30.10.10

પિતાશ્રીના સાવ અચાનક અવસાન
પર ઉઠેલા ઉદગારો

જીંદગી આંબી શકી ના મોતને
સાવ અધવચ્ચે જણાયું ઓથ ને

અર્ધ તુટ્યું છાપરૂં ઉડી ગયું
આજ સાલી ખોટ, સાલ્લી ખોટને

રે અનુભવ નામ ખીંટી ઉખડી
કેમ ટાંગુ આજ મારા કોટ ને

શું ખબર ? પરિણામ આવું આવશે
ના કદી રોક્યા અમે અવરોધ ને

આટલું તો કમ સે કમ કરવું રહ્યું
પામવા આખર બધાએ મોક્ષ ને

26.10.10

હવે જાત નખ શિખ પચાવી ગયો છું
અરીસાને લગભગ હું ચાવી ગયો છું

સરેઆમ નાસ્તિક હું અલબત્ત હતો, પણ
ઘણી વાર મસ્તક નમાવી ગયો છું

પ્રસંગો તમારા ફકત બારણા પર
સવા શ્રી થઈને નિભાવી ગયો છું

તને ખ્યાલ ક્યાં છે, કે શમણામાં તારા
ન આવી, તને હું સતાવી ગયો છું

બીજું તો કશું નહીં, જીવનમાં કોઈના
કોઇ ખૂણે હલચલ મચાવી ગયો છું

21.10.10

અમે સાવ અણજાણ તારા નગરમાં
તમે પણ કદી ના સમાવ્યા નજરમાં
.
બધી લાગણીઓ નીચોવી દીધી મેં
તમે સહેજ હસતાં, તો એ પણ કસરમાં
.
જરા છીપ થાજો, તો દરિયો બનીશું
લગીરે નથી માનતો કરકસરમાં
.
ચરણ તું, પથિક હું ને સહિયારી મંઝિલ
હવે ક્યાં રહી એ મઝાઓ સફરમાં
.
જીવન મારૂં રેતી ઉપર નામ જેવું
રખે શોધતા નામ મારૂં અમરમાં

16.10.10

ઉકેલ્યા શિલાલેખ અઢળક, છતાં પણ
કરૂં વાંચવા, આંખ તારી મથામણ

ઝળાહળ આ સુરજની દુનિયામાં તારી
અમારો જ પડછાયો છે એક થાપણ

કણે કણ પરોવી મેં એકેક ઘટના
પછી વિસ્તર્યા યાદગીરી તણા રણ

કમળ પર ભ્રમર બેઠો, સમજીને એવું
બિડેલી છે અકબંધ તારી બે પાંપણ

લથડતાં ચરણ બે, હતાં આજ મારાં
અચાનક મસીદે વળી ગ્યા નું કારણ..!!

અમારી ચિતા લ્યો, હવે ભડભડી ગઈ
ચડાવી દો સહુની ખુશાલીના આંધણ


8.10.10

આ જીંદગી એ શ્વાસ, ને ઉચ્છવાસ મોત છે
સાડી સરસ મજાની ઉપર કેવું પોત છે !!

મારી બધી વિટંબણાઓ ઠાલવી શકું
એવી જગા જગતમાં ફકત મારો દોસ્ત છે

મૃગજળ, અફાટ રણમાં બીજું કાંઈ પણ નથી
ઈચ્છાઓ વણફળેલીનો છલછલતો સ્ત્રોત છે

મારી ચિતા, એ જીદગીની આંધીઓ મહી
છેવટ સુધી ટકી રહી ઝળહળતી જ્યોત છે

પથ્થર ચીરીને કબ્રનો કૂંપળ ફુટી, જુઓ
ઝિંદાદિલી ને મોત, કેવા ઓતપ્રોત છે

4.10.10

અરે બેઠો ખુદા નભની કને, ક્યાંથી મળે
નમુ નીચે નમાજે, તું મને ક્યાંથી મળે
ક્ષણીક, પણ બુદબુદાનુ ગાઢ આલિંગન, ફકત
કિનારાને મળે, મઝધારને ક્યાંથી મળે
અધર બે ચૂમવા મળશે અગર વેણુ બનો
અમસ્તું, સાવ ઉભા વાંસને ક્યાંથી મળે
વિષય એ માત્ર આંખોનો રહ્યો છે કાળથી
પછી બે હાથમા મૃગજળ તને ક્યાંથી મળે
અડો અડ, આખરી ઘૂંટે, હતો તારી ખુદા
સજાએ બંદગી, એ પાપને ક્યાંથી મળે

3.10.10

’હું’ - એક શબ્દ

વંશ શબ્દોના થઈ, આવ્યા અમે
રિત રસમો, શબ્દશ: પાળ્યા અમે

મૌનની અંધેર નગરીઓ તણા
કેટલા રસ્તાઓ અજવાળ્યા અમે

શ્વાસ ને ઉચ્છવાસનાં રણમાં જુઓ
ગીતના ગુલ્મ્હોરને વાવ્યા અમે

લઈ હથોડી ટાંકણું, ગા ગા લ ગા
શિલ્પ ગઝલોના જ કંડાર્યા અમે

કાગળોનાં સાવ કોરે આંગણે
કંઈક પગલાં અર્થના પાડ્યા અમે

આપ સહુની દાદનો ટેકો લઈ
છેક ઘરથી કબ્ર તક પહોંચ્યા અમે

જીંદગી તું તો હતી પ્રસ્તાવના
મોતના નાટક ખરા ભજવ્યા અમે

1.10.10

દિવાલો તમે આડશોના પ્રભારી
ભલું હો તમારૂ, દીધી એક બારી

ઉલેચો જો ઘટનાનો કૂવો અવારૂ
ફફડશે કબુતરશી ઇચ્છા અમારી

અણિશુધ્ધ પડઘાયે દુર્લભ થયા છે
હવે બોલજે તું યે સમજી વિચારી

સમય પર સવારી કરી લે મુસાફીર
કોઈ એક ક્ષણ પર છે મંઝિલ તમારી

સ્વયમ સાથે ચોપાટ રમવી છે , કારણ
પછી હાર ને જીત, બન્ને છે મારી

હિસાબો કર્યા આખરે સાવ સરભર
અમે ચોપડે જાત આખી ઉધારી