30.6.12

ક્યાં લગ રૂઠ્યા રહેશો મેઘા, ક્યાં લગ રૂઠ્યા રહેશો 
તડકાને વડવાયુ ફૂટી, ક્યાં લગ કુંઠયા રહેશો 

 પોર તમે પરદેશ વીયા ગ્યા, વાટ અમે સૌ જોતા 
 સાત સમંદર પારની સોબત વાંહે વ્હાલપ ખોતા 
વરસોની છે આપ સગાઇ, તોયે વંઠયા રહેશો ? 

 ચાતક દેખે તીર નજરથી, મોર કળા વિસરાતો 
પાદર, શેઢા, ઢોર, ઢખારા, ઝંખે સૌ મોલાતો 
સમજાવું ચોપાસ દિશાને શેં ઉત્કંઠયા રહેશો

 મંદિરમાં ખોળો પથરાતો, મસ્જીદમાં ચાદરને 
ગુંગળાવો કાં તાત થઈને સુક્કી આ માદરને
 ઉખળો અનરાધાર ખુલી, નક્કામાં ગંઠયા રહેશો..!!??
વ્યથાઓનુ મંથન કરી, જે મળે
ધરી લઉં એ ડૂમા, અમારે ગળે

અમે મૌનમાં જે ગૂઢાર્થો કહ્યા
પવન પણ ઉભો રહી જરા સાંભળે

ખબર છે, નથી અન્ન કે જળ અહીં
છતાં રણમાં રોકી દીધો અંજળે

ફરેબી પહોંચ માનવીની જુઓ
હવે આયનાથીયે ઝાઝું છળે

હતી મોત મજબુત એવી કડી
 ખુદાને અને, એ મને સાંકળે

29.6.12

શોધવા જાશો અગર એકાંતને
ભીડના, હર શખ્સમાં મળશે તને

બેવફાઈ, ઘાવ, દર્દો ગમ, તમે
એ જ દીધું, જે હતું મારી કને

તું કહે નફરત, અમે કહેતા હતાં
લાગણી ટૂંકી પડી થોડી, પને

નામ શિલાલેખ બસ આપી દીધું
જ્યાં ન એ પહોંચી શક્યા’તા હાર્દને

આજ પડઘો મૌનમાં ભુલો પડ્યો,
મૌન ક્યાં પિછાણતુ’તું  શબ્દને..??

26.6.12

પ્રથમ કંટકે એના ટશિયાઓ ચાખ્યા 
પછી બોર શબરીએ ચાખીને રાખ્યા 

 હજી સ્વપ્ન પાંખે સવારી કરી ત્યાં 
તમે બેય પાંપણ તણા દ્વાર વાખ્યા 

 બુઝેલી શમાના નીકળતે ધુમાડે 
પતંગાના આછા નિસાસાને ઝાંખ્યા

 હથેળીની રેખા અગનપથ ગણી'તી 
નથી ખોતરી ખોતરી લેખ ભાખ્યા 

વફા, બેવફાઈ, સગા ને સબંધી 
અમે કેટલા કેટલા ઘાવ સાંખ્યા

18.6.12

તને સ્પર્શ્યો, ને જાગ્યા રૂંવાટા
જાણે પહેલા વરસાદ તણા છાંટા

અમે મુઠ્ઠીમાં સાચવીને બેઠા
નર્યા આપણા નસીબ કેરા ફાંટા

હજી વાવ્યું જ્યાં મૌનનુ બિયારણ
ઉગી નીકળ્યા’તાં ઘેઘૂર સન્નાટા

જરા ટશીયાનું નામઠામ પુછ્યું
તરત દઈ દે સૌ સરનામુ, "કાંટા"

બધાં શ્વાસોની સાંકળને ખેંચી
વળી બદલાવે જીવતરના પાટા

15.6.12

મુઠ્ઠીઓમાં ખોખલી રેખા હતી
આવ જા તકદીરની કોઈ ક્યાં થતી ?

કોયલે માળો કર્યો’તો ત્યારથી
કેરીઓ ડાળીએ વહેલી પાકતી..!!

મસ્ત્યની આંખોમાં એવું શું હશે
તીરની હર નોક એને તાકતી

મૃગજળો હૈયું જલાવે, ને પછી
હાંફણી, એને હવાઓ નાખતી

હુંફ જે નહોતી મળી, પામી શક્યો
રાખ પણ કેવી રખાવટ રાખતી..!!

14.6.12

વિરહીની ગીત....
શમણાના સોગન લઈ નીંદરડી માગી પણ થઈ વેરણ થઈ મારી સૌ રાત
ઝુરવાનુ આખો દિ’ હસતે મોઢે, કે મીણબત્તીશી મારી  હો જાત.....
સખી.મારે કરવાની કોને આ વાત

આંખ્યુના પાદરમાં પ્રિત્યુને વાવી, ને હેત્યુના પાયા’તા પાણ
ચોરે ને ચૌટે સૌ પૂછ્યા કરે કે અલી કેદિ’ આ લણવી મોલાત
સખી.મારે કરવાની કોને આ વાત

ફાગણ, વસંત, પછી કાયા પર ઝરમરતી વિરહુની વર્ષા ચોધાર
ટાઢકની હેલીઓ વરસે ચોપાસ, મારી સળગી ગઈ સઘળી નિંરાત
સખી.મારે કરવાની કોને આ વાત

ઉભી રઉં ઉંબરે ને, પરદેસી વાલમની જોતી રહું એક ટશે વાટ
તોય હજી આવ્યો નહીં પાંખાળે ઘોડે એ, ખુંદીને દરિયાઓ સાત
સખી.મારે કરવાની કોને આ વાત



11.6.12

કોડીયુ હો હેમ કે માટી તણું
એક સરખી જ્યોત નીકળવાપણુ

સોચ વચ્ચેની દિવાલે, છો કર્યું
એક દિ’ એ બંધ થાશે બારણું

ક્યાંય પુછાશો નહીં રણમાં તમે
થાવ તો બસ થાવ આંખોમાં કણું

શિલ્પ કાયમ વાહ વાહી પામશે
ના કદીયે આ બિચારૂં ટાંકણુ

લાગણીઓ કેટલી ધરબાય છે
છે કફનનુ નામ બીજુ ઓઢણું
હો અધૂરો, તે છતાં છલકાય છે
માણસો પણ જામ જેવા થાય છે

ટેરવામાં આવતી ઝાંખપ હવે
બ્રેઈલ સુધ્ધા ધૂંધળી વંચાય છે

એ જ છે વધસ્થંભ, જેના પર જુઓ
લાગણી મારી હવે લટકાય છે

મનસુબા, જે વહેંચવા નીકળ્યો હતો
શેરીઓમાં બે ટકે વેંચાય છે

આંગળીઓ ચક્રધારી જોઇએ
એમ ક્યાં પર્વત કદી ઉંચકાય છે

8.6.12

જીંદગી બસ પાન ત્રણનો મહેઝ આખો ખેલ છે
સાવ કુણું, છમ્મ લીલુ, ને પછી સુકવેલ છે

આ ઘસરકો બહારથી દેખાય છે એવો નથી
ભીતરે જો, તેં દીધી પીડાની રેલમછેલ છે

હું હવે પ્રતિબિંબના મહોરા ચડાવીને ફરીશ
એક પણ દર્પણ વિના, બિંબીત થવા આ પહેલ છે

દોસ્ત પડઘો એટલે, આ પર્વતે તારી તરફ
સાદ નહીં, પણ ખુદ તને બોલાવવાની ટહેલ છે

કેશ ધોળા, આ કરચલી, મોતીયા, વાંચી જજે
ઈશ્વરે તમને કર્યા છેલ્લા બધાં ઈ-મેઈલ છે

6.6.12

શબ્દનું ફાનસ લઈ નીકળી પડ્યાં
ને ગઝલ ગામે અચાનક જઈ ચડ્યાં

શીત લહેરો, હુંફની, તારી હતી
ખા-મ-ખાં આખા બદનમાં કડકડ્યાં

આયના પાછળ સતત શોધ્યા કરૂં
પણ અમે ખુદ આયનો થઈને જડ્યાં

એટલું અસ્તિત્વ રાખ્યું’તું અમે
નોંધ લેવાતી છતાંયે ના નડ્યાં

બંદગીમાં છે નશો, નહોતી ખબર
મસ્જીદે પણ મન ભરીને લડખડ્યાં

5.6.12

કોણ ઓગળતું રહે છે રાતમાં..?
હું, કે મારી મીણબત્તી, હાથમાં

જે હજુ ગર્ભિત હતો સંવાદમાં
કઈ રીતે ઉલ્લેખ કરવો વાતમાં..?

ભિંજવી દીધી છે એને એટલી
એ નહીં નીકળે હવે વરસાદમાં

હું સતત માણુ છું એકલતા અહીં
જ્યારથી સ્થાયી થયો વસવાટમાં

જીરવી લઉં ઘાત હું ગઝલો તણી
દાદ દ્યો થોડીક, પ્રત્યાઘાતમાં

4.6.12

અમે અમને જ ના પુછ્યું કદી
ચડાવી ના કદી ખુદને વદી

કદમ, બે અંતરે ચાલ્યા કરો
શિખાવ્યું તે જ તો, સપ્તોપદી

શબદ બૂ મારતા હર મૌનમાં
પ્રસરતી સાવ ચૂપકીથી બદી

રહું છું મસ્ત હું બે શુન્યમાં
નથી કોઈ એકડાની લત "સદી"

ગઝલ હું ટેરવે પાંચે લખું
અમારી જાત જાણે દ્રૌપદી..!!

પરત ના શ્વાસ છેલ્લો આવતો
મરણ ને જીંદગી છે સરહદી

1.6.12

ભારત ....બંધ...!!
હાથીડા પાછળ સૌ ભસતા’તાં શ્વાન અને કીડીએ પાળ્યુ’તું બંધ
ગાંધારી બિચ્ચારી સઘળું જોતી’તી અને બાકીના બેઠા થઈ અંધ

ચોરેને ચૌટે એક લુંટાતી સન્નારી, લોકશાહી જેનુ છે નામ
રઝળે છે લાશ અહીં કાયદાની ખુલ્લામાં, કોઈ નથી દેવાને સ્કંધ

ઉમટ્યા છે લોકોના ટોળે ટોળા, એ નથી ઉજવતાં નવલો પ્રસંગ
સાચુકલું ઘી, અને ઈંધણની, પૈસા દઈ લેવાને ઉભા છે ગંધ

ખાખી થઈ ઝાંખી, છે લુખ્ખાને બખ્ખા, ને સરકારી ઓઠા બેફામ
લીલી નોટુને લાલ સરબતીયા વચ્ચાળે પાંગરે છે સઘળા સંબંધ

ધોળી ટોપી કે પછી કેસરીયા સાફા હો, લીલા મૌલા કે બધા સંત
હોલિકા દાઝે નહીં, સળગે પ્રહલ્લાદ, એવા કારનામા કરતાં સૌ ખંધ

31.5.12

પરાકાષ્ઠાએ પહોંચીને, પછી શરૂઆત કરવી છે
સિકંદર થઈ, જગત જીતીને, તુજને મ્હાત કરવી છે

તમે બહુ બહુ તો ન્યોચ્છાવર કરો બે ચાર નિ:સાસા
અમારે શ્વાસ ને ઉચ્છવાસની બિછાત કરવી છે

ખબર નહીં, સ્વપ્નમાંથી તું પલાયન કઈ રીતે થાતી
હવે પાંપણ ઉપર પહેરેગીરી તૈનાત કરવી છે

બહુ શબ્દોની સંગ, એકાંતમાં કાનાફુસી થઈ ગઈ
હવે તો મૌન સાથે ભર સભામાં વાત કરવી છે

સતત જીવવું પડ્યું’તુ  મોત નામે ખોફની હેઠળ
ખુદાને રૂબરૂમાં આ બધી રજુઆત કરવી છે

30.5.12

ટેરવાનુ તાર પર રણઝણ થવું
વેદનાની આંખમાં આંજણ થવું

અણગમાની ડેલીએ સાંકળ ખુલી,
કોઈને સત્કારવા આંગણ થવું

સંશયોની આ સવાલી ભીડમાં
આપણે કાયમ સબળ કારણ થવું

સાવ હળવા રાખવા તમને ભલા,
ક્યાં સુધી પાંપણ ઉપર ભારણ થવું..??

જે થયું, જોગાનુજોગે, થઈ ગયું
આગમન તારૂં, ને મુજ મારણ થયું

28.5.12

સ્ત્ય થોડું ’અ’ થી અળગું રાખજે
"અ" પછી જ્યારે તું "લખ", અજમાવજે

શક્ય છે તારા ચરણ માને નહીં
તો પછી મંઝિલ, ને રસ્તા વાળજે

બદદુઆ, જે મસ્જિદે લાવી તને
બે દુઆ, એ સખ્શ માટે માંગજે

બહુ અમે પીધી મદિરા, ને તને
આજ સાકી કંઈ નવું પીવરાવજે

શ્વાસનું પ્રકરણ અહીં પુરૂં થયું
યાદનું પાનુ હવે સુલટાવજે

27.5.12

જીંદગી અને મોત......

મોતને થાવું’તું આગળ
જીંદગીને ક્યાં ઉતાવળ..?

અંત આઘો રાખવા, મેં
શ્વાસની ગુંથી’તી સાંકળ

મોત નામે ફુલ નહીંવત
એટલે જીવું હું બાવળ..!!

મોત પણ ઉગી નીકળતું
જીંદગી એવી રસાતળ

મોતના હસ્તાક્ષરોનો
જોઈ રોતા સહુએ, કાગળ

કાળના પાબંદ બન્ને
સહેજ ના આગળ કે પાછળ....

25.5.12

આવું કે હો એવું, એ તો એની મરજી 
કીડી કે પારેવું, એ તો એની મરજી 

આશાની સાંકળ ખખડાવી ઉભા રહેજો
 ખોલીને શું કહેવું, એ તો એની મરજી 

 બહુ બહુ તો પથ્થર થઇ ઝરણા વચ્ચે રહીએ 
ક્યાં ક્યાં થઈને વહેવું, એ તો એની મરજી 

સંબંધોની લારી લઈને નીકળી પડવું 
 કોને શું શું લેવું, એ તો એની મરજી 

દિલથી માગો, જે જે માંગો, કરગરવું શું ? 
દેવું કે ના દેવું, એ તો એની મરજી 

આપણ ક્યાં જનમ્યા'તા ત્યારે નક્કી હોતું 
એંશી, બ્યાંશી....નેવું, એ તો એની મરજી 

 આતમને અજવાળ્યા કરતાં રહેજો, બાકી
 ભીતર ક્યાં લગ રહેવું, એ તો એની મરજી
જીવતાં જીવતાં મરવું, સાલું ક્યાંથી ફાવે ?
છીછરે કાયમ તરવું, સાલું ક્યાંથી ફાવે ?

પીળા થઈને પાક્યા, ચાલો માની લઈએ
લીલે કૂંપળ ખરવું, સાલું ક્યાંથી ફાવે ?

હળવેથી હું ચિઠ્ઠી ક્યો’ તો સરકાવી દઉં
મોટેથી ગણગણવું, સાલું ક્યાંથી ફાવે ?

પીવું નહીં, ના પાવું એવા સોગન લઈને
અમથું પ્યાલી ભરવું, સાલું ક્યાંથી ફાવે ?

મુશળધારે, ધીંગી ધારે ખાબકનારો
મૃગજળને કરગરવું, સાલું ક્યાંથી ફાવે ?

પથ્થર દિલ પર મનસુબા કોતરવા જાતાં
પડઘો થઈને વળવું, સાલું ક્યાંથી ફાવે ?

ચોધારૂં રોયા’તાં હરદમ સદગત ટાણે
ખુદની ઉપર રડવું, સાલું ક્યાંથી ફાવે ?