10.7.08

જીંદગી ક્ષણમાંજ તાળી હાથમાં દઈ જાય છે
યાદના દરિયા પછી સોગાદમાં દઈ જાય છે

હૂંફ જે પામ્યા નથી આ આયખું આખું અમે
તે ઘડી ભરમાં, કોઈ સંગાથમાં દઈ જાય છે

સ્વપ્નના હરણાઓ દોડી ખ્વાઇશોના રણ મહી
ઝાંઝવાના જળ સમુ કંઈ આંખમાં દઈ જાય છે

શબ્દ, પોથી, ગ્રંથ ના ઉકલી શક્યા એ મર્મનો
અર્થ , મદિરા ઘુંટ બે, એક જામમાં દઈ જાય છે

જળ, જમુના, ગોપીઓ, ગોકુળ અને વ્રુંદાવનો
એક હળવી ફુંક એની વાંસમાં, દઈ જાય છે

પ્રશ્ન આખો જે જટિલ જીવન રૂપે પુછાય છે
મોત, ઉત્તર સાવ સીધો રાખમાં દઈ જાય છે

5.7.08

ચાલ સપને ઝુલાવું તને
કોઈ આપે જો નીંદર મને

સેજ તારી સુંવાળી સદા
બેય ભીની આ પાંપણ બને

એક પૂનમ તણું આભમાં
રૂપ બીજું અમારી કને

હૂંફ એવી દઉં કે જલન
થાય પરીઓ તણા દેશને

ન મદિના ન મક્કા ગયો
સહેજ ચૂમી લીધા ઓષ્ટને

2.7.08


વરસતે વરસાદે

વરસે કેવો અનહદ અનહદ
સૌ પાર કરી સરહદ સરહદ
ઘન ઘોર થઈ
ઉમટે આંગણ
લીલો દરિયો
છલકે પ્રાંગણ
સૌ બાળ, બળુકા વડમાથા
નાચત મન મૂકી થૈ તાથા
યૌવન પલળે
નજરૂ નિતરે
કોઈ છાનગપત
કોઈ અળવીતરે
બીજું નભ થઈ, નેવાં ટપકે
જલ બિંદુ સમ દિવા ઝબકે
મન મોર શબદ
થઈ ટહુકંતા
ને ગઝલ રૂપે
એ થનગનતાં
પાકુ થઈ ગ્યું છે લગભગમાં
ઈશ્વર જેવું કૈં છે જગમાં


હાથ કોનો, ક્યાં કદી પુછાય છે
હર પ્રસંગે ખંજરો ચર્ચાય છે

આમતો પાષાણ છું, પણ પ્રેમમાં
એ મને પડઘો બની અફળાય છે

એમ ના મદિરા ગળે ઉતરે કદી
એ ગળાના સમ થકી પીવાય છે

વેદ, ગીતા ને કુંરાં ટૂંકા પડે
ત્યાં પછી મારી ગઝલ વંચાય છે

ના જશો આ કબ્રનાં દેખાવ પર
જીંદગી આખી અહીં સચવાય છે

1.7.08


વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો

ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો

આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો

થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો

આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો

21.6.08


શ્વાસ લીધા બાદનો ઉચ્છવાસ છું
શબ્દના દરબારમાં ઉપહાસ છું

રૂબરૂની વાત ક્યાં, હું એમના
સ્વપ્નમાથી જે લીધો, વનવાસ છું

લાગણીના શહેરની વચ્ચે છતાં
ના થયો જે કોઈને, અહેસાસ છું

છે ખબર અંજામ પરવાના તણો
તે છતાં, શમ્મા તણો સહેવાસ છું

અંધકારે જીંદગી જીવ્યા પછી
ભડભડે જે આખરી, અજવાસ છું

8.6.08


સબંધોને સુંવાળું નામ દઈ દે
સુખદ એને પછી અંજામ દઈ દે

ખખડતી ડેલિઓ ઉઘડે નહીં તો
ખુલેલી બારીએ પૈગામ દઈ દે

ભલે સાકી જગત હાંસી ઉડાવે
દરજ્જો, તું મને , બદનામ દઈ દે

પ્રથમ તો દોડવાની દે સજા તું
પછી મ્રુગજળ તણો ઈલ્ઝામ દઈ દે !!

સતત શ્વાસો થકી થાકી ગયો છું
ખુદા થોડો હવે આરામ દઈ દે

31.5.08




  1. શપથ લીધાં અમે બાગી થવાના
    છતે શમણે અમે જાગી જવાના

    થવું છે કોઈ પણ ભોગે અમારે
    પતંગાની મમત માંગી ,દિવાના

    હજુયે પાંગરે રસમો પુરાણી
    બધાં અરમાનને ભાંગી, નવાના

    ફફડતી પાંખ લઈ ઉંચે ને ઉંચે
    જશો ક્યાં બંધનો ત્યાગી હવાના

    પ્રતિક્ષા રાખ સુધ્ધાની ન રાખે
    ચિતાને, સૌ થશે દાગી, રવાના

24.5.08


રસમ કંઇક પાડો નવી એ ખુદા
નવેસર ઘડો માનવી એ ખુદા

હથેળીની રેખા ભૂંસી નાખજે
નથી કાલને જાણવી એ ખુદા

હરેક પળ, ઘડી હર હું પીતો નથી
અમારે તો બસ ચાખવી એ ખુદા

દમકતી ઉષા, ને ધવલ ચાંદની
ન કાળપ હવે આંજવી એ ખુદા

જીવન તો સુદામાથી બદતર ગયું
હવે મોત દે રાજવી એ ખુદા

18.5.08


शिकवे गीले कोई करना नहीं
आना मेरे यार वरना नहीं

बीगडे नियत आइनेकी कभी
इतना भी सजना संवरना नहीं

खंजर छुपे हें हंसी ओढके
धोखेमें कोईभी रहेना नहीं

ठोकर लगे यादकी हर क़दम
ऐसी गलीसे गुझरना नहीं

ढोके ये दुनिया, झुकी है कमर
खुदा, तुं इबादत समझना नही

13.5.08


તમે તો ઘણા ફુલ વેર્યા’તાં જો ને
અમે તારવી ના શક્યા કંટકોને

નજરની કટારી, એ છણકો, ગરુરી
ભલા ખુબ માણેલી છે એ હરકતોને

સિતમ બહુ સહ્યાં છે રિવાજોને નામે
ખરું નામ દીધું તમે તરકટોને

હ્રદયથી ઉઠ્યા જે ગઝલ નામધારી
તમે દાદ આપી, ઝીલ્યા સ્પંદનોને

કીશનની હથેળીથી મટકી સુધીમાં
ફ્ળ્યો’તો જનમ એ બધા કંકરોને

ચિતાએ ઉભેલા બધાને ખબર છે
ખુલે આમ તોડ્યા મે સૌ બંધનોને

8.5.08


કાનાની વાંસળીમાં મીંરા ચકચુર છે
ગોકુળ, મેવાડ જુઓ આટલાજ દુર છે

વ્હાલાની કરુણામય દ્રષ્ટી ની છાંટ પર
રાણાએ મોકલેલ ઘુંટડા મંજુર છે

ઝણઝણતો તાનપુરો ટેરવાઓ વાઢતો
ભીનીશી લાગણીમાં ડૂબેલા સુર છે

ગોપીઓના ઉર મહીં, છલકાતી હેલ રે
એટલેતો રોજ રોજ યમુનામાં પુર છે

રાધા જો નટવરની નમણી નરમાશ, તો
મીંરા એ ગિરધરની આંખોનું નુર છે

2.5.08


ધરીને હાથમા પ્યાલી
ફરું છું ક્યારનો, ઠાલી
નશો સાકી તણો રહેતો
કરું કે ના કરું ખાલી

ન જાણે ક્યાં સુધી મારી
ઢસડતી નાવડી ચાલી
ખુદા કે નાખુદા, કોણે
અમારી આંગળી ઝાલી ?

જીવ્યો છું બેવફાઈ પર
નથી નફરત કદી સાલી
તમારે હાથ ખડકેલી
ચિતાયે લાગતી વ્હાલી

રગે રગ જામની સાથે
દીધીં મેં મોતને બહાલી
હરેક આંગણ, સમી સાંજે
હશે મારા થકી લાલી

30.4.08


છે અષાઢી વાદળો, ને આ કલમ
માંડજે તું મીટ આભે ઓ સનમ

સ્પર્શને સૂરમાં મઢી, દેતો ભ્રમર
ચુંબને એકેક કહેતો એ નઝમ

મન ખુદા તારું, ને દિલ સાજણ તણું
કેમ ફંટાશે કહો, બન્ને કદમ

સ્વપ્નમાં તું જે રીતે તરછોડતી
વાસ્તવિકતા ના હશે આથી અધમ

જીવવાનું ઠોસ કોઈ કારણ નથી
ક્યાં સુધી જીવ્યા કરું આમજ મભમ

ફાયદો બસ મોતનો એકજ હતો
ના કોઈ ખાતું હવે મારી કસમ

25.4.08


વ્યર્થ એની જીવવાની હર ક્ષણો
અર્થ જે સમજે નહીં જીવન તણો

આંસુઓને પણ વિસામો જોઈએ
એટલે તો હોય બન્ને પાંપણો

ઘાવ તેં દીધા નથી ઓછા મને
સાચવ્યા સઘળાં, ગણીને થાપણો

લ્યો હુલાવ્યું પીઠમાં ખંજર અમે
કોઈ તો અમને હવે માણસ ગણો

આંખ લૂછવી કોઇની, બાજુ રહી
લઈને ઉભા એ, ચિતાએ વિંઝણો

18.4.08

મૌન અને શબ્દ


મૌન છે, કારણ કે, સામે શબ્દ છે
હોઠ પર, સરખે જ ભાગે શબ્દ છે

જે સમય ગરકાવ થાશો મૌનમાં
માનજો ઉપકાર, સાથે શબ્દ છે

મૌનના માહોલમાં સૌ ઝુમતા
જામમાં ઓગળતો આજે શબ્દ છે

મેઘલી રાતે વરસતું મૌન ,પણ
મણવો ઝળહળ સવારે શબ્દ છે

આયનો વિસ્તાર જાણે મૌનનો
પણ ઉભો સામે, તો ત્યારે શબ્દ છે

મૌનના વાદળ ચડે ઉરમાં પછી
ખાબકે સાંબેલ ધારે શબ્દ છે

એ ખુદા, તારી ઝુબાં, જો મૌન છે
છો રહી, પક્ષે અમારે શબ્દ છે

17.4.08



આમતો વર્ષો સુધી લંબાય છે
જીંદગી ભાગ્યેજ કોઇ, જીવાય છે

પુષ્પ ખિલ્યું, જો ઉપેક્ષિત થાય તો
ભીતરેથી બાપડું કરમાય છે

હર કોઈ વસતું અમારા દિલ મહીં
એજ ભ્રમમાં આયનો હરખાય છે

તડ પડેલાં સ્વપ્નની આગોશમાં
કોઈની યાદો સતત સચવાય છે

સાદ જે દરિયાએ દીધાં ગ્રીષ્મમાં
તે બધાં વરસાદમાં પડઘાય છે

જામની વાતો બધી પોકળ હતી
આંખથી, આંખો બધી છલકાય છે

13.4.08

ઇંગઝલીશ




let the wintry wind touch your cheeks honey
લાગશે દિન રાત કે તું બન-ઠની

though the fingers look alike like a beauty
તું પ્રિયે મારી છે જાણે તર્જની

you utter in any tongue, hearty feelings
શબ્દ સાથે ક્યાં કોઈ છે અનબની

no sooner you be in a greeny season
બાગમાં ફેલાઈ જાતી સનસની

dream comes true if even in dreams then
આપણે તો દિવ્યશી ઘટના બની

11.4.08


જીંદગી ની આ કિતાબે કો’ક પાના ખુટતાં
કાળ ને સંજોગ અમને એક થઈ ને લુટતાં

ભાગ્યના તુટી જતાં ઝાળાઓ સાંધુ છું સતત
હું પ્રયત્નો જ્યાં કરું, બીજા હજારો તુટતાં

દુર્દશા મારી હતી શું એટલી અનહદ બુરી ?
કે સદન નાં આયનાઓ આપમેળે ફુટતાં !

હા..શકારો કો’કવારે લાગતો એવો રૂડો
કેમ જાણે કંઇક પંખી પિંજરાથી છુટતાં

મા કસમ, ઉજવાય છે પહેલો પ્રસંગ ધામે ધૂમે
સૌ અમારાં મોત પર છાતી અમસ્તાં કુટતાં

5.4.08



સ્પર્શને ક્યાં હોય છે કોઈ વ્યાકરણ
હોય છે બસ લાગણીનું આવરણ

કર્મ
, ને દ્રઢતા તણી બાંધો જટા
તો પછી ઈચ્છાનું થાયે અવતરણ

દાદ ના પગલાં કદી પાડો, પ્રિયે
મેં બિછાવ્યું છે ગઝલનું પાથરણ

સ્વપ્નમાં આવે અચૂક એ, શું કરું
કેટલા કરવા અમારે જાગરણ

મોક્ષને પામી શકો ના એમ કંઇ
જીવવું પડશે બધાયે આમરણ