21.4.09

આજ કહો તો કહેશે કાલે
હાથ હવે ક્યાં કોઈ ઝાલે

ચાલ ચલ્યો સુરજની જેવી
મ્હાત કર્યો સંધ્યાની ચાલે

કોણ કહે છે કંકુ ચોખા ?
બુંદ હતાં પ્રસ્વેદી ભાલે

શેર જવાબી એક કહ્યો ત્યાં
મૌન ધરી લીધું વૈતાલે

લાખ અને ચોર્યાશી ભવનુ
કામ કર્યું અંતે કરતાલે

17.4.09

જીવનનો એકડો હમણા ઘુંટ્યો છે
હુકમ, થઈ જા ફના, તારો છુટ્યો છે

જે પરપોટો ટક્યો’તો આંધીઓમા
તમારા સ્પર્શથી આજે ફુટ્યો છે

વિણીલે રૂપનો એકેક ટુકડો
અરીસો નહીં, અહમ તારો તુટ્યો છે

ખરીને, રૂક્ષ થઈ ડમરીએ ઉડી
નજારો પાનખરનો પણ લુંટ્યો છે

ભરેલો ગમ અને દર્દે જીગરથી
કદી આ જામ ક્યાં મારો ખુટ્યો છે

15.4.09


....ચુટણી....ટાણે....

ભલે સોડમ હશે સૌ ભાષણોમાં લાગણીઓની
મને તો બૂ સતત આવી રહી છે માગણીઓની

ન જાણે સા રે ગ મ પ ધ ની સા કઈ રીતે રચશે
અસૂરો શી દશા કરશે બિચારી રાગિણીઓની

ચડીને પીઠ પર, મૃગજળ સુધી દોડાવશે નક્કી
પછી કરશે ઊજાણી, ખાલ ચીરી, સાંઢણીઓની

નર્યા નફ્ફટ ફુગા અણઘડ હવાથી ખૂબ ફુલ્યા છે
જરુરી છે સમજદારી તણી બસ ટાંકણીઓની

જરા આળસને ખંખેરી જજો મતદાનને મંદિર
કરી ઘંટારવો નીંદર હણો સમરાંગણીઓની

13.4.09




...સુનહરી યાદેં...

જેતપુર ખાતે યોજાયેલ સાહિત્ય વિવેચન અંગેના
રાષ્ટરીય પરિસંવાદ ના ઉદઘાટન પ્રસંગે શ્રી સિતાંશુ
યશષચંદ્ર મહેતા સાથે ગાળેલી મુખ્ય મહેમાન તરીકે એ અઢી કલાક અવિસ્મરણીય રહેશે...

ડો. જગદીપ નણાવટી

9.4.09

તને સપનામા હાક કેમ મારવી
અમે ઉંઘમાંથી વાત એજ તારવી

હજી ફુટવાની કૂંપળ જ્યાં થાય ત્યાં
નથી પાનખરની વાતો ઉચ્ચારવી

નરી ભડભડતી હોડ આજ લાગતી
શમા પાંખોથી કેમ કરી ઠારવી

લખું કાગળ, ને હિમ સમા ટેરવે
વહે ખળખળ જે ગંગા, શેં વારવી

દુઆ માંગુ જો મધદરીયે હાથ લઈ
કયે હલ્લેસે હોડી હંકારવી

અમે જીવ્યા પછીનુ મોત એટલે
ફરી હારેલી બાજીને હારવી
તને સપનામા હાક કેમ મારવી
અમે ઉંઘમાંથી વાત એજ તારવી

હજી ફુટવાની કૂંપળ જ્યાં થાય ત્યાં
નથી પાનખરની વાતો ઉચ્ચારવી

નરી ભડભડતી હોડ આજ લાગતી
શમા પાંખોથી કેમ કરી ઠારવી

લખું કાગળ, ને હિમ સમા ટેરવે
વહે ખળખળ જે ગંગા, શેં ઠારવી

અમે જીવ્યા પછીનુ મોત એટલે
ફરી હારેલી બાજીને હારવી

4.4.09

કોણે કહ્યું કે અશ્રુઓ આંખોનો ભાર છે
સઘળાં પ્રસંગે મ્હોરતો નવલો નિખાર છે

નજરું તમારી પાપણોમાં મ્યાન રાખજો
ખાંડા સરીખી તેજ લાગણીની ધાર છે

લહેરાતી લ્હેરખી અને વસંતી વાતનો
ઊડતાં પતંગીયાઓ જાણે ટૂંકસાર છે

ઉભો રહ્યો’તો આયના સમક્ષ જે રીતે
ત્યારે થયું કે "હું" જ મારી આરપાર છે

કાગળ ન આપને લખ્યો એ મારો દોષ ક્યાં ?
શબ્દો જ, જે મળ્યા નહીં, કસુરવાર છે

મૃગજળ સમીપ પહોંચવામાં આયખું વિત્યું
દિવાસળીને ચાંપ, એટલીજ વાર છે

3.4.09

અક્ષરો બિંદુ હતાં ને શબ્દ રેખાકિંત હતાં
ભાવ મારી હર ગઝલમાં એટલે ચિત્રીત હતાં

મુઠ્ઠીઓ વાળી સતત જીવ્યો છું હું માટેજ આ
હાથ મારા, દસ્તખત તકદીરથી વંચિત હતાં

બાણ શય્યા હૂંફ કેરી ના કદી પામી શક્યો
આપ સૌની લાગણીના તીર બહુ કુંઠીત હતાં

જ્યારથી હાંફ્યો હતો વાયુ વસંતી ત્યારથી
પાનખરમાં બેફીકર થઈ પાન સહુ નિશ્ચિંત હતાં

કાળજી પૂર્વક બધાંયે અસ્થિઓ વીણી લીધાં
રાખમાંથી ઉઠવાની વાતથી ચિંતીત હતાં

25.3.09

A SIDE TRACKED STORY....BUT I LOVED IT
SO WHY NOT TO SHARE....

વોરન બફેટની સલાહ – 2009
ઓસરી ગયેલા ઉત્સાહ અને ખંડીત આશાઓની સાથે આપણે 2009ના આ વરસની શરુઆત કરીએ છીએ. ગોટાળો અને બીમારી ઉભાં કરેલાં છે.
દર નવા વર્ષે ભવીષ્ય માટે દીવાદાંડીની ગરજ સારે તેવા, થોડાક જુના અને જાણીતા, સીધ્ધાંતો હું અપનાવતો આવ્યો છું. આ વર્ષે મારી સાથે, મારા બુઝુર્ગ મીત્રોના નાણાંકીય ડહાપણનો ઉપયોગ કરવા; અને નાણાંકીય શાણપણ અપનાવવા, નીચેના મુદ્દા પર ધ્યાન આપવા, હું આપ સૌને આમંત્રણ આપું છું.
સખત પરીશ્રમ – દરેક મહેનતનું કામ નફો લાવી જ આપે છે - ખાલી વાતો માત્ર ગરીબી જ.
પ્રમાદીપણું – સુતેલો કરચલો પાણીના મોજામાં તણાઈ જ જતો હોય છે.
આવક – કમાણીના એક જ સ્રોત પર કદી આધાર ન રાખો. કમ સે કમ તમારાં રોકાણોને તમારી આવકનું બીજું સાધન બનાવો.
ખર્ચ – જો તમારે જરુરી ન હોય તેવી ચીજો તમે ખરીદશો; તો ઘણી જલદી તમે જરુરી ચીજો વેચવા માંડશો.
બચત – ખર્ચ પછીની રકમ ન બચાવો. બચત પછીની રકમ ખર્ચો.
ઉધાર – ઉધાર લેનાર દેણદારનો ગુલામ બને છે.
હીસાબ – જો તમારા જોડામાંથી પાણીનું ગળતર થતું હોય તો, છત્રી રાખવાનો કોઈ અર્થ નથી.
ઓડીટ – નાના નાના ખર્ચા પર ધ્યાન રાખો. એક નાનકડું ગળતર, આખા વહાણને ડુબાડી શકે છે.
જોખમ – કોઈ નદીનું ઉંડાણ બન્ને પગ વડે ન માપો. (વૈકલ્પીક યોજના તૈયાર રાખો.)
રોકાણ – તમારાં બધાં ઈંડાં એક જ ટોપલીમાં ન રાખો.
મને અવશ્ય ખાતરી છે કે, જે લોકો આ સીધ્ધાંતોનું ચુસ્ત પાલન કરી રહ્યા છે; તે નાણાંકીય રીતે સ્વસ્થ રહી શકશે.
મને એટલો વીશ્વાસ પણ છે કે, જે લોકો આ સીધ્ધાંતોનું પાલન કરવાનો દ્રઢ નીર્ધાર કરશે, અને તેનું સત્વર અમલીકરણ કરશે; તે ઝડપથી તેમની નાણાંકીય સ્વસ્થતા પાછી હાંસલ કરી લેશે.
ચાલો! આપણે વધારે શાણા અને સમજુ થઈએ અને સુખી, આરોગ્યમય, સમૃધ્ધ અને શાંતીમય જીવન ગુજારીએ.

24.3.09


નેનો ...લો....જી

હવે તો શ્વાસમા નેનો
હરેક ઉચ્છવાસમા નેનો

વસ્યો જ્યાં જ્યાં હશે માનવ
વસે એ વાસમા નેનો

ઉભે આંગણ બધે જાણે
દિવાને ખાસમા નેનો

યુવાનો બાઈકને છોડી
ધરે ડંફાસમા નેનો

તિમિરના જંગલો વચ્ચે
દિપે અજવાસમા નેનો

મહિન્દ્રા ફોર્ડ મારુતી
ગણે બકવાસમા નેનો

સુરાને કોણ પુછે છે
બધાની પ્યાસમા નેનો

ભલે પકવાન બત્રીસ હો
મળે મુખવાસમા નેનો

ચડાવે ફુલ હર કોઈ
કશે ઉપહાસમા નેનો

શહેરમા ચોક ચૌટાએ
હશે કંકાસમા નેનો

પછી તો કાગડા કહેશે
કે નાખો વાસમા નેનો

અરે ’ટાટા’ની બદલે સૌ
કરે ઉલ્લાસમા નેનો

સુવર્ણ અક્ષરે ચાલો
લખો ઈતીહાસમા નેનો

21.3.09

સમયની આડમા કેવા સહન સંજોગ કીધાં છે
ભર્યા ગુલમહોરમાં, મેં પાનખરના ડંખ લીધા છે

ગળે બે ઘુંટ રાખીને ભલે નીલકંઠ કહેવાતા
અમે આવી ગળે, જગના હળાહળ ઝેર પીધા છે

જરા જો ધ્યાનથી જોશો તો મૃગજળ પહોંચશો નક્કી
સગડ મે રેતમાં ચાલી અને બેફામ દીધાં છે

નિરંતર ફેરવી તસ્બી ને માળાથી ન પામો કંઈ
કરો બસ ’જામ’ને ’ઉંધો’, ’મજા’ના અર્થ સીધા છે..!!!

ન કામ્યો પૂણ્ય હું મારાજ પાપે જીંદગી આખી
કહે છે, સ્વર્ગમાં આડી કમાણીની સુવિધા છે

19.3.09

आदतसी हो गई है क़दमोको उन गलीकी
सांसोमें बस गईथी खुश्बुसी उस कलीकी


देखे नही है अब तक़, दो चांद दूजके यूं
खाउं में क़समें तेरी आंखे दो अधखुलीकी


सपनोमे, धडकनोमे, सांसोमें और दिलमें
तितलीभी जान पाये ना चाल मनचलीकी


रंगी हुईथी अपने ही पि’ के रंगमे, पर
कुछ भी असर ना पाई, राधामें सांवलीकी


मे पी रहा हुं लेकर, अपनेही ग़मको, फीरभी
बू आ रही है यारों तुमसे क्युं दिल जलीकी


ऐ मोत तुं खडीथी कोनेमें चूपके हंसती
हम खाक छानतेथे अपनीही कुंडलीकी

16.3.09

ઘટના વચ્ચે, અનુભવોની કેડી ચોખ્ખી ચટ હતી
સમજ્યા નહી ?, એ માથા પર એક શ્વેત મઝાની લટ હતી

પીપળ, પૈડું, કાચ લખોટી, પગ તળીયે પાદર હતું
દોરા મુછના ફુટ્યા સુધી, શૈષવની રમઝટ હતી

તહેવારે ’પરસાદી’ લેતા, દોસ્ત તને પણ યાદ હશે
ભૂંડા બોલી, ચોક ગજવતી વાત્યુ પણ લંપટ હતી !!

બિલ્લી પગલે ચાતરતુ’તું હૈયુ તારી શેરીને
શરણાયુ વાગી ને મારે આંગણ તું, ઘુંઘટ હતી

મંઝિલ, નામે મોત, ઘણીયે દુર હજો ઇચ્છું એવું
મારી ઇચ્છા ઉપર તારી ઇચ્છા ઉપરવટ હતી

10.3.09

आज खडे है क्रिष्न मुरारी, और खडे है अल्लाह,

डाल गुलाली रंग हरे पे, कुछ तो करो बिस्मिल्लाह
हो ली द मुबारक....

9.3.09

ઝાકળના બે ઘુંટડા ભર, બહુ અઘરું છે
છબછબીયાં મૃગજળમાં કર, બહુ અઘરું છે

વિતી ઘટના યાદ કર્યાના તાંદુલને
ચાવી જોજે મુઠ્ઠીભર, બહુ અઘરું છે

રાચ રચીલું, આભુષણ તો ઠીક ભલા
હૈયે થાવું ખમતીધર બહુ અઘરું છે

ખભ્ભે કોઈના ચડતી કરવી સહેલ હશે
ડગલુ ભરવું ધોરણસર, બહુ અઘરું છે

શ્વાસ ખુટ્યાની સરહદથી આગળ જઈને
લંબાવી જો સહેજ સફર, બહુ અઘરું છે

6.3.09

કંઈક તો એવું કરો, પુછે બધાં
આંખ બે ભીની કરો, લુછે બધાં

મારવા પથ્થર કહ્યું, ત્યારે જ તો
આપણે જાણી શક્યાં, શું છે બધાં

વાત કરવી સહેલ છે લીંબુ તણી
જીરવી શકતાં નથી મુછે બધાં

શુરતાના સિંગ હો સિર પર ભલે
બે ચરણ વચ્ચે હતાં, પુંછે બધાં

જીંદગીની દોડમાં બસ કબ્ર તક
પહોંચવા પૂરતાં જ પંગુ છે બધાં

3.3.09

હવે શ્વાસ લેવોયે ભારે પડે છે
કહે છે કે મંદી અહીં પણ નડે છે

વિમાસણમાં મુકીને જનતાને, કેવી
ન ધાર્યું હો એવી તકો સાંપડે છે

બદીઓનુ વટવૃક્ષ ફાલી રહ્યું છે
છતાં મૂળ ક્યાં કોઈ એના જડે છે

અમીરોની રોટી, ડબલ કરવા માણસ
પસીનો ડબલ રોટીએ ચોપડે છે

રખે માનતો, કે તેં સૌને ઘડ્યા છે
સતત જાત સંજોગને ચાકડે છે

2.3.09

થવું હોય તે થાય, કોને પડી છે
જહન્નમમાં સૌ જાય, કોને પડી છે

સરે આમ મસ્તીમાં ઝુમી રહ્યો છું
ભર્યો જામ છલકાય, કોને પડી છે

તમે કોણ મારાં છો, અફવા ભલેને
બધે કાન અફળાય, કોને પડી છે

ખુદા બાંગ પોકારી દીધી અમે છે
તને જો ન સંભળાય, કોને પડી છે

જનાજે અમારીજ દિવાનગીની
ભલે વાત ચર્ચાય, કોને પડી છે

1.3.09

વાત મુદ્દાની કરે તો આવીએ
ને પછી મુદ્દો તને સમજાવીએ

જે કહીશ સાચું કહીશ, એવું ભલા
આયના પાસે કદી બોલાવીએ ?

છે સુરાલય ને સુરા એવાજ, પણ
જાતને આજે જરા અજમાવીએ

વાંચવા રૂડી વસંતી વારતા
પાનખરના પાન ને ઉથલાવીએ

ઉગતા, દીપે બધું સુરજ સમુ
ચાલને એવુંજ સઘળું વાવીએ

28.2.09


મુક્કદર ચીજ શું છે ક્યાં કદી જોયુ હથેળીમાં
કસી ને મુઠ્ઠીઓ દોડ્યો સદા જીવન પહેલીમાં

અહમના ઓડકારો સાંભળ્યા ઝાંપા સુધી તારા
અમે લાવ્યાતાં ચપટી પ્રેમના તાંદુલ પછેડીમાં

ગઝલ, સાકી, મદિરા, દાદની જાહોજહાલી ક્યાં ?
હવે સૌ ભૂત થઈને મ્હાલતા તારી હવેલીમાં

નહીંતર એક પ્યાલી લઈ જતી તારા સુધી અમને
કરું છું બંદગી આજે ખુદા એની અવેજીમાં

થયું છે જર્જરીત આ દેહ માફક ખોરડું મારું
છતાં તારો હજુયે સાદ જો, પડઘાય ડેલીમાં

27.2.09


સમજણને મે ઘોળી છે
સમજો તો બસ સમજી જાજો

ન સમજો તો..........होली...है...!!!

જ્યારે
કેસરીયા
મઘમઘતા
રંગે રંગાઈ
તમે
લેતા’તાં
ગુલમહોરી
છાંયડો......

ત્યારે
મન્ન મારું
ઘેલુ તે એવું,
કે પુછતુ’તું
બન્ને
વચ્ચે છે
ક્યાંય
આયનો......?!

24.2.09


ઓણુકી હોળી



ચૈન અમનમા જાત ઝબોળી
ખેલ પછી મનવા તું હોળી

પ્રેમ તણી પિચકારી લઈ લે
ફેંક, છરા, બંદુક ને ગોળી


આજ ભુલીને ટોળા દંગા
યાદ કરો બચપણની ટોળી

જામ નવેસરથી ભરવાને
ચાલ અમે નફરતને ઢોળી


રંગ દુ:ચારી ખૂબ લગાવ્યા
કાઢ હવે પીંછી તું ધોળી

કુંભ કરણને કોઈ જગાડો
આંખ અહંકારીની ચોળી

ગેર સમજની વિંધ માછલી
બેય ધરમના પલડે તોળી

જ્યોત જગાવીને સમજણની
સત્ય સનાતનને લે ખોળી

માંગ અમારી એકજ યારો
સ્નેહ થકી છલકાવો ઝોળી

18.2.09

ચટાકેદાર ચુંટણી

નર્યા આશ્વાસનોના હર દુકાને સેલ લાગ્યા છે
"વચન બે ફ્રી મળે છે, એક ઉપર" બોર્ડ ટાંગ્યા છે

અચાનક પૂર આવી , લાગણીના નીર છલકાશે
ભલે ફીટકારશો, ચહેરા સદા હસતાજ રાખ્યા છે

કરી લહાણી, મૃદુ વાણી થકી, લઈ જાય મત તાણી
પછી હું કોણ , ને તું કોણના રિશ્તા નિભાવ્યા છે

સમજતા નહી હવે કે બોર એંઠા રસ મધુરા છે
હવે શબરીએ સઘળી, બોર પહેલા ’રામ’ ચાખ્યાં છે

ધનુષી મેઘ છોડી, લાલ ને લીલે રમે હોળી
અસલમાં રંગ શૈતાની બધાનાં દિલમાં વ્યાપ્યાં છે

તમારે છોડવા પડશે આ કઠપુતળી તણા નાટક
કીશનની આંગળી માનીને આ, મા ભોમ સોંપ્યા છે

ન અંગુઠા, સમજદારીની સહુએ ચાંપ દાબી છે
જરૂરી હોય તો કરશું ડીલીટ, એ હાથ આપ્યા છે

16.2.09

હજુ ક્યાં એટલી ઝાઝી અસર છે
મદિરા કેટલી બાકી, ખબર છે

હશે નફરત તમારી સર બુલંદી
અમારી લાગણી પણ ધર કધર છે

ભરો હળવી તે કેવી સાવ ચૂમી
અમારા હોઠ સુધ્ધાં બે ખબર છે

નિ:સાસે એક ઉંડાથી અમારો

જીવન ફુગ્ગો સમજ ફુટ્યા ઉપર છે

નથી આઘો બહુ એ દિલ વિસામો
હવે બસ બે કદમ ઉપર કબર છે

10.2.09

મિત્રો,
થોડા સમય પહેલા મે એક ગઝલમાં લખ્યું હતું
કે....
પાન એકાદું ખરે એ પાનખર કહેવાય નહીં.....

સાચું, પણ તો પછી ખરેખર પાનખર કોને કહેવાય ?
આમ જુઓ તો દરેક ક્ષેત્રમાં જે થવું જોઈએ
તે ધારણા મુજબ ન થાય તેનુ નામ પાનખર...
તેવુંજ કંઈક કહેતી આ રચના તમારા માટે...

વૃક્ષ લીલું સહેજ પણ ફરકે નહીં....એ પાનખર
સાવ અંગત , હોઠમા મલકે નહીં....એ પાનખર

વાયરો ચૂમે અને ઝાકળ કરે અભિષેક, પણ
સુર્યના સ્પર્શે પ્રથમ, મહેકે નહી....એ પાનખર

હોઠ તરસ્યા, મસ્ત સાકી, ને છલોછલ જામને
મૈકદે મૈકશ, છતાં ઉચકે નહી....એ પાનખર

કેટલાં કામણ કરે પ્રશ્નોત્તરી સામે ઉભી
ને અચળ દર્પણ કદી બહેકે નહી....એ પાનખર

ઢોલ ધ્રબકે, હોંશ વરસે, ધૂળ ઉડતી પાદરે
મોરલા ચિતરેલ જો ગહેકે નહી.... એ પાનખર

વણફળી ઈચ્છાઓ, શમણાં, ઓરતા ભારેલ છે
તોય પણ મારી ચિતા ચહેકે નહી....એ પાનખર

7.2.09

આંખથી રીસાઈને દ્રષ્ટિ નગરમા ક્યાં જવું
દ્રશ્ય ગમતું આંખમાં આંજીને શમણે રાચવું

ચંદ્ર, સુરજ, રાશીઓ, નક્ષત્ર મુકી તોળતો
જીંદગી મારી ખુદા, લઈ આસમાની ત્રાજવું


કેદ બન્ને પૃષ્ઠની વચ્ચે અમારાં મુક્તકો
ક્યાં સુધી ઝખ્મો તમારા પ્રેમ પૂર્વક સાચવું

મૌનની ભાષા લખીને મોકલ્યું પરબિડીયું
બંધ આંખે, ઓષ્ટ બે, ને ટેરવેથી વાંચવું

આખરી ઇચ્છા પ્રબળ છે, આયનામા જઈ અને
આપણી ઓકાત શું, પ્રતિબિંબને સમજાવવું

ના ખબર, ઘરથી અમારી કબ્ર તકનો ફાંસલો
યાર, પગપાળા કદી ક્યાં છે અમારે ચાલવું

29.1.09


શમા ઉપર જઈ ફના થવામાં એની પણ કોઈ મોજ હશે
સદા ઉગીને આથમવામાં એની પણ કોઈ મોજ હશે

કરોળીયાના અથાગ યત્નો, છતાંય તંતુ બન્યો નહીં
ફરી ફરીને તૂટી જવામાં એની પણ કોઈ મોજ હશે

સમય અવિરત વહે, સ્થગિત બે કાંટાંઓની નજર તળે
ધરીની ફરતે ભ્રમણ કર્યામાં, એની પણ કોઈ મોજ હશે

હતી ખબર કે નથી તરસના કોઈ વિસામા મૃગજળમાં
અફાટ રણમાં આથડવામા, એની પણ કોઈ મોજ હશે

ગુલાલ થાપા એક બીજાને નીરખી લેતા ટગર ટગર
અરસ પરસનાં મૌનપણામાં એની પણ કોઈ મોજ હશે

27.1.09

સવારે ૬ વાગે કંઈક લખવા માટે પેન્સિલ
અને કાગળ લીધા અને એક વિચાર સ્ફૂર્યો,
તમારા સમ , તમે માનશો નહીં પણ એક
અસ્ખલિત પ્રવાહની જેમ આ ગઝલ
ફક્ત ૩ મિનિટમાં લખાઈ ગઈ....સાલું
સ્ફુરણાંનુ તો આવું છે...આ ઝટ પટ ગઝલ
તમારી સાથે શેર કર્યા વગર મને ચેન નહી પડે...

a fastest written gazal, a single
stroke gazal for you......

છોલતાં પેંસિલ અમોને કંઈક એવું થાય છે
ક્ષણ અને ઘટનાની ધારે જીંદગી છોલાય છે

શ્વાસ છે લોલક સમા, જીવન દીસે ચાવી રૂપે
કોણ જાણે કોણ કોનાથી સતત લંબાય છે

જોડણીની હર ક્ષતિ આરામથી ભૂંસી શકું
પણ તમે કર્મો કરેલા એમ ક્યાં ભૂંસાય છે

ઘર ભરી દો આજ ખુશ્બુથી, અમે કાલે નથી
જીંદગી કેવી જીવો, એક ફુલ પણ કહી જાય છે

દાદ પામે હર ગઝલ, એવું ખુદા મુમકીન નથી
હુંય છું તારી ગઝલ, ક્યા એટલી વંચાય છે...!!!!

સાર.....ગઝલ લખવી તો સવારે ૬ વાગે લખવી...!!!!!

26.1.09



બારકસ ભારે હતા બાકસ નર્યા
કેટલાં જ્વાળામુખીને સંઘર્યા

શું ભરોસો રામનો રાખો હવે
એક પણ પથ્થર અમારા ના તર્યા

ટોપલીમાં શબ્દ લઈ યમુના જળે
કંઈક ચીલા મેં ગઝલના ચાતર્યા

પથ્થરો પિગળ્યા, કે મારા હાકલા ?
ના કોઈ પડઘાયને પાછા ફર્યા

એક બનવા, એક ના બે ના થયા
લે ફરીથી આંકડા ખોટા ઠર્યા

જીંદગીની આડમાં રહીને અલ્યા
મોત તેં નખરાં ખરા છે આદર્યાં

25.1.09


देख लहरता है तीन रंगा
कोई ना लेना हमसे पंगा

द्वंस करेगा चक्र सुदर्शन
एक जगह जो होगा दंगा

लाल है सरहद पर, दो आंखे
रंग हरा रखता मन चंगा

पंख सफेदीके फेलाएं
आज सभी देशोके संगा

अंत समय आया आतंकी
सत्य समझलो है ये नंगा

22.1.09

કહેણ મને શમણાનુ આવ્યું
કોઈ ફરી મનમાનુ આવ્યું

શૂન્ય નગરની પાટી ઉપર
પ્રેમ શબદ ઘુંટવાનુ આવ્યું

એક બીજાની પાંખો થઈને
આભ મંહી ઉડવાનુ આવ્યું

કેમ સતત લાગે કે ટાણું
જામ હવે ભરવાનુ આવ્યું

હાથ હજી તારો પકડું ત્યાં
શાંત થઈ વહેવાનું આવ્યું

શ્વાસ મહેકના ખુટ્યા જાણે
ફુલ બની ખરવાનુ આવ્યું

21.1.09

અમે વાત કરીએ, તો વાતો કરે છે
જમાનો ક્યાં મોકાને જાતો કરે છે ?

અરે પ્રેમ પત્રોના અક્ષરને પુજો
ગજબનાક રીતે એ નાતો કરે છે

ખુદા માનવીની સતત નોંધ રાખે
નથી યાદ કરતો, ને કાંતો કરે છે

ગીરે રાગ કેદાર એકાદો રાખો
ભલા, ભલભલાને એ ગાતો કરે છે

કબર કંઈ નથી, પણ નવા જીવ કાજે
પ્રભુ સંગેમરમર બિછાતો કરે છે

17.1.09


कोई आंखोसे , कोई ईशारोंसे बोले
कोई खिडकीको गलीयोंमे धीरेसे खोले

कौन सुनता है शहेनाईओके सुरोंमे
हंसते हंसते चलो आज चुपकेसे रोले

गर्म सांसोकी आहटने चौंका दीया था
कानमें कहे रही कुछ, वो हलकेसे हौले

शोक़ीया तोरपे खा रहे थे वो क़समे
हम यहां उनके वादों को लम्होसे तोले

ज़ींदगी काटली पुरी करवट बदलके
अब चलो कब्रमें ही सहुलियतसे सोले


क़रीबी बहुत दूर रहेती है हमसे
यहां फांसलोकी ही बनती है हमसे

सक़ुने ज़मीं पर जरा पैर रखा
तो किस्मतभी क़रवट बदलती है हमसे

ईज़ाझत अगर हो तो पुछुं खुदा से
मोहब्बत क्युं खिलवाड करती है हमसे

अगर शबनमी प्यार हो, तो न करना
ये कलियांभी बरसों से कहेती है हमसे

मेरी दासतां सिर्फ है कब्र तक़ ही
चलो ये कहानी भी ढलती है हमसे

16.1.09


દિલ તમે ચોરી ગયા અમને ખબર ક્યાં છે
ને અમે ચર્ચાઈ ગ્યા તમને ખબર ક્યાં છે

હર ખુણે બાઝ્યાં હતાં વર્ષોથી જે ઝાળાં
છે અમારાં સંસ્મરણ, ઘરને ખબર ક્યાં છે

ટોપલાના પૂંજને સહેજે દીધો રસ્તો
એજ સહુને તારશે, જળને ખબર ક્યાં છે

દોર છુટ્ટો દઈ, બધાં પ્રતિબિંબને આજે
આયનો પસ્તાય છે, છળને ખબર ક્યાં છે

હે પ્રભુ તારે શરણ છું, એમ કહી દોડે
રામ ખુદ પાછળ પડ્યાં, મૃગને ખબર ક્યાં છે

કંઈકને મુકી ગયા લોકો ચિતાએ, પણ
આ ચિતાની પાર શું, જગને ખબર ક્યાં છે

30.12.08


સાંતા ક્લોઝજીનો હેલ્લો...!!!

એ......એ......એ......એ......
નવલા દિવસો અવ્યા
ખભ્ભે ઉચકી લાવ્યા
સાંતાજીના ભોજન સૌ ને
સરસ મજાના ભાવ્યા
એનો થેલો ઠાલવો જી...
એજી રે એનો થેલો ઠાલવો જી....

જુવાનીયાના ટોળાં
ખુદને સમજે જાણે ધોળા
લાજ શરમને નેવે મુકી
કરશે ખીખીયા ખોળા
એનો થેલો ઠાલવો જી...

ખ્રિસ્તી બેઠાં ઘરમાં
લઈને દીવો સહુના કરમાં
આપણ સૌને કાંઈ અડે નહીં
રચીએ આડંબરમાં
એનો થેલો ઠાલવો જી....

છે આતંકી ભીતી
સાથે રાજ રમતની રીતી
ગમ્મે એટલું મથશો તોયે
આજ પ્રજા ના બીતી
એનો થેલો ઠાલવો જી....

કોઈ નથી આ તુક્કો
પડશે સણ સણતો એક મુક્કો
લીલો લીલો લહેરાતો એ
થશે સરાસર સુક્કો
એનો થેલો ઠાલવો જી....

સોચ મળી એક તળીયે
મનવા ચાલ હવે સળવળીયે
માનવતાનાં મંદિર હેઠે
સહુએ હળીયે મળીયે
એનો થેલો ઠાલવો જી...
એજી રે એનો થેલો ઠાલવો જી....

26.12.08


બેય આંખોને કહીદે, ઢળી જાય બસ
કંઈક જીવતર પલકમાં ફળી જાય બસ

એક ટહુકો, આ ખળખળ, ને કલરવ મહીં
હાથ કંકણનું ખનખન ભળી જાય બસ

રાત આખીયે શમણાઓ સળગ્યા કરે
મીણ માફક સવારે ગળી જાય બસ

પંથ અવ્વલ સુધીનો ભલે કાપશું
કો’ક મારગમાં પળભર મળી જાય બસ

રામ રાખ્યા પ્રમાણે રમીલે, રે મન
રાખ થઈને રમકડાં બળી જાય બસ

25.12.08


બ્રેઈલ ગામે, શેરીઓમા ટેરવાં અટવાય છે
સ્પર્શને સરનામુ પુછતાં અર્થનું, ખચકાય છે

હર કોઈ ક્રાંતિની પાછળ સોચ નાની હોય છે
એમ કૂણી કૂંપળોમાં જંગલો વર્તાય છે

આમતો અટ્ટહાસ્ય નામે શહેરમાં વસતો છતાં
સ્મિત માટે મન હજી ક્યારેક આ લલચાય છે

બંદગીનું નામ હું સહેજે લઉં જો મૈકદે
જામ, સાકી ને સુરાહી નામ સૌ લજવાય છે

પાડ માનો પથ્થરોનો, એ દિલે પથ્થર તમે
કેટલા મજનુ અને લૈલા અહીં સચવાય છે

23.12.08


जख़्म ऐसा दीया है की भरता नहीं
कोई मरहम, दुआ काम करता नहीं

मन करे, पंख फैलाउं ख्वाबोके में
झोंपडीमें ये मुमकीन ही होता नहीं

एक ही दायरेमें तुं कब तक चले
पांव तेरा क्युं तीजा नीकलता नहीं

कीतनी मासुमसी है मगर उसका दिल
मोम होके भी गोया पिघलता नहीं

ए खुदा मेरे कुचेसे अच्छा है ये
कब्रसे ईसलीये बंदा उठता नहीं

20.12.08


એક મુઠ્ઠી આસમાં, ને શ્વાસ બે , ઠંડી હવા
આંખમાં લીલાશ આંજો, એજ સાચુ શ્રી સવા

આમતો ફાવી ગયું છે દર્દની સાથે મને
તે છતાં બિમાર છું, દેખાડવાને દે દવા

દિલ તણાં ધબકાર મારી જીંદગીનો તાલ છે
તું હવે નાહક વગાડે દાદરો કે કહેરવા

મન છલોછલ છે, બધી ઈચ્છા અધુરીથી ભર્યું
જામ ખાલી જોઈએ, બીજી મદિરા રેડવા

કંઈકના અંધારમાં દિવડો જલાવ્યો’તો અમે
એજ સૌ ભેગા થયા અમને પલીતો મેલવા

17.12.08


પાન એકાદું ખરે, તો પાનખર કહેવાય ના
એકલી દિવાલને કંઈ ઘર ગણી રહેવાય ના

વૃક્ષની લીલી કૂંપળના સમ મને દેતો નહીં
લાગણીથી છમ્મ છું, લીલું હવે જીરવાય ના

છેડતી નક્કી સુરજની કોઈએ કીધી હશે
એમ કંઈ એ લાલ થઈ ધરતી મહીં ધરબાય ના

સ્વસ્થ ચિત્તે જો વિચારો, આપણો પડછાંયડો
આપણી ચાડી સતત ખાતાં જરી ખચકાય ના

સાદ પણ પહાડી, બુલંદી, પહાડ સામે જોઈએ
કાનમાં બોલ્યા કરો એવું કદી પડઘાય ના

15.12.08


व़क्तकी गठरीमें लिपटे हम कहां उलझा गये
थे अभी मक़तापे हम, मत्लापे कैसे आ गये

रातकी काली घटामे चांद क्युं खामोश है
बेतहाशा रोशनीसे आज जुगनू छा गये

मैकदेसे ही गुझरताथा मसीदका रास्ता
खा़मखा़ हमसे हमारे मौलवी कतरा गये

वो बडी मासुमीयतसे प्यार क्या है चीज़ वो
होंठका कौना हिलाके बस मुझे समझा गये

जींदगी सारी जीसे हम ढुंढ ना पाये कभी
वो सकुने जींदगी दो गज़ जमीमे पा गये

12.12.08


सब्र कर
तुं और थोडा सब्र कर
भुल जायेंगे सभी, जो वाक़या था, सब्र कर
सब्र कर
तुं सब्र कर
जो शहीदीको वरे उनको मिला क्या पूछ मत
धुंधली फोटो, दिलासा खोखला, तुं सब्र कर

बस्तीयां उझडे सभी,या खुनकी गंगा वहे
कश्तीयां चलती रहे उनकी सदा, तुं सब्र कर

सो चुहेको मारकर, हजको चली सब बिल्लीयां
बिल्लीयोंका हज है दिल्लीवालीयां, तुं सब्र कर

ये नमी आंखे सभीकी मांगती है , कुछ करो
मांगली माफी तभी आवामने, तुं सब्र कर

वक़्त बहेता जा रहा है, सर खुजालोगें युंही
गोलीयां फीरसे चलेगी, सब्र कर तुं सब्र कर

अब चलो बाहें कसो,मजबुरीयां को थूंक दो
जो करो वो ठोसही करना अभी ना सब्र कर
ना सब्र कर
ना सब्र कर

11.12.08


અલવિદા કહેતું, પ્રથમ પાને કોઈ
ક્રુરતા કરતું હશે શાને કોઈ

બેવફાઈની બહુ આવે ખબર
ના ધરું અફવા ગણી કાને કોઈ

શેષનાગો નાથીયા સ્મરણો તણાં
તોય સળવળતાં હજી છાને કોઈ

આંખનાં આંસુ સતત પીતો રહી
જામમાં છલકાય મયખાને કોઈ

મોત નામે ભીંત પર લટકે છબી
એમ ક્યાં ભગવાનને માને કોઈ


તારા શહેરમાં

એકલતાના ટોળા વચ્ચે ક્યાંક વસી જો
માપી, તોળી, કાગળીયું પળવાર હસી જો

વીઘા, ગુઠાં, વાર, હવે તો સ્ક્વેર ફુટમાં
ઊંડા શ્વાસે હા..શ કર્યાનો ભાવ કસી જો

લાગણીઓના લેબલ વાળું મીણ લઈને
પથ્થરની હાટડીઓમાં તલભાર ધસી જો


રૂમ રસોડું માંગ ,પલાયન જીન થશે સૌ
દિવડો બે ત્રણ વાર , અરે દસ વાર ઘસી જો


સાત દિવસના, સાત તીરોને મુખમાં ઝીલી
કંઠ વગરના શ્વાન, હવે તુ સહેજ ભસી જો

દંભ, કટુતા ઈર્ષાથી અવકાશ પ્રદૂષિત
મરવા જેવું જીવવું હો તો યાર શ્વસી જો

10.12.08

ક્ષણોનો કાફલો થાકી ગયો છે
સમય ઘડીયાળનો પાકી ગયો છે

કમળ પર ઓસના બિંદુ સ્વરૂપે
ભ્રમર હસ્તાક્ષરો ટાંકી ગયો છે

નશીલી આંખનુ કારણ હશે આ
હજી ક્યાં ઘૂંટડો સાકી, ગયો છે

રહ્યું પૈડું અમારે હાથ, ને રથ
અમારો સારથી હાંકી ગયો છે

દિલે પથ્થર મુકી, પથ્થર મુકીને
જમાનો જો મને ,ઢાંકી ગયો છે

9.12.08

સ્મિત નામે શહેરમાં ભુલા પડી
પાંપણો હર એક ભીની સાંપડી

કંટકોની પામવા મીઠી ચુભન
ફુલની ખરતી રહે છે પાંખડી

લાગણીનું રણ હવે સુક્કું થતાં
ઝાંઝવે ભિંજાય મારી આંખડી

ચાલ છે મોટા ગજાની આપની
ને ગલી મારી પડે છે સાંકડી

મૈકદામાં તું નથી, મસ્જીદમાં હું
ક્યાં સુધી ખેલાય સંતા કુકડી

મોત વહેલું માણવું’તું પણ મને
શ્વાસ લેવાની બુરી આદત નડી

8.12.08

મારો પહેરવેશ

મારું ખમીસ જાણે, ઘટનાના તાણા વાણા
ઈચ્છા બધી અધુરી, યાને દરેક કાણાં

ચશ્મા ઉપર અમારા, વીતી ઘણીયે યારો
લૂછીને ઘાવ સઘળા, નીરખું અતિત વ્હાણા

ઓઢીને આબરૂની, ટૂંકા પનાની ચાદર
પહેરણને સહેજે ઢાંકુ, લંગોટ ગાય ગાણાં

પ્રારબ્ધનું પુરાણું, વીટ્યું છે ફાળીયુ પણ
પુરૂષાર્થ કેરી ગાંઠો બાંધીને કર દુ:ખાણાં

મન સાંકડા સરીખા પહેર્યા હતાં પગરખાં
મ્હેણાઓ ડંસ દેતા, કાઢું તો વાગે પાણાં

5.12.08



કબુતર શોધવા નીકળ્યું હતું, પિસ્તોલ ને ગોળી


કર્યું જો કાંઈ ના લોકો, બનાવીશું અમે ટોળી...

3.12.08


આ દેશનો તિરંગો સહુએ ઉંચકવો પડશે
સરહદને તોડી ફોડી નક્શો બદલવો પડશે

બાઈબલ, કુરાન, ગીતા, કહેતા નથી કશું, પણ
આ માનવીનો આતમ, સરખો સમજવો પડશે

ભુલી બધી કટુતા, ફેલાવ્યા બાહુ હરદમ
જે હાથ ઝાલ્યો કાલે , આજે મરડવો પડશે

નિયતને નામે આંતક, નેતા તમે કરો છો
સમજી જજો સમયસર, રસ્તો પકડવો પડશે

પ્રગટાવી મીણ બત્તી, દેશું સલામી કિંતુ
વળતો જવાબ આપી, ઉત્સવ ઉજવવો પડશે

1.12.08



AAAKROSHHH


जला कर देशको, वो चल दीये
थमाये हाथमे, हमने दीये !!

बहुत अच्छे रहें हम मोम से
पिघलते जा रहे हम किस लीये ?

सियासत घोंटता है ये गला
दबाये नाक वो, कैसे जीये

यही तो वक़्त है, दे दे सिला
हरेक करतबका, जो उसने कीये

बहुत सजदे कीये, मांगी दुआ
पुकारा दर बदर, कुछ कीजीये

हमी है अब खुदा, इश्वर हमी
करे अब जो भी हम, वो देखीये

बुझा दो मोम की सब बत्तीयां
मशाले हाथमे लहराईये

तिरंगा गाडके उनके सीरे
वतन की शानको दहोराईये

27.11.08

હા....ય.....કા....રો.....

નખ અમારી આંગળીના દે ઝખમ, ઉછાંછળાં
આળ પંપાળો છતાંયે શેં રહે છે વેગળા

હાર હમદર્દી તણાં હીરલે જડી પહેરાવીયા
શી ખબર કે એજ હીરા કાપશે સૌ ના ગળા

દેશ છોગાળો દિસે, થનગન થતાં સૌ મોરલા
સ્થિર થઈ ઊભો તો જાણો કેટલા પગ પાંગળા

સાવ સમજી ને વિચારી દોસ્ત ડગલું માંડીયે
ભેદ ભેરુ ના અને એરુ તણા બહુ પાતળા

ક્રોધના દરિયા ઊડી ઉંચે ચડીને આભમાં
હેત નિર્મળ નીરનાં ક્યારે વરસશે વાદળાં

ચાંદ પર પહોંચ્યા તમે તો સહેજ આગળ પૂછજો
એ ખુદા બહેરા તમે છો, કે પ્રભુ છો આંધળા

26.11.08

જીંદગીના બંધ પરબિડિયે સદા
મોતના પૈગામ નીકળે સર્વદા

એકની જ્યાં કળ વળે છે ત્યાં જ તું
ફેંક મારકણી, બીજી તીખી અદા

એજ કૌતુક છે કે હું વાવું ફુલો
તોય કાંટાળા ઉગેછે સંપ્રદા

જેમ ઉંચા થઈને રેડો જામમાં
પામશો ઓછું, ને ઝાઝા બુદબુદા
પીઠ પાછળ તેં કર્યો કચવાટ, ને
રે અમે માની લીધી તારી સદા

કબ્ર પર મત્લા, એ બીજું કંઈ નથી
રીત કહેવાની અમારી, અલવિદા

સાવ એકાકાર થ્યાં મૃત્યુ પછી
હું યે પથ્થર, તું યે પથ્થર દિલ ખુદા

21.11.08




25 years of


लग्न जीवन



લે વીતી ગઈ એક પળમાં પા સદી
રે હજી તો યાદ છે સાતે પદી

એજ ખંજન, સ્મિત નમણું એ અદા
કાંઈ પણ લાગ્યું નથી વાસી કદી

ભેદ ભાગ્યા, ગુણને ગુણ્યા કર્યા
શેષમાં સંતોષ, વ્હાલપની વદી

ખળખળ્યાં, ઉછળ્યાં ઝરણ થઈને, હવે
ધીર ને ગંભીર થઈ વહીયે, નદી

19.11.08

कुछ दर्द मिले, और ग़म ही मिले
जीनेको युहीं मरहम ही मिले

किस्मतमे हमारी कांटे क्युं
फुलोकी जगह हरदम ही मिले

ख्वाबोमें मिले अक़सर जीनको
सच पूछो तो हम से क़म ही मिले

माना की तुम्हे, सुननीथी ख़नक
दिल तोडनेको, क्युं हम ही मिले ?

मिलना ही था अगले मौसममें
बदले ना वही, मौसम ही मिले

हम सात सूरों के बीच बसे
जीस छोर चलो, मध्धम ही मिले

मालुम न था, मशहुर थे हम
जो कब्रसे गुझरे, नम ही मिले

17.11.08

પ્રથમ તો મોતનો અણસાર દઈ દે
પછી તું શ્વાસના હથીયાર દઈ દે

સુખી પીઠે સદા પસ્તાળ પડતી
દુ:ખોમાં થાબડે એ યાર દઈ દે

જનમ, મૃત્યુ તણા પૂંઠા વચાળે
જીવન રંગીન ને દળદાર દઈ દે

લુંટાવે હુસ્ન તારા ગાલનો તલ
રતિભર ના સહી તલભાર દઈ દે

મદિરાલય સુધી જાવું ફકત છે
સફર ઝાઝી નથી, આધાર દઈ દે

નિરાકારી હતાં અમથાય જીવતાં
કબર ને કોઈ પણ આકાર દઈ દે

15.11.08

ચન્દ્ર પરની ચડાઈ વિષે બે દેશ દાઝની
પંક્તિને ઘણા મિત્રોએ હળવાશમાં લઈ
રચના આખી લાખવાનું કહ્યું, તો આખી
રચના રમૂજની રૂએ...........

ના હવે કહેશો કે માત્ર હું ધણી
લ્યો અમે પણ ચાંદને ચૂંટી ખણી

ક્યારના ચીંધ્યા કરો છો આંગળી..!!
કોઈ ના કરતા હવે સહેજે ટણી..

આજ તો નાખ્યો અમે આ ’પ્રોબ’ને
આવતી ખેપો હશે નેતા તણી

સોમ, મંગળ, બુધ ને શુક્કર શની
રાહ જોશે સૌ હવેથી આપણી..

આ બધી વાતો હશે આકાશની
ભોમ પર તો આપદા થાતી ઘણી

ચંદ્ર પર તો ઠીક, મારા બાપજી...
પહોંચશું ક્યારે અમારા ઘર ભણી

14.11.08

હિંદુસ્તાનનો દુનિયાને પડકાર

ના હવે કહેતા કે માત્ર હું ધણી
લ્યો અમે પણ ચાંદને ચૂંટી ખણી


આ કાર્યમાં સહભાગીઓને લાખ લાખ
………અભિનંદન......... .

6.11.08



ગઝલના ધબકાર…ગઝલનું જન્નત…


એવા શ્રી આદિલ મન્સુરીને લાખ લાખ સલામ…….


આદિલને
આ દિલની
...સદા....

ચુક્યો ધબકાર રે આદિલ, ખુદા
થયો પુરવાર ના-કાબિલ ખુદા

હતું કોમળ, ઋજુ, સાલસ હ્રદય
તમે પથ્થર સમા કાતિલ ખુદા

ગઝલને, આંગળી ઝાલી અને
પુગાડી આગવી મંઝિલ ખુદા

ખુદાઈ એમની ભારે પડી..!!
બડો કમજોર ને બુઝદિલ ખુદા..

ખજાનો કેટલો ભાર્યો હજુ
કરી લેજે બધું હાંસિલ ખુદા

ભલે શાયર કર્યો જન્નત નશીં
હવે દોઝખ અમારાં દિલ ખુદા

5.11.08


હરખ તું અમથું હિંદુસ્તાન

અલ્યા ઓબામા જીત્યા ભઈ ઓબામા
જાણે પરભુજી આવી પડ્યા ખોબામા..!!

બધાં હૈયા ફૂટાવ, બહુ હરખાણાં
ધ્યાન દેજો રે આપણાય કોબામાં

ઓલા ડોલરીયા ધૂંબા ને ભુલી ગ્યા..?
કોણ લાપીને પૂરશે આ ગોબામાં..

એની મંદીને રોવાનું રે’વા દ્યો
કો’ક તમને યે ગણશે રે ડોબામાં..

સાત સમદરને પાર ઠાલો વા’લો થા
રાખ શેઢાને આપણાં ઘરોબામાં....

1.11.08

કળી હમણા મઝાનું ફુલ થઈ જાશે
અમારાથી સુગંધી ભુલ થઈ જાશે

ભલે અશ્રુ જમા થાયે પ્રતીક્ષામાં
નયનને બારણે એ ઝુલ થઈ જાશે

ધર્યો મેં હાથ લે, તું પણ ધરી લેજે
પછી એ લાગણીનો પુલ થઈ જાશે

ઘડી બે લાવ, બદલી નાખીએ આસન
પરિવર્તન ખુદા આમુલ થઈ જાશે

હજી તો ઘૂંટ મક્તાના બધાં પીવે
ગઝલ વાંચીશ તો મશગુલ થઈ જાશે

बरसों बीते कुछ तो कहो
तनहाई हे कुछ तो कहो

लंबी चौडी बातें क्युं
दो लब्झोमें कुछ तो कहो

थर्राये कबसे कलियां
अब होठों से कुछ तो कहो

दुनीयाकी परवा ना कर
यार हमीं से कुछ तो कहो

में बैठा कबसे दर पे
ईस बारेमें कुछ तो कहो

फिरते जो हेवान बने
ईन्सानो से कुछतो कहो

खामोशी के आलमसे
चलते चलते कुछ तो कहो

29.10.08



મિત્રો,
સાલ મુબારક
અનેક રંગો ગઝલ, કવિતા કે ગીત રૂપે
શેર કરતો આવ્યો છું......આજે દિપાવલીના
દિવસે ચિરોડીના રંગે જ્યારે મે રંગોળી કરી
ત્યારે આ નવા વર્ષે કરવા લાયક દ્રઢ
સંકલ્પો વિષે એક રચના સ્ફૂરી તે મારી રંગોળી
સાથે આપ સૌને અર્પણ.........

કંઈક નવલો ચાલને સંકલ્પ કરીએ એટલો
માનવી માનવ બને, સંકલ્પ કરીએ એટલો

હાથ છે સાબૂત, કદી હાથો બનાવીશું અમે
ના ખુદા, ના રામને, સંકલ્પ કરીએ એટલો

કાળ, સંજોગો, વિધિ, પુરૂષાર્થની પગથી વડે
આંબવું છે આભને, સંકલ્પ કરીએ એટલો

સાવ બદલી નાખીએ નક્કર હકીકતમાં હવે
આપણાં સૌ ખ્વાબને, સંકલ્પ કરીએ એટલો

જેટલા સંકલ્પ કરીએ, પૂર્ણ કરીએ ખંતથી
હાથમાં લઈ આબને, સંકલ્પ કરીએ એટલો

28.10.08

नवलू वरस

રે ! બિચારૂં શું કરે , આવતું વરસ
જીવવાનું સહેજ છે, આપણે સરસ

એક મેકનો સમય બાંટીએ હવે
જામ તું ઉઠાવ દોસ્ત, લાવ તું તરસ

આભમાં ફરક હશે, પાંખ પણ જુદી
ઉભવાની આપણે , એક છે ફરસ

હદ વટાવી પહોંચીએ, મન થી મન સુધી
પ્રેમ કેરી ચાસણીનો તાર એકરસ

લાગણી જમા કરો, છે ઊધાર બંધ
માંડવાળી દ્વેષની કર અરસ પરસ

19.10.08

આપણે તો ચાલવાનું બળ મળે
છેક જો મંઝીલ ખુદા આગળ મળે

સ્પર્શની ભાષા હવે વાંચી શકું
છો રહ્યો કોરો, મને કાગળ મળે

રાત આખી સ્વપ્નને ખેડ્યા પછી
હોઠને તરબોળવા ઝાકળ મળે

જીંદગી હારીને ખરવું ટાળ તું
જો ચમનમાં કેટલી કુંપળ મળે

આયનો છલના છે સાંગોપાંગ પણ
તોડવા બેસો તો અગણિત છળ મળે

આયખાની કાપવા આખી સજા
શ્વાસની પગમાં પડી સાંકળ મળે

16.10.08

એરણે જ્યારે મુકી મેં જાતને
ઓળખી ત્યારે ખરી ઓકાતને

મૌનને ગાંઠે ન હૈયુ, ને ફુટે
બે અધીરાઈની પાંખો વાતને

ના સુરાહી કે ન હો સાકી ભલે
જામમાં ઘોળ્યો અમે એકાંતને

ફુલ પર વિતી હશે જે રાતભર
ઝાકળે ચિતરી દીધું વૃત્તાંતને

દિ’ ઉગે આ એક પણ ’તારા’ નથી
કેમ સમજાવું બિચારી રાતને

13.10.08

આપણો સંગાથ આકર્ષણ સુધી
શી રીતે પહોંચી ગયા ઘર્ષણ સુધી

વિસ્તરે છો પહોંચ તારી ચોતરફ
બિંબની ઓળખ રહે દર્પણ સુધી

એક ક્યારાની સૂણો તુલસી કથા
ડાળથી કાપે મજલ તર્પણ સુધી

તે પછી રસ્તા ઘણા નીકળી પડે
તું પ્રથમ આવી તો જો અડચણ સુધી

દિલ સુધી ઉતરે બધાં, પણ આપ તો
રક્તમાં વહેતાં અમારાં કણ સુધી

હોય જાણે કેમ રેખા લક્ષમણી
આંસુઓ આવે ફકત આંજણ સુધી

9.10.08

સ્મિત એનુ ભલભલું ખાળી શકે
કેટલા અટ્ટહાસ્યને વાળી શકે

પાંપણોના મ્યાનમાં એની નજર
સેંકડો લાશો હજી ઢાળી શકે

આગીયા સૂરજ થવાની હોડમાં
ક્યાં સુધી અંધારને ટાળી શકે

દોસ્ત ખિસકોલી થવું મંજુર છે
કો’ક રમતા-રામ પંપાળી શકે

હસ્તરેખા ક્યાં તિલસ્મી આંખ છે
કે થવાનુ શું ?, બધું ભાળી શકે

લાગણીથી તરબતર ભીની ચિતા
રે ! નિ:સાસો આપનો, બાળી શકે

6.10.08

મૌન કંઈ કિલ્લોલ કરતું ના કદી
શબ્દના બે ઘુંટ ભરતું ના કદી

આંખનું અશ્રુ, ને દરિયો રણ મહીં
એક પણ સહેજેય ઠરતું ના કદી

એજ પીડા કાયમી પીળાશની
પાન લીલું ક્યાંય ખરતું ના કદી

વા સમી અફવા ને મળતો ઢાળ પણ
સાવ નક્કર સત પ્રસરતું ના કદી

ત્યાં કશુંક ભાળી ગયો માનવ હશે
એમ નહીંતર કોઈ મરતું ના કદી

1.10.08

ક્યાં લગ કરશો બાપુ બાપુ
ઢીલી થઈ ગઈ બધ્ધી ચાંપુ

નાટક બહુ ભજવાશે, તેદિ’
સારું છે આવે ના છાપું

મનમાં બોલો ઉદ્ઘાટનમાં
બોલ તને ક્યાંથી હું કાપુ

અગ્નિદાહે એકજ વાતો
હું તાપુ, ના ના હું તાપુ

ખિસ્સા, દલ્લો સૌ છલોછલ
બાકીના ક્યાં ભરશો પાપુ

બાપુ, મારૂં કાંઇ ન હાલે
પૂષ્પો સમ શબ્દોને આપું

30.9.08

માનો "ગરબો"

રે માના ગરબામાં કેમ પડ્યા કાણાં
જાણે ગોળીઓથી હૈયા વિંધાણાં....રે માના ગરબામાં

પહેલી ગોળીએ માની આરતી પિંખાણી’તી
ડીસ્કોના ઠેર ઠેર ગાણાં...
બીજી ગોળીએ મૂકી ભક્તિને હોડમાં ને
શકુનીએ નાખ્યાતાં દાણા....રે માના ગરબામાં

ત્રીજી ગોળીએ લીધાં શ્રધ્ધાના પ્રાણ
જુઓ ઉભા લઈ ઝેર બધે રાણા...
ચોથી ગોળીએ માના વાહન ચોરાયા
બધે બાઈકુનાં ફૂંકણાં ગંધાણાં....રે માના ગરબામાં

પાંચમીએ ખોલ્યાતાં બિયરના બાર
ક્યાંય ભાળોના પરસાદી ભાણાં....
છઠ્ઠીએ ગભરૂઓ છેતરાણી સાવ
પછી લાગણીના જાળાં ગુંચવાણાં....રે માના ગરબામાં

સાતમીએ તોડ્યાતાં સપ્તકનાં તાર
સૂર ઘોંઘાટી કાનમાં ઘોળાણાં....
આઠમી અડપલાંના રૂપે અથડાય
કેમ મૂંગા છે સમજુ ને શાણાં....રે માના ગરબામાં

નવમી નચાવતી’તી નફ્ફટીયા નાચ
બધે બેશરમી ટોળા ઉભરાણાં...
દસમી ગોળીએ હણ્યાં રામનાં રખોપા
જીવ સહુનાં પડીકડે બંધાણાં....રે મના ગરબામાં

ખેલૈયા ખેલંતા ખેલ ભાતભાતનાં ને
ભક્તો તો સાવ રે નિમાણાં...
માતાજી કરજે સંહાર તુ અસૂર તણો
ખાશું સૌ ગોળ અને ધાણાં....રે માના ગરબામાં

29.9.08

MRUTYU

અંબાડી તૈયાર , કે માણસ ચેતી જાજે
જાનૈયા છે ચાર , કે માણસ ચેતી જાજે

હરખાતો ના આજ કે બંધન છુટ્યાં તારા
બાંધે કરશે પાર , કે માણસ ચેતી જાજે

ટીંપુ એકે લોહી તણુ ના છોડ્યું કિંતુ
પાશે ગંગાધાર , કે માણસ ચેતી જાજે

મુખમાં ન્હોતો એક દિલાસો તારા દુ:ખમાં
કરશે જય જય કાર , કે માણસ ચેતી જાજે

અંધારું છો હોય જીવનમાં , ચિતા અચુકથી
જલશે પારાવાર , કે માણસ ચેતી જાજે

સંબંધી ને યાર સગાં સૌ પાછા વળશે
આતમ તારો યાર , કે માણસ ચેતી જાજે

સંતાપો કંકાસ ઘણો આ નરક મહીં , ત્યાં
જલસા અપરંપાર , કે માણસ ચેતી જાજે

બચપણ

હજીયે હું શોધું છુ બચપણ ચમનીયા
સબંધો વિનાનું એ સગપણ ચમનીયા

એ કડવી લિંબોળી, તુરી આંબલીઓ
બધું લાગતું તોયે ગળપણ ચમનીયા

સદા ધૂળ ધોયા ને સેડાળા ચહેરા
કદીયે ના જોયું તું દર્પણ ચમનીયા

ધૂરા દઇ ને કહે, હાંક સંસારી ગાડું
અમે કેદિ' માંગ્યુતું વડપણ ચમનીયા

ફરી એક બચપણ જો આપે પ્રભુ, તો
પલકમાં વિતાવું આ ઘડપણ ચમનીયા..

20.9.08

ઘડપણ

અંગત ગણું તો, જામ છે
કેવો પ્રભુ અંજામ છે

ટહુકા વિણુ છું યાદનાં
બાકી રહ્યું ક્યાં કામ છે

શબ્દો હવે હાંફી ચુક્યાં
લિખિતંગ પર આરામ છે

શ્વાસો લઈને છોડવા
બસ આટલો વ્યાયામ છે

આંખે સફેદી, કેશ પણ
શમણાં બધાયે શ્યામ છે

સેતુ સમયનાં બાંધતાં
અંતે તો સૌ ’હે રામ’ છે

18.9.08

युं हम चले जो हवा चली
शहर शहर और गली गली

फिझाँ भी अपनीथी हमनवा
छुआ तो गुमसुम खिली कली

चरागे रोशन मैं हुस्नका
शमा भी हमसे बहुत जली

लबोंने हंसके जो कहे दीया
जो बात कहेनीथी वो टली

चलो नया कुछ करें अभी
ये शाम वैसे भी है ढली

17.9.08

अपने हाथोंकी लकीरोंको भुलाकर देखो
जिक्र मेरा ही नहीं, फिरभी बुलाकर देखो

अश्क आखोंमे कंहा, रेतका सागर है भरा
सिर्फ आंधी ही उठेगी कि रुलाकर देखो

गुनगुनाएंगे तेरे ख्वाबमें अक़्सर नगमे
अपनी भीगी हुई पलकोंपे सुलाकर देखो

खुदकी तनहाईयां शागिर्दे सफर होती है
अपने बिस्तरपे कभी उनको सुलाकर देखो

कब तलक चांदसे उम्मीद लगाए रखो
ये बदन रोशनी जुगनुमे धुला कर देखो

14.9.08

એજ રસ્તા પર જવું, વારૂ થયું
છેક તારા ઘર સુધી, સારૂં થયું

એ દિવસ સાગર કિનારે હું રડ્યો
તે દિવસથી જળ બધું ખારૂં થયું

લાગણી લીલાશની કાજે ખરી
પાન સુક્કું આજ વ્યવહારૂ થયું

બંદગી , માળા, કરી જે ના શક્યું
એક ઘૂંટે, કામ પરબારૂં થયું

આપણા મેળાપથી આજે પ્રિયે
સ્વપ્ન મારૂં સાવ નોંધારૂં થયું

કાંઈ પણ ન્હોતું અમારૂં , આખરે
’સ્વ’ લગાડી, નામતો મારૂં થયું !!

10.9.08

दिलकी महेफील जमी है की कब आओगे
आपकी ही कमी है की कब आओगे

ना बीछाई जो फुलोंकी चादर तो क्या
आसुंओकी नमी है की कब आओगे

था बहाना, न मीलनेका, बारीश अगर
अब तो वो भी थमी है की कब आओगे

दिलभी धडका है, चहेका पपीहा उधर
रात भी शबनमी है की कब आओगे

लूट लेगी ये दुनिया ये महेलो तख़त
बाकी दो गझ झमीं है की कब आओगे

4.9.08

વધસ્તંભ ઉપર જડો કોઈ અમને
ખુદા માફ કરવા ઉભો છેજ તમને

લખી નામ મારૂં લિખિતંગ તરીકે
અમે સાવ મૂકી છે નેવે શરમને

હથેળી છે અટકળ તણાં સાત કોઠા
કરો બંધ મુઠ્ઠી, ને ભેદો ભરમને

ઝખમ તેં દીધાં, રાખવા સાવ તાજા
લગાવો કોઈ આજ ઇલમી મલમને
જીવી જઈશ એવું કે મૃત્યુની વેળા
ન કોઈ કરે યાદ મારા જનમને

26.8.08

નયન તારા તણુ
બની જઈએ કણુ
તમે અડક્યા કરો
ગમે અમને ઘણુ

થઈ ઉષા થકી
ઉગમણુ બારણુ
સદા પાવન કરો
અમારૂં આંગણું

ઝુલાવો પાંપણે
શરમનું પારણુ
પછી શમણું કહો
રહે શેં વાંઝણું

ચહો, રૂખ, તે રીતે
બદલીએ આપણું
ઉનાળે વાયરો
શીયાળે તાપણું
ઘણું નરસી ભણ્યો
હવે બસ હું ભણું
શબદ મારો સતત
રહે સંભારણું

17.8.08

હજુયે કોઈની આંખો સજળ છે
તકાજો જીવવાનો બહુ સબળ છે

ભલે અફવા સ્વરૂપે, પણ અમારું
તમારા કાન પર પડવું સફળ છે

ઘણા નખરાં સહ્યા’તાં માનુનીના
છતાંયે આયનો કેવો અચળ છે

હરણ થઈ, અક્ષરો દોડ્યા કરે પણ
ગઝલ-જળ પામશે કે નહીં, અકળ છે

પ્રભુ તેં તો ઉઘાડ્યાં દ્વાર તારા
પરંતુ મોહના આડે પડળ છે

ઘુઘવતા કેટલા દરીયા છે કિંતુ
અમોને ઓસનુ વળગણ પ્રબળ છે

13.8.08

R O C K ..’N....રા...સ

Hey.. ક્રિષ્ના, hey.. ક્રિષ્ના
we love you love you, હે ક્રિષ્ના.....

તારી વાંસલડીના સૂર અમુને
spelll...bound કરે ક્રિષ્ના...
ફર ફરતું પિછું, મોર મુકુટ
ammmazing....લાગે હે ક્રિષ્ના....
હે ક્રિષ્ના, હે ક્રિષ્ના…..

ઓલી રાસે રમતી રાધા સાથે
let me dance દુલારે ક્રિષ્ના...
એના તાનપૂરે, મીરાંની સંગે
all we sing o.. હરે ક્રિષ્ના....
હે ક્રિષ્ના, હે ક્રિષ્ના….

તારી આંગળી ઉપર પર્વત છું
don't let me down, મોરે ક્રિષ્ના....
પાપોના ડોલે કાળી નાગ
you rien them down ઓરે ક્રિષ્ના...
હે ક્રિષ્ના, હે ક્રિષ્ના….

11.8.08


સોનેરી કુંભકરણ જાગ્યો ફટાકડીએ

લાખ લાખ વંદન છે બિન્દ્રા......
માણી લેજો, કે પછી રહી જાશો કાયમ,

એ કરવાનો સદીઓની નિંન્દ્રા....!!!!!

5.8.08

પ્રશ્ન મારો એ નથી હું કોણ છું ?
પ્રશ્ન છે, શાથી કહો છો ગૌણ છું

આંખ પંખીની ફકત થાવું હતું
ને તમે કહી દો મને, કે દ્રોણ છું

આપનુ જીવન હતું વર્તુળ સમુ
મેળ ના ખાશે કદી, હું ‘કોણ’ છું

ષડરિપુ ચારે તરફ વસતાં છતાં
કાળમાં પંકજ સમો ષટકોણ છું

2.8.08

જીભે તમારું નામ છે
હૈયે હજુય હામ છે
બાકી, પડે જરૂર તો
આખો ભરેલ જામ છે

પથ્થર ઉપર લખી લખી
રટવું તમારું કામ છે
કાગળ, કલમમાં સ્ફુરતાં
શબ્દોજ મારાં રામ છે

સરનામુ મારું બાપડું
ના કંઈ વિષેશ, આમ છે
નીંદર બનીને આવશો
શમણે અમારું ગામ છે

ઈજ્જતના ખુદના ચીર, જો
લુંટાય ખુલ્લેઆમ છે
માણસ, કે માણસાઈની
કોની આ કત્લેઆમ છે ?

મૃત્યુ એ બીજું કંઈ નથી
અમથો જરી મુકામ છે
ચોર્યાસી લાખ ખેપમાં
બે પળનો બસ આરામ છે

29.7.08

હથેળી હકીકતમાં ચોપાટ છે
નરી અટકળોની રઝળપાટ છે

સબંધોના શહેરોયે સૂના પડ્યાં
હરેક મોડ પર કોઈ કચવાટ છે

હવે મ્રુગજળોનાયે સોદા થતાં,
તરસ, છળ, હરણ, રણ માં રઘવાટ છે

તમારા વિરહમાં આ ટહુકા તો શું
ખર્યું પાન પણ એક ઘોંઘાટ છે

હવા કોણ દેતું ચિતાને સતત
તમારાજ શ્વાસોના સુસવાટ છે

23.7.08

આભમાં ભિનાશ જેવું છે કશુંક
આંખમાં વિષાદ જેવું છે કશુંક

ટોડલે ચિતરેલ ટહુકે મોરલા
ગામમાં વરસાદ જવું છે કશુંક

નાવ કાગળની અને ખાબોચીયા
બાળપણના સાદ જેવું છે કશુંક

એ નિતરતાં કેશ ને ભીનું બદન
જો , હજુ ઉન્માદ જેવું છે કશુંક

સાંભળી નેવા ટપકતાં થાય , કે
મૌનને સંવાદ જેવું છે કશુંક

હર્ષની હેલીઓ મુશળધાર છે
ઇશ્વરી સોગાદ જેવું છે કશુંક

10.7.08

જીંદગી ક્ષણમાંજ તાળી હાથમાં દઈ જાય છે
યાદના દરિયા પછી સોગાદમાં દઈ જાય છે

હૂંફ જે પામ્યા નથી આ આયખું આખું અમે
તે ઘડી ભરમાં, કોઈ સંગાથમાં દઈ જાય છે

સ્વપ્નના હરણાઓ દોડી ખ્વાઇશોના રણ મહી
ઝાંઝવાના જળ સમુ કંઈ આંખમાં દઈ જાય છે

શબ્દ, પોથી, ગ્રંથ ના ઉકલી શક્યા એ મર્મનો
અર્થ , મદિરા ઘુંટ બે, એક જામમાં દઈ જાય છે

જળ, જમુના, ગોપીઓ, ગોકુળ અને વ્રુંદાવનો
એક હળવી ફુંક એની વાંસમાં, દઈ જાય છે

પ્રશ્ન આખો જે જટિલ જીવન રૂપે પુછાય છે
મોત, ઉત્તર સાવ સીધો રાખમાં દઈ જાય છે

5.7.08

ચાલ સપને ઝુલાવું તને
કોઈ આપે જો નીંદર મને

સેજ તારી સુંવાળી સદા
બેય ભીની આ પાંપણ બને

એક પૂનમ તણું આભમાં
રૂપ બીજું અમારી કને

હૂંફ એવી દઉં કે જલન
થાય પરીઓ તણા દેશને

ન મદિના ન મક્કા ગયો
સહેજ ચૂમી લીધા ઓષ્ટને

2.7.08


વરસતે વરસાદે

વરસે કેવો અનહદ અનહદ
સૌ પાર કરી સરહદ સરહદ
ઘન ઘોર થઈ
ઉમટે આંગણ
લીલો દરિયો
છલકે પ્રાંગણ
સૌ બાળ, બળુકા વડમાથા
નાચત મન મૂકી થૈ તાથા
યૌવન પલળે
નજરૂ નિતરે
કોઈ છાનગપત
કોઈ અળવીતરે
બીજું નભ થઈ, નેવાં ટપકે
જલ બિંદુ સમ દિવા ઝબકે
મન મોર શબદ
થઈ ટહુકંતા
ને ગઝલ રૂપે
એ થનગનતાં
પાકુ થઈ ગ્યું છે લગભગમાં
ઈશ્વર જેવું કૈં છે જગમાં


હાથ કોનો, ક્યાં કદી પુછાય છે
હર પ્રસંગે ખંજરો ચર્ચાય છે

આમતો પાષાણ છું, પણ પ્રેમમાં
એ મને પડઘો બની અફળાય છે

એમ ના મદિરા ગળે ઉતરે કદી
એ ગળાના સમ થકી પીવાય છે

વેદ, ગીતા ને કુંરાં ટૂંકા પડે
ત્યાં પછી મારી ગઝલ વંચાય છે

ના જશો આ કબ્રનાં દેખાવ પર
જીંદગી આખી અહીં સચવાય છે

1.7.08


વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો

ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો

આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો

થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો

આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો

21.6.08


શ્વાસ લીધા બાદનો ઉચ્છવાસ છું
શબ્દના દરબારમાં ઉપહાસ છું

રૂબરૂની વાત ક્યાં, હું એમના
સ્વપ્નમાથી જે લીધો, વનવાસ છું

લાગણીના શહેરની વચ્ચે છતાં
ના થયો જે કોઈને, અહેસાસ છું

છે ખબર અંજામ પરવાના તણો
તે છતાં, શમ્મા તણો સહેવાસ છું

અંધકારે જીંદગી જીવ્યા પછી
ભડભડે જે આખરી, અજવાસ છું

8.6.08


સબંધોને સુંવાળું નામ દઈ દે
સુખદ એને પછી અંજામ દઈ દે

ખખડતી ડેલિઓ ઉઘડે નહીં તો
ખુલેલી બારીએ પૈગામ દઈ દે

ભલે સાકી જગત હાંસી ઉડાવે
દરજ્જો, તું મને , બદનામ દઈ દે

પ્રથમ તો દોડવાની દે સજા તું
પછી મ્રુગજળ તણો ઈલ્ઝામ દઈ દે !!

સતત શ્વાસો થકી થાકી ગયો છું
ખુદા થોડો હવે આરામ દઈ દે

31.5.08




  1. શપથ લીધાં અમે બાગી થવાના
    છતે શમણે અમે જાગી જવાના

    થવું છે કોઈ પણ ભોગે અમારે
    પતંગાની મમત માંગી ,દિવાના

    હજુયે પાંગરે રસમો પુરાણી
    બધાં અરમાનને ભાંગી, નવાના

    ફફડતી પાંખ લઈ ઉંચે ને ઉંચે
    જશો ક્યાં બંધનો ત્યાગી હવાના

    પ્રતિક્ષા રાખ સુધ્ધાની ન રાખે
    ચિતાને, સૌ થશે દાગી, રવાના

24.5.08


રસમ કંઇક પાડો નવી એ ખુદા
નવેસર ઘડો માનવી એ ખુદા

હથેળીની રેખા ભૂંસી નાખજે
નથી કાલને જાણવી એ ખુદા

હરેક પળ, ઘડી હર હું પીતો નથી
અમારે તો બસ ચાખવી એ ખુદા

દમકતી ઉષા, ને ધવલ ચાંદની
ન કાળપ હવે આંજવી એ ખુદા

જીવન તો સુદામાથી બદતર ગયું
હવે મોત દે રાજવી એ ખુદા

18.5.08


शिकवे गीले कोई करना नहीं
आना मेरे यार वरना नहीं

बीगडे नियत आइनेकी कभी
इतना भी सजना संवरना नहीं

खंजर छुपे हें हंसी ओढके
धोखेमें कोईभी रहेना नहीं

ठोकर लगे यादकी हर क़दम
ऐसी गलीसे गुझरना नहीं

ढोके ये दुनिया, झुकी है कमर
खुदा, तुं इबादत समझना नही

13.5.08


તમે તો ઘણા ફુલ વેર્યા’તાં જો ને
અમે તારવી ના શક્યા કંટકોને

નજરની કટારી, એ છણકો, ગરુરી
ભલા ખુબ માણેલી છે એ હરકતોને

સિતમ બહુ સહ્યાં છે રિવાજોને નામે
ખરું નામ દીધું તમે તરકટોને

હ્રદયથી ઉઠ્યા જે ગઝલ નામધારી
તમે દાદ આપી, ઝીલ્યા સ્પંદનોને

કીશનની હથેળીથી મટકી સુધીમાં
ફ્ળ્યો’તો જનમ એ બધા કંકરોને

ચિતાએ ઉભેલા બધાને ખબર છે
ખુલે આમ તોડ્યા મે સૌ બંધનોને

8.5.08


કાનાની વાંસળીમાં મીંરા ચકચુર છે
ગોકુળ, મેવાડ જુઓ આટલાજ દુર છે

વ્હાલાની કરુણામય દ્રષ્ટી ની છાંટ પર
રાણાએ મોકલેલ ઘુંટડા મંજુર છે

ઝણઝણતો તાનપુરો ટેરવાઓ વાઢતો
ભીનીશી લાગણીમાં ડૂબેલા સુર છે

ગોપીઓના ઉર મહીં, છલકાતી હેલ રે
એટલેતો રોજ રોજ યમુનામાં પુર છે

રાધા જો નટવરની નમણી નરમાશ, તો
મીંરા એ ગિરધરની આંખોનું નુર છે

2.5.08


ધરીને હાથમા પ્યાલી
ફરું છું ક્યારનો, ઠાલી
નશો સાકી તણો રહેતો
કરું કે ના કરું ખાલી

ન જાણે ક્યાં સુધી મારી
ઢસડતી નાવડી ચાલી
ખુદા કે નાખુદા, કોણે
અમારી આંગળી ઝાલી ?

જીવ્યો છું બેવફાઈ પર
નથી નફરત કદી સાલી
તમારે હાથ ખડકેલી
ચિતાયે લાગતી વ્હાલી

રગે રગ જામની સાથે
દીધીં મેં મોતને બહાલી
હરેક આંગણ, સમી સાંજે
હશે મારા થકી લાલી