26.6.12

પ્રથમ કંટકે એના ટશિયાઓ ચાખ્યા 
પછી બોર શબરીએ ચાખીને રાખ્યા 

 હજી સ્વપ્ન પાંખે સવારી કરી ત્યાં 
તમે બેય પાંપણ તણા દ્વાર વાખ્યા 

 બુઝેલી શમાના નીકળતે ધુમાડે 
પતંગાના આછા નિસાસાને ઝાંખ્યા

 હથેળીની રેખા અગનપથ ગણી'તી 
નથી ખોતરી ખોતરી લેખ ભાખ્યા 

વફા, બેવફાઈ, સગા ને સબંધી 
અમે કેટલા કેટલા ઘાવ સાંખ્યા

18.6.12

તને સ્પર્શ્યો, ને જાગ્યા રૂંવાટા
જાણે પહેલા વરસાદ તણા છાંટા

અમે મુઠ્ઠીમાં સાચવીને બેઠા
નર્યા આપણા નસીબ કેરા ફાંટા

હજી વાવ્યું જ્યાં મૌનનુ બિયારણ
ઉગી નીકળ્યા’તાં ઘેઘૂર સન્નાટા

જરા ટશીયાનું નામઠામ પુછ્યું
તરત દઈ દે સૌ સરનામુ, "કાંટા"

બધાં શ્વાસોની સાંકળને ખેંચી
વળી બદલાવે જીવતરના પાટા

15.6.12

મુઠ્ઠીઓમાં ખોખલી રેખા હતી
આવ જા તકદીરની કોઈ ક્યાં થતી ?

કોયલે માળો કર્યો’તો ત્યારથી
કેરીઓ ડાળીએ વહેલી પાકતી..!!

મસ્ત્યની આંખોમાં એવું શું હશે
તીરની હર નોક એને તાકતી

મૃગજળો હૈયું જલાવે, ને પછી
હાંફણી, એને હવાઓ નાખતી

હુંફ જે નહોતી મળી, પામી શક્યો
રાખ પણ કેવી રખાવટ રાખતી..!!

14.6.12

વિરહીની ગીત....
શમણાના સોગન લઈ નીંદરડી માગી પણ થઈ વેરણ થઈ મારી સૌ રાત
ઝુરવાનુ આખો દિ’ હસતે મોઢે, કે મીણબત્તીશી મારી  હો જાત.....
સખી.મારે કરવાની કોને આ વાત

આંખ્યુના પાદરમાં પ્રિત્યુને વાવી, ને હેત્યુના પાયા’તા પાણ
ચોરે ને ચૌટે સૌ પૂછ્યા કરે કે અલી કેદિ’ આ લણવી મોલાત
સખી.મારે કરવાની કોને આ વાત

ફાગણ, વસંત, પછી કાયા પર ઝરમરતી વિરહુની વર્ષા ચોધાર
ટાઢકની હેલીઓ વરસે ચોપાસ, મારી સળગી ગઈ સઘળી નિંરાત
સખી.મારે કરવાની કોને આ વાત

ઉભી રઉં ઉંબરે ને, પરદેસી વાલમની જોતી રહું એક ટશે વાટ
તોય હજી આવ્યો નહીં પાંખાળે ઘોડે એ, ખુંદીને દરિયાઓ સાત
સખી.મારે કરવાની કોને આ વાત



11.6.12

કોડીયુ હો હેમ કે માટી તણું
એક સરખી જ્યોત નીકળવાપણુ

સોચ વચ્ચેની દિવાલે, છો કર્યું
એક દિ’ એ બંધ થાશે બારણું

ક્યાંય પુછાશો નહીં રણમાં તમે
થાવ તો બસ થાવ આંખોમાં કણું

શિલ્પ કાયમ વાહ વાહી પામશે
ના કદીયે આ બિચારૂં ટાંકણુ

લાગણીઓ કેટલી ધરબાય છે
છે કફનનુ નામ બીજુ ઓઢણું
હો અધૂરો, તે છતાં છલકાય છે
માણસો પણ જામ જેવા થાય છે

ટેરવામાં આવતી ઝાંખપ હવે
બ્રેઈલ સુધ્ધા ધૂંધળી વંચાય છે

એ જ છે વધસ્થંભ, જેના પર જુઓ
લાગણી મારી હવે લટકાય છે

મનસુબા, જે વહેંચવા નીકળ્યો હતો
શેરીઓમાં બે ટકે વેંચાય છે

આંગળીઓ ચક્રધારી જોઇએ
એમ ક્યાં પર્વત કદી ઉંચકાય છે

8.6.12

જીંદગી બસ પાન ત્રણનો મહેઝ આખો ખેલ છે
સાવ કુણું, છમ્મ લીલુ, ને પછી સુકવેલ છે

આ ઘસરકો બહારથી દેખાય છે એવો નથી
ભીતરે જો, તેં દીધી પીડાની રેલમછેલ છે

હું હવે પ્રતિબિંબના મહોરા ચડાવીને ફરીશ
એક પણ દર્પણ વિના, બિંબીત થવા આ પહેલ છે

દોસ્ત પડઘો એટલે, આ પર્વતે તારી તરફ
સાદ નહીં, પણ ખુદ તને બોલાવવાની ટહેલ છે

કેશ ધોળા, આ કરચલી, મોતીયા, વાંચી જજે
ઈશ્વરે તમને કર્યા છેલ્લા બધાં ઈ-મેઈલ છે

6.6.12

શબ્દનું ફાનસ લઈ નીકળી પડ્યાં
ને ગઝલ ગામે અચાનક જઈ ચડ્યાં

શીત લહેરો, હુંફની, તારી હતી
ખા-મ-ખાં આખા બદનમાં કડકડ્યાં

આયના પાછળ સતત શોધ્યા કરૂં
પણ અમે ખુદ આયનો થઈને જડ્યાં

એટલું અસ્તિત્વ રાખ્યું’તું અમે
નોંધ લેવાતી છતાંયે ના નડ્યાં

બંદગીમાં છે નશો, નહોતી ખબર
મસ્જીદે પણ મન ભરીને લડખડ્યાં

5.6.12

કોણ ઓગળતું રહે છે રાતમાં..?
હું, કે મારી મીણબત્તી, હાથમાં

જે હજુ ગર્ભિત હતો સંવાદમાં
કઈ રીતે ઉલ્લેખ કરવો વાતમાં..?

ભિંજવી દીધી છે એને એટલી
એ નહીં નીકળે હવે વરસાદમાં

હું સતત માણુ છું એકલતા અહીં
જ્યારથી સ્થાયી થયો વસવાટમાં

જીરવી લઉં ઘાત હું ગઝલો તણી
દાદ દ્યો થોડીક, પ્રત્યાઘાતમાં

4.6.12

અમે અમને જ ના પુછ્યું કદી
ચડાવી ના કદી ખુદને વદી

કદમ, બે અંતરે ચાલ્યા કરો
શિખાવ્યું તે જ તો, સપ્તોપદી

શબદ બૂ મારતા હર મૌનમાં
પ્રસરતી સાવ ચૂપકીથી બદી

રહું છું મસ્ત હું બે શુન્યમાં
નથી કોઈ એકડાની લત "સદી"

ગઝલ હું ટેરવે પાંચે લખું
અમારી જાત જાણે દ્રૌપદી..!!

પરત ના શ્વાસ છેલ્લો આવતો
મરણ ને જીંદગી છે સરહદી

1.6.12

ભારત ....બંધ...!!
હાથીડા પાછળ સૌ ભસતા’તાં શ્વાન અને કીડીએ પાળ્યુ’તું બંધ
ગાંધારી બિચ્ચારી સઘળું જોતી’તી અને બાકીના બેઠા થઈ અંધ

ચોરેને ચૌટે એક લુંટાતી સન્નારી, લોકશાહી જેનુ છે નામ
રઝળે છે લાશ અહીં કાયદાની ખુલ્લામાં, કોઈ નથી દેવાને સ્કંધ

ઉમટ્યા છે લોકોના ટોળે ટોળા, એ નથી ઉજવતાં નવલો પ્રસંગ
સાચુકલું ઘી, અને ઈંધણની, પૈસા દઈ લેવાને ઉભા છે ગંધ

ખાખી થઈ ઝાંખી, છે લુખ્ખાને બખ્ખા, ને સરકારી ઓઠા બેફામ
લીલી નોટુને લાલ સરબતીયા વચ્ચાળે પાંગરે છે સઘળા સંબંધ

ધોળી ટોપી કે પછી કેસરીયા સાફા હો, લીલા મૌલા કે બધા સંત
હોલિકા દાઝે નહીં, સળગે પ્રહલ્લાદ, એવા કારનામા કરતાં સૌ ખંધ

31.5.12

પરાકાષ્ઠાએ પહોંચીને, પછી શરૂઆત કરવી છે
સિકંદર થઈ, જગત જીતીને, તુજને મ્હાત કરવી છે

તમે બહુ બહુ તો ન્યોચ્છાવર કરો બે ચાર નિ:સાસા
અમારે શ્વાસ ને ઉચ્છવાસની બિછાત કરવી છે

ખબર નહીં, સ્વપ્નમાંથી તું પલાયન કઈ રીતે થાતી
હવે પાંપણ ઉપર પહેરેગીરી તૈનાત કરવી છે

બહુ શબ્દોની સંગ, એકાંતમાં કાનાફુસી થઈ ગઈ
હવે તો મૌન સાથે ભર સભામાં વાત કરવી છે

સતત જીવવું પડ્યું’તુ  મોત નામે ખોફની હેઠળ
ખુદાને રૂબરૂમાં આ બધી રજુઆત કરવી છે

30.5.12

ટેરવાનુ તાર પર રણઝણ થવું
વેદનાની આંખમાં આંજણ થવું

અણગમાની ડેલીએ સાંકળ ખુલી,
કોઈને સત્કારવા આંગણ થવું

સંશયોની આ સવાલી ભીડમાં
આપણે કાયમ સબળ કારણ થવું

સાવ હળવા રાખવા તમને ભલા,
ક્યાં સુધી પાંપણ ઉપર ભારણ થવું..??

જે થયું, જોગાનુજોગે, થઈ ગયું
આગમન તારૂં, ને મુજ મારણ થયું

28.5.12

સ્ત્ય થોડું ’અ’ થી અળગું રાખજે
"અ" પછી જ્યારે તું "લખ", અજમાવજે

શક્ય છે તારા ચરણ માને નહીં
તો પછી મંઝિલ, ને રસ્તા વાળજે

બદદુઆ, જે મસ્જિદે લાવી તને
બે દુઆ, એ સખ્શ માટે માંગજે

બહુ અમે પીધી મદિરા, ને તને
આજ સાકી કંઈ નવું પીવરાવજે

શ્વાસનું પ્રકરણ અહીં પુરૂં થયું
યાદનું પાનુ હવે સુલટાવજે

27.5.12

જીંદગી અને મોત......

મોતને થાવું’તું આગળ
જીંદગીને ક્યાં ઉતાવળ..?

અંત આઘો રાખવા, મેં
શ્વાસની ગુંથી’તી સાંકળ

મોત નામે ફુલ નહીંવત
એટલે જીવું હું બાવળ..!!

મોત પણ ઉગી નીકળતું
જીંદગી એવી રસાતળ

મોતના હસ્તાક્ષરોનો
જોઈ રોતા સહુએ, કાગળ

કાળના પાબંદ બન્ને
સહેજ ના આગળ કે પાછળ....

25.5.12

આવું કે હો એવું, એ તો એની મરજી 
કીડી કે પારેવું, એ તો એની મરજી 

આશાની સાંકળ ખખડાવી ઉભા રહેજો
 ખોલીને શું કહેવું, એ તો એની મરજી 

 બહુ બહુ તો પથ્થર થઇ ઝરણા વચ્ચે રહીએ 
ક્યાં ક્યાં થઈને વહેવું, એ તો એની મરજી 

સંબંધોની લારી લઈને નીકળી પડવું 
 કોને શું શું લેવું, એ તો એની મરજી 

દિલથી માગો, જે જે માંગો, કરગરવું શું ? 
દેવું કે ના દેવું, એ તો એની મરજી 

આપણ ક્યાં જનમ્યા'તા ત્યારે નક્કી હોતું 
એંશી, બ્યાંશી....નેવું, એ તો એની મરજી 

 આતમને અજવાળ્યા કરતાં રહેજો, બાકી
 ભીતર ક્યાં લગ રહેવું, એ તો એની મરજી
જીવતાં જીવતાં મરવું, સાલું ક્યાંથી ફાવે ?
છીછરે કાયમ તરવું, સાલું ક્યાંથી ફાવે ?

પીળા થઈને પાક્યા, ચાલો માની લઈએ
લીલે કૂંપળ ખરવું, સાલું ક્યાંથી ફાવે ?

હળવેથી હું ચિઠ્ઠી ક્યો’ તો સરકાવી દઉં
મોટેથી ગણગણવું, સાલું ક્યાંથી ફાવે ?

પીવું નહીં, ના પાવું એવા સોગન લઈને
અમથું પ્યાલી ભરવું, સાલું ક્યાંથી ફાવે ?

મુશળધારે, ધીંગી ધારે ખાબકનારો
મૃગજળને કરગરવું, સાલું ક્યાંથી ફાવે ?

પથ્થર દિલ પર મનસુબા કોતરવા જાતાં
પડઘો થઈને વળવું, સાલું ક્યાંથી ફાવે ?

ચોધારૂં રોયા’તાં હરદમ સદગત ટાણે
ખુદની ઉપર રડવું, સાલું ક્યાંથી ફાવે ?

24.5.12

વૃક્ષો, થઈ પડછાયો ચડતાં સામી ભીંતે
ઘર જેવું, ઘર સાથે રાખે, આવી રીતે

ગંજીફો અમથો તું ચીપે સંજોગોનો
ચોઘડીયે જે સર ઉતરે, એ હરદમ જીતે

પોથી, પંડિત, મૌલા, બાઈબલ, ગ્રંથ વૃથા સૌ
ઘેઘુર નીચે બેસી, સળગે ભ્રમણા ચિત્તે

ખાલીપાથી ભરચક્ક ઈચ્છાની છે પ્યાલી
મનખા તું તો દુખીયો કાયમ "ખાતે પીતે"

ખુલ જા સીમ સીમ બોલે શાયદ પથ્થર ખસશે
ધરતી નહીં ફાટે કંઈ બોલે ’સીતે સીતે’

22.5.12

दुश्मने जाने जिगरको जान लो
दोस्तोंकी भीडमें पहेचान लो

दर्दो ग़म, गर बांटना चाहो नहीं
एक चुटकी हमसे ही मुस्कान लो

आज पंगा आयनेसे जो लिया
हो गये हम सौ गुना बेजान, लो

कोई ना जाने ख़ुदा क्या चीझ है
कोई तो वो ढूंढनेकी ठान लो..!!

दिल जलोंका दिल कभी मिलता नहीं
खाक़ मेरी चाहे जीतनी छान लो

20.5.12

ભીડ માહેંથી નિકાલો, કોઈ તો આપો
શ્વાસનો મીઠો નિવાલો, કોઈ તો આપો

બારણા, બારી ને સાંકળ, ઉંબરાથી ઉફ
સાવ હું થાક્યો, દિવાલો કોઈ તો આપો

પૂર્વ ને પશ્ચિમ, દખણમાં ઉત્તરો ઝાઝા
છો દિશાશૂન્યો, સવાલો, કોઈ તો આપો

પથ્થરોમાં કેદ ઈશ્વર, છે અગમ અલ્લા
સહેજ અણછડતો હવાલો, કોઈ તો આપો

બહુ ગઝલ લખતો રહ્યો, બે વ્હેંત પાણીમાં
શેરિયત વાળા ખયાલો, કોઈ તો આપો

19.5.12

બે મજબુત (!!), ’વીક’ એન્ડ ગઝલ્સ

ભીતરે હું એકલો છું ભીડમાં
ઘાવ સંતાડું સતત હું પીડમાં

સાવ સુક્કા હો તણખલાં, તે છતાં
પાંગરે છે એક કૂંપળ નીડમાં

જીંદગીને પોરવી હું ના શક્યો
સોયના એ સુખ્ખ નામે છીંડમાં

ગટગટાવી મીર એ માર્યા કરે
સો ટકા ખામી હશે એસીડમાં..!!

"હા" તણો તારો હથોડો શું પડ્યો
ગાબડું તે દિ’ પડ્યું સોલ્લીડમાં

તું પ્રયત્નો આદરી દેજે મનખ
આખરે તારે સમાવું પિંડમાં....
************************

ભડભડું હું ભીતરે
ને બરફ ઉપર તરે

ઉંઘને ફફડાવતાં
સ્વપ્નના પીછાં ખરે

હોંશ પાયાને ઘણી
પહોચવાની કાંગરે

રવ, સદા પડઘો બની
જીવતો એકાંતરે

બંદગી એવી હજો
કે ખુદા પણ કરગરે..!!

17.5.12

શ્વાસ જ્યાં બેઠો હજી, આવ્યા તમે
શાંત સરવરમાં પ્રલય લાવ્યા તમે

કંટકોના શહેરમાં વસતાં અમે
નામ દઈને ’ફુલ’, મહેકાવ્યા તમે

દ્વંસ કાજે જે સુદર્શન જ્યાં ધર્યું
આંગળીએ એ જ, ઉચકાવ્યા તમે

મૈકદા છે દુર, પણ સાકી તણા
સહેજ અણસારે જ બહેકાવ્યા તમે

આ જ માટીમાં ઉગી, પીળા થયા
લ્યો, ફરી આ પાનને વાવ્યા તમે..!!!
હવે રઢિયાળી રાત મને વહાલી લાગે
પિયુ હળવેથી આજ મારો, વાલી માંગે...હવે રઢિયાળી

હોંશ હૈયે છલકાઉં....
ચાલ નર્તનની જાઉં....
નસે નસનસમાં ઘોડા ઓલાદી ભાગે...હવે રઢિયાળી

ઢોલ ધીમો વગાડ....
નેણ અડધા ઉઘાડ....
પછી છેડતીની શરણાયુ એવી વાગે...હવે રઢિયાળી

ક્યાંક રાધાની તાન.....
ક્યાંક ગોપીનુ ગાન....
મસ્ત મીંરા થઈ શોભું વૈરાગી ધાગે...હવે રઢિયાળી

વીજ દેખાડે વાટ....
લઈને અદકેરો ઘાટ....
અમે નીકળ્યા આકાશ હાથ ઝાલી ’આગે’...હવે રઢિયાળી

15.5.12

સત્યને થોડુંક આગળ રાખજો
સારથી માફક પછી અજમાવજો

સ્પર્શમાં કિત્તો ઝબોળી ને લખી,
આ ગઝલને ટેરવાથી વાંચજો

બંધ બારીની હવે આદત પડી
આપ હો, કે ના, અચૂકે વાસજો

સાવ ઝીણી રેતથી પણ પાતળી
આ સમયની ચાલથી સંભાળજો

શ્વાસ ચડવાની પળોજણ ક્યાં હવે.?
મોતને સરખી રીતે હંફાવજો..!!

14.5.12

તમન્નાની ડાળૅ હતાશાઓ લઈને
ખરે પાન ઈચ્છાનું સુક્કુ થઈને

ફકત ચાહવાનીજ ચાહત કરી, એ
કહે કોણ અફવાની આગળ જઈને

ઘડી દે મને એક મુરત ખુદાની
કહો વિશ્વકર્મા, સુતારા-સઈને

બધાં ફુલ નિસ્તેજ કાં છે ચમનમાં ?
કદાચિત એ હમણા જ અહીંથી ગઈ ને !!

હવે વિરમુ છું તને વારસામાં,
મળી ના શક્યો હું, એ અફસોસ દઈ ને

10.5.12

એક પળ પ્રતિબિંબને અળગા કરી જો દર્પણે
સાવ મૃગજળથી છલોછલ રણ મળે, બીજી ક્ષણે

રાત ની:રવ ને પ્રણયની, ઢોલીયે, મસ્તી તણી
સહેજ અમથી વારમાં ચાડી ફુંકી’તી કંકણે

પ્રેમની કબુલાત, કે ગઈ રાતની મીઠી ચૂભન
શી ખબર, ફુલો ઉપર જઈને ભ્રમર શું ગણગણે..??

શિલ્પ નિતરતું જનેતાનું નરી મમતા ભર્યું
ઘાવ પણ બહુ પ્રેમથી માર્યા હશે કોઈ ટાંકણે

લાગણીઓ, સ્વાર્થ, સગપણ, શ્વાસ છેલ્લો લઈ ગયો
આપણે પણ ક્યાં રહ્યા’તાં એ ઘડીથી આપણે..!! 

9.5.12

ફેંકવા પાસા નથી હર વાતમાં
છે મને વિશ્વાસ મારી જાતમાં

કાળના પહેરી કવન ઉભા બધાં
રાતરાણી ફક્ત મહેકે રાતમાં

છે રિયાસત પુષ્પની, સંભાળજો
કંટકો પણ હોય છે તે’નાતમાં

રિંદગી, કે હો ખુદાની બંદગી
બેયમાં રહેવું પડે ઓકાતમાં

ક્યાં જશું ?, કોની કને, મૃત્યુ પછી
શું પડો એવી બધી પંચાતમાં
બંધ બાજીના અમે પાના હતાં
ક્યાંક તો, ક્યારેક ખુલવાના હતાં

ક્યાંય પણ વિશ્વાસનો છાંયો નથી
વૃક્ષ ચારેકોર શંકાના હતાં

આંખ મીંચી માણવું શમણુ પડે
શી ખબર આ કાયદા ક્યાંના હતાં

પહોંચવું તારા સુધી દુષ્કર હતું
એટલે ઈશ્વર, આ મયખાના હતાં

જીવવાનો કોઈ પણ મકસદ નથી
ના હવે બાકી કોઈ બહાના હતાં

8.5.12

ઈચ્છીત કદિ’ મળે ન મળે, યત્ન કર
વાવ્યું ઉગી, ફળે ન ફળે, યત્ન કર

લઈ લે મશાલ મેઘલીએ રાસમાં
બાહુ પછી બળે ન બળે, યત્ન કર

આલિંગનો હવે કદાચ બિંબ દે
દર્પણ તને છળે ન છળે, યત્ન કર

પર્વત ઉપર ભરોસો કરી, સાદ કર
પડઘો બની વળે ન વળે, યત્ન કર

અંગત બધાના હોય રખે એ, બને
તારા ખભે ઢળે ન ઢળે, યત્ન કર

7.5.12

એક બે વાદળ નિચોવી
મ્હેકની બસ રાહ જોવી
આપણી અંગત વ્યથાઓ
બંધ બે આંખે જ રોવી
જે હજી નહોતી કરી, એ
વાતને ઠાલી વગોવી
શોધવા જો તું નીકળ, તો
જાત છે મંજુર, ખોવી
મોતના મણકાએ પુગ્યો
જીંદગી આખી પરોવી

5.5.12

સત્ય સાંગોપાંગ સિંચાયુ હશે એ મુળમાં
લીમડો નહીંતર ન કડવો હોય આવો કુળમાં

લાગણી નામે રસાયણ છે જરૂરી પ્રેમમાં
એમ ક્યાં ખરડાય પડછાયો કદીયે ધૂળમાં

ગોફણે સંજોગની, ક્યાં ક્યાં મને ફેંકી દીધો
ને અમે માન્યુ, સમય બસ કેદ છે વર્તુળમાં

નીરમાં દર્પણ સમુ મળતું નથી પ્રતિબિંબ, પણ
એ મજા પલળી જવાની ક્યાં મળે છે સ્થુળમાં

દર્દ આવ્યું, ને દવા, ને હાથ હુંફાળો પછી
ફાયદો ક્યારેક અણધાર્યો મળે છે શુળમાં
બંધ ના હો કોઈ પણ એ લાગણી,...સંબંધ છે
જે સગાઈ પાંપણે અશ્રુ તણી,....સંબંધ છે

પ્રેમમાં કંઈ કણ અને મણ કોઈ દિ’ હોતું નથી
ટેરવે મેરૂ, ને પગમાં વ્રજકણી,....સંબંધ છે

આયનો જાણે કે મારો જોડિયો બંધુ હતો
જાત સાથે જાતની સરખામણી,....સંબંધ છે

આપની નફરત રગે રગમાં અમારી દોડતી
હોય ગમ્મે તેટલી અળખામણી,....સંબંધ છે

મોત, યાને આપણી આ કાચ જેવી જીંદગી
માપસરની કાપવા હીરાકણી,....સંબંધ છે

4.5.12

યાદ એની હર અદા રહેશે તને
ને જમાનો બાવરો કહેશે તને

આયના સામે ઉભો, પહેરી અહમ
મેં કદી જોયો ન આ વેષે તને

શૂન્યમાંથી સહેજ પણ સર્જન કરો
તો ગણતરીમાં પછી લેશે તને

એકલા મણકા ભજે ના ચાલશે
સુત્રના ધાગે ખુદા મળશે તને

શ્વાસના પગલે કદી ના ચાલજે
એક દિ’ બેશક દગો દેશે તને

3.5.12

અમે સદાયે રણના માણસ
અલપ ઝલપ, પાંપણના માણસ

પ્રથમ વલોવી નાખી પંડે
પછી થયા માખણના માણસ

સહજ સરી જાતાં, પણ કપરી
વખત પડે તો, ક્ષણનાં માણસ

તમે મળો તો રેશમ રેશમ
ભલે ગણો છો ઘણના માણસ

થવું સવાલી, તારી મરજી
સદા રહ્યાં કારણના માણસ

રખે મને શમણામાં શોધો
નયન મૃગી, આંજણના માણસ

વણી લીધો ખુદને દોહામાં
કબીરનાં કાંતણનાં માણસ

જીવી ચુક્યા સદીઓ, પણ આખર
ભળી જતાં થઈ કણનાં માણસ

2.5.12

૬ મે.."વિશ્વ હાસ્ય દિન" નિમિત્તે
સૌના વિલાઈ ગયેલા અને ભુલાઈ
ગયેલા હાસ્યને નામ.....


હોઠના ખુણા જરા ઉંચા કરો
તો જ રહેશે હાસ્ય કેરો મ્હાવરો

આજના દિવસે હસીલે, કાલથી
તું હતો, ને છે જ, કાયમ બહાવરો

ખિલખિલાહટ બાળ મૃત્યુ પામતાં
થઈ ગયા બચપણ તણા ભાષાંતરો

દર્દ, ગમ, ઉચાટ સૌ નિ:શુલ્ક છે
સ્મિતનો બેશક અહીં વેરો ભરો

ડાયરે છુપી રીતે હસનારને
દંડ ફટકાર્યો રૂદનનો આકરો

કામ, ક્રોધી શેર સૌ ઉંચકાય છે
ભાવ ગગડી ગ્યો "હંસી"નો પાધરો

લાશ એની કાં મરકતી’તી હજી..?
કઈ રીતે જીવ્યો, તપાસો આદરો..

આ ગઝલ વાંચી, રખે હરખાય તું
આપણા બન્નેનો થઈ જાશે મરો...હો.હો...હો......
હો...
જાત અમારી આવળ બાવળ
ફુલ ઉપર તું ઝાકળ ઝાકળ

જીવ તને ચૂમી લેતો’તો
સહેજ ખુલે તારી જ્યાં સાંકળ

પુર બધે મૃગજળના આવે
ધોમ વરસતાં વાંઢા વાદળ

સાવ કર્યો ડૂચો મુઠ્ઠીમાં
કાશ અમે હોતે એ કાગળ

મોત લખ્યુ’તું જીવન પહેલા
થાવ અમસ્તાં આકળ વ્યાકળ

29.4.12

ઍક નિઃસાસો વાવ્યો રણમાં
આજ ઉગ્યો ભીની પાંપણમાં

ડાળ લચી ગઈ ધાર્યા કરતાં
કો'ક હશે મારા આંગણમાં

મ્હેક હજુ તારી આવે છે
વ્હાલ ભરી, સુક્કા તોરણમાં

ઍમ કદી પડઘાય નહીં એ
સાદ કરો, અમથો ગણગણમાં

ચોટ શબદની ધારી કરવા
નાખ ગઝલ નામે ગોફણમાં

યાર ,નમાજીને ઘડપણમાં

યાદ ખુદા આવે ગોઠણમાં

25.4.12

સબંધોની છત હો, ને માઈનસ દિવાલો
ચણો કંઈક એવું જ રહેણાંક ચાલો

કમાડો, કડી, બારસાખો ને સાંકળ
વિરહનો તમે ખુબ ખડક્યો રસાલો

ઉગાડો બધી ડાળ, જલસાની કૂંપળ
ખરે પાનખર થઈ બધી આ બબાલો

અમે તો સતત ગાન કરતા પ્રણયનું
આ ઘડપણનો ઠેકો જરા છે બતાલો

ધરા, આભ, અગ્નિ, સરિતા તમારૂં
અરે..દઈ દીધો શ્વાસનોયે હવાલો

23.4.12

ટેરવેથી રંગ શબ્દોના ભરૂં
ને ગઝલની સાચવી લઉં આબરૂ

મૃગજળો પણ ઓગળી દુર્લભ થયા
આજનુ રણનુ વલણ છે આકરૂં

કલ્પનાએ એક કૂંપળની, હજી
ક્યાંક જીવી જાય સુક્કુ ઝાંખરૂં

સાવ સીધો સાંપડી જાશે હરિ
હાથ મીંરાનું ચડે જો ઝાંઝરૂં

એ જ તો શ્રધ્ધાંજલિ મોટી હશે
આંખ ભીની થાય, જ્યારે સાંભરૂં

19.4.12

ખુલ્લી બજારે નીર ભરી હેલ થઈ જશું
ઉભી કરો જો વાડ, અમે વેલ થઈ જશું

પત્તાની જોડમાં જ મને સાચવો સદા
બાજી તરીકે રાખશો, તો ખેલ થઈ જશું

પાયેથી લઈને કાંગરે ન મુકશો મને
ભાંગી ને ભુક્કો, આશ તણો મહેલ થઈ જશું

અવતાર આઠમો જો તને અવતરે, પછી
ઉઘડી જતી સ્વયંભૂ બધી જેલ થઈ જશું

અવ્યા નહીં તમે જો સમયસર ખરા સમે
મરવાની, ખુલ્લી પાપણોએ, પહેલ થઈ જશે

17.4.12

પડી કાંકરી એક સરવરમાં મારા
ઉઠ્યા જે વલય ચોતરફ, છે તમારા

ચરણ લુછતી જ્યા સમંદરની છોળો
અમે પાથરી ત્યાં દીધાતાં કિનારા

ગઝલ સાંભળીને તમે ચણભણ્યા’તા
અમે એમ સમજ્યા, દુબારા દુબારા..!!

બધા પુછતાં મૈકદે નામ મારૂં
અમે ક્યાં હતાં રાત ને દિ’ પીનારા ??

સતત ઝીંદગીની સફર ખેડતા મેં
હરેક અડચણોને ગણી’તી ઉતારા..

15.4.12

હરિ ને મારે, ઘર જેવું
બળ્યા કરે, એ કર જેવું

જીવુ તમારા કંકરથી
સદા ફુટી, ગાગર જેવું

ચરણ પખાળીને નટવર
દિસો સખા ચાકર જેવું

ભરી સભામાં લજ્જાના
અખય સમા પાતર જેવું

જરા ઉપાડી પર્વતને
શિરે ધરો છાપર જેવું

તમે ત્રિભુવનના દાતા
અમે તણખ પામર જેવું

14.4.12

જીંદગી ને મોતના પૂંઠા વચાળે
સાવ કોરૂં જીવવું મારે જ ફાળે

બે કરચલી, એક દીધી છે જમાને
ને વિધિતાએ લખી બીજી કપાળે

પ્રેમમાં થઈ જાય પારંગત બધાયે
કોઈ જો કે ના શીખ્યું આવું નિશાળે

પુષ્પ ને પર્ણો સમય કેરા ખરે, પણ
કંટકો સંજોગના તો છે જ ડાળે

મોત યાને કે પ્રભુ બે દાવ વચ્ચે
આપવા ભવ આવતો, સિક્કો ઉછાળે

12.4.12

તરસને છેડે તમારૂં ઘર છે
પરતના રસ્તાઓ તરબતર છે

રવિ વિરહનો હજુ તપ્યો ના
મધુરી ઝાકળ ભર્યા અધર છે

તમે નિભાવી’તી બેવફાઈ
વફા અમારીયે ધરકધર છે

નજરથી પી ને રહો છો મયકશ
અદા છે એવી, કે કરકસર છે..!!

ન શબ્દ ટહુકા, ન કોઈ કલરવ
અહિં કબરમાં વસ્યું નગર છે..

11.4.12

દર્પણમાં ટગરાતાં રહેવું રહેવા દેજો
ખુદને ખુદથી છળવા દેવુ રહેવા દેજો

નખરાં, છણકા, ઝખ્મો, ગુસ્સો, જુઠ્ઠા સોગન
ગમતાનુ સઘળુંયે સહેવું રહેવા દેજો

પડઘાતી છાતી રાખીને ખુલ્લું બોલો
કાના ફુસી કરતાં કહેવું રહેવા દેજો

ચંચળતા ઝરણાની માફક રાખો, કિંતુ
અથડાતાં કુટાતાં વહેવું રહેવા દેજો

શ્વાસોના લીધાં દીધાંના સોદા કરતાં
એમા પણ વળતરનું લેવું રહેવા દેજો
હલ્લેસું એક તારી ’હા’ નું
ભવસાગર તરવાનુ બહાનુ

વિશ્વાસે વાવેલા વૃક્ષે
પંખી એક બેઠું શંકાનુ

અરધી રાતે શમણું સળગ્યું
સોનેરી મારી લંકાનું

મયખાને જઈને મૌલાઓ
સરનામુ પુછે અલ્લાનુ

અવતરવાનુ રોતા રોતા
અવગત થાવું છપનું છાનુ

10.4.12

અટકળની નગરીમાં હાલો
ના કરવાનુ કરવા ચાલો

અંધારે અવસર ઉજવવા
પડછાયાનો છેડો ઝાલો

પર્વત દ્વારા તરછોડાયો
પડઘો અમને ભારે વ્હાલો

મુઠ્ઠી મૃગજળ રણમાં નાખી
હરણાની હેરતને મ્હાલો

ગીરવે મુકી દીધાં સૌએ
મંજીરા, વિણા, કરતાલો
શબ્દનું એક બીજ મેં વાવ્યું હતું કાગળ ઉપર
એ ગઝલનું વન થશે, નહોતી ખબર, આગળ ઉપર

ઓ પડ્યો..હમણા પડે....એવું રચીને ના પડે
શું ભરોસો રાખવો એ તરકટી વાદળ ઉપર

તું સમયના સુર્યને વળગી રહે તો શું કરૂં ?
મેં લખ્યા’તા પ્રેમપત્રો મખમલી ઝાકળ ઉપર

એ હવે માહિર છે પગની દબાતી ચાલના
કાન સરવા રાખજે બસ દ્વારની સાંકળ ઉપર

પ્રેમમાં ડૂબી ગયાના પાળિયા ઉપર લખો
મીણબત્તી ઓગળી, સળગી સતત, આ સ્થળ ઉપર

7.4.12

"મતલાથી મક્તા સુધીની ક્ષણને પરખો
શબ્દોમાંથી નીતરતી સમજણને પરખો

ગોધૂલીમાં વાંસલડી પાછળ ઘેલી થઈ
રાધાને પગ ચોંટેલી રજકણને પરખો

નિ:સ્સાસા પહેરી શું ઉભા દરપણ સામે
ફાટેલા, પણ અંદરના બચપણને પરખો

પર્વત બોદો છે કે મારી નિયત નબળી
પડઘા ના પડઘાવાના કારણને પરખો

પ્રગટીને આથમતી જ્વાળાને વિસરીને
હૈયામા સચવાયેલા આ જણને પરખો"

5.4.12

એ ખુદા તારી ખતા છું
એટલે તો રિક્તતા છું

સાવ ભાંગીને ભુકેલી
હું બિચારી શિષ્ટતા છું

દુશ્મનીમાં પણ ખિલેલી
જળ કમળવત મિત્રતા છું

લાગણી બરછટ ભલે હો
પ્રેમ કેરી સ્નિગ્ધતા છું

દિવ્ય ચક્ષુ છે અમારા
ક્યાંક ગાંધારી, છતાં છું

4.4.12

અમે જો આંગળી થઈએ, તમે પર્વત થજો
જશું લઈ કાશીએ ગરદન, પછી કરવત થજો

કરો જો પ્રેમ, તો ભરચક્ક છલોછલતો કરો
મદિરા ના, વધેલી જામમાં નહીંવત, થજો

ભરી મહેફિલ મહીં વરતો તમે, છો પારકું
મળો જો સામસામે તો જરા અંગત થજો

ખૂટે આ શ્વાસ આખર, નામ પણ વિસરાય છે
ગઝલ બેચાર મુકી જઈ, પછી શાશ્વત થજો

ઉપાડી, કાફલો આખો જશે અમને, સનમ
તમે પણ, સમ અમારાં, હમસફર અલબત થજો

3.4.12

ज़मानागौरसेसुनतारहाथागुफ्तेगु
सुनाहैआपकीभीथीयहीतोआरझु

थमादीजिंदगीसारीहमेउनकेलिये
हमेतोचाहीएथेखुदाबसचारसू

खुदाकेनामपेक़तराभीमयकानामिला
चलेहमआजमयखानेसेहोबेआबरू

फरकक्याआपमेंऔरआयनेमेंहैभला
कहादिदारकोआनापडेगारूबरू

दरोदिवारकोमद्देनज़ररखनाजरा
यहांतस्वीरतेरीभीलगेगीहुबहु

गौरसे=ध्यानसेचारसू= चारदिन, क़्तरा=बूंद,
दिदारको=मिलनेकोमद्देनज़र=ध्यानमेंरखना

31.3.12

શબ્દને બોળી જુઓ
જામમાં ઘોળી જુઓ

મૌનને ખોલી જરા
હોઠ પર તોળી જુઓ

નામ અફવાનું દઈ
વાત ફંગોળી જુઓ

શાંત પાણી પ્રેમના
સંશયે ડહોળી જુઓ

જાગતાં સુનારને
સહેજ ઢંઢોળી જુઓ

29.3.12

છલનાનું સરનામુ પુછો દર્પણને
મૃગજળનું પુછી લીધું છે કણકણને

ચહેરાની કરચલ્લી ઉપર ના જાશો
મ્હોરૂં મેં પહેરાવ્યું છે એક બચપણને

ગીતા પર મુકતા પહેલા એ હાથોની
સમજાવી દીધી લાગે છે, સમજણને

ઉગતો છું, ગઝલો વાંચીને મહેફિલમાં
દાદોના હાકોટા માનુ, ચણભણને

ઘટનાની માળા ફેરવતો હાથોમાં
જીવતો હું તારી ને મારી ક્ષણક્ષણને

શ્વાસોના તાણા વાણાને તોડીને
છોડાવો આ જીવતર જેવા વળગણને

28.3.12

હજી સહેજ પરબિડીયુ ખોલતો જ્યાં
ખબર નહીં આ મન ઉડતું આભમાં ક્યાં

ઘરે ટોડલા પર હશે ધૂળના થર
રજે રજમાં બચપણ ગુજાર્યું મળે ત્યાં

હશે મેં જ ખેંચેલી લક્ષ્મણની રેખા
કદાચિત તમોને એ રેખાએ રોક્યા

તમે સ્વપ્નનું રૂપ લઈને વિહરતા
અમે આંખ ખુલ્લીએ હર રાત ઝંખ્યા

26.3.12

વૃક્ષોની પીડાઓ લઈને પાન ખરે છે
કૂંપળ ઉપર મોટેરો અહેસાન કરે છે

ફુલોને તો આપવિતી કહેવી’તી, કિંતુ
ઉપરછલ્લો પતંગિયાઓ કાન ધરે છે

મૈકશ મળતા એવું ભાસે જાણે, સાકી
બેઈમાનોની પ્યાલીમાં ઈમાન ભરે છે

ખુલ્લી રાખો સાંકળ, ક્યારે નીકળી જાશે
જીવતર નામે સૌ સૌને મહેમાન, ઘરે છે

પથ્થર થા, કે પથ્થર વચ્ચે હોવા જેવું
ઈશ્વર અલ્લા નામે ક્યાં ઈન્સાન ડરે છે..?

25.3.12

તરસની હતી ચોતરફ બોલબાલા
ન સાકી, મદિરા ન છલકાતાં પ્યાલા

ચરણ તો સતત પંથ કાપ્યા કરે છે
તમે વેડફો છો દિવસ રાત ઠાલાં

તમારા જ પડઘા પડે છે નિરંતર
ચલાવો છતાં મૌનની પાઠશાલા..!!

કરૂં કેમ સાબિત તમોને હું કાતિલ
નજરથી ચલાવો તમે તીર ભાલા

નશો દુશ્મનીનો ચડ્યો દોસ્ત તારી
ખબરદાર, ઉચ્ચારતાં શબ્દ "વ્હાલા"

24.3.12

ક્ષણ ક્ષણના સરવાળા કરતા શેષ વધે, એ ઘટના
ઘટનાઓ જે જીવતરમાંથી બાદ થતી, એ સપના

તૃષ્ણા નામે સરવર છલકે મૃગજળથી, એ ભ્રમણા
દર્પણમાથી આખે આખી બહાર ઝરે તે છલના

મયખાને વ્યવહારો ચાલે સુખદુ:ખના મૈકશના
મસ્જિદમાં સૌ ખુદને કાજે આવે શું એ ખપના।?

શ્વાસોની પગથારે ચાલો વાટ હવે ગઈ ખુટી
અજવાળી પાંખોએ ફરશું ફેરાઓ ભવભવનાં

અમથો વાલમ આંટો દેજો, વ્હાલપની નગરીમાં
રસ્તા મહેકે લાગણીઓના ગુલમહોરે રગરગના
ડો. નાણાવટી

22.3.12

ઢળે સુરજ, ને પડછાયો મારો લંબાતો
અડી ક્ષિતીજને, માઝમ રાતો થઈ પડઘાતો

હજી તમારા હાથોને સ્પર્શું છું ત્યાં તો
વગર પૂનમનો હૂંફાળો દરિયો ઘુઘવાતો

અમે તમારા પાને પાના વાંચી જાતાં
તમે અમારા કાગળને જોતા અછડાતો

ભલે નુપૂર ના પહેરો અરધી રાતે તો પણ
મને દબાતાં પગલે પણ પગરવ સંભળાતો

વિતે, હ્રદયમાં વસવા સહુના, જીવતર આખું
જરાક અમથી કાંડીએ માનવ વિસરાતો

ડો. નાણાવટી ૨૨-૩-૧૨

20.3.12

આપણાં સંબંધના સોગન, હવે
"ગાંઠમાં બંધાઈ જાવું પાલવે"

પાંખડી પણ સાવ પાખંડી હતી
બે ઘડી પણ ઓસનું ન સાચવે

બે’ક પ્યાલી ઠાલવી મૈકશ બધાં
પોતપોતાની વ્યથાઓ ઠાલવે

આખરે, ઈર્શાદ પરણાવે, રદિફ
કાફિયા સાથે, ગઝલને માંડવે

લાશને સળગાવવામાં સૌ સગા
સહેજ પણ સૌજન્યતા ન દાખવે

ડો. નાણાવટી ૨૦-૩-૧૨

13.3.12

WORLD SPARROW DAY

દાળ ચોખાના દાણા પુછે, ચકલી ક્યાં છે ?
ઘરનાં ખૂણે ખૂણા પુછે, ચકલી ક્યાં છે ?

સિમેંટની સંસ્કૃતિ નીચે કચડાયેલા
સુક્કા તરણે તરણા પુછે, ચકલી ક્યાં છે ?

પીઢીયા, પંખા, ફોટાના પછવાડાં, કાંધી
તુટેલા સાવરણા પુછે, ચકલી ક્યાં છે ?

સાંજ સમેનો ચીં ચીં નો કલરવ સંભારી
વૃક્ષો થઈ નીમાણા પુછે, ચકલી ક્યાં છે ?

શીલા, મુન્ની, છમ્મક છલ્લે ગુંગળાયેલા
બચપણના સૌ ગાણા પુછે, ચકલી ક્યાં છે ?

ભામાશાએ ઠલવી દીધું આભ, છતાંયે
રાણા જેવા રાણા પુછે, ચકલી ક્યાં છે ?
ડો. નાણાવટી..૧૩-૨-૧૨

6.3.12

૭૦૦મી રચના..૭૦૦મી રચના

મિત્રો..તમારા બધાની શુભેચ્છા
અને સાથ લઈને આજે આ હોળીના
શુભ અવસર પર આજે મારા
સ્વરચિત રચનાઓના બ્લોગ પર
૭૦૦ મી હા..૭૦૦ મી રચના મુકી રહ્યો
છું.....આભાર....

ઓણુકી હોળી......

અમે નીંદરડી ગામે ગિયાતાં
તીંયા શમણાના રંગે રંગાતા

નથી પિચકારી, ડોલ કે ઘડુલા
નરી લાગણીથી લથ બથ ભિંજાતા

જરી મુઠ્ઠી ગુલાલ અંગ છાંટ્યો
ત્યાં તો પાલવની પ્રિતે બંધાતા

તમે રમઝટની હોળી પ્રગટાવી
અમે સળગેલા હાથે ઉભાતાં

બધા મસ્તીને માંચડે ચડીને
પછી કોલોવરી કોલોવરી ગાતાં

ભરી કેસરીયા કેસુડાં પ્યાલે
નર્યા ફાગણ ને ચૈતર પીધાતાં
તમે ઝુલતાં સુર્ય કિરણોની શાખે
અમે સાવ ઝાકળ સમા ફુલ પાંખે

હતું સિર્ફ પલડું અમારા તરફનું
છતા તીર વિંધી પ્રણય મત્સ્ય નાખે

કચડવાની બદલે તું મુઠ્ઠીમાં સઘળા
નિરર્થક હથેળીએ સંજોગ ભાખે

ગમે ત્યારે શમણામાં આવી શકો છો
સુવું એટલે સહેજ અધખુલ્લી આંખે

જવું ક્યાં કદી આપણે ચાલતા ત્યાં
ભલેને કબર આપણી દૂર રાખે

1.3.12

અમે શબ્દ નગરીના સૌથી તવંગર
ધૂરંધર અમોને કહે છે પયંબર

કળી જાવ ઉંડાણ અશ્રુ તણું જો
પછી છીછરો સાવ લાગે સમંદર

લઈ વૃક્ષ દિક્ષા ઉભું પાનખરની
ઉઘાડું, સુકાયેલ જાણે દિગંબર

હજુયે નશો આંખમાં છે વિજયનો
ગઈ રાત વાંચ્યો હતો મેં સિકંદર

હતી એક સાકી, ને મૈકષ છે અઢળક
ભરાશે હવે મૈકદે પણ સ્વયંવર

અલખને ઉતારે મુકો શ્વાસ બે પળ
સફર ચાલતી આમ રહેશે નિરંતર
ડો.નણાવટી.....૨-૩-૧૨
હરણને જરા અમથું પાણી પીવાડો
હવે ક્યાં સુધી ઝાંઝવાએ જીવાડો

પ્રતિબિંબ તારા ને મારાની વચ્ચે
દુભાયેલ છે લાગણીની તિરાડો

પ્રવેશી શક્યો ના સદન મૌન કેરૂં
શબદના નથી બારણા કે કિવાડો

વણાતી નથી ચાદરો સિર્ફ તાણે
હશે કોઈ વાણો તમારોયે આડો

ફુટે માટલી સાવ પાકીને સૌની
અજબનો છે આ જીંદગીનો નિંભાડો
ડો. નાણાવટી ૧-૩-૧૨

29.2.12


हरेक सांस लेकर महेकता है तुं
मगर मोतकी और बढता है तुं

कभी उम्र शिशेमें छुपती नहीं
क्युं अक़सर उसे गौर करता है तुं

यहां हो के भी तुं यहां पर नहीं
छलकता हुआ जाम भरता है तुं

पता पुछने, बनके युं अजनबी
उसीकी गलीसे गुझरता है तुं

वफा नाम मरहमकी उम्मीद में
जख़म बेवफाओका सहेता है तुं

न आता नजर तुं कहीं भी खुदा
सुना आदमीसे ही डरता है तुं

23.2.12

વાંસળીનો નાતો દઈ હોઠે અડાડો પછી રોમ રોમ મહેકો થઈ શ્વાસ
આડબીડ જંગલમાં ખુણે ઉગેલ સાવ જાત મારી લીલુડો વાંસ
શ્યામ તમે ભાળ્યુ શું મારામાં ખાસ..?

પીંછાના ઝુંડ મહી મોરલામાં ગુંથાયો, નર્તનની ઝાઝી ઝંઝાળ
સપને પણ આવે નહીં ખ્યાલ એવા મોર મુકુટ ઉપર તેં દઈ દીધો વાસ
શ્યામ તમે ભાળ્યુ શું મારામાં ખાસ..?

નાનકડી પોટલીમાં વાસી રે ધાન સમો, લટકાતો ભેરૂની કેડ
મુઠ્ઠીભર આરોગી હૈયાના હેત, તમે અંધારે કીધો અજવાસ
શ્યામ તમે ભાળ્યુ શું મારામાં ખાસ..?

22.2.12

કસમ તારી હવે ખાવી નથી
ખુદા, કારી કોઈ ફાવી નથી

અમે પડઘે બિડી ચીઠ્ઠી છતાં
પરત તુર્તજ કદી આવી નથી

છુપાયું દર્દ મીઠું હો છતાં
વ્યથાઓ આપણી ગાવી નથી

મદિરા નામથી મૈકષ થયો
તને પ્યાલી હવે પાવી નથી

ઉગી તો ગઈ સમય આવે કબર
કહો છો કે અમે વાવી નથી..!!

ગહન છે કોયડો મૃત્યુ, હજી
મનખ પાસે કોઈ ચાવી નથી
ડો.નણાવટી
માં યશોદા, નંદજીને ખોરડે
આજ બંધાયા હરિહર દોરડે

કાશ શામળીયો જશે, એ વાતડી
કાળજે વિંઝાય સહુને કોરડે

અશ્રુઓ રાધાની આંખે ઝળહળે
એજ બસ દિવા સરીખું ઓરડે

છન્ન પાયલ, છમ્મ મીંરા પ્રેમ છે
ઝેરના ફળફળ ઉકળતે તોરડે

આપણું આ આયખું શિરમોર છે
એક પીંછુ હાથ આવી જો ચડે
ડો.નાણાવટી

21.2.12

‎'''' ONLY FOR ADULT PLEASE...''''

કરચલ્લીની રાણી, ઓરા આવો
મણીયુ વાળી આંખે આંખ મિલાવો ...
લાકડીઓના ટેકે ઉભા રહીયે
ખભ્ભેથી ઓ વાલા હાથ હટાવો
બત્રીસી ડાબલીઓમાં મેલીને
બોખા મોંયે ચુંબનને ચગળાવો
ચોલી કે હે પીછે ક્યા, એ ગાતાં
અમથો અમથો પાલવ કાં સરકાવો ?
કામણગારા ફરફરતાં એ કેશે
રૂપેરી ચાદરનો લઈએ લ્હાવો
એકલતાના આભૂષણ વેંચીને
એકલતા જપવાને માળા લાવો
છાના છાના છાનગપતિયા કરવા
થોડા શમણાં ઉજાગરામાં વાવો
આલિંગનની ઈચ્છાઓ સળગાવી
જુની યાદોના ખુણા મહેકાવો
ડોઝ દવા ટીકડી ફાકીનો, વાલી
આજ સુધી અમને મુકી, ન ખાવો ?
નવરા બેઠા મારી છે કે તારી
જીવતર રેખા ટુંકી, શર્ત લગાવો
એક બીજાના શ્વાસ મળે બીજાને
એવી સગવડનો વીમો ઉતરાવો
ચાલો વાલમ શ્વાસે શ્વાસ પરોવી
ખુલ જા સીમ સીમ, સાગમટે દહોરાવો.......

20.2.12

આજ આ ચહેરો નથી મારો ખુદા
હું જ છું, પણ મનસુબાઓ છે જુદા
સાંજના શઢ સુર્યનાં સંકોરતા
આગિયા બનતા પછી ખુદ-ના-ખુદા
ખુબ મારી જાતને શોધ્યા પછી
બારણે તકતી લગાવું, "ગુમશુદા"
ધૂળ જેવી વાત વંટોળે ચડી
આજ અફવાઓ બની ગઈ અર્બુદા
જીંદગીમાં શ્વાસ સૌ ફૂંકી રહ્યા
શી ખબર ક્યારે ફુટે એ બુદબુદા

18.2.12

સાવ સુક્કા બાવળે, કૂંપળ સમી કુમાશને
જોઈ એવુ લાગતું, ફાંસી દીધી લીલાશને

હાથ ખભ્ભે, તાળીએ, શિર પર ને હાથોમાં મળ્યો
પણ અમે ઝંખ્યા કર્યો તારા જ બાહુપાશને

કાળજુ કઠ્ઠણ તમારું હોય તો ક્યાંથી મળે
મેં જ સરનામુ લખી કાગળ બિડ્યો નરમાશને

ક્યાં થી ક્યાં પહોંચી ગયો આજે જમાનો, તે છતાં
એક પણ પત્તું નથી મળતું વધારે તાશને

શું અનુભવ શ્વાસ છેલાનો હતો, કોઈ ના કહે
પુછવું આખર રહ્યું એના વિષે કોઈ લાશને
ડો. નણાવટી

15.2.12

કરીને પાનખરનું ખૂન ચારેકોર, આવ્યો છે
છરી લઇ રક્તરંજિત હાથમાં, ગુલમ્હોર આવ્યો છે

હરણની હાંફનો વાસી પવન, આઘે છળન્તું જળ
છતાંયે સાવ સુક્કે રણ ઉગી, આ થોર આવ્યો છે

બળે કોઈ હાથ, પણ આ તો બદન આખું સળગતું છે
કરીને આગિયો જાણે તપસ્યા ઘોર આવ્યો છે

ખબર છે પાંપણો આંખોની પહેરેદાર છે, માટે
કણું થઇ અશરુઓ તફડાવવાને ચોર આવ્યો છે

જીવન ઝંઝાળ નાખી બહુ પ્રયત્નો આદર્યા, આખર
મુખોટુ મોતનું પહેરીને આદમખોર આવ્યો છે
ડો. નાણાવટી ૧૫-૨-૧૨

14.2.12

पेशानीयों पे सलवटे
पुछो ना कैसे पल कटे

सांसोका कारवां चला
वो सुन सके न आहटे

ना ये पता चला कि कब
मासूमियतसे वो हटे

नींदे चुराई आपने
हमने निभाई करवटें

अश्कोंमें हो गई सुलह
दोनो ही आंखमें बटे
डो. नानावटी

13.2.12

आदतन तेरी खिडकीको देखा सही
फिर मुज याद आया कि तुं ही नहीं

एक दामनकी खुश्बु हवाओं में थी
सांसमें आनी जानी उसीकी रही

रातको सारे जुगनु निकल थे पडे
ना नझर चांद तारे भी आये कहीं

मस्जिदे हो गई आज सुमसाम सी
ए खुदा, तुं भी शायद गया है वहीं
Nanavati
હજી શબ્દ તો છે જ હાથોમાં થોડા
ગઝલ ગૂંથવામાં પડ્યા સહેજ મોડા

નજાકત કલમની બીડી છે લિફાફે
શિલાલેખ ક્યાં છે કે મારું હથોડા

મહેક તારા શ્વાસોની નહોતી છતાં પણ
લીધા શ્વાસ જાણે હો અનશન નાકોડા

કરચલી નથી, છે તમારા બધાની
નારી લાગણીના સૂકાયેલ પોડાં

જીવ્યો ઝીલ્લતે જિંદગી મરતાં મરતાં
માર્યો તોયે કહેતા કે, થા વો નિગોડા
ડો નાણાવટી ૧૩-૨-૧૨



11.2.12

Jagdip Nanavati
ખંજર બની અરસ પરસની પાર હોય છે
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે

પડઘાને ધ્યાન દઈને જરા સાંભળી જુઓ
પર્વતની હર વ્યથાઓ વિગતવાર હોય છે

એના વિના વજુદ રતિભાર પણ નથી
મરહમ, સદા ઝખમનો કરજદાર હોય છે

મયખાનુ લાખ ચાહે પિવાડો છતાં, નજર
સાકીની એક તીરછી, અસરકાર હોય છે

ગીતાનો સાર એટલોજ કે, મુગટ તણું
પીંછુયે કો’ક વાર વજનદાર હોય છે

જીવવાની ભોગવી છે સજા, તોય બાંધતા
જાણે હજીયે સખ્શ ગુનહગાર હોય છે

10.2.12

પ્રતિબિંબો, ઘડીભર આયનાની બહાર આવો
અરીસો સાવ કોરો કાટ જોવા, દ્યો ને લ્હાવો

બધાં ખુદાનાજ, પોતાનાજ વનમાં જીવતા'તાં
જરા આ ફેફસામાં કોઈ કાજે શ્વાસ વાવો

જમાનો ઝાંઝવાનું રણ બન્યું છે, દોડમાં તું
હરણ વાંચી શકે એવી બધે તક્તી લગાવો

નડે આ પથ્થરો ને કંટકો, છે વાત જૂની
હવે અટવાય છે રસ્તો, પ્રથમ એને હટાવો

જીવનભર જીંદગી શું છે, કદી જોયું અમે નાં
કબર પર મોત જોવા કાં ભલા દીવો મુકવો?
ટા..............ઢ

પરબારી સોંસરવી ઉતરતી જાય
કેવી આ ટાઢુંડી લખલખતી વાય

તાપણીએ જ્વાળાઓ સઘળી બેકાર
શિયાળો કડકડતો આને કહેવાય

નાના કે મોટેરા, પુરૂષો કે નાર
થરથરતા હાથોએ બમણેરૂ ખાય

સુરતીના લાલાઓ લીલ્લી જુવાર
ફાકંતા ફાકંતા કેવા હરખાય

બળબળતો ઉનાળો આવી ગ્યો યાદ
બર્ફીલી સુસવાતી એવી તે લ્હાય
ડૉ નાણાવટી "૬ ડીગ્રી "
વેવલાઇન્ટાઇન ડે...!!!!

આજ બધું લાગે છે વૃંદાવન વૃંદાવન, આજ બધાં રાધા ને શ્યામ
મોર પિચ્છ હાથોમાં લઈ લઈને ઘૂમતા’તાં લાગણીને દેવા સૌ નામ
પ્રેમ થાતાં હશે તે કાંઈ આમ....!!
ભોર પડે ઊષા, ભર બપ્પોરે જ્યોતિ ને સાંજ પડે સંધ્યાને સંગ
એક પછી એક જાણે પીતા હો મૈખાને દોસ્તીનું નામ લઈ જામ
પ્રેમ થાતાં હશે તે કાંઈ આમ....!!
નાગ સમા ગુંચળાઓ કાંડે બાંધીને ફરે, છોકરીઓ થઈને બિંદાસ
કેમ જાણે શબરીઓ ચાખીને બોર કહે ક્યારે આવો છો તમે રામ ?
પ્રેમ થાતાં હશે તે કાંઈ આમ....!!
એક દિવસ ભૂખ્યાનો, એકાદો ઘરડાનો, એક દિવસ માંદાનો રાખ
કો’ક દિ’ તું માવતરને દેજે તો ક્યાંક તારા જીવતરમાં રીઝે ઘનશ્યામ
પ્રેમ કરવો તો કરવો રે આમ...
પ્રેમ થાતાં હશે તે કાંઈ આમ.......!!!!
लो आज दम तोड दें हंसते हंसते
कभी तो बदलदे पुराने शिरस्ते

पडा नींदसे ऊठ जाना ही महेंगा
हमे ख्वाब वरना मिले खुब सस्ते

तुम्हे क्या पता, सब तुम्हे जानते है
हमे छोडने आये तुम तक ये रस्ते

सिकंदर है हम, प्यारके बादशा’ है
मुझे क्या पता चीज है क्या शिकस्तें

सरक ही लीये ज़िंदगीसे मुसाफीर
मगर मोतकी जालमें सब हे फसतें
डो. नाणावटी १०-२-१२

9.2.12

સમંદરની લહેરોને કહી દો, સમયસર
હિસાબો કિનારે કરી જાય સરભર

વસંતે હવા સંગ નાખ્યું'તું માંગુ
હજી તો આ ખુશ્બુ થઇ સહેજ પગભર

ન શિકવા ગીલા છે ભ્રમર કે કમળને
ગુઝારી હતી રાત બંનેએ રસભર

હતી રાત બાકી, ને સાકી છે મૈકશ
છલોછલ ભર્યો જામ, થોડી સબર કર

બચ્યા શ્વાસ છેલ્લા, ને મંઝિલ છે આઘી
કબર તક પહોંચવા જરા કરકસર કર
ડૉ નાણાવટી ૯-૨-૧૨

7.2.12

હું રખે રાધા બનું તો વાંસળી થઇ વાગજે
મસ્ત મીંરા બાવરી, તો ઝેર થઈને આવજે

પાછલી રાતે તળેટી કુંડ દામોદર ઉપર
ક્યાંક જો કરતાલ વાગે તો હરિજન જાણજે

ચીર, સંજોગો શકુની થઇ અને ખેંચે અગર
સાદ પાડી, લાગણીના ઋણને અજમાવજે

આપણી સામે ઉભા જે આપણા પ્રતિબિંબ થઇ

સારથિ નો મર્મ સમજી, તીર સૌને તાકજે

શી ખબર ક્યારે અલખના દ્વાર પર ઉભા રહો
એક મુઠ્ઠી શ્વાસ તારી પોટલીમાં રાખજે
ડો નાણાવટી ૭-૨-૧૨

નાં તમે નીકળો બજારે, આંખ સૌ રઝળી પડી
ને પછી અફવા બધી ચકચૂર થઇ નીકળી પડી

શબ્દના સોગન દીધાં તો મૌન પર મોહી પડ્યા
ચાલ હું ચાલ્યો શકુની, આખરે અવળી પડી

કચકચાવી ને અમે મુઠ્ઠીઓ વાળી, તે પછી
વાત સાચી, હાથની રેખા તણી, સઘળી પડી

હા અમે લથડી પડ્યા'તા મૈકદે પળવાર, પણ
જીંદગી આખી ખુદા તારા વિના કથળી પડી

આખરી અલ્ફાઝ તક અલ્લાહ અદાલતમાં લડ્યો
મોતની સામે દલીલે જિંદગી નબળી પડી
ડો નાણાવટી ૭-૨-૧૨

3.2.12

શ્વાસની અથ:થી કથા કર જ્યાં સુધી
મોત નાં કહીદે "ઇતી" બસ ત્યાં સુધી

ઝાંઝવા બાબત હરણની શીખ લે
આપણે દોડ્યા કરીશું ક્યાં સુધી

જે હથેળીમાં શિલાલેખો લખ્યા
જીવવું છે એ બધાં ઉકલ્યા સુધી

વારતાનો અંત શું? એ જાણવું
છે અશક્ય પાનના ઉથલ્યા સુધી

2.2.12

એક શ્વાસે મૌનને બોલી જુઓ
બંધ આંખો ઊંઘમાં ખોલી જુઓ

હું અને હું-પદ પ્રતિબીમ્બે જરા
આયનાને ત્રાજવે તોલી જુઓ

આપણા કઠ્ઠણ અબોલાઓ નીચે
ઈશ્કની નરમાશ છે, ફોલી જુઓ

લાગણી મારી ને નફરત આપની
ધરકધર જાતી'તી , સમતોલી જુઓ

રજકણો થી સેતુઓ બંધાય છે
રામજીની થઇ ને ખિસકોલી, જુઓ
ડો. નાણાવટી ૩-૨-૧૨
પૂરબ ને પશ્ચિમની પ્રશ્નાવાલીના
ઉત્તર અમે કાટખૂણે ગલીના

પનઘટ ઉપર કેડ કામણગરીની
નટખટ થશું કાંકરી માટલીના

હલકટ હતા, તોય અત્યંત જરૂરી
મણકા અમે એક વંશાવલીના

સ્મરણો અમારી હતી માત્ર પુંજી
વિતી ગઈ જે ઘડી પાછ્લીના

સાગર કરી પાર આવી કિનારે
અંજળ ખૂટ્યા છે હવે માછલીના
ડો. નાણાવટી ૨-૨-૧૨

1.2.12

ટિક ટિક હલેસાં ને જીવન છે હોડી
દરિયો સમયનો, અને રાત થોડી

છલના છલોછલ ભરી કઈ રીતે છે
દર્પણ ખરેખર જુઓ કોઈ ફોડી

પાસા પડે 'ગર તો પોબાર, નહીતર
ખુલ્લી હથેળીમાં બે ચાર કોડી

નક્કી સ્વયંવરનું શમણું હશે એ
અમથી નથી રાતના ખાટ તોડી

નામે ગઝલ, પ્રેયસીને પરણવા
ઈર્શાદ ઘોડે શબદ જાન જોડી

હરદમ અગમ ગમને રમથી કરો કમ
તકતી હરેક મૈકદે દ્યો ને ચોડી..!!

કંડારવા અવનવા શિલ્પ, ઈશ્વર
અવ્વલ દરજ્જાની રાખે હથોડી

આતમ ભલે આજ સુતો મઝારે
ઉઠશે ફરી સહેજ આળસ મરોડી
ડો.નાણાવટી ૧-૨-૧૨

24.1.12

પ્રથમ મારી આંખોમાં રોપાઇ જાતાં
પછી એ જ શમણાઓ રોળાઈ જાતાં

ભરી ભીડમાંથી જે શોધી હું લાવ્યો
લઇ રૂપ એકાંત, ખોવાઈ જાતાં

અમારી ને શંકરની વિપરીત સ્થિતિ છે
ગળે સાવ આવી વલોવાઇ જાતાં

ઇબાદતની તસ્બી કે માળા હો જપની
અમે થઈને ધાગો પરોવાઈ જાતાં

થકી બાઇ મીંરા હરિ પામવાને
ઝહરના કટોરામાં ઘોળાઈ જાતાં

ડો નાણાવટી ૨૩-૧-૧૨

21.1.12

એક તારો પત્ર નાખું તાપણે
ઓગળી જાતાં ફરીથી આપણે

આંગણે અંગડાઈ ક્યારે ડગ ભરે
ઉંબરો કરતો પ્રતિક્ષા બારણે

શિલ્પ નામે "ભગ્નતા" હું થઈ ગયો
બેવફાઈના તમારા ટાંકણે

ઢૂંઢવા આવ્યો ખુદા, સાકી સુધી
ક્યાંય ના મોજુદગી ને કારણે

ઓઢવાને કબ્રમાં ચાદર વણી
સાવ છેલ્લા શ્વાસ જેવા તાંતણે
ડો.નાણાવટી..૨૨-૧-૧૨

20.1.12

આમ તો હું રણ સમો ને માવઠા જેવા તમે
તો પછી આ પ્રેમની જ્વાળા કદિ’ ક્યાંથી શમે

આ વખત ભુલી ગયો એ દોસ્ત તું તારી દિશા
પીઠમાં ઝીલ્યા જખમ આ દિલ નહીં હરગીઝ ખમે

આમ તો શમણામાં ઝંઝાવાત થઈ આવો તમે
લહેરખી થઈને હકિકતમાં વહો, તો બહુ ગમે

એ ખુદા માંગી અમે સીડી સફળતાની ફકત
તેં દીધાં દુ:ખ દર્દના સંજોગ સૌ ચડતા ક્રમે

જીંદગી આખી, ખુશીમાં ના થયા શામેલ પણ
આખરે લોકો થયા ભેગા અમારે માતમે

ડો. નણાવટી ૧૯-૧-૧૨

18.1.12

સ્પર્શની ભાષા અમે જાણી ગયા
તે પછી વાતો અને વાણી ગયા

ઝાંઝવાના સ્વપ્ન આવે જ્યારથી
ત્યારથી આંખો મહી પાણી ગયા

હું નહિ, મારા સ્મરણનો રવ હતો
ઘૂમટો અમથો તમે તાણી ગયા

તાશના મહેલો ધરાશાયી થતાં
કેટલા રાજા અને રાણી ગયા

આગિયા માફક અમે કમ-ભાગિયા
ખુદ જલી અજવાસને માણી ગયા
ડો.નાણાવટી ૧૮-૧-૧૨

17.1.12

વળી એક ચાદર વણી મેં કબીરા
ભર્યું ડગ તમારા ભણી મેં કબીરા

અરીસો ચીરી સૌ પ્રતિબિંબ છોડ્યા
થઇ ત્યાગ હીરાકણી મેં, કબીરા

પયમ્બરને પૂછું કે મયકશને પૂછું
બરોબરની કક્ષા ગણી મેં કબીરા

તમારીજ સંવેદનાઓ લખી મેં
ગઝલ તો કદી નાં ભણી મેં કબીરા

ન બાકી હતો કોઈ પણ બાળવામાં
કહ્યું તોયે ખમ્મા ઘણી મેં કબીરા
Dr nanavati

16.1.12

આમ તો સૌ હાથમાં મારું હતું
ઈશ્વરી ઈચ્છાથી પરબારું હતું

હાંફતા મૃગને ના પૂછો કોઈ પણ
ઝાંઝવું મીઠું કે 'લ્યા ખારું હતું ?

આજ પીળું પાન છેલ્લું તુટતા
વૃક્ષ જાણે સાવ નોંધારું હતું

દ્રશ્ય રૂડું લાગતું જે આયને
'હું' પણા પાછળ એ હિચકારું હતું

કેટલી આંખો અમે લુછી હતી
એટલે આ મોત ચોધારું હતું
ડો.નાણાવટી ૧૬-૧-૧૨

13.1.12

રસ્તે ફરી મળાય, એવી શક્યતા નથી
આંખોથી એ કળાય એવી શક્યતા નથી

દર્પણમાં જો, હું મૃગજળોને ગટગટાવતો
આથી વધુ છળાય એવી શક્યતા નથી

છૂટી ચૂકેલ તીર કમાનેથી, સૂર્ય છે
પૂરબ ભણી ઢળાય એવી શક્યતા નથી

તારા ખભેથી સહેજ સર્યા છેડલાના સમ
લીધી કસમ પળાય એવી શક્યતા નથી

પડઘાની જેમ મૈકાદાની ચોકટે અડી
પાછું ફરી વળાય એવી શક્યતા નથી

ક્ષણ ક્ષણ દિવસ ને રાત જલી મારી જીંદગી
બીજી વખત બળાય એવી શક્યતા નથી
ડો.જગદીપ નાણાવટી ૧૨-૧-૧૨

12.1.12

તે દીધેલા ઘાવમાંથી લાગણી ધક ધક વહી
એમ મેં સરભર કરી'તી આપણી ખાતાવહી

રાહ જોતો'તો જે પડઘાની બુલંદી વાતના
કાનમાં આવી તમે એ વાતને નાહક કહી

સાવ પથ્થર દિલ હતો, જાહેરમાં જો કે કીધું
ક્યાય પણ નહોતી શિલાલેખો ઉપર મારી સહી

જે હતા મારો સહારો, મૃગજળો થીજી ગયા
આયનામાં જાતને ઓગાળવી મારે રહી

તું હતી રસ્તો અમારા મોતના મકસદ સુધી
એટલે આખર સુધી એ જીંદગી તુજને ચહી
ડો.નાણાવટી ૧૨-૧-૧૨

11.1.12

પતંગ......
શ્વાસની દોરીએ બસ ઉડ્યા કરે
જીંદગી સૌની , પતંગો આખરે

કોઈની સીધી ચડે આકાશમાં
કોઈ ટળવળતું હજુએ છાપરે

કો'ક ગોથા મારતું, જેવી હવા
કો'ક સામે વહેણ ચીલો ચાતરે

સહેજ ઢઢઢાને તમે મરડયા કરો
તોજ એ ઉડાન સીધી આચરે

લાગણીનાં ગુન્દરે સાંધ્યા પછી
આભમાં સંબંધ કેવા નિખરે

આબરુની દોર જો તૂટી, બધા
લુંટવા બેઠા છે ખૂણે ખાચરે

દોરનો છેડો તો નક્કી હોય છે
કેટલો લાંબો , છે 'એને' આશરે
ડો,નાણાવટી

9.1.12

Jagdip Nanavati
દોસ્ત થોડો હાલતે હું તંગ છું
માર બે ઠુમકા તો એજ પતંગ છું

રાખતો પાણી સમું ચોખ્ખું વલણ
નાખશો જેમાં અસલ એ રંગ છું

નાં પછાડો એમ ટોચેથી મને
માનશે લોકો કે હું હર-ગંગ છું

જેટલી હું વાર ઉભો આયને
લાગતું અમને સતત હું વ્યંગ છું

શ્વાસ છું, ઉચ્છવાસ છું, અજવાસ છું
મોતની સામે ચડ્યો એક જંગ છું

ડૉ. જગદીપ ૯-૧-૧૨

5.1.12

અંગત ગણુ તો આયનો મારો સદા હતો
અસમંજસોની ભીડમાં એ નાખુદા હતો

સંજોગ એને મૈકદે લાવી મુકી ગયા
બાકી તો હરેક દિલમાં છુપાયો ખુદા હતો

એ વાત છે અલગ કે ખર્યો કાંગરેથી એ
ઈચ્છા રૂએ તો કાંકરોયે અર્બુદા હતો

સંબંધની દિવાલની ઉંચાઈ શી હશે..?
એવો સવાલ દોસ્ત અહીં બેહુદા હતો

કણ કણ બની મરણના રણમાં આથમી ગયો
પહેલા જીવનના જંગલોમાં ગુમશુદા હતો...

ડો.નણાવટી..૫-૧-૧૨

3.1.12

શ્વાસ ને ઉચ્છાવાસના ચરણો હતા
મૃગજળોની ખોજમાં હરણો હતાં

સહેજ ઈચ્છા કવચ કુંડળની કરો,
કેટલા સામે ઉભા કર્ણો હતાં

અશ્રુઓ, ઘટનાનાં વૃક્ષોથી સતત
યાદની ડાળે ખર્યાં, પર્ણો હતાં

એજ સાકી, એ મદિરા, એ મજા
મૈકદે ક્યાં રિન્દમાં વર્ણો હતાં

જિંદગીઓના જટિલ પ્રશ્નો તણા
સાવ સીધા ઉત્તરો, મરણો હતાં

ડો.જગદીપ ૩-૧-૧૨