31.10.09


.........પ્રેમ કથાઓ,....અવાવરૂ ઘરની...

ઝાંપલી ને ઊંબરા વચ્ચે કશું રંધાય છે
એમ ફળીયું કેટલા દિવસોથી ચાડી ખાય છે

ઓટલાએ જૂઈ, બાહુપાશમાં લીધી હતી
શ્વેત પાલવ એટલે સરકી બધે લહેરાય છે

એક બીજાના સતત સહેવાસને કારણ, જુઓ
બારણાં બારી વચાળે નાતરો બંધાય છે

આયનો ચૂમી રહ્યો છે, બિંબ થઈ દિવાલને
ને ખુણે ને ખાંચરે, ઝાળા બધાં કતરાય છે

ઝીંદગી આખી વિતાવી વૃધ્ધ કુવા સંગ, પણ
રાંઢવા માટે હજુયે બાલટી હિજરાય છે

પાંદડા ઓઢીને પીળા, દિવસો ધરતી તણાં
આભના તડકા ને છાંયા પુછવામાં જાય છે

સૌ ગુઝારે છે વખત, લઈ એકમેકની ઓથને
ફક્ત જુની યાદ અહીં વિધવા બની અટવાય છે

raandhvu=rope to tie a bucket

19.10.09

બોસ,
આ વરસે રંગોળીમાં ઉમંગ , આનંદ
સંતોષ, તંદુરસ્તી, અને ભાઈચારાના રંગોને
ઠાંસી ઠાંસીને ભર્યા છે.....જેટલી ચપટી
ભરવી હોય એટલી સૌને છુટ છે.......
બાકીતો...
શું શુભેચ્છા દઈ શકે આ પોતડી ને ચોટલી..??
પ્રેમની, આવ્યો છું ધરવા, આપ સહુને પોટલી
નવલા વરસે આટલું તો ઘણુ....
હીના...જગદીપ...દ્રષ્ટિ...દ્રષ્ટાંત

12.10.09

શક્યતાના રણ મહીં દોડે હરણ
ચોતરફ છે છળ કપટનાં પાથરણ

પ્રશ્ન પેચીદો રહ્યો મંઝિલ સુધી
હું ચરણને, કે મને લાવ્યાં ચરણ

સાત કોઠા તો તરત ભેદી શકું
પણ નડે છે લાગણીનાં આવરણ

છે પ્રતિક્ષા ચીજ કેવી, દોસ્તો
ઉંઘમાંયે હું કરૂં છું જાગરણ

એક બીજાને સમજવા અય ખુદા
તું મુલતવી રાખજે મારું મરણ..!!

10.10.09


જે હતી થોડી ઘણી,એ વેંચશું
આબરૂનો છું ધણી,એ વેંચશું


ભાગ્યમાં ક્યાં આયનો આખો હતો
સાંપડી ઝીણી કણી,એ વેંચશું


આમતો ફાંટુ શરારતની ભરી
એમણે ચૂંટી ખણી, એ વેંચશું


છું દબાયેલો સતત જેના થકી
આપ સૌની લાગણી, એ વેંચશું


શબ્દની ભરમાર નહીં, પણ એ ગઝલ
નાળથી જે મેં જણી , એ વેંચશું

जख़्मोका बाझार लगा है, कल जायेंगे
दर्दोंके अपने सब सिक्के चल जायेंगे

बेलब्झों होठों पर हल्केसे लब रख दो
खा़मोशी के ख़तरे आधे टल जायेंगे

बरसेंगे हम पे गर बादल तनहाई के
अरमानो के जंगल सारे जल जायेंगे

सपनोको कांधे पर कब तक ढोते जाओ
पलकों के पीछे वो मेरी, पल जायेंगे

सांसोका हंगामा चुप है, अब क्या बोले ?
हम भी यारों चुपके चुपके ढल जायेंगे

1.10.09

આજે રજ્જા...શેની રજ્જા..?

ચાલ હવે
બંડી લે સાંધી

ખેર નથી જો
મચ્છી રાંધી

કોણ ગયું
આ ઝંડો બાંધી..?

એક દિવસ કાં
ઉડતી આંધી...?

એક બુઝર્ગને
પુછતાં જાણ્યું

કોઈ હતો
પહેલા પણ ગાંધી....!!!

27.9.09

બિચારો આયનો
કેટલું સહેતો બિચારો આયનો
મૂક થઈ જોતો બિચારો આયનો
રૌદ્ર, રૂદન દુ:ખ અને શ્રુંગારનો
હમસફર રહેતો બિચારો આયનો
સાવ કડવું તે છતાં ખુલ્લુ કરી
સત્યને ધરતો બિચારો આયનો
કાયમી ક્યાં કોઈ વસતું ભીતરે
રોજ કરગરતો બિચારો આયનો
ઘા સહી પથ્થર તણો, દિલ પર, પછી
સો ગણું જીવતો બિચારો આયનો

23.9.09


ચાલો વ્હાલા બચપણ પાછું દત્તક લઈએ
ઢીંગલા ઢીંગલી થઈને બન્ને ગમ્મત કરીએ


દંભી ચહેરા ફોડી નાખી, ઉપર છલ્લા
ભીતર ભીની લાગણીઓને દસ્તક દઈએ


ઘડપણ વિત્યું, વહાલ વિનાનુ કોરે કોરૂં
વ્હાલા થઈને દાદાજીના, ખિલખિલ હસીએ


અમથું અમથું માળા જપ જપ કરવા કરતાં
ગિલ્લી દંડા, પાંચીકાની રમ્મત રમીએ


ગાડી , એસી, બંગલાઓના મુંઝારેથી
ખુલ્લ પગલે, ઠેસ લગાવી પાદર ફરીએ


વસિયતનામા, હુંડી , સઘળા ચેક મુકીને
પાટી ઉપર ધ્રુજતે હાથે મમ્મમ લખીએ..!!


ઘરડાં ઘરથી વાયા વૈંકુઠ દોડ લગાવી
પાપા પગલી કરવા જલદી પાછા વળીએ

20.9.09


આમ તો એ સાવ તુરી હોય છે
ઘુંટ પીધા બાદ, ’નુરી’ હોય છે


હાથની રેખા સતત લાગ્યા કરે,
કેમ જાણે કે અધુરી હોય છે...!!


સુખ વિષેના મુલ્ય જો સમજો નહીં
દર્દ ત્યારે, બસ જરૂરી હોય છે


છો અમાસી રાત હો, પુનમ તણી
યાદ પણ કેવી મધુરી હોય છે


તું પતંગા જેટલો અંગત ન બન
એ નિકટતામાં જ દુરી હોય છે

12.9.09

શબ્દના ભાથાના, જો કે તીર છે
હર ગઝલ મારી, અલગ તાસીર છે
દોસ્ત ડૂબકી મારશો તો જાણશો
કેટલા ઊંડા અમારાં નીર છે
આયનો સામી દિવાલે કંઈ નથી
પળ-પળે બદલાય જે, તસવીર છે
નફરતી નામાવલી શોભાવવી
આપણી તો એજ બસ તકદીર છે
કેમ જાણે લાગતું કે દુ:ખ બધાં
તું સતત પૂર્યા કરે એ ચીર છે
કો’ક કહેતું મીર શું માર્યો તમે
કો’ક એવું પણ કહે, તું મીર છે
બાવડાં ઉપર હતી શ્રધ્ધા અડગ
એજ મારા ઓલીયા, ને પીર છે
ના અનુભવ કબ્રનો અમને કદી
એટલે ચહેરો જરા ગંભીર છે

9.9.09

લાખોની સોગાદ મળી ગઈ
પાંપણ ભેળી સાંજ ઢળી ગઈ
વર્ષો વિત્યા, એજ વિચારૂં
પળમા ઇચ્છા આમ ફળી ગઈ??
યાદો તારી ઝળઝળીયામાં
મૃગજળ થઈ, સરેઆમ ભળી ગઈ
પરવાનાની સંગે સઘળી
શમ્મા, તારી વાત બળી ગઈ
માટી ઘેલો સાવ હતો, એ
દુનિયા આખી, આજ કળી ગઈ !!

4.9.09

તમારા નૈન હું વાંચી ચુક્યો છું
નર્યા ઊંડાણને માપી ચુક્યો છું

સુરીલા ટેરવે, અધરોની સંગે
સફર હું વાંસની કાપી ચુક્યો છું

વ્યવસ્થા દ્રૌપદીની કર હવે તું
શકુની ખેલમાં માગી ચુક્યો છું

હવે સાંકળ ચડાવો કે નકુચા
તમારે ઉંબરે આંબી ચુક્યો છું

લગાડી સ્વાર્થનો ’સ્વ’ નામ આગળ
સ્વયં હું મોક્ષને સાધી ચુક્યો છું

22.8.09


ગુલાબી ગાલની મોસમ
હજુ છલકે, તમારા સમ

ઝખમ, તારીજ યાદો દે
લગાવે એજ બસ મરહમ

અરીસો કઈ રીતે તોડું
પ્રતિબિંબો જ છે હમદમ

પિછાણું ક્યાં તૃષાને હું ?
અમે પીતા રહ્યા હરદમ

અમારા અસ્તને ગણજો
નવા અજવાસનો ઉદગમ

15.8.09

સ્વાહા તંત્ર દિવસે
શ્રી કૃષ્ણને સુદામાનો
સંદેશ...
એવા અમે સાવ સુદામા
તારે ઘેર નાખવા ધામા
તાંદુલ, પોટલી, લાકડી, પોતડી, એવું હવે કાંઈ નહીં
માખણ મિસરી, દૂધ ખોવાણાં, છાશ મળે, ના દહીં
પિઝા બરગરની વાતુ
મારે કેમ બાંધવું ભાતુ
ફોન કર્યાં તને કેટલાં, વાંહે કર્યા ઈ-મેઈલુ લાટ
કાગળ પત્તર હમજ્યાં, જોતો મિસ કોલુની વાટ
હવે તારે ફંદાઉ ઝાઝા
મેલી મુઆ ટીવીએ માઝા
તારી પાહેં નથી ટાઈમ, ને મારી વાંહે વધે ના કોડી
ઉછળે નહીં એવા ચેકુ મોકલજે, લેશું બાકીનું ફોડી
નથી મારે જોઈતી નોટુ
વળી જોવું સાચું કે ખોટું
સાંઈઠ વરહનાં વાણાઉ વિત્યાં, તોય ઉભા અમે આ
મેરા ભારત મહાન છે એવું ક્યાં લગ ગાણું ગા
આવકારો ખપે ના સહેજે
’સુદામા’ને જાકારો દેજે
’સુદામા’ને જાકારો દેજે

14.8.09


પાંદડાઓ પ્રાસ, ને હર ડાળખીઓ કાફીયા
વૃક્ષને કોણે અછંદાસી કુહાડે કાપીયા ??

ના કરૂં સહેજે ભરોસો દોસ્ત તારો, આમ પણ
ક્યાં જગ્યા પીઠે રહી, ખંજર બધાંયે મારીયા

શબ્દથી જે ના થયું એ મૌનથી હાંસિલ કર્યું
કાચબાએ લો, ફરી સસલાઓને હંફાવીયા

છે અમાસી રાત, ને કાળી ઘટાનો કાયદો
આગીયે બળવો કરી અંધારને અજવાળીયા

રાહ તારી જીંદગી આખી અમે જોયા કરી
છેવટે શેઢે અમે ઉભા છીએ થઈ પાળીયા

13.8.09


આજ મને સમજાયું, દે તાલ્લી
કોઈ પણે શરમાયું, દે તાલ્લી

સહેજ તને દીઠી, ને શૈષવ પણ
ક્યાંક જુઓ સંતાયું, દે તાલ્લી

કાલ મને સપનુ જે આવ્યું’તું
આંખ મહીં અંજાયું, દે તાલ્લી

સંગ હતાં આપણે તો કાંટાની
ફુલ ભલે કરમાયું, દે તાલ્લી

લાવ ગળે રાખું હું શિવજી થઈ
એમ કહી પિવાયું, દે તાલ્લી..!!

ફુટ પડી જીવતરની પાટીમાં
નામ પછી ભુંસાયું, દે તાલ્લી

પરવાનાના ખુન તણો પરવાનો લીધો
શમ્મા, તેં પણ સોદો ખુબ મજાનો કીધો

કોમળ કાયા, અમે આટલી ધારી નહોતી
હડસેલો મેં અમથો સહેજ હવાનો દીધો

વ્હિસ્કી, બ્રાંડી, સ્કોચ, વોડકા રમ ના પીધાં
આજે તો બસ, એનો યાર નઝારો પીધો

પંડીત, મૌલા, ગિરીજા, ઉભા ગલી ગલીએ
મયખાનાનો રસ્તો કોઈ બતાવો સીધો

આંગળીએથી...કાંડે...., અંતે ખભ્ભે પૂગ્યો
આગળ અમને જાવા કો’ક સહારો ચીંધો

4.8.09


ક્ષણને વાવો, ઘટના ઉગશે
શમણાથી ડાળીઓ ઝુકશે


અક્ષર ઢાઈ શીખ્યો આજે
પહેલો કાગળ તમને પુગશે


ચપટી તાંદુલ આપી તો જો
સંબંધોની ભ્રમણા તુટશે


છળ-છલતાં મેં પીધાં એવા
રણનાં સઘળાં મૃગજળ ખુટશે


ભરચક્ક જીવજો, કોણે જાણ્યું
કોનો, ક્યારે નાતો છુટશે


માળા કેરા મણકા આપણ
સહેજે ખસતાં, બિજો ઉભશે

1.8.09

આમ તો અંધાર, કાયમ સંચરે
મુખવટો અજવાસનો દિવસે ધરે

પુષ્પની કાળી વ્યથા કેવી હશે ?
ઓસથી આંખો પરોઢે ઊભરે

અંચળો ઓઢી ’અવાચક’ નામનો
શબ્દ આજે મૌનને પણ છેતરે

ના જરૂરી સ્યાહી કે કિત્તો હવે
ટેરવેથી લાગણીઓ નિતરે

જીંદગીનું આંગણું તલસે મને
ને ઉભો’તો હું કબરને ઉંબરે

25.7.09

દિવાસળી ના ઘરમાં
થૈ આગિયો વિહર માં

છે મૌન ની સમાધિ
શબ્દો તણાં નગરમાં

મારાજ પગ પરસ્પર
ક્યાં ઓળખે સફરમાં

ચૂમીને બંધ આંખે
ખુલી જતો અધરમાં

જે ખાનગી ને અંગત
છે ચોતરફ ખબરમાં

મારી, છતાં ન જાણું
શું શું હશે કબરમાં