે
ફુટપાથ પરના સખ્શમાં રમતું મળે નગર

શહેરીજનો તો ઠીક ભલા ગામે ગામનાં
એકેક જણના ખ્વાબમાં રમતું મળે નગર

3.12.09


પરબિડીયે બિડ્યો મેં ખાલીપો ઠાંસી
સરનામુ ’એકલતા’, વાયા ઉદાસી


રેશમસી દોરીએ યાદોની તારી
નીંદરને દઈ દીધી પરબારી ફાંસી


સથવારે જેની મેં લીધાતાં શ્વાસો
એ લોકો પૂછે છે, ક્યાંના રહેવાસી..??


છલકાતી આંખોનાં , છલકાતાં પ્યાસી
છલછલ સુરાહી કર હળવેથી ત્રાંસી


શબરી ના દીઠી, ના પામ્યા હનમન્તા
કેવાં રે કીધા તેં અમને વનવાસી

2.12.09


ક્ષણ દોડે છે આગળ આગળ
પડછાયો જાણે હું પાછળ

શૈષવની ડેલીએ વાલમ
લજ્જાની મારી તેં સાંકળ

કર્મોને કાંડે આજે પણ
શ્રધ્ધાનું બાંધ્યું મે માદળ

હરણાંના મૃગજળ પીધાનાં
નીકળ્યા સૌ દાવાઓ પોકળ

માન્યું, તું કઠ્ઠણ છાતીનો
પરવાના ખાતર તો ઓગળ...!!