30.7.11

હળાહળ મૌન રાખ્યું મેં ગળે
મધુરા શબ્દ ક્યાંથી નીકળે

પ્રતિબિંબોયે સુધ્ધાં ના કળે
અરિસો એમ હળવેથી છળે

નગર નામે હવે એકાંતમાં
અબોલા બસ અમોને સાંકળે

હવે પડઘા બધે વેંચાય છે
પછી આ સાદનુયે શું મળે

અમસ્તી ચાલને ટોક્યા કરો
પ્રથમ ઈચ્છા, પછી ડગલું વળે

27.7.11

હજી રાત માઝમ ઘણી છે, ઓ સાકી
જરા જેટલો રાખજે જામ બાકી

નથી હું થયો તરબતર એ અદાએ
ને અંગડાઈ તારી હજીએ ન થાકી

મહાભારતે મૈકદાના, છું અર્જુન
નજરથી અમે આંખ તારી જ તાકી

લઈ હાથમાં એક પ્યાલી, હું ચાતક
હવે સહેજ કરજે સુરાહીને વાંકી

હતી ના કોઈ આબરૂ, કે ન ઇજ્જત
અમસ્તી તેં પથ્થર ને ફુલોથી ઢાંકી

26.7.11

હવે ભીંત પરથી આ ચિત્રો ઉતારો
પસીનો વળ્યો જે દિવાલે નિતારો

ન હરગીઝ ધરા પરનો સુરજ ઢળેલો,
કરી સર બુલંદી, થજે તું સિતારો

હવે કંઈક સાકી સમુ કર , ખુદા તું
નથી મસ્જીદે જોઈ લાંબી કતારો

દિસે મોહ માયાનું બ્રહ્માંડ આખું
ભલે હાથમાં તેં લીધો એક-તારો
હથેળીના રણમાં છે રેખાઓ મૃગજળ
કહે લોક એને જ પાણી ને અંજળ

સફળતાના શિખરની સીડીનું પહેલું
પગથીયું તળેટીએ છે, નામ નિષ્ફળ

લચ્યાં વૃક્ષ ઘટનાનાં અમથાં નથી કંઈ
અમે જીંદગીની ઉઝેરી’તી હર પળ

નથી હક મને પથ્થરો ફેંકવાનો
અરિસે શીખ્યો છું, જીવનના હરેક છળ

23.7.11

બાણશૈયા મખમલી લાગે હવે
મોર પિછું ત્યારથી વાગે હવે

જીંદગી મારું રહ્યું સપનુ ફકત
જીવવાને, શું ભલા જાગે હવે

ઝાંઝવા તો ઝાંઝવા, પીવા રહ્યા
પથ્થરો નાખી દીધા કાગે હવે

ગીત મારી વેદનાના, કોઈ થી
ના ગવાતા કોઈ પણ રાગે હવે

જે હતાં બાકી, અમારી જીંદગી,
એ ચિતાનું નામ લઈ, દાગે હવે

શું બુકાની, મોતની, પાછળ હશે
જે હશે પડશે ખબર આગે હવે

19.7.11

સમય પત્રકે હસતો માણસ
પછી ભીતરે રડતો માણસ

સતત જીવતો એકલ પંડે
છતાં ભીડમાં વસતો માણસ

છતી કૂકરીએ પોતાની
રમત બીજાની રમતો માણસ

નરી તાજગી જીવવા મથતો
ધરી બેબસી, સડતો માણસ

હવે દોસ્ત ને દુશ્મન કેરી
હવા માત્રથી ડરતો માણસ

6.7.11

मेरी कश्ति, तेरे साहिलपे लगाउं कैसे
जो शमा ही ना जली हो, वो बुझाउं कैसे

मेरे किस्से, मेरे चर्चे तो सुनाइ देंगे
जो हकिक़्त ही नही हो, वो सुनाउं कैसे

झुक गई आंख, क़मरभी तेरे दर तक़ आते
ईससे बढकर मेरे सर को में झुकाउं कैसे

जो भी ग़म थे, सभी अपनोसे मिले है यारो
कोइ क़तरा, किसी गैरोको पिलाउं कैसे

बेखबर हम है, वफा चीज़ है क्या, ना जानु
जिसकी फितरत ही नही उसको जताउं कैसे

5.7.11

દિવસે ઊષા, સાંજે સંધ્યા, કેવું રે..!!
સુરજ પાસેથી પણ શીખવા જેવું રે...!!!!

મુશળધારે લાગણીઓ વરસાવીને
ઝળઝળીએ ટપકે, પાંપણનું નેવું રે

હલ્લેસા દે, નહીંતો શઢમાં હામી દે
મધદરિયે શું હાલક ડોલક રહેવું રે

તારી યાદોને ખંડેરે આજે પણ
ઈચ્છા નામે ફડફડતું પારેવું રે

અંતે મયખાને જઈ પ્યાલી ભરવી રહી
સજ્જનતાનું મહેણું ક્યાં લગ સહેવું રે

30.6.11

બે - હિસાબી ગઝલ

લોન લીધી શ્વાસોની મનવા
વ્યાજ સહિત મુંઝારો ભરવા

ભાવ વધે, પડછાયા માફક
સાંજ પડે દોઢા ચુકવવા

શેર ખરીદ્યા સંબંધોના
ચડ-ઉતરમાં કેમ નિભવવા

રેડ પડી સંતોની એવી
પૂણ્ય પરાણે આજ કઢવવા

ફિક્સ કઢાવી ઉભવાની મેં
ચાર ગણી થઈ મળશે સુવા

21.6.11

ગર આખું અમારી જાતની ફરતે વળ્યું ટોળે
ખબર નહીં, શુન્ય જેવા હું પણામાં શું બધાં ખોળે ?

પણે એ શખ્સ ચારાગર સરીખો ક્યારનો બેઠો
મઝા લેવા, બધાના દર્દો ગમને, જામમાં ઘોળે

જરૂરી લેશ ના, જોવા જવું ઉંડાણ મધદરિયે
અનુભૂતિજ કાફી છે કિનારે, લહેરની છોળે

હથેળીમાં જ સંજોગો, ને શબ્દો ટેરવે ફુટ્યાં
હવે શું ખાખ શાહીમાં, ગઝલ લખવા કલમ બોળે

વિંચી છે આંખ જીવનની સમી સાંજે અમે એવી
હવે તો જાગવું છે ગર ખુદાઈ અમને ઢંઢોળે

20.6.11

વિસ્મરણની રાહ પર ચાલ્યા અમે
હર મુકામે યાદ બહુ આવ્યા તમે

અશ્રુએ જઝબાતના દરિયા ભર્યા
પાંપણો, એ ભારને ક્યાંથી ખમે

ખોલવા જેવું નથી તારી કને
બંધ બાજી ક્યાં સુધી અમથો રમે

"લાગણીઓ આપની નાખો અહીં"
દાન પેટી જોઈ મેં વૃધ્ધાશ્રમે

’ઈવ’ના આક્રોશનું કારણ જડ્યું
’મા કસમ’ કીધું હશે બસ આદમે..!!

18.6.11

ઉપર વાળાની તથા આપ સહુની
શુભકામના સાથે આજે હું મારા બ્લોગ
ઉપર મારી સ્વરચિત ૬૦૦ મી રચના
મુકી રહ્યો છું......અને તે અંગે હું ફરી
પાછી મારી આગવી રીતે આપ સહુનો
અને પ્રભુનો પાડ માનુ છું.....
.

એ ખુદા તારી, કલમ પર, મહેરબાની છે ઘણી
કાચ પર જાણે તરાશે, ગુલબદન, હીરા કણી

સોચની બૌછાર કર તું, શબ્દ હું વાવ્યા કરૂં
ને અમારા મન મહી ઉગ્યા કરે છે લાગણી

દાદના દુકાળમાં, તું મૃગજળો દેખાડતો
છે હરણ ને પ્યાસ જેવી ભાઈબંધી આપણી

ટેરવે ગંગા વહે, તે ખળભળી કાગળ ઉપર,
લોક સાગરમાં ભળે, એવું કરો મારા ધણી

ઘર વસાવ્યું, મિત્રતાના શહેરમાં, નામે ગઝલ
આપના ઉત્સાહની ઈંટે દિવાલોને ચણી

શ્વાસ લેવો, ને ગઝલ લખવી, હવે પર્યાય છે
જીંદગી મત્લા, ને લીધું મોતને મક્તા ગ
ણી

17.6.11

શ્વાસ લેવો એ જ મારી છે રસમ
ને રિવાજે, આપની યાદી સનમ

આગમન ખુદ રાહ જોતું આપની
ના પડે પગરવ આ કાને, બેરહમ

રાત રાણી તું, અને ઝાકળ અમે
ત્યાંય પણ નડતાં હશે મારા કરમ

મૌનના પડઘા હવે વાગે સતત
કોઈ તો શબ્દો તણા લાવો મલમ

એક સાલું મૈકદા, બીજી કબર
દેખશો ના કોઈના વળતાં કદમ

16.6.11

આયને પ્રતિબિંબ જો થાવા મળે
કો’ક દિ છળ પણ અનુભવવા મળે

જ્યાં ખુદા ખુદ હો ખરેખર રૂબરૂ
કોઈ પથ્થર, કાશ કરગરવા મળે

સ્પર્શ સાકીનો ભળે, આસવ રૂપે
જામ હાથો હાથ એ ભરવા મળે

વણફળી ઈચ્છા લઈ ઉભી રહે
ને મને, "તારો" બની ખરવા મળે

પહાડ છું, મંજુર છે બનવું કણું
ઝળઝળ્યા તારે નયન તરવા મળે

15.6.11

તમારા નામનો આ જામ છે
વિરહની પ્યાસનો અંજામ છે

કરૂં હું રિંદગી કે બંદગી
જરા પુછ્યાનો બસ ઈલ્ઝામ છે

સમયની રેતનુ મૃગજળ પીવું
ઉપરથી હાથ તુટ્યું ઠામ છે

અમારૂં નામ જે પણ હોય તે
વિશેષણ કાયમી બદનામ છે

પછી તું કોસજે સાકી મને
નજર પાછળ કરો, ઈમામ છે

12.6.11

સમજી ગયો છું શબ્દ વિગતવાર, 'વેદ-ના'
સારાંશ એ, કે દોસ્ત બની જાવ ખેદના

હું આઠમો છું સુર અલૌકિક રીતે બજું
ઉઘડે તરત કમાડ તરન્નુમની કેદના

આલ્લાદિની ચિરાગ મળી જાય ગોકુળે
માંગી લઉં હું સ્પર્શ, વાંસળીના છેદનાં

જાણ્યુ કે મિલાવટ હતી એમા બધાયની
સઘળા થયા છે રંગ અદેખા સફેદના

આપ્યું છે લુછવાને કફન, માનવી તને
જીવન મરણના ભુંસ ભરમ, સર્વ ભેદના

11.6.11

શ્રધ્ધાની ડાળીએ સંશય ઉગ્યું છે
માણસનુ મનડુંયે ક્યાં ક્યાં પુગ્યું છે

અફવાના હડસેલે ખસકેલું નળીયુ
ચર્ચાના ચગડોળે કેવું ચગ્યું છે

રિંદોની ઝિંદાદિલી દેખ બંદે
મયખાને કોઈ હજી ના રગ્યું છે

રેતીની સામે લીધેલું વલણ મેં
મૃગજળના બહાને, તસુ ના ડગ્યું છે

હિમ્મત જુઓ, ચંદ રેખાએ આખું
ખુલ્લી હથેળીએ, જીવતર ઠગ્યું છે

10.6.11

પ્રતિબિંબ નામે નગર આ સ્થળે છે
છતાં શખ્સ સામા અજાણ્યા મળે છે

ખબર છે જવું ત્યાં નિરર્થક છે કિંતુ
અકારણ ચરણ એ ગલીમાં વળે છે

પતંગા પ્રતિ થઈ કઠણ, મીણબત્તી
પરિતાપ રૂપે પછી પીગળે છે

અમે પણ પયંબરના વંશજ હતાં, પણ
હવે મયનું અંબર સદા ઝળહળે છે

હરેક વૃધ્ધને મોત આવે છે, મતલબ
બધાની ખુદા બંદગી સાંભળે છે

9.6.11

પાંપણોમાં કેટલુંયે સાચવ્યું છે
ને પછી શમણાંમા સઘળું સળવળ્યું છે

લાગણીમાં ટેરવા મારા ઝબોળ્યાં
એ, લખેલી હર ગઝલમાં નીતર્યું છે

આંગણું ઉંબર વટે ના, એટલે તો
ડેલીએ ષડયંત્ર સાંકળનુ રચ્યું છે

હું અને મારા જ ખુદ પ્રતિબિંબ વચ્ચે
કોણ જાણે પારદર્શક શું નડ્યું છે

સાવ અણધાર્યો અડ્યો પાલવ અજાણ્યો
તોયે અમને લાગતું, અંગત અડ્યું છે

7.6.11

कोई है शिक़वा, कोई गिला है
हमे चाहीये था, वो सब कुछ मिला है

जलुं में पिघलकर, में जल जल के पिघलुं
दिया, किस तरहका ख़ुदा ये सिला है

उठाओं ना उंगली, मेरी शोहरतों पे
हमीसे तो बदनाम ये क़ाफिला है

शमा बुझ गई, रात ढलनेसे पहेले
पतंगा, सुना है, बडा बर्फिला है

सम्हलता था जीसकी बदौलत, नशेमें
खुदा मेरे अंदरका कुछ कुछ हिला है

बहुत कब्र पर रात भर कोई रोया
क़डी धूपमें भी समा ये गीला है