27.8.11

अब एक ही तमन्ना
कि मर न जाए अन्ना

मीठी छुरी सजाई
लाठी है उसकी गन्ना

बरसोंसे की लिखाई
ये आखरी है पन्ना

क्युं ग़ुम हुए सितारे
दिखता न खान-खन्ना

बेचें न देश कोई
रहेना है अब चौकन्ना

17.8.11

"અણ્ણાષ્ટમી પર્વ"

અનશની ચક્રને આંગળી પર ધરી
તેં પ્રતિગ્યા લીધી દ્વંસની આકરી

ઊંચકે ભ્રષ્ટના પહાડને અંગુલિ
ને અસર કંસને થઈ જતી પાધરી

કાળીયા નાગને કોઈ જાણે નહીં
ગોપ-ગોવાળીએ આંધળી આદરી

સંત, નેતા, ગુરૂ, પક્ષના મોવડી
એક પણ સખ્શએ તક ન જાતી કરી

આમ માનવ ખુણે, રાહ જોતો ઉભો
કાશ મળશે હવે દૂધને ભાખરી

જ્યાં સુધીમાં તમે જાગશો ત્યાં સુધી
દેશ આખો જશે "લોક" આ કાતરી

14.8.11

અમે નીકળી પડ્યાં, રસ્તા ઉપર લઈને ચરણ
અમારે પુછવાનું ક્યાં કોઈ છે આવરણ

ભલે પહોંચી શક્યા મંઝિલ સુધી ના કોઈ દિ’
પરમને પામવા દોડ્યા, અમે એવા હરણ

બધા સંજોગની રેખાઓ કાજે મેં જુઓ
હથેળી નામનું કેવું બિછાવ્યું પાગરણ

ઘુઘવતા સાગરે કાયમ વમળમાં રાચતાં
કદી જીવી જુઓ થઈને સતત વહેતું ઝરણ

મરેલા માનવી માફક જીવેલા આપણે
હતી બસ આખરી ઈચ્છા કે જીવવું છે મરણ
અમને જીત્યાનો રંજ છે
આ લાગણી શતરંજ છે

જો મૌન નો તણખો ખરે
વાણી દરભનો ગંજ છે

શબ્દો કલમને દિવડે
પ્રગટ્યા કરે એ પૂંજ છે

ખંજન તમારા, મા કસમ
વૃંદાવનોની કુંજ છે

જીવતર કદાપિ ના, ભલા
મૃત્યુ સદા ચિંરંજ છે

7.8.11

શ્વાસ ને ઉચ્છવાસ સાથે સાંકળ્યો ઈશ્વર તને
પંખીઓના નાદમાં મેં સાંભળ્યો ઈશ્વર તને

આમ તો પથ્થર જગતમાં કેટલા જોયા અમે
સહેજ શ્રધ્ધા આંજતા સાથે, કળ્યો ઈશ્વર તને

બંદગી,માળા, વજુ, તિલક ધજા ને હજ થકી
કેટલી નોખી રીતે સહુએ છળ્યો ઈશ્વર તને

આજ માથુ મસ્જીદે શાથી ઝુક્યું, કોને ખબર
જામ પીધો જે અધુરો, એ ફળ્યો ઈશ્વર તને

હો ભલે દાતા, જગતનો તાત, શક્તિમાન તું
પણ દરજ્જો માનવીઓથી મળ્યો ઈશ્વર તને

5.8.11

આયનો તુટ્યો તિમિરનો, સુર્યના એક વાર થી
સેંકડો કરચો ઉડી, પડછાયા થઈને ત્યારથી

લાગણીનો રથ લઈ, સંબંધના કુરૂક્ષેત્રમાં
કંઈ ઘવાશે દિલ, અગર હો કૃષ્ણ જેવો સારથિ

પાંપણો ઢળતી, શું અશ્રુ એવા ભારેખમ હતાં ?
પુષ્પ ના ઝુક્યા કદીએ ઝાકળોનાં ભારથી..!!

જે નમાજે ના ઝુક્યા હરગીઝ ભલા સાકી, ઝુકે
એક બસ તારે ઈશારે, ભલભલાઓ મ્હારથી

જીંદગીમાં લઈ બધું લેવાની આદત ગઈ નહીં
મોત પણ ખુદનું કરી પોઢી ગયો’તો સ્વાર્થી

1.8.11

નગર...આજે

નગર આખું ઓકે, ધૂમાડો ધૂમાડો
જલે કેટલા દિલ, ગણતરી તો માંડો

સબંધોનાં દ્વારો છે જડબેસલાકે
હવે કોઈ બારી અમસ્તી ઉઘાડો

સમયને લઈ શ્વાસમાં, હાંફતો એ
વિસામા સમુ કોઈ એને સુઝાડો

રગેરગમાં બેજાન, જીવતો આ માણસ
જરા લાગણીઓનો આસવ પિવાડો

અહીં એક માનવ અભાગી સુતો છે
મઝારે હરેક એવી તકતી લગાડો

30.7.11

હળાહળ મૌન રાખ્યું મેં ગળે
મધુરા શબ્દ ક્યાંથી નીકળે

પ્રતિબિંબોયે સુધ્ધાં ના કળે
અરિસો એમ હળવેથી છળે

નગર નામે હવે એકાંતમાં
અબોલા બસ અમોને સાંકળે

હવે પડઘા બધે વેંચાય છે
પછી આ સાદનુયે શું મળે

અમસ્તી ચાલને ટોક્યા કરો
પ્રથમ ઈચ્છા, પછી ડગલું વળે

27.7.11

હજી રાત માઝમ ઘણી છે, ઓ સાકી
જરા જેટલો રાખજે જામ બાકી

નથી હું થયો તરબતર એ અદાએ
ને અંગડાઈ તારી હજીએ ન થાકી

મહાભારતે મૈકદાના, છું અર્જુન
નજરથી અમે આંખ તારી જ તાકી

લઈ હાથમાં એક પ્યાલી, હું ચાતક
હવે સહેજ કરજે સુરાહીને વાંકી

હતી ના કોઈ આબરૂ, કે ન ઇજ્જત
અમસ્તી તેં પથ્થર ને ફુલોથી ઢાંકી

26.7.11

હવે ભીંત પરથી આ ચિત્રો ઉતારો
પસીનો વળ્યો જે દિવાલે નિતારો

ન હરગીઝ ધરા પરનો સુરજ ઢળેલો,
કરી સર બુલંદી, થજે તું સિતારો

હવે કંઈક સાકી સમુ કર , ખુદા તું
નથી મસ્જીદે જોઈ લાંબી કતારો

દિસે મોહ માયાનું બ્રહ્માંડ આખું
ભલે હાથમાં તેં લીધો એક-તારો
હથેળીના રણમાં છે રેખાઓ મૃગજળ
કહે લોક એને જ પાણી ને અંજળ

સફળતાના શિખરની સીડીનું પહેલું
પગથીયું તળેટીએ છે, નામ નિષ્ફળ

લચ્યાં વૃક્ષ ઘટનાનાં અમથાં નથી કંઈ
અમે જીંદગીની ઉઝેરી’તી હર પળ

નથી હક મને પથ્થરો ફેંકવાનો
અરિસે શીખ્યો છું, જીવનના હરેક છળ

23.7.11

બાણશૈયા મખમલી લાગે હવે
મોર પિછું ત્યારથી વાગે હવે

જીંદગી મારું રહ્યું સપનુ ફકત
જીવવાને, શું ભલા જાગે હવે

ઝાંઝવા તો ઝાંઝવા, પીવા રહ્યા
પથ્થરો નાખી દીધા કાગે હવે

ગીત મારી વેદનાના, કોઈ થી
ના ગવાતા કોઈ પણ રાગે હવે

જે હતાં બાકી, અમારી જીંદગી,
એ ચિતાનું નામ લઈ, દાગે હવે

શું બુકાની, મોતની, પાછળ હશે
જે હશે પડશે ખબર આગે હવે

19.7.11

સમય પત્રકે હસતો માણસ
પછી ભીતરે રડતો માણસ

સતત જીવતો એકલ પંડે
છતાં ભીડમાં વસતો માણસ

છતી કૂકરીએ પોતાની
રમત બીજાની રમતો માણસ

નરી તાજગી જીવવા મથતો
ધરી બેબસી, સડતો માણસ

હવે દોસ્ત ને દુશ્મન કેરી
હવા માત્રથી ડરતો માણસ

6.7.11

मेरी कश्ति, तेरे साहिलपे लगाउं कैसे
जो शमा ही ना जली हो, वो बुझाउं कैसे

मेरे किस्से, मेरे चर्चे तो सुनाइ देंगे
जो हकिक़्त ही नही हो, वो सुनाउं कैसे

झुक गई आंख, क़मरभी तेरे दर तक़ आते
ईससे बढकर मेरे सर को में झुकाउं कैसे

जो भी ग़म थे, सभी अपनोसे मिले है यारो
कोइ क़तरा, किसी गैरोको पिलाउं कैसे

बेखबर हम है, वफा चीज़ है क्या, ना जानु
जिसकी फितरत ही नही उसको जताउं कैसे

5.7.11

દિવસે ઊષા, સાંજે સંધ્યા, કેવું રે..!!
સુરજ પાસેથી પણ શીખવા જેવું રે...!!!!

મુશળધારે લાગણીઓ વરસાવીને
ઝળઝળીએ ટપકે, પાંપણનું નેવું રે

હલ્લેસા દે, નહીંતો શઢમાં હામી દે
મધદરિયે શું હાલક ડોલક રહેવું રે

તારી યાદોને ખંડેરે આજે પણ
ઈચ્છા નામે ફડફડતું પારેવું રે

અંતે મયખાને જઈ પ્યાલી ભરવી રહી
સજ્જનતાનું મહેણું ક્યાં લગ સહેવું રે

30.6.11

બે - હિસાબી ગઝલ

લોન લીધી શ્વાસોની મનવા
વ્યાજ સહિત મુંઝારો ભરવા

ભાવ વધે, પડછાયા માફક
સાંજ પડે દોઢા ચુકવવા

શેર ખરીદ્યા સંબંધોના
ચડ-ઉતરમાં કેમ નિભવવા

રેડ પડી સંતોની એવી
પૂણ્ય પરાણે આજ કઢવવા

ફિક્સ કઢાવી ઉભવાની મેં
ચાર ગણી થઈ મળશે સુવા

21.6.11

નગર આખું અમારી જાતની ફરતે વળ્યું ટોળે
ખબર નહીં, શુન્ય જેવા હું પણામાં શું બધાં ખોળે ?

પણે એ શખ્સ ચારાગર સરીખો ક્યારનો બેઠો
મઝા લેવા, બધાના દર્દો ગમને, જામમાં ઘોળે

જરૂરી લેશ ના, જોવા જવું ઉંડાણ મધદરિયે
અનુભૂતિજ કાફી છે કિનારે, લહેરની છોળે

હથેળીમાં જ સંજોગો, ને શબ્દો ટેરવે ફુટ્યાં
હવે શું ખાખ શાહીમાં, ગઝલ લખવા કલમ બોળે

વિંચી છે આંખ જીવનની સમી સાંજે અમે એવી
હવે તો જાગવું છે ગર ખુદાઈ અમને ઢંઢોળે

20.6.11

વિસ્મરણની રાહ પર ચાલ્યા અમે
હર મુકામે યાદ બહુ આવ્યા તમે

અશ્રુએ જઝબાતના દરિયા ભર્યા
પાંપણો, એ ભારને ક્યાંથી ખમે

ખોલવા જેવું નથી તારી કને
બંધ બાજી ક્યાં સુધી અમથો રમે

"લાગણીઓ આપની નાખો અહીં"
દાન પેટી જોઈ મેં વૃધ્ધાશ્રમે

’ઈવ’ના આક્રોશનું કારણ જડ્યું
’મા કસમ’ કીધું હશે બસ આદમે..!!

18.6.11

ઉપર વાળાની તથા આપ સહુની
શુભકામના સાથે આજે હું મારા બ્લોગ
ઉપર મારી સ્વરચિત ૬૦૦ મી રચના
મુકી રહ્યો છું......અને તે અંગે હું ફરી
પાછી મારી આગવી રીતે આપ સહુનો
અને પ્રભુનો પાડ માનુ છું.....
.

એ ખુદા તારી, કલમ પર, મહેરબાની છે ઘણી
કાચ પર જાણે તરાશે, ગુલબદન, હીરા કણી

સોચની બૌછાર કર તું, શબ્દ હું વાવ્યા કરૂં
ને અમારા મન મહી ઉગ્યા કરે છે લાગણી

દાદના દુકાળમાં, તું મૃગજળો દેખાડતો
છે હરણ ને પ્યાસ જેવી ભાઈબંધી આપણી

ટેરવે ગંગા વહે, તે ખળભળી કાગળ ઉપર,
લોક સાગરમાં ભળે, એવું કરો મારા ધણી

ઘર વસાવ્યું, મિત્રતાના શહેરમાં, નામે ગઝલ
આપના ઉત્સાહની ઈંટે દિવાલોને ચણી

શ્વાસ લેવો, ને ગઝલ લખવી, હવે પર્યાય છે
જીંદગી મત્લા, ને લીધું મોતને મક્તા ગ
ણી

17.6.11

શ્વાસ લેવો એ જ મારી છે રસમ
ને રિવાજે, આપની યાદી સનમ

આગમન ખુદ રાહ જોતું આપની
ના પડે પગરવ આ કાને, બેરહમ

રાત રાણી તું, અને ઝાકળ અમે
ત્યાંય પણ નડતાં હશે મારા કરમ

મૌનના પડઘા હવે વાગે સતત
કોઈ તો શબ્દો તણા લાવો મલમ

એક સાલું મૈકદા, બીજી કબર
દેખશો ના કોઈના વળતાં કદમ