29.3.13



વ્હેણમાં ક્યારેક લંગર થઇ ગયો 
લાપસીમાં ક્યાંક કંકર થઇ ગયો

સાવ કડવું સત્ય આજે પી ગયો  
લ્યો હવે લગભગ હું શંકર થઇ ગયો

કોઈને બાઝી ગળે, ડૂમો બની 
મૌન ને વાણીનું સંકર થઇ ગયો

છું ભલે છિદ્રો ભરેલું છાપરું 
રાતના જાણે કે અંબર થઇ ગયો

બે અધર વચ્ચેનો એક સંવાદ થઇ
થઇ જતું નાબૂદ, અંતર થઇ ગયો

16.3.13


એક ટીપું  વાંચવા પ્રસ્વેદનું
ગ્યાન પણ ઓછું પડે છે વેદનું

ક્યાંક પશ્ચાતાપની નગરી મહી
એક મારું પણ હશે ઘર ખેદનું

ટેરવાને પૂછશો તો જાણશો
દુઃખ અવિરત વાંસળીના છેદનું

આજ મારો આયનો ફૂટી ગયો
ને રહસ્ય પામતો હું ભેદનું

પારખો રણમાં ચરણને કઈ રીતે ?
જાનકી નું હોય કે જાવેદનું...!!

10.3.13


શ્વાસ લેવો જો ગણો હરકત
તો નિસાસા આપણી બરકત

તરબતર તારી મહેક કાયમ  
એ જ મારો ડાકિયો ને ખત  

કાગળોમાં ક્યાં સમાતો હું  
એટલું લખવું અમારે જત 

જામ મારે હાથ, ને સાકી 
ક્યા હતી બીજી પછી નિસ્બત
 
જિંદગી જીવી શક્યો ના જે
જીવતા પણ એ હતો સદ્ગત 

7.3.13


જ્યાં શબ્દ થઇ તું પાંગર્યો
ત્યાં મૌન રૂપે હું ખર્યો

રેતાળ તારી આંખનું 
આંસુ બની કાયમ સર્યો

તાકી રહ્યો શું જામને ?
ખાલીપણાથી છે ભર્યો

હું ખોજમાં છું બ્રહ્મની 
કાં આયનો આગળ ધર્યો ?

ખૂંખાર દરિયાનો નશો
તટ પર સદાયે ઓસર્યો  

પાંખે હું છેલ્લા શ્વાસની 
આકાશ આખે વિસ્તર્યો 

જ્યાં શબ્દ થઇ તું પાંગર્યો
ત્યાં મૌન રૂપે હું ખર્યો

રેતાળ તારી આંખનું 
આંસુ બની કાયમ સર્યો

તાકી રહ્યો શું જામને ?
ખાલીપણાથી છે ભર્યો

હું ખોજમાં છું બ્રહ્મની 
કાં આયનો આગળ ધર્યો ?

ખૂંખાર દરિયાનો નશો
તટ પર સદાયે ઓસર્યો  

પાંખે હું છેલ્લા શ્વાસની 
આકાશ આખે વિસ્તર્યો