31.8.10

હજુ ડગ ભરૂં, ને બિછાવે તું કેડી
લીધો સુર "સા", ત્યાં તો સરગમ તેં છેડી
.
વણું છું હું શબ્દોની મેલી આ ચાદર
નથી કોઈ મોલાત, ના કોઈ મેડી
.
પીધો કાશ ઝાઝેરો વાસંતી આસવ
પડી કોયલોને ગળામાં ખરેડી..!!
.
અમે સોડ તાણી’તી જીવતરની એવી
હતી શ્વાસની જે પ્રમાણે પછેડી
.
જીવન ને મરણની આ ચોપાટ માથે
પ્રભુ કુંકરી તે અમારી ખસેડી..?

29.8.10

મેળો વરસ્યો

મુશળધારે મેળો વરસ્યો
માણસ પણ જાણે કે તરસ્યો

મેઘ ધનુષો રંગ રંગના
પથરાયા ધરતીએ અદના

તંબુ ને ચકડોળ ઉગ્યા છે
હરખ પદુડાં લોક પુગ્યા છે

ખાણી પીણી ખળખળ વહેતાં
ભુખથી કોરા કોઈ ન રહેતાં

કોઈ ડૂબીને ખોવાયા’તાં
કો’ક ખિસ્સેથી ધોવાયા’તાં

લહેર ઉઠી ભગવાની કેવી
છેક પલાળે ઉરને, એવી

મહેર હજો આવી ને આવી
એજ આરતી સહુએ ગાવી
જત લખવાનુ, શ્વાસ અમે
લિખિતંગ છો, ઉચ્છવાસ તમે

શમણાં, પાપણ, ઉજાગરા
જુગટું આખી રાત રમે

પર્વત પણ પડઘો મારો
સાંભળવાને સહેજ નમે

મૃગજળ સિંચ્યા કલ્પતરૂ
ફળનું ભારણ કેમ ખમે ?

માચીસ જેવો અદ્દલ તું
તારાથી દવ ધૂળ શમે..!!

શમ્મા છું તુજ મહેફિલમાં
ઓગળશું બસ ક્રમે ક્રમે

28.8.10

મન સહેજે આંબે નિષ્ફળને
નીરખી લે જે તું કુંપળને

દર્પણ સાથે પ્રિતી એવી
પોષ્યા મેં, અણગમતાં છળને

અક્ષર ઊડી આંખે વળગ્યા
સૂનાપો સાલે કાગળને

કપરી હો કે અણશુભ હો પણ
શ્રીફળ માની ફોડું પળને

પીછું હર ડાળીએ ઉગશે
સપનુ કાયમનુ બાવળને

સંગે મરમરની ચોકટ પર
અણધાર્યું પામ્યો ઝળહળને

26.8.10

આંખમાં એક અણદીઠું સપનુ મને ખટક્યા કરે
કોણ મારે આંગણે આવી અને અટક્યા કરે
.
પંખીઓના ઝુંડ, ને કલરવ હવે છે વારતા
એક ટહુકા માત્રથી સૌ ડાળખી બટક્યા કરે
.
આ નગરની ખાસીયત વરસોથી એવી છે, અહીં
લાગણીની હાટમાં તાળા બધે લટક્યા કરે
.
જીંદગી, એ બંધ મુઠ્ઠીમાં મુલાયમ રેત છે
લાખ ચાહો તે છતાયે એ સતત છટક્યા કરે
.
ચાલ, બન્ને મૌનની કેડિએ ડગલા માંડીએ
વાત કરશું તો પછી એ સહેજમાં વટક્યા કરે

24.8.10

હવા પણ કેટલી તારે નગર લાચાર લાગે છે
જીવે સૌ લાશ જેવું, શ્વાસ શિષ્ટાચાર લાગે છે

અમારી એકલા રહેવાની આદત ઘર કરી ગઈ, કે
સરા જાહેર ટોળાં, મહેફિલો સુનકાર લાગે છે

તસુ એકે જગા છોડી નથી ચહેરે, કરચલીએ
બુઢાપો પણ અનુભવથી અસલ ફનકાર લાગે છે

ફરી ઓકાતને ફંફોસવી પડશે, ઓ પ્યાસી દિલ
અધુરો જામ પણ અમને, હવે ચિક્કાર લાગે છે

જુવાનીમાં અરિસો ખુબ માણ્યો આત્મશ્લાઘામાં
હવે અમને કબર જેવોજ એ આકાર લાગે છે

21.8.10

શ્વાસ છે સરગમ સુરીલી, ધડકનો ના તાલ છે
કેટલું જીવન અમારૂં દોસ્ત, માલામાલ છે

શબ્દના ચરણો લઈ, જંગલ ગઝલનાં ખુંદતો
છંદની કેડી એ મારી એકધારી ચાલ છે

લાગણીની લઈ હથોડી, મેં સમયને ટાંકણે
જે શિલાલેખો પ્રણયના કોતર્યાં, મિસાલ છે

રંગ તારી હર અદાના આંખમાં ઠાંસી ભરૂં
સ્વપ્નથી ભીનો પછી જો, કેટલો રૂમાલ છે

જીંદગી, તું દબદબો માની ભલે હરખાય.પણ
મોત નામે શહેરમાં એ કેટલી કંગાલ છે

18.8.10

તમે ઈચ્છા સમી કુંપળ, અમે પર્ણો ખરેલા
હતાં ભુતકાળ મારા પણ તમન્નાથી ભરેલા
.
શરમ શું ચીજ છે, એ ક્યાં રતિભર પણ ખબર છે ?
અમે પાલવ છીએ બિંધાસ્ત, ખભ્ભેથી સરેલા
.
કદાચીત એટલે શમણુ મને લાગ્યું અલૌકિક
દસે દસ ટેરવાં હળવેથી ઝુલ્ફોમાં ફરેલાં
.
તમે આ ગાંઠ સગપણની હજી હમણાંજ મારી
અમે તો સાત જન્મોથી હતાં તમને વરેલાં
.
સનમ તારા પછી અજવાસની બાધા લીધી છે
અમારે ટોડલે મુકજો હવે દિવડાં ઠરેલાં
.
કબરને યોગ્ય એવો એક પણ માણસ મળ્યો ના
તમારા સમ, હતાં પહેલેજ થી સઘળા મરેલાં

13.8.10

પરોઢિયે લટાર

ફુલોની નાવ લઈ ઝાકળના દરિયામાં હલ્લેસા માર
સોનેરી કિરણોનુ આવે તોફાન , ચાલ હલ્લેસા માર
ચાલ હલ્લેસા માર
વૃક્ષોની ડાળ પર માળામાં રહેતો એક કલરવ કુમાર
છાતીનો એક એક વાળ એનો વાસંતી વિણાનો તાર
ચાલ હલ્લેસા માર
ખળખળતાં ઝરણામાં છબછબીયા કરવા તું ચહેરો ઉતાર
ચહેરાની પાછળ જો, ઈચ્છાઓ કેટલીયે સુક્કી સુનકાર
ચાલ હલ્લેસા માર
મસ્તીથી છલકાતા વાયરાની હેલ સહેજ મુકે જો નાર
ખોબો ભરીને આજ પીવી છે શ્વાસ મહી ઉગતી સવાર
ચાલ હલ્લેસા માર
કોણે રે વાવી આ ઉડતાં પતંગિયાની ચપટી બે ચાર
કેસુડો, ચંપો ને ગુલમહોરી હરિયાળી નિરખો ચો ધાર
ચાલ હલ્લેસા માર

12.8.10

સરદાર ગાંધીએ જે અપાવી સ્વતંત્રતા
ડુંસકા ભરી, એ કઈ રીતે ગાવી સ્વતંત્રતા

રોટી, મકાન, જળ તણાં પ્રશ્નો હયાત છે
વસ્તી સભર પ્રકોપ ને લાવી સ્વતંત્રતા

વીજળી ને નામે ઝુલતાં અંધાર ગામમાં
દિવાસળીયે રોજ જલાવી સ્વતંત્રતા

ખાવા નથી જે ધાન , સડે છે વખારમાં
ભુખ્યા જનોએ ધુળ શું ખાવી સ્વતંત્રતા ?

ખુરશી ઉપર સવાર છે ગદ્દાર દેશનાં
એકેક સખ્શે આજ લજાવી સ્વતંત્રતા

દોરી ધજાની ખેંચતાં પહેલા વિચાર કર
ઉજવી રહ્યો તું દેશની આવી સ્વતંત્રતા..??

6.8.10

પડઘો અમારા સાદનો પાછો વળી ગયો
શું મર્મ મારી વાતનો એ પણ કળી ગયો ?

અંધારની આડશમાં છુપાયો સમય જુઓ
સુરજ સમેત દિ’ બધાં આખા ગળી ગયો

આજે સવારે સાવ અચાનક આ દર્પણે
જેની હતો હું શોધમાં, ચહેરો મળી ગયો

એકાદ હજી ઘુંટમાં, વાહ વાહ કરે બધાં
લાગે છે મારો શેર કદાચિત ભળી ગયો

એ મોત કર્યું કામ તેં ઉત્તમ જીવન તણું
પેચીદો પ્રશ્ન શ્વાસ પછીનો ટળી ગયો

4.8.10

રઝળતું મને એક સપનુ મળ્યું
હતું કોઈ લાચારનુ વણ ફળ્યું
ઉદાસી, અધુરીસી ઈચ્છા ભર્યું
ખભે શિશ મારા ઉપર એ ઢળ્યું
દિલાસાના શબ્દો ઝબોળી અમે
નરી લાગણીમાં, કર્યું મ્હો ગળ્યું
જરા સ્વસ્થ થાતાં એ બેઠું થયું
છતાં જાણે સંકટ હજુ ના ટળ્યું
"થશે માનવી ક્યારે માનવ હવે"
કહી એણે મસ્તક ફરી આફળ્યું
બારે મેઘ ખાંગા

હેત વરસાવો પ્રભુ બેફામ , વ્યવહારૂ નથી
ડૂબકી ગંગામાં સારી, ડૂબવું સારૂં નથી

ભસ્મ કરતી આકરી વીજળી ભલે ચમકાવ તું
આ જગતમાં એટલું પણ સાવ અંધારૂં નથી

ફુલની માફક ઉંચકશું, જેમને કચડાવ તું
હાથમા છે હાથ સહુના, કોઈ નોંધારૂં નથી

મોતનું તાંડવ તમે કોને પુછીને આદર્યું ?
ત્યાં તમોને કાન ખેંચી કોઈ કહેનારૂં નથી ?

જે હશે જેને જરૂરી, એટલું તું આપજે
ખોબલે સાગર સમાવું , એ ગજું મારૂં નથી