22.12.12


કિનારે છું, એકાદ લંગર તો આપો
ભલે ઝાંઝવાનો, સમંદર તો આપો 

ત્રીજું નેત્ર ચાહો તો રાખો તમે, પણ 
એ ભોળો સદાએવ શંકર તો આપો

સતત સાચવી'તી અમાનત તમારી 
અમે પીઠ પર જે, એ ખંજર તો આપો 

જમાનાની નફરત નસે નસ ખૂંચે છે
ત્વચાની તળે સ્હેજ અસ્તર તો આપો 

જીવન આખું વીત્યું'તું બરછટ નિ:સાસે 
હવે ઢાંકવા સંગેમરમર તો આપો  

2.12.12આ શ્વાસ ફુંકયાની વાતે, કોઈ પ્રાણ સરીખું આપો
છે પાર વગરનો દરિયો, કોઈ વ્હાણ સરીખું આપો

સંસાર તણી સૌ માયા, સાક્ષાત કરી પીંછાએ 
હૂંકાર અમે પણ છેડ્યો, કોઈ બાણ સરીખું આપો  

આતુર બિછાવી આંખો, બે કાન ધરીને બેઠાં 
એકાદ અછડતી એની, કોઈ જાણ સરીખું આપો 

હાલાત ઉપર ઉતરતાં, ઘનઘોર તિમિર ઓછાયા
મધરાત ઉગી નીકળે એ, કોઈ ભાણ સરીખું આપો  

આ શબ્દ નગરમાં તારા, શબ્દોના કાયમ સાંસાં 
લ્યો મૌન બન્યો હું આજે, કોઈ કાણ સરીખું આપો  

30.11.12

ચૂટણીના ચમકારા.....
એકતાના અર્થ અહીં નોખા હતાં
હર સળીમાં આગના ખોખા હતાં
દૂધીયાનો ભાવ ક્યાં પૂછાય છે..?
જ્યાં જુઓ ત્યાં એ જ બસ બોખા હતાં..!!
આંગળીના એક ટપકે, "શ્યામ"ના
કંસના લેખા અને જોખા હતાં
હાથ લઈ ઉભા, સુદામા બાપડાં
પોટલીમાં આશના ચોખા, હતાં
છેવટે પડતી ખબર, કે એ બધાં
ચાસણી પાયેલ સૌ ધોખા હતાં.....

20.11.12સ્હેજ ભીનું રણ મળે, તો પણ ઘણું 
હાંફવા કારણ મળે, તો પણ ઘણું 

ટોડલે લીલાશનું શમણું અમે 
કાચનું તોરણ મળે, તો પણ ઘણું 

છું અહર્નિશ ખોજમાં એકાંતની 
ક્યાંક મહેરામણ મળે, તો પણ ઘણું 

પ્રશ્ન અલબત્ત ખૂબ પેચીદો  છતાં  
વ્યાજબી તારણ મળે, તો પણ ઘણું 

ક્યાંય પણ મારું વજન નહોતું, તને 
કાંધ પર ભારણ મળે, તો પણ ઘણું 

17.11.12


નજર, ક્યાંથી ખબર, તારા ઉપર મારી પડી 
અમે તો પાંપણોની ગોઠવી ચોકી કડી 

વ્યથા કોને કહે એ કંટકોની રાતભર 
સવારે પાંખડી બે ઓસના બૂંદે રડી 

કસમ ખાધી અમે કે ના કદી પીશું હવે 
જમાનો એમ સમજ્યો કે મને જબરી ચડી 

તમે અહીંથી ગયાનો આ બધો અણસાર છે 
હરેક ફૂલો ઉપર ખુશ્બુ તમારી  સાંપડી 

વિરહનું એટલું બારીક નકશીકામ છે 
જરા સંભાળપૂર્વક ખોલ કાગળની ગડી 

15.11.12


ચુંટણી પર્વ ........

નીલામી કરવાને નીકળ્યા સૌ દેશની 
બોલીઓ બોલાશે ભમ્મરિયા કેશની 

ભજવે સહુ નાગા થઇ ચુંટણીનાં ખેલને 
તાતી ખપ પડવાની સજ્જનના વેષની 

મતને જો વાવીશ  તું ખદબદતી ભોમમાં 
વડ્વાયું લટકાશે મંત્રીની એશની  

સઘળાયે રંગોનાં બટવારા માંગશે 
રંગોળી પુરવાની રહેશે બસ મેષની 

છો ને તે લઇ લીધો પથ્થરને  હાથમાં 
કોતરજે લીટી બે ગાંધી સંદેશની  

6.11.12

તું સતત પ્રતિબિંબની ચર્ચા કરે
કો’ક દિ તો મ્હાયલે જો ભીતરે

હાથ તો ઉપાડવો બેશક પડે
એમ ક્યાં મેળે કદી પાનુ ફરે

રૌદ્ર મોજાઓ અહમના ચૂર થઈ
ફીણ થઈ અંતે કિનારે લાંગરે

મુઠ્ઠીઓ ખોલ્યાનો છે અફસોસ બહુ
ભાગ્યની રેખા જ અમને આંતરે

છે મદિરાથી વજુ કરવુ હવે
કોઈ તો ચીલો નવિનતમ ચાતરે..!!

રેતશીશી કાળની કેવી  અજબ  ભ્રમણા 
મૃગજળો થઇ  કેટલા સરકી જતાં શમણાં 

તું નથી, તો દોસ્ત લાગે છે સતત એવું
હાથનો જાણે કે અંગૂઠો ગયો, જમણા

આભમાં ટાંકુ હું દિવસે, તારલા માફક
ગાલ પરનો તલ કદાચિત  જો ખરે હમણા

આમ તો પીંછા ઈજારો રાખતાં કાયમ
કોઈ નામે, પથ્થરોયે થાય છે નમણા

એ ખુદા તારો જ તો છે ફાયદો એમાં
ઘૂંટ બે પીધા પછી દેખાવ છો બમણા  


30.10.12


વિશ્વની (મારા દ્વારા લખાયેલી) સૌ પ્રથમ
ફૂ....લ....લેન્ગ્થ ........હાંફ ..ગઝલ..!!!:) :) :) :)

રણની તપતી રેતી માથે માથું મૂકી, મૃગજળના શમણા જોવાને સહુ કોઈ દોડે
એમજ માનવ, મૃત્યુનો છેડો કળવાને જીવતરના શ્વાસોની સાથે શ્વાસો જોડે

ભીની ભીની માટીનાં કણ ઝંખે છે એક આઘેરી કૂંપળનો કુમળો ઓછાયો પણ
ખખ્ખડધજ વડની વડવાયુ  ચારે બાજુ ખરબચડા વ્હાણાની વરવી ખાંભી ખોડે

ઘૂઘવતા દરિયાને કહેજો, મોજાનાં અસવારો આવે હળવે હળવે તટની ઉપર
પરપોટાની નગરીનો ફોદાનો માણસ ફૂટટી જાશે ધલવલતા તોફાની ઘોડે 

વાદળિયા આકાશે હસતા, સુરજને ખિસ્સામાં મૂકી કીધું કે કાલે આવુ છું 
ચોમાસાનાં સોગન દઈને ઉનાળાએ પગમાં પડતાં માગ્યું કે ભેરુ ને છોડે 

અગ્નિની સાખે ગંગાજળ મોઢામાં મુકીને વીરલો ચાલ્યો'તો  નવલા પરદેશે
પાછળ રહી ગ્યા લોકો વચ્ચે જગજગતા ભાલે કોઈ એને મૃત્યુ નામે તિલક ચોડે 

29.10.12


ભીતરે જે વિસ્તર્યું 
આંખમાંથી એ સર્યું 

ગમ, વિરહ, તન્હાઈયા
જામમાં શું શું ભર્યું

આભને હંફાવવા 
પાંખથી પીછું ખર્યું

નામ, તવ દિલ પર લખી
મેં શીલાલેખું કર્યું

જૂઠનાં ઓઠા તળે 
સત્ય પણ નાગું ઠર્યું 

26.10.12


મતદારો જોગ.....
આ વેળા તું મત દેજે
સારપને હિંમત દેજે

પરબીડીયામાં બંધ નહિ
ખુલ્લમ ખુલ્લો ખત દેજે

ભરમાંળી કોઈ વાતો નાં
સુફિયાણી સંગત દેજે

ક્યાં લગ રામ ભરોસે રે
એને પણ રાહત દેજે

સુતેલા જે દોખજ્માં
શમણામાં જન્નત દેજે

સઘળી પોકળતા ખોલી
સાચાને ઈજ્જત દેજે

પથ્થર પર કંડારીને
લખવાનું કે જત, દેજે

25.10.12


ક્યાંક હું મીરાં તણા તંબૂરનો એક તાર છું
ક્યાંક હું પીંછાં સમો શિરે મુગટનો ભાર છું

ક્યાંક હું સાતે લાગામે સારથિ અસવાર છું
ક્યાંક હું ગાંડીવથી નીકળ્યો અચૂકે વાર છું

ક્યાંક હું ભક્તિ સભર ચાદર વણે એ શાળ છું
ક્યાંક હું આકાશથી ડોકે પડેલો હાર છું

ક્યાંક હું પુરુશોત્તમે વિજયી કર્યો સંહાર છું
ક્યાંક હું સ્તંભે જડેલો પ્રેમનો અવતાર છું

ક્યાંક હું દામોદરે વાગી રહી કરતાલ છું
ક્યાંક હું પકડી કલમ, શાયર મનોજે યાર છું

એકેક તારી યાદને ઠાંસી, ભરી અમે
ને પૂછ તું હવે કે ભલા કોણ છો તમે.?

મુઠ્ઠીયે હજુ બંધ છે, ને શ્વાસ પણ પ્રથમ
કહી દો ખુદાને કાલથી બાજી બધી રમે

પહેલા લહેર ઉગમણી જતી આપની ગલી
અપમાન આખો બાગ સરેઆમ શેં ખમે..?

જે ભોગવી રહ્યા છીએ એ આપણી નથી
દેવાની ભૂલ પાંસળી, કીધી'તી આદમે...!!

રણમાં અફાટ ઉંઘના, શમણાના મૃગજળે
ખોબો ભર્યો ત્યાં કોઈ જગાડ્યો નરાધમે

બાંધી ને મુશ્કેટાટ , લઇ નામ રામનું
બેબસ કરી દીધો'તો મને આખી આલમે 

24.10.12


જાત બાવળ પર લાગણીનું ફૂલ..!!
કોણ કાંટાને કહી ગ્યું કે ખુલ..??

એક મુઠ્ઠીની છોડી દે આશ 
હાથ રેખાઓ તારી, તાંદુલ

ક્યાંક અવસરનો નક્કી અણસાર
આજ લટકાવી આંખોએ ઝૂલ

સ્હેજ પરવાને ચાહ્યો આગોશ
ત્યાંજ થઇ ગઈ'તી શામ્માથી ભૂલ 

સાવ સરગમના સુક્કા રે પાન 
ડાળ ઝંખે છે પાછી બુલબુલ 

20.10.12


એકનો બમણો બની, પડઘો હંમેશા ચીખતો
આમ ધંધો મૌન સામે ચાલતો બહુ ધીકતો 

હું અને પ્રતિબિંબ, કાયમ ખેલતાં ચોપાટને
હું કદી'ક હારી જતો, પણ "હું" સદાયે જીતતો

રાતના એ વાણિયાથી કમ નથી હોતો કદી
આગિયો, તડકો બધાને વ્યાજ ઉપર ધીરતો 

ના મને વરદાન છે હિરણ્યકાશીપુ તણું 
રે સમય, સંજોગના ન્હોરે ગમે ત્યાં ચીરતો 

તોડજે દીવાલ, પણ બારી સલામત રાખજે
પ્રેમના પ્રકરણ બધાયે ત્યાંજથી તો શીખતો 

જિંદગી તો એ જ બાવન પાનની છે થોકડી
બસ ખુદા હર શખ્સની બાજી જરાસી ચીપતો...

14.10.12

લાગણીનુ, "આંખ", સરનામુ હતું
અશ્રુઓ વિણ સાવ નક્કામુ હતું

છળકપટ સરેઆમ થાતું રૂબરૂ
આયને પ્રતિબિંબ જો, સામુ હતું

માંડ લાગ્યુ હાથ એક પરબિડીયું
કમનસીબે એ ય નન્નામુ હતું

જે હતું ચિતરેલ જમણા હાથમાં
એ ઉધારેલુ બધું નામુ હતું

મોત યાને સાવ નાનકડું, ક્ષણિક
શ્વાસ છેલાઓનું હંગામુ હતું

13.10.12

છેક નાની ભૂલ પણ સ્વિકાર કર
ક્યાંક ડોકાતા અહમ પર વાર કર

હું પણુ હુલ્લડ બની ફેલાય છે
જ્યાં તને દેખાય ત્યાં તું ઠાર કર

બે ચરણ, ને દોસ્ત ત્રીજો હો પછી
હાથ રાખીને ખભે, શ્રીકાર કર

દુશ્મની નિભાવવા કરતા હવે
તું સબંધો, દો દુની ને ચાર કર

જીંદગી, તુ મોતના ડરથી જિવ્યો
એટલો તો આખરે ઇકરાર કર...

11.10.12


હું જ મારું મન કળી શકતો નથી 
છું બરફ, કિન્તુ ગળી શકતો નથી

આયખું દર્પણ સમું વિત્યું છતાં
બિમ્બની માફક છળી શકતો નથી

એકધારો, હું સમયનું ત્રાજવું
કોઈ પણ બાજુ ઢળી શકતો નથી

કમનસીબે હું જ એ પડઘો હતો
જે કદી પાછો વળી શકતો નથી

એક પગ મેં જ્યાં ઉપાડ્યો, ત્યાં મને
ધ્રૂવ કહી દેતા, ચળી શકતો નથી

પ્રેમથી મુક્યો ચિતા પર, પણ હતો
પ્રિતનો દાઝ્યો, બળી શકતો નથી

10.10.12

કોઈ બી વાવ્યા વિના વટવૃક્ષ કર, એ વ્હેમ છે
વૃક્ષ વિણ છાયા સતત આપ્યા કરો, એ પ્રેમ છે
 
પ્રિતના ચશ્મા ચડાવુ, તોય ના દેખાય તું
બારીઓ ચોરસ તમારી, ગોળ મારી ફ્રેમ છે
 
કેમ છો? પુછો, ને પડઘો કાનમા પાછો ફરી
એટલુ કહી જાય કે ભેખડ કુશળ ને ક્ષેમ છે
વાદળોની ગાંસડી દઈ, મેળવો ફોરાં પરત
આમ ચોમાસું ફકત એક આપલે ની ગેમ છે
આશ નહી, કોઈ ખાસ નહી, અહેસાસ નહી કે શ્વાસ નહી
આલમે તારી મઝારે એ ખુદા બહુ રહેમ છે

9.10.12

શ્વાસને ટેકે ગુઝારી જીંદગી
લાગતી કેવી અકારી જીંદગી
મિત્ર થઈ ચાલે સફરમાં, હમસફર
હાથમાં લઈને કટારી, જીંદગી
છે શકુની ચોતરફ સંજોગના
દાવમાં સહુએ લગાવી જીંદગી
જ્યાં ફળી, ત્યાં બા અદબ પૂજાય છે
ના પચી ત્યાં છે નઠારી જીંદગી
સાંકડા સંબંધની ગલીઓ મહી
ક્યાંક અટવાતી બિચારી જીંદગી
એ ગમે, કે ના ગમે પણ સત્ય છે
મોત સુધીની સવારી જીંદગી

8.10.12

જ્યાં અમે કપરી ક્ષણો વાવી હતી
ત્યાં ફસલ, સંજોગની આવી હતી
 
રાતભરની વેદના કાળી સહી
ફુલ પર સંવેદના સ્ત્રાવી હશે
 
સાવ બોખે મ્હો, ફકત શ્રધ્ધા થકી
વણફળી ઇચ્છા સતત ચાવી હતી
 
હાથ લંબાવ્યો હતો પીવા અમે
ને ખુદા, તેં પ્યાસ પકડાવી હતી
 
જીંદગીની શેરીઓ પુરી કરી
મોતની સાંકળ મેં ખખડાવી હતી

7.10.12


દસે આંગળી ઓછી પડતી
બધી લાલસા વેઢે સડતી

કહી સ્પર્શનો પર્વત અમને, 
બની ટેરવું, ક્યાં ક્યાં અડતી

પ્રભુ તુંય છે લક્ષ્મણ જેવો 
હથેળીઓમાં રેખા નડતી 

બદન તાપવા શ્વાસે તારા 
ચહું ગ્રીષ્મ આછી કડકડતી 

રહું મઝારે સમથળ કાયમ
પછી હોય ક્યાં પડતી ચડતી

5.10.12


ક્યાંક મળ્યા'તાં મોઘમ મોઘમ
તોય રહો છો ચોગમ ચોગમ

એક કળી, થઇ ફૂલ મજાનું 
દાદ દીધી મેં, "ફોરમ" "ફોરમ"

રાસ રમું, પણ તારી સાથે
હાથ બળ્યાનું જોખમ જોખમ

સ્હેજ હજુ પાલવ સરકે, ને
ત્યાંજ છલકતી, મોસમ મોસમ

શ્વાસ હલેસે હાંકે રાખ્યું 
આજ સુધી, બસ લોલમ લોલમ..!!

ફાજલ પડી'તી, શબ્દોની પસ્તી
ગુંથી ગઝલ મેં, સૌથી આ સસ્તી

મુઠ્ઠી ભરી રણ, લીધું ફક્ત મેં
મૃગજળમાં તોયે ડૂબી'તી કશ્તી 

દર્પણની બીજી બાજુ જવામાં
ભૂલી ગયો હું, મારી જ હસ્તી

તારી અઝાં કે, પૂજા વિધિથી 
ચડિયાતી મારી છે મય પરસ્તી

મારા શહેરની એકલતા કરતાં
તારા નગરની પાંખી છે વસ્તી 

27.9.12


શંકરો, કેશવ, ને અર્જુન, હે....ન મો 
કો'ક દિ' તો એક થાળીએ જમો..!!

છે ખબર માહિર છો ચોપાટમાં 
એક દા' તો કો'કને માટે રમો 

વાકનાં બાણો પ્રથમ લાગ્યા રૂડાં
પણ હવે આવે છે સહુને અણગમો 

રાજ્યના સરવરમાં ઉભો, બગ બની
માછલીને તો હતો ઘા કારમો 

લાકડા છુટ્ટા ને ભારાની હવે
વાત સમજાશે તુરત થોડું ખમો...!!!

25.9.12


ભૂલા પડ્યા તારા વિચારો આજ તો 
એના નગરમાં ભીડ છે, તું ના જતો

છે સ્તંભ ને, છે ઓલિયો, પથ્થર ઘણા 
તારે હવે કરવો રહ્યો છે ઘા જ તો

અલ્લાદીને પ્રાગટ થવું છોડી દીધું
જુના દીવા નાહક ઘસીને માંજ તું 

બચપણ લઇ, બે આંગળીએ ધ્રુજતી
આજે હજુયે આંખમાં હું આંજતો 

પડઘો પડે  કાળો કલુષિ રાત થઇ 
કેવી મજાની હોય છે આ સાંજ તો 

20.9.12

ફરી બહાનું મળ્યું'તું દોડવા અમને સતત રણમાં
અમારે આંજવા'તા ઝાંઝવા આ કોરી પાંપણમાં 

જરા સંગાથ માગ્યો બે ઘડી, તે હાથ દઈ દીધો
અમે પામી ગયા'તા આપની કીમીયાગરી ક્ષણમાં 

બધી તે વાત સમજાવી હતી ઇતિ સુધી, અથ:થી 
છતાંયે શોધવાના છે સવાલો તારા કારણમાં 

ભલે જાહેરમાં ચર્ચા કદી હોતી નથી મારી 
અમારું સ્થાન તો નક્કી હતું હર એક ચણભણમાં 

પ્રતીબિમ્બોયે સુધ્ધા દંભમાં રાચી રહ્યા આજે
હવે દેખાય જે, સાચું નથી હોતું એ દર્પણમાં 

કહો તો શ્વાસને બે પળ હું તરછોડી શકું
ગઝલ સાથેનો નાતો કઈ રીતે તોડી શકું..??

દુઆ કર એ ખુદા, સૌ દોસ્ત છે માટીપગા
મટુકી હું ચડી ખુદ પર, હવે ફોડી શકું

સફરમાં કંટકો સંજોગના અઢળક છતાં
હજીયે હામ છે, કે રાહ પણ મોડી શકું

સબંધો થઈ ગયા પ્રતિબિંબ શા, દર્પણ ને રણ
હરણ થઈ, ઝાંઝવા પાછળ ફકત દોડી શકું

"મને ડીસ્ટર્બ ના કરશો", એટલુ દેજો લખી
મઝારે જઈ, પછી તકતી નહીં ચોડી શકું...!!

14.9.12


બે ત્રણ રેખા હાથોમાં તેં આપી, ભગવન
વિસ્તરવાની સઘળી પાંખો કાપી ભગવન

ઇજ્જતને બેઇજ્જત કરવા ધાર્યુ છે તેં...!!
રણ વચ્ચે સાકીની મુરત સ્થાપી ભગવન..?

શબરીના સમ, જીવતરના જંગલમાં, આંખો
થાકી ગઈ તમને ટાંપી ટાંપીને ભગવન..

અમને તો બસ હાથ મશાલી થાવુ’તું બસ,
ભડભડ કાં આ લીલા આખી ચાંપી ભગવન..

તલનો અમથો છાંટો થઈ ગ્યો એના ગાલે
ખ્યાતિ આખા જગમાં મારી વ્યાપી ભગવન...

12.9.12

ટહુકાને પૂછ્યું, શું તારા છે મોલ..?
ટહુકી ને ટહુકાએ કીધું, 'અણમોલ'

લખશે, એ ભુંસાશે, રહી જાશે દોસ્ત
જીવતરની પેન્સિલના કર્મોનો છોલ

ઈશ્વર તે સહેજે પણ પૂછ્યું જો હોત
તારે શું બનવુ ભઈ, દાંડી કે ઢોલ ..!!

સપના જો સાચુકલા કરવા હો તો જ
ધીરેથી આંખોની પાંપણને ખોલ

ચુંબનથી હોઠોએ ઉજવ્યું'તું મૌન
ઘટના પર તારું શું કહેવું છે, બોલ.??
Like · ·
........#.#.....૯/૧૧ .....
માનવના માનવ સાથે સંદર્ભો ખૂટ્યા
ગૌરવ ને સિદ્ધિના રૂપે ટાવર તૂટ્યા

સ્થાવર ને જંગમના યુધ્ધે, લાગણીઓના
દંભોથી ભરચક્ક, એવા પરપોટા ફૂટ્યા

ચપટીમાં કુંપળની પેઠે મસળી નાખી
બેરહેમીથી ઈન્સાની ફૂલોને ચુંટ્યા

પથ્થર દિલ..., તારા પથ્થર દિલ બંદાઓએ
મજહબના ખંજરની અણીએ મજહબ લુંટ્યા....
ઉઠી છે જે આંધી, ગલીમા તમારી
હાવામાં લખેલી વ્યથાઓ છે મારી

તમે ના દીધી દાદ, તે ના જ દીધી
કહો કોણ આપી ગયુ’તું સુપારી..??

પ્રતિબિંબ જ્યારે ઉઠાવે સવાલો
અરીસેથી હટવાનુ લેજો વિચારી

ગગન આખું આવીને ઉભુ’તું દ્વારે
હજી તો અમે ફક્ત પાંખો પ્રસારી

મઝા જીંદગીની તો એ છે, કે સહુએ
અકારી હતી તે છતાં ના નકારી..!!

10.8.12

આજ થવા દે રાધા, બાકી છું જ સદા હું મીરાં
રાસ રમી લઉં, નહિંતર અમથા હોય ભલા મંજીરા

મોર મુકુટ, કે ચક્ર-આંગળી, વાંસલડી કે પિંછું
કાંઈ ન માંગુ નાથ, કરો નથના ઝગમગતા હીરા

લાગણીઓની વચ્ચે વહેતો તેજ પૂંજ ટોપલીએ
ઊર અમારાં ઉછળતાં ચૂમવાને થઈ અણધીરા

સહેજ અભરખો નથી મને પિતાંબર જરકસી જામા
પીડ સમે પૂર્યા જે વહાલે અવિરત, થઈશું લીરા

દોડ સખી ખુલ્લા પગલે ઉભી શેરીએ વ્રજની
ધૂળ ભરી લઈ ધન્ય કરૂં પગના તળિયાના ચીરા

રોજ વણુ કાવાદાવા, ને ચાખડીઓ પાખંડી
બે’ક હવે દેજો પળ, જીવવા નરસી, સંત કબીરા

7.8.12

વાદળો ઉતર્યા બધા, હડતાળ પર
માનવી આવી ગયો છે, ગાળ પર

"વાહનો", અ-વૃક્ષતા", ને "પાપ" સૌ
કેટલા લેબલ લગાવ્યા આળ પર

જે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ
કોયલો ટહુકે હવે કઈ ડાળ પર..??

જંગલે કોંક્રીટ, ટિટોડી ઝુરતી
બાંધવો માળો રે ક્યા ક્યા માળ પર..!!

બહુ હવે દોડ્યા કર્યું, બિંદાસ થઈ
ચાલ, ચડવાનુ હવે છે ઢાળ પર....

’મેઘલી કાળી ઘટા’, કોરે મુકી
માંડજે લખવા ગઝલ દુષ્કાળ પર

29.7.12

જ્યારથી આકાશમાં માનવ ગયો
મેઘ પણ કરતો દગાબાજી થયો

કોણ ગાશે રાગ એ મલ્હારનો
જે મળે એ પૂછતા કે એ કયો ?

તું વિનવતો દ્વારકાના ધીશને
સર્વ સત્તાધીશને આનંદ ભયો

ચાતકે જળ ક્યાંકથી માગી લીધું
આદમી એક 'આમ' બસ બાકી રહ્યો

સાવ ન આવો તમે આવી રીતે...!!!
એટલે થોડો તને સાવન કહ્યો...???
તું મૃગજળ, હું હાંફ હરણની
અર્જુન તું, હું જાત કરણની

રસ્તે નહિ, પણ મંઝીલ પહોંચી
સમજ્યો હું ઓકાત ચરણની

દરિયો યાને ઠલવાયેલી
મસ્તી અપરંપાર ઝરણની

ચોપાટે તારી ને મારી
ચાલું છું બસ ચાલ સ્મરણની

જીવતરને મેં સાદ કર્યો, ને
તે સમજી એ હાક મરણની
બધા એક એક કરજો વાદળાને કોલ
કહી દેજો કે અહિયાં 'વેલ' ઈઝ નોટ "ઓલ"

ધરા ઠાલી ઉભી, લઇ હાથ વરમાળા
હજુ ક્યા દુર દખ્ખણ વાગતા'તા ઢોલ

છલોછલ વ્હાલની નહેરો છે સુક્કી ભઠ
અગર જો વાલ હો કોઈ બંધ, એને ખોલ

અમે હીરો તને 'રજની' સમો ગણીએ
વિલનનો કાં તમે ભજવી રહ્યા છો રોલ??

અગર જો તુંયે અફસર હોય સરકારી
ચડાવું કેટલા, ને ક્યાં બલિ, તું બોલ !?

ખબર છે માવઠું થઇ લાઈન મારે તું
વરસવું છે?, કે ખોલી દઉં બધીયે પોલ!!!!
બધા એક એક કરજો વાદળાને કોલ
કહી દેજો કે અહિયાં 'વેલ' ઈઝ નોટ "ઓલ"

ધરા ઠાલી ઉભી, લઇ હાથ વરમાળા
હજુ ક્યા દુર દખ્ખણ વાગતા'તા ઢોલ

છલોછલ વ્હાલની નહેરો છે સુક્કી ભઠ
અગર જો વાલ હો કોઈ બંધ, એને ખોલ

અમે હીરો તને 'રજની' સમો ગણીએ
વિલનનો કાં તમે ભજવી રહ્યા છો રોલ??

અગર જો તુંયે અફસર હોય સરકારી
ચડાવું કેટલા, ને ક્યાં બલિ, તું બોલ !?

ખબર છે માવઠું થઇ લાઈન મારે તું
વરસવું છે?, કે ખોલી દઉં બધીયે પોલ!!!!
દીવાલો હતી આયનાની વચાળે
નહિંતર હું ખુદને જ ચૂમું કપાળે

હળાહળ હશે કંઈક ટહુકામાં નક્કી
અમસ્તું ખરે પાંદડું ના અકાળે

હજુયે વિમાસણમાં લાગે છે ઈશ્વર
નિરંતર રવિ નામ સિક્કો ઉછાળે

લખ્યો તો ખરો તરબતર એક કાગળ
પછી ના જડ્યું નામ એકે મથાળે

વાણીને આ તાણા ને વાણા શ્વસનના
કફન રૂપ ચાદર પછી સૌ વીંટાળે
એક ધૂપસળી, તે હું
ત્યાં સાંજ ઢળી, તે હું

તું જ્યોત ઝળાહળતી
ને વાટ બળી, તે હું

ખૂંખાર વસંતોમાં
બેબાક કળી, તે હું

સૌ રાસ રમીને રત
નાથ માંડ મળી, તે હું

એ રાત, મહાકાળે
જે ધાત ટળી, તે હું
નિ:સ્સાસા ઉભરે ચોધારે
વરસાવો કંઈ અનરાધારે

સળવળીયો દુશ્કાળી અજગર
પીછે હઠ કીધી તોખારે..!!

સાચવજે બસ કપરી ક્ષણને
કહેતા તરુવર, ધણ મૂંગા રે

સાગર, સરિતા, ઝરણા, કુવા
બેઠા છે સુક્કે સંથારે

લીલ્લી પળમાં યાદ કર્યો'તો
વળતર એનું ચૂકવી જાને રે
आदमी को आदमीसे बचके रहेना चाहिए
पीठ में खंजर चला दे, फिरभी सहेना चाहिए

कब तलक ये लब तेरे खामोशिया पीते रहे
जो भी कहेना हे उसीके दर पे कहेना चाहिए

ये रईसोंकी हे महेफिल और में बेबाक दिल
आँख दोनोमे चमकता कुछ्तो गहेना चाहिए

थम गया सब कुछ मेरे अन्दर तेरे जाने के बाद
अब लहुका रंग पाने, कुछ्तो बहेना चाहिए

में तेरे सायेमे ही पलता रहाथा उम्रभर
आखरी मंज़िल कफन तो खुदका पहेना चाहिए
વિચારે વૃક્ષ કે અરે! આ પાંદડા ખરી જતાં
બુઝર્ગ હું ઉભો, અને આ બાળકો મરી જતાં

ડૂબો, હજી ડૂબ્યા કરો,આ મોતીઓની આશમાં
તજીને મોહજાળ જો, શબો બધાં તરી જતાં

ગણી ગણીને ત્યાં સનમ ભરે તું જામ, ને અહી
નજરથી જામ કેટલાયે આશિકો ભરી ગયા..!!

જરાક કચકચાવજે પ્રયત્ન કેરી મુઠ્ઠીઓ
નહી તો કેટલાયના નસીબ અહી સરી ગયા

કથાઓ દંત થઇ ગઈ સબંધની, કે માનવી
અરિસે ખુદના બિંબને જોઈ હવે ડરી જતાં
ભૂલી ગયા ભગવાન ?, તમારું ભલું પૂછવું
નથી વરૂણના પ્લાન?, તમારું ભલું પૂછવું

મૂકી કપાળે હાથ, જગત આખું બેઠું છે
છતાં રહો બેધ્યાન?, તમારું ભલું પૂછવું

ધરા ધરે હર સાલ હરિવર, હરી ચુંદડી
બદલ કર્યો પરિધાન?, તમારું ભલું પૂછવું

દુઆ માસીદે, ભજન લાગાતારે ના પહોંચ્યા
થયા શું અંતર્ધ્યાન?, તમારું ભલું પૂછવું

પશુ-પખી અણબોલ, તરૂવર બધાં ટળવળે
દયા કરી છે મ્યાન?, તમારું ભલું પૂછવું

હશે, અડી મોંઘાઈ હવે આકાશ સુધી ને
ચળી ગયું ઈમાન? તમારું ભલું પૂછવું
હથેળીનું જીવન- કમળ ખોલતા
વિધિના લખાયા ભ્રમર બોલતા

અસંભવ, ને સંભવમાં પગ બે મૂકી
પ્રણય મત્સ્ય તાકી, ને સમતોલતા

ઘડી, ખટઘડી, પળની સરગમ સૂણી
સમય ફેણ લોલક સતત ડોલતાં

પ્રથમ મેઘ આષાઢી ટહુકો તમો
કણે કણ અમો આજ કિલ્લોલતાં

હતી રાજધાની, જનમ ને મરણ
કભી થી વો દિલ્લી, કભી દોલતા...!!!
"નિરર્થક" સમું શબ્દકોશે ચરણના
નથી ક્યાંય હોતું કદાચિત હરણના

તને સહેજ જોતાંજ, ચહેરે અમારા
બધાં ચિન્હ ઉપસ્યા હતાં વ્યાકરણના

વિધિના જુઓ ખેલ કેવા વિચિત્ર
મને સ્વપ્ન દે ઊંઘમાં જાગરણના

પ્રતિબિંબ વચ્ચે હતાં પારદર્શક
હજી ક્યાં ખુલ્યા એ ભરમ આવરણના

12.7.12

જિંદગીના રણનું મારણ છે મરણ
 જાણતું એ હોય છે કાયમ હરણ 


 'હું' અને પ્રતિબિંબ એક જ છે, છતાં
 હોય છે વચ્ચે અહમના આવરણ 


 શ્વાસના કુંડળ, ને તનનું આ કવચ
 દઈ દીધા, તોયે નથી કહેતા કરણ


 ને અમે પણ ઓગળી જાશું પછી
 ચિન્હમાં રહેશે ફકત બે "અવતરણ"


 ત્યાં જુલુસ જુદું જનાજેથી પડે 
ખૂટતા , વળતા જનાજે, બે ચરણ

9.7.12

ના અમારે પાંખના ફરફર થવું
એક લીલા પર્ણનું મર્મર થવું

જો તને પોસાય તો જંતર થવું
કાં પછી અગડંબ બની, મંતર થવું

આયને તિરાડ પડવી એટલે
શબ્દમાંથી, જાતનું અક્ષર થવું

ના હવા ઉછીની લેવી શ્વાસમાં
એટલું બસ આપણે પગભર થવું

છે શમાથી દિવ્ય, પરવાના તણુ
મોતને આંબી જવા તત્પર થવું

આજ મંદિર થઈ, મદિરાએ વળ્યો
ક્યાં સુધી એની ઉપર નિર્ભર થવું..??

4.7.12

હવે બહેતર થવું મુશ્કિલ વધુ 
કર્યું ઓકાતથી હાંસિલ વધુ 

 નદીને ચોતરફ વહેવું, અને 
નડ્યા બંને તરફ સાહિલ વધુ 

 ગળા ડૂબે રહી અક્સર રહે 
 પ્રણયમાં પ્રેમીઓ ગાફિલ વધુ 

કટોરો ઝેરનો ચાખ્યો અમે 
અદા તારી હતી કાતિલ વધુ 

 જીવનમાં શ્વાસની ચોપાટમાં 
થયું સાબિત મરણ કાબિલ વધુ

2.7.12

"અવતરણ"માં આવવાનુ રહી ગયું
વાત મારી કોઈ બીજું કહી ગયું

ના કટાણુ મોં કરો, ટાણુ ચુકી
એ સતત વહેવાનુ, ને એ વહી ગયું

ઝણઝણાવા સાજના હર તારને
ટેરવું એકેક, ઝખમો સહી ગયું

જાળ લીલા તોરણોની પાથરી
કોઈ, પાણિ આજ મારૂં, ગ્રહી ગયું

છે પસીને તરબતર મારી કબર..??
કે પછી હમણા જ કો’ વિરહી ગયું

30.6.12

ક્યાં લગ રૂઠ્યા રહેશો મેઘા, ક્યાં લગ રૂઠ્યા રહેશો 
તડકાને વડવાયુ ફૂટી, ક્યાં લગ કુંઠયા રહેશો 

 પોર તમે પરદેશ વીયા ગ્યા, વાટ અમે સૌ જોતા 
 સાત સમંદર પારની સોબત વાંહે વ્હાલપ ખોતા 
વરસોની છે આપ સગાઇ, તોયે વંઠયા રહેશો ? 

 ચાતક દેખે તીર નજરથી, મોર કળા વિસરાતો 
પાદર, શેઢા, ઢોર, ઢખારા, ઝંખે સૌ મોલાતો 
સમજાવું ચોપાસ દિશાને શેં ઉત્કંઠયા રહેશો

 મંદિરમાં ખોળો પથરાતો, મસ્જીદમાં ચાદરને 
ગુંગળાવો કાં તાત થઈને સુક્કી આ માદરને
 ઉખળો અનરાધાર ખુલી, નક્કામાં ગંઠયા રહેશો..!!??
વ્યથાઓનુ મંથન કરી, જે મળે
ધરી લઉં એ ડૂમા, અમારે ગળે

અમે મૌનમાં જે ગૂઢાર્થો કહ્યા
પવન પણ ઉભો રહી જરા સાંભળે

ખબર છે, નથી અન્ન કે જળ અહીં
છતાં રણમાં રોકી દીધો અંજળે

ફરેબી પહોંચ માનવીની જુઓ
હવે આયનાથીયે ઝાઝું છળે

હતી મોત મજબુત એવી કડી
 ખુદાને અને, એ મને સાંકળે

29.6.12

શોધવા જાશો અગર એકાંતને
ભીડના, હર શખ્સમાં મળશે તને

બેવફાઈ, ઘાવ, દર્દો ગમ, તમે
એ જ દીધું, જે હતું મારી કને

તું કહે નફરત, અમે કહેતા હતાં
લાગણી ટૂંકી પડી થોડી, પને

નામ શિલાલેખ બસ આપી દીધું
જ્યાં ન એ પહોંચી શક્યા’તા હાર્દને

આજ પડઘો મૌનમાં ભુલો પડ્યો,
મૌન ક્યાં પિછાણતુ’તું  શબ્દને..??

26.6.12

પ્રથમ કંટકે એના ટશિયાઓ ચાખ્યા 
પછી બોર શબરીએ ચાખીને રાખ્યા 

 હજી સ્વપ્ન પાંખે સવારી કરી ત્યાં 
તમે બેય પાંપણ તણા દ્વાર વાખ્યા 

 બુઝેલી શમાના નીકળતે ધુમાડે 
પતંગાના આછા નિસાસાને ઝાંખ્યા

 હથેળીની રેખા અગનપથ ગણી'તી 
નથી ખોતરી ખોતરી લેખ ભાખ્યા 

વફા, બેવફાઈ, સગા ને સબંધી 
અમે કેટલા કેટલા ઘાવ સાંખ્યા

18.6.12

તને સ્પર્શ્યો, ને જાગ્યા રૂંવાટા
જાણે પહેલા વરસાદ તણા છાંટા

અમે મુઠ્ઠીમાં સાચવીને બેઠા
નર્યા આપણા નસીબ કેરા ફાંટા

હજી વાવ્યું જ્યાં મૌનનુ બિયારણ
ઉગી નીકળ્યા’તાં ઘેઘૂર સન્નાટા

જરા ટશીયાનું નામઠામ પુછ્યું
તરત દઈ દે સૌ સરનામુ, "કાંટા"

બધાં શ્વાસોની સાંકળને ખેંચી
વળી બદલાવે જીવતરના પાટા

15.6.12

મુઠ્ઠીઓમાં ખોખલી રેખા હતી
આવ જા તકદીરની કોઈ ક્યાં થતી ?

કોયલે માળો કર્યો’તો ત્યારથી
કેરીઓ ડાળીએ વહેલી પાકતી..!!

મસ્ત્યની આંખોમાં એવું શું હશે
તીરની હર નોક એને તાકતી

મૃગજળો હૈયું જલાવે, ને પછી
હાંફણી, એને હવાઓ નાખતી

હુંફ જે નહોતી મળી, પામી શક્યો
રાખ પણ કેવી રખાવટ રાખતી..!!

14.6.12

વિરહીની ગીત....
શમણાના સોગન લઈ નીંદરડી માગી પણ થઈ વેરણ થઈ મારી સૌ રાત
ઝુરવાનુ આખો દિ’ હસતે મોઢે, કે મીણબત્તીશી મારી  હો જાત.....
સખી.મારે કરવાની કોને આ વાત

આંખ્યુના પાદરમાં પ્રિત્યુને વાવી, ને હેત્યુના પાયા’તા પાણ
ચોરે ને ચૌટે સૌ પૂછ્યા કરે કે અલી કેદિ’ આ લણવી મોલાત
સખી.મારે કરવાની કોને આ વાત

ફાગણ, વસંત, પછી કાયા પર ઝરમરતી વિરહુની વર્ષા ચોધાર
ટાઢકની હેલીઓ વરસે ચોપાસ, મારી સળગી ગઈ સઘળી નિંરાત
સખી.મારે કરવાની કોને આ વાત

ઉભી રઉં ઉંબરે ને, પરદેસી વાલમની જોતી રહું એક ટશે વાટ
તોય હજી આવ્યો નહીં પાંખાળે ઘોડે એ, ખુંદીને દરિયાઓ સાત
સખી.મારે કરવાની કોને આ વાત11.6.12

કોડીયુ હો હેમ કે માટી તણું
એક સરખી જ્યોત નીકળવાપણુ

સોચ વચ્ચેની દિવાલે, છો કર્યું
એક દિ’ એ બંધ થાશે બારણું

ક્યાંય પુછાશો નહીં રણમાં તમે
થાવ તો બસ થાવ આંખોમાં કણું

શિલ્પ કાયમ વાહ વાહી પામશે
ના કદીયે આ બિચારૂં ટાંકણુ

લાગણીઓ કેટલી ધરબાય છે
છે કફનનુ નામ બીજુ ઓઢણું
હો અધૂરો, તે છતાં છલકાય છે
માણસો પણ જામ જેવા થાય છે

ટેરવામાં આવતી ઝાંખપ હવે
બ્રેઈલ સુધ્ધા ધૂંધળી વંચાય છે

એ જ છે વધસ્થંભ, જેના પર જુઓ
લાગણી મારી હવે લટકાય છે

મનસુબા, જે વહેંચવા નીકળ્યો હતો
શેરીઓમાં બે ટકે વેંચાય છે

આંગળીઓ ચક્રધારી જોઇએ
એમ ક્યાં પર્વત કદી ઉંચકાય છે

8.6.12

જીંદગી બસ પાન ત્રણનો મહેઝ આખો ખેલ છે
સાવ કુણું, છમ્મ લીલુ, ને પછી સુકવેલ છે

આ ઘસરકો બહારથી દેખાય છે એવો નથી
ભીતરે જો, તેં દીધી પીડાની રેલમછેલ છે

હું હવે પ્રતિબિંબના મહોરા ચડાવીને ફરીશ
એક પણ દર્પણ વિના, બિંબીત થવા આ પહેલ છે

દોસ્ત પડઘો એટલે, આ પર્વતે તારી તરફ
સાદ નહીં, પણ ખુદ તને બોલાવવાની ટહેલ છે

કેશ ધોળા, આ કરચલી, મોતીયા, વાંચી જજે
ઈશ્વરે તમને કર્યા છેલ્લા બધાં ઈ-મેઈલ છે

6.6.12

શબ્દનું ફાનસ લઈ નીકળી પડ્યાં
ને ગઝલ ગામે અચાનક જઈ ચડ્યાં

શીત લહેરો, હુંફની, તારી હતી
ખા-મ-ખાં આખા બદનમાં કડકડ્યાં

આયના પાછળ સતત શોધ્યા કરૂં
પણ અમે ખુદ આયનો થઈને જડ્યાં

એટલું અસ્તિત્વ રાખ્યું’તું અમે
નોંધ લેવાતી છતાંયે ના નડ્યાં

બંદગીમાં છે નશો, નહોતી ખબર
મસ્જીદે પણ મન ભરીને લડખડ્યાં

5.6.12

કોણ ઓગળતું રહે છે રાતમાં..?
હું, કે મારી મીણબત્તી, હાથમાં

જે હજુ ગર્ભિત હતો સંવાદમાં
કઈ રીતે ઉલ્લેખ કરવો વાતમાં..?

ભિંજવી દીધી છે એને એટલી
એ નહીં નીકળે હવે વરસાદમાં

હું સતત માણુ છું એકલતા અહીં
જ્યારથી સ્થાયી થયો વસવાટમાં

જીરવી લઉં ઘાત હું ગઝલો તણી
દાદ દ્યો થોડીક, પ્રત્યાઘાતમાં

4.6.12

અમે અમને જ ના પુછ્યું કદી
ચડાવી ના કદી ખુદને વદી

કદમ, બે અંતરે ચાલ્યા કરો
શિખાવ્યું તે જ તો, સપ્તોપદી

શબદ બૂ મારતા હર મૌનમાં
પ્રસરતી સાવ ચૂપકીથી બદી

રહું છું મસ્ત હું બે શુન્યમાં
નથી કોઈ એકડાની લત "સદી"

ગઝલ હું ટેરવે પાંચે લખું
અમારી જાત જાણે દ્રૌપદી..!!

પરત ના શ્વાસ છેલ્લો આવતો
મરણ ને જીંદગી છે સરહદી

1.6.12

ભારત ....બંધ...!!
હાથીડા પાછળ સૌ ભસતા’તાં શ્વાન અને કીડીએ પાળ્યુ’તું બંધ
ગાંધારી બિચ્ચારી સઘળું જોતી’તી અને બાકીના બેઠા થઈ અંધ

ચોરેને ચૌટે એક લુંટાતી સન્નારી, લોકશાહી જેનુ છે નામ
રઝળે છે લાશ અહીં કાયદાની ખુલ્લામાં, કોઈ નથી દેવાને સ્કંધ

ઉમટ્યા છે લોકોના ટોળે ટોળા, એ નથી ઉજવતાં નવલો પ્રસંગ
સાચુકલું ઘી, અને ઈંધણની, પૈસા દઈ લેવાને ઉભા છે ગંધ

ખાખી થઈ ઝાંખી, છે લુખ્ખાને બખ્ખા, ને સરકારી ઓઠા બેફામ
લીલી નોટુને લાલ સરબતીયા વચ્ચાળે પાંગરે છે સઘળા સંબંધ

ધોળી ટોપી કે પછી કેસરીયા સાફા હો, લીલા મૌલા કે બધા સંત
હોલિકા દાઝે નહીં, સળગે પ્રહલ્લાદ, એવા કારનામા કરતાં સૌ ખંધ

31.5.12

પરાકાષ્ઠાએ પહોંચીને, પછી શરૂઆત કરવી છે
સિકંદર થઈ, જગત જીતીને, તુજને મ્હાત કરવી છે

તમે બહુ બહુ તો ન્યોચ્છાવર કરો બે ચાર નિ:સાસા
અમારે શ્વાસ ને ઉચ્છવાસની બિછાત કરવી છે

ખબર નહીં, સ્વપ્નમાંથી તું પલાયન કઈ રીતે થાતી
હવે પાંપણ ઉપર પહેરેગીરી તૈનાત કરવી છે

બહુ શબ્દોની સંગ, એકાંતમાં કાનાફુસી થઈ ગઈ
હવે તો મૌન સાથે ભર સભામાં વાત કરવી છે

સતત જીવવું પડ્યું’તુ  મોત નામે ખોફની હેઠળ
ખુદાને રૂબરૂમાં આ બધી રજુઆત કરવી છે

30.5.12

ટેરવાનુ તાર પર રણઝણ થવું
વેદનાની આંખમાં આંજણ થવું

અણગમાની ડેલીએ સાંકળ ખુલી,
કોઈને સત્કારવા આંગણ થવું

સંશયોની આ સવાલી ભીડમાં
આપણે કાયમ સબળ કારણ થવું

સાવ હળવા રાખવા તમને ભલા,
ક્યાં સુધી પાંપણ ઉપર ભારણ થવું..??

જે થયું, જોગાનુજોગે, થઈ ગયું
આગમન તારૂં, ને મુજ મારણ થયું

28.5.12

સ્ત્ય થોડું ’અ’ થી અળગું રાખજે
"અ" પછી જ્યારે તું "લખ", અજમાવજે

શક્ય છે તારા ચરણ માને નહીં
તો પછી મંઝિલ, ને રસ્તા વાળજે

બદદુઆ, જે મસ્જિદે લાવી તને
બે દુઆ, એ સખ્શ માટે માંગજે

બહુ અમે પીધી મદિરા, ને તને
આજ સાકી કંઈ નવું પીવરાવજે

શ્વાસનું પ્રકરણ અહીં પુરૂં થયું
યાદનું પાનુ હવે સુલટાવજે

27.5.12

જીંદગી અને મોત......

મોતને થાવું’તું આગળ
જીંદગીને ક્યાં ઉતાવળ..?

અંત આઘો રાખવા, મેં
શ્વાસની ગુંથી’તી સાંકળ

મોત નામે ફુલ નહીંવત
એટલે જીવું હું બાવળ..!!

મોત પણ ઉગી નીકળતું
જીંદગી એવી રસાતળ

મોતના હસ્તાક્ષરોનો
જોઈ રોતા સહુએ, કાગળ

કાળના પાબંદ બન્ને
સહેજ ના આગળ કે પાછળ....