16.3.13


એક ટીપું  વાંચવા પ્રસ્વેદનું
ગ્યાન પણ ઓછું પડે છે વેદનું

ક્યાંક પશ્ચાતાપની નગરી મહી
એક મારું પણ હશે ઘર ખેદનું

ટેરવાને પૂછશો તો જાણશો
દુઃખ અવિરત વાંસળીના છેદનું

આજ મારો આયનો ફૂટી ગયો
ને રહસ્ય પામતો હું ભેદનું

પારખો રણમાં ચરણને કઈ રીતે ?
જાનકી નું હોય કે જાવેદનું...!!

10.3.13


શ્વાસ લેવો જો ગણો હરકત
તો નિસાસા આપણી બરકત

તરબતર તારી મહેક કાયમ  
એ જ મારો ડાકિયો ને ખત  

કાગળોમાં ક્યાં સમાતો હું  
એટલું લખવું અમારે જત 

જામ મારે હાથ, ને સાકી 
ક્યા હતી બીજી પછી નિસ્બત
 
જિંદગી જીવી શક્યો ના જે
જીવતા પણ એ હતો સદ્ગત 

7.3.13


જ્યાં શબ્દ થઇ તું પાંગર્યો
ત્યાં મૌન રૂપે હું ખર્યો

રેતાળ તારી આંખનું 
આંસુ બની કાયમ સર્યો

તાકી રહ્યો શું જામને ?
ખાલીપણાથી છે ભર્યો

હું ખોજમાં છું બ્રહ્મની 
કાં આયનો આગળ ધર્યો ?

ખૂંખાર દરિયાનો નશો
તટ પર સદાયે ઓસર્યો  

પાંખે હું છેલ્લા શ્વાસની 
આકાશ આખે વિસ્તર્યો 

જ્યાં શબ્દ થઇ તું પાંગર્યો
ત્યાં મૌન રૂપે હું ખર્યો

રેતાળ તારી આંખનું 
આંસુ બની કાયમ સર્યો

તાકી રહ્યો શું જામને ?
ખાલીપણાથી છે ભર્યો

હું ખોજમાં છું બ્રહ્મની 
કાં આયનો આગળ ધર્યો ?

ખૂંખાર દરિયાનો નશો
તટ પર સદાયે ઓસર્યો  

પાંખે હું છેલ્લા શ્વાસની 
આકાશ આખે વિસ્તર્યો 

27.1.13


રેત પર પાડીને પગલાં કોઈ તો ચાલો
મૃગજળે જાવું અમારે, હાથ તો ઝાલો  

ચૂર થઇ પર્વત ઉપરથી છેક અફળાતો 
હું જ છું પડઘો, હવે શું સાદ દે ઠાલો  

કાન દેજે કુંડ દામોદર, તળેટીએ  
સેંકડો સંભળાય છે, જાણે કે કરતાલો  

છે હળાહળ બાઈ મીરાના કાટોરાનું 
હર વખત કંઈ જામનો હોતો નથી પ્યાલો  

પાદરે ભિંજાય છે એક પાળિયો સાંજે  
કોઈને નક્કી હજી એ લાગતો વ્હાલો  

26.1.13


રે તમે વળગણ સમા થઇ છેક છેટે ઉભતાં 
બે કિનારા આપણે, ને વ્હાણ મારા ડૂબતાં 

કંટકો ઉપર થઇ આવ્યા અમે નફરત તણા  
સાવ કૂણી લાગણી છું, તોયે આંખે ખુંચતા ..??

સૌ પ્રથમ તારી ગલીમાં હર અદા તારી સનમ,
ને પછી ચોરાહ પર સંજોગ અમને લુંટતા 

જે પ્રતિબિંબો અહમને કાયમી ઉકેલતા 
આજ ખુદ થઈને સવાલી આયનાને પૂછતાં 

જીંદગી આખી સફર કાપી અને છેલ્લે પછી
શ્વાસ, ઘરથી કબ્ર તક સૌના હંમેશા ખુટતા 

18.1.13


સમય છંછેડવા કોશિષ ના કર, સંજોગ થઇ જાશે
પ્રથમ એ સ્પર્ષ  હૂંફાળો, પછીથી રોગ થઇ જાશે

અદાઓ ઘેર મુકી આવજો, નહિંતર અમારાથી
ઘણીયે ખાનગી બાબત ઉઘાડે છોગ થઇ જાશે

વફામાં  કોઈ રાહુ, કે ન કેતુ કોઈ દિ' નડતો
હથેળી હાથમાં મુકો, પ્રણયનો યોગ થઇ જાશે

ગઝલ હું માત્ર લખતો પાનખરમાં, કેમ કે જો હું
વસંતોમાં લખીશ, તો એ તમારા જોગ થઇ જાશે

સુગંધી ખત હતો, કારણ કે છે અત્તરનો વેપારી
તમારી ખામખાં શંકા તણો એ ભોગ થઇ જાશે 

5.1.13



પાંપણે આવીને ટીપું ધાર પર લટકી ગયું  
કેમ જાણે એક ચોમાસું નભે અટકી ગયું 

કેટલી રાતોને વિનવી સાચવ્યું'તું જે અમે
એક મટકું મારતાં, શમણું ફરી છટકી ગયું  

આમ તો નફરતનું રણ આખુયે મેં ઠલવી દીધું 
એક તારા પ્રેમનું  મૃગજળ મને ખટકી ગયું  

સામસામાં આપણે તાક્યા નજરના તીર, પણ
આપનું દિલ પર, ને મારૂં હાય રે બટકી ગયું  

આંખમાં મેં પોરવ્યા'તાં કંઇક દિવાસ્વપ્નને 
ને જમાનો કે', કે સાલાનું જરા ફટકી ગયું  

22.12.12


કિનારે છું, એકાદ લંગર તો આપો
ભલે ઝાંઝવાનો, સમંદર તો આપો 

ત્રીજું નેત્ર ચાહો તો રાખો તમે, પણ 
એ ભોળો સદાએવ શંકર તો આપો

સતત સાચવી'તી અમાનત તમારી 
અમે પીઠ પર જે, એ ખંજર તો આપો 

જમાનાની નફરત નસે નસ ખૂંચે છે
ત્વચાની તળે સ્હેજ અસ્તર તો આપો 

જીવન આખું વીત્યું'તું બરછટ નિ:સાસે 
હવે ઢાંકવા સંગેમરમર તો આપો  

2.12.12



આ શ્વાસ ફુંકયાની વાતે, કોઈ પ્રાણ સરીખું આપો
છે પાર વગરનો દરિયો, કોઈ વ્હાણ સરીખું આપો

સંસાર તણી સૌ માયા, સાક્ષાત કરી પીંછાએ 
હૂંકાર અમે પણ છેડ્યો, કોઈ બાણ સરીખું આપો  

આતુર બિછાવી આંખો, બે કાન ધરીને બેઠાં 
એકાદ અછડતી એની, કોઈ જાણ સરીખું આપો 

હાલાત ઉપર ઉતરતાં, ઘનઘોર તિમિર ઓછાયા
મધરાત ઉગી નીકળે એ, કોઈ ભાણ સરીખું આપો  

આ શબ્દ નગરમાં તારા, શબ્દોના કાયમ સાંસાં 
લ્યો મૌન બન્યો હું આજે, કોઈ કાણ સરીખું આપો  

30.11.12

ચૂટણીના ચમકારા.....
એકતાના અર્થ અહીં નોખા હતાં
હર સળીમાં આગના ખોખા હતાં
દૂધીયાનો ભાવ ક્યાં પૂછાય છે..?
જ્યાં જુઓ ત્યાં એ જ બસ બોખા હતાં..!!
આંગળીના એક ટપકે, "શ્યામ"ના
કંસના લેખા અને જોખા હતાં
હાથ લઈ ઉભા, સુદામા બાપડાં
પોટલીમાં આશના ચોખા, હતાં
છેવટે પડતી ખબર, કે એ બધાં
ચાસણી પાયેલ સૌ ધોખા હતાં.....

20.11.12



સ્હેજ ભીનું રણ મળે, તો પણ ઘણું 
હાંફવા કારણ મળે, તો પણ ઘણું 

ટોડલે લીલાશનું શમણું અમે 
કાચનું તોરણ મળે, તો પણ ઘણું 

છું અહર્નિશ ખોજમાં એકાંતની 
ક્યાંક મહેરામણ મળે, તો પણ ઘણું 

પ્રશ્ન અલબત્ત ખૂબ પેચીદો  છતાં  
વ્યાજબી તારણ મળે, તો પણ ઘણું 

ક્યાંય પણ મારું વજન નહોતું, તને 
કાંધ પર ભારણ મળે, તો પણ ઘણું 

17.11.12


નજર, ક્યાંથી ખબર, તારા ઉપર મારી પડી 
અમે તો પાંપણોની ગોઠવી ચોકી કડી 

વ્યથા કોને કહે એ કંટકોની રાતભર 
સવારે પાંખડી બે ઓસના બૂંદે રડી 

કસમ ખાધી અમે કે ના કદી પીશું હવે 
જમાનો એમ સમજ્યો કે મને જબરી ચડી 

તમે અહીંથી ગયાનો આ બધો અણસાર છે 
હરેક ફૂલો ઉપર ખુશ્બુ તમારી  સાંપડી 

વિરહનું એટલું બારીક નકશીકામ છે 
જરા સંભાળપૂર્વક ખોલ કાગળની ગડી 

15.11.12


ચુંટણી પર્વ ........

નીલામી કરવાને નીકળ્યા સૌ દેશની 
બોલીઓ બોલાશે ભમ્મરિયા કેશની 

ભજવે સહુ નાગા થઇ ચુંટણીનાં ખેલને 
તાતી ખપ પડવાની સજ્જનના વેષની 

મતને જો વાવીશ  તું ખદબદતી ભોમમાં 
વડ્વાયું લટકાશે મંત્રીની એશની  

સઘળાયે રંગોનાં બટવારા માંગશે 
રંગોળી પુરવાની રહેશે બસ મેષની 

છો ને તે લઇ લીધો પથ્થરને  હાથમાં 
કોતરજે લીટી બે ગાંધી સંદેશની  

6.11.12

તું સતત પ્રતિબિંબની ચર્ચા કરે
કો’ક દિ તો મ્હાયલે જો ભીતરે

હાથ તો ઉપાડવો બેશક પડે
એમ ક્યાં મેળે કદી પાનુ ફરે

રૌદ્ર મોજાઓ અહમના ચૂર થઈ
ફીણ થઈ અંતે કિનારે લાંગરે

મુઠ્ઠીઓ ખોલ્યાનો છે અફસોસ બહુ
ભાગ્યની રેખા જ અમને આંતરે

છે મદિરાથી વજુ કરવુ હવે
કોઈ તો ચીલો નવિનતમ ચાતરે..!!

રેતશીશી કાળની કેવી  અજબ  ભ્રમણા 
મૃગજળો થઇ  કેટલા સરકી જતાં શમણાં 

તું નથી, તો દોસ્ત લાગે છે સતત એવું
હાથનો જાણે કે અંગૂઠો ગયો, જમણા

આભમાં ટાંકુ હું દિવસે, તારલા માફક
ગાલ પરનો તલ કદાચિત  જો ખરે હમણા

આમ તો પીંછા ઈજારો રાખતાં કાયમ
કોઈ નામે, પથ્થરોયે થાય છે નમણા

એ ખુદા તારો જ તો છે ફાયદો એમાં
ઘૂંટ બે પીધા પછી દેખાવ છો બમણા  


30.10.12


વિશ્વની (મારા દ્વારા લખાયેલી) સૌ પ્રથમ
ફૂ....લ....લેન્ગ્થ ........હાંફ ..ગઝલ..!!!:) :) :) :)

રણની તપતી રેતી માથે માથું મૂકી, મૃગજળના શમણા જોવાને સહુ કોઈ દોડે
એમજ માનવ, મૃત્યુનો છેડો કળવાને જીવતરના શ્વાસોની સાથે શ્વાસો જોડે

ભીની ભીની માટીનાં કણ ઝંખે છે એક આઘેરી કૂંપળનો કુમળો ઓછાયો પણ
ખખ્ખડધજ વડની વડવાયુ  ચારે બાજુ ખરબચડા વ્હાણાની વરવી ખાંભી ખોડે

ઘૂઘવતા દરિયાને કહેજો, મોજાનાં અસવારો આવે હળવે હળવે તટની ઉપર
પરપોટાની નગરીનો ફોદાનો માણસ ફૂટટી જાશે ધલવલતા તોફાની ઘોડે 

વાદળિયા આકાશે હસતા, સુરજને ખિસ્સામાં મૂકી કીધું કે કાલે આવુ છું 
ચોમાસાનાં સોગન દઈને ઉનાળાએ પગમાં પડતાં માગ્યું કે ભેરુ ને છોડે 

અગ્નિની સાખે ગંગાજળ મોઢામાં મુકીને વીરલો ચાલ્યો'તો  નવલા પરદેશે
પાછળ રહી ગ્યા લોકો વચ્ચે જગજગતા ભાલે કોઈ એને મૃત્યુ નામે તિલક ચોડે 

29.10.12


ભીતરે જે વિસ્તર્યું 
આંખમાંથી એ સર્યું 

ગમ, વિરહ, તન્હાઈયા
જામમાં શું શું ભર્યું

આભને હંફાવવા 
પાંખથી પીછું ખર્યું

નામ, તવ દિલ પર લખી
મેં શીલાલેખું કર્યું

જૂઠનાં ઓઠા તળે 
સત્ય પણ નાગું ઠર્યું 

26.10.12


મતદારો જોગ.....
આ વેળા તું મત દેજે
સારપને હિંમત દેજે

પરબીડીયામાં બંધ નહિ
ખુલ્લમ ખુલ્લો ખત દેજે

ભરમાંળી કોઈ વાતો નાં
સુફિયાણી સંગત દેજે

ક્યાં લગ રામ ભરોસે રે
એને પણ રાહત દેજે

સુતેલા જે દોખજ્માં
શમણામાં જન્નત દેજે

સઘળી પોકળતા ખોલી
સાચાને ઈજ્જત દેજે

પથ્થર પર કંડારીને
લખવાનું કે જત, દેજે

25.10.12


ક્યાંક હું મીરાં તણા તંબૂરનો એક તાર છું
ક્યાંક હું પીંછાં સમો શિરે મુગટનો ભાર છું

ક્યાંક હું સાતે લાગામે સારથિ અસવાર છું
ક્યાંક હું ગાંડીવથી નીકળ્યો અચૂકે વાર છું

ક્યાંક હું ભક્તિ સભર ચાદર વણે એ શાળ છું
ક્યાંક હું આકાશથી ડોકે પડેલો હાર છું

ક્યાંક હું પુરુશોત્તમે વિજયી કર્યો સંહાર છું
ક્યાંક હું સ્તંભે જડેલો પ્રેમનો અવતાર છું

ક્યાંક હું દામોદરે વાગી રહી કરતાલ છું
ક્યાંક હું પકડી કલમ, શાયર મનોજે યાર છું