22.12.10


ઈશ્વર તારો વધ કરતા એ અણજાણે

સંસદનો તો રોજ કરે છે, સૌ જાણે

19.12.10

પથ્થરે લીલી કુંપળ, ક્યા બાત હે
પંકમાં ખિલ્યું કમળ, ક્યા બાત હે

દર્પણે દુ:ખના અમારાં, દોસ્તો
આપના ચહેરા અકળ, ક્યા બાત હે

જળ ભર્યા જામે મદિરા બુંદ બે
સાત કોઠે ઝાક ઝળ, ક્યા બાત હે

જેમની ગલીએથી નીકળ્યો મૈકદે
પુછતા મારા કુશળ, ક્યા બાત હે

નિષ્ફળોની કાંધ પર ડગલું ભરી
મંઝિલો પામો સફળ, ક્યા બાત હે

કબ્રમાં છે વાસ્તવિકતાઓ નરી
દંભ, દેખાડો, ન છળ, ક્યા બાત હે

17.12.10

સ્તબ્ધતાથી એટલી ગઈ’તી સડી
એક ટહુકે ડાળખી બટકી પડી

વાયરો ચૂમી તને, પડઘાય જો
એજ બાધા, એજ રાખું આખડી

બેય કાંઠા, પાપણો અમને દિસે
ને નદી અશ્રુ ભરેલી આંખડી

ખળભળી ગઢની દિવાલો તે છતાં
ડેલીએ સાંકળ હજુ વટની ચડી

જીંદગી અતડી ભલે લાગી હતી
સોડ ભારે, મોતની, મળતાવડી

ખુદા મૈકદે બંદગી જો કરૂં હું
મસિદોમા શા કાજ પીતા ડરૂં હું

ભલે નાવડી માત્ર દ્યો, હાથ મારી
હલેસા વગર સાત સમદર તરૂં હું

ચરણ દાદની છાપ છોડે અગર બે
હરેક મોડ ઉપર ગઝલ પાથરૂં હું

નઝારો આ કુદરતનો લૂંટ્યા સબબની
સઘન પૂછતાછે સતત થરથરૂં હું

કબરમાં છે આલમ સુકુને, કહો તો
સવારે જીવી, રાત હરદમ મરૂં હું

16.12.10

દરેક જણને કોઈને કોઈ કવિતા સ્પર્શી ગઈ
અને કવિતા તરફ ઝોક વધ્યો અને રચનાકાર
થઈ જવાયું.......મારી વાત જરા અલગ છે,
સંજોગોએ મને એવો ઘેરી લીધો કે અંતે પદ્ય
રચનાઓ લખ્યા વિના રહેવાયું નહી...
પહેલો સંજોગ, જુનાગઢમાં જન્મ....અને કવિ
પ્રફુલ્લ નાણાવટી સાથે કાકા હોવાને નાતે
સંયુક્ત કુટુંબમાં રહેવું, એ બીજો સંજોગ...નરસિંહ મહેતાની
કર્મભૂમી જુનાગઢ નગરીએ અગણિત મુર્ધન્ય કવિઓની
ભેટ ગુજરાતી સાહિત્યને આપી છે...કાકાને ત્યાં
કવિગોષ્ટિ દર મંગળવારે થતી ત્યારે ખુણામાં
બેસી પ્રતિષ્ઠિત કવિઓ જેવા કે મનોજ ખંડેરિયા,
શ્યામ સાધુ, રાજેન્દ્ર શુક્લ પ્રફલ્લ નાણાવટી,
બરબાદ જુનાગઢી, દરબાર સાહેબ ( રૂસવા મઝલૂમિ)
ગોવિંદ ગઢવી વિગેરેને ખુબ સાંભળ્યા, ખુબ માણ્યા
અને કદાચ અજાણતાજ ઉરમાં ઉતાર્યા...એ સંજોગ ત્રીજો,,,
મારા ખાસ મિત્ર અને રાહબર કવિ ડો, ઉર્વીશ વસાવડાના
પ્રથમ સંગ્રહ ’પિંછાનું ઘર’ ના વિમોચન પ્રસંગે મુશાયરાના
માહોલ વખતે કદાચ નાનપણની સંઘરાયેલી ઉર્મિઓ
સળવળી અને અંતે મારે પણ કંઇક લખવું એ નિર્ધાર
સાથે લખવું શરૂ કર્યુ, એ સંજોગ ચોથો.....પ્રસંગોપાત ઘટનાઓ વિષે
લખવાની આદત પડી ગઈ....કયા સ્તર સુધી પહોંચ્યો
એ તો ખબર નથી... પણ.લયના સ્તર સુધી પહોંચવા મથી રહ્યો
છું...!!!!! અને આજે એ જ બચપણની યાદો અને પ્રેરક પાત્રોને વણી
એક ગઝલ લખી નાખી,,,, એ જ અહી પ્રસ્તુત છે..

સાવ રે ખંડેર સરખા મન મહી
ઈન્દ્રરાજે શ્યામની વાતો કહી

મન પ્રફુલ્લિત થઈ અને બોલી ઉઠ્યું
લઉં ગઝલ કરતાલ, બીજું કંઈ નહી

ઊરમાથી વિષ સઘળું નીકળ્યું
ચોતરફ ગોવિંદની ગાથા ચહી

સહેજમાં બરબાદ થાતો રહી ગયો
છંદ ઝુલણે આજ પણ જીવું અહીં

કુંડ દામોદર થકી બોળી કલમ
જ્યાં લખું, નરસિંહના પગલાં ત્યહીં

10.12.10

અરમાનોના ફુગ્ગા લઈને ફરતો માણસ
સૌની પાસે ટાંકણીઓથી ડરતો માણસ

ઘુઘવે દરિયો, અણગમતી ઘટનાનો ત્યારે
નાની અમથી પ્યાલી સાંજે ભરતો માણસ

આકાશે ખરતાં તારાની વાટે કાયમ
ઈચ્છા ઈચ્છા કરતો અંતે ખરતો માણસ

હું પદની ટોચે બેઠેલો, સંજોગોએ
અલ્લાબેલી ચોકટ પર કરગરતો માણસ

મરજીવો થઈ દળદળમાં ઉતરતો જાતો
મડદું થઈને ખાલી હાથે તરતો માણસ

9.12.10

શબ્દ સાથે મેં સુંવાળો સાથ માણ્યો’તો
ને ગઝલ જનમ્યા સુધી સંગાથ માણ્યો’તો

કર અમે બાળ્યો મશાલે, સ્ત્ય છે, કિંતુ
શિર ઉપર એ બાદ, ગેબી હાથ માણ્યો’તો

શું ભર્યું છે સાકીએ, એ કોણ પુછે છે
કેટલીએ વાર કડવો ક્વાથ માણ્યો’તો

આયનાનું ઋણ હું જાહેરમાં ચુકવું
આત્મશ્લાઘામાં ઘણોયે સ્વાર્થ માણ્યો’તો

શૂન્યતા વ્યાપી, કબરમાં ઉત્તરો મળતાં
જીંદગીનો કેવડો પ્રશ્નાર્થ માણ્યો’તો

જીવનની સાપ સીડીના અમે મહોરા હતાં
કદી ટોચે કદી તળીયે ભટકનારા હતાં

નથી અમથો તમારો બાગ નફરતનો ખિલ્યો
તમારી લાગણી ખાતર,-અમે ક્યારા હતાં

અમારી આંખ ફરકે, દિલ જરા થડકે વધુ
તમારા આગમનના બે જ વરતારા હતાં

કલમમાં શાહી ક્યાં, લોહી અમારૂં બોલતું
તમે માન્યુ અમે અવસર ઉજવનારા હતાં

ઝઝુમ્યો મોત સામે, જીદગી આખર સુધી
બધા કહેતા, ખુદાને કેટલા પ્યારા હતાં

8.12.10

સહજતા પામવી કપરી ઘણી છે
મુલાયમ કાચ પર હીરા કણી છે

સમયના કાંગરા ભુલી ગયા કે
ઈમારત સાવ તળીયેથી ચણી છે

તમારી હર અદા, મૃગજળ સરીખી
અમે ઓ બેવફા, અંગત ગણી છે

ભલે ગાતા ન હો, જાહેરમાં પણ
ગઝલ મારી બધાએ ગણગણી છે

સતાવ્યા જીંદગીના સહુ, સુતા છે
મઝારે એક સરખી લાગણી છે

6.12.10

પનિહારી

છલકી નારી
તું પનિહારી

રૂદિયે સીધી
માર કટારી

દડતે પાણી
જાતો વારી

જલતી સરિતા
બનતી ખારી

પનઘટને તો
જલસા ભારી..!!

તરૂવર સઘળે
નજર્યું ઠારી

આભે ચમકી
આંખ્યુ મારી

ઈશ્વર તારી
છે બલિહારી

मयखानेसे सीखी बातें जीनेकी
वो क्या देगा आज सझा ए पीनेकी

चूपकेसे ही पीता हुं में सदियोसे
चूपकेसे अब आदत हो गई गिरनेकी

दिवारोपे शीशा रखना छोड दीया
रहेती है हैरानी खुदसे गिरनेकी

हमने रखें झख्मोको इन उंगलीपे
उनको फुरसत मिलती है ना गिननेकी

फुसला कर के रखा है कुछ सांसोको
उम्मीदें है अब भी उन्से मिलनेकी


4.12.10

मुस्कुरा दो, जिंदगी हम जी लेंगे
रुठ जाओ गर जहर भी पी लेंगे

हूस्नका तेरे, गवाह सारा जहां
गर जरूरत हो, खुदा को भी लेंगे

पांव चाहे लडखडाए, हम मगर
जाम तेरे हाथ ही, साकी लेंगे

ना गवारां हो, हमारा बोलना
होंठ ये लबसे तुम्हारे, सी लेंगे

आखरी लम्होमें शायद हो ना हो
नाम जब लेंगे तुम्हारा ही लेंगे


પડઘા સાથે ખામોશીના સગપણ જેવું
જીવતર મારૂં અંધારામાં દર્પણ જેવું

ખુશ્બુ તારી, ના હો સહેજે, શ્વાસોમાં જો
મધમાં લાગે ખુટતું હો કંઈ ગળપણ જેવું

જે કંઈ છે તે આ છે અલ્લાહ, મયખાનામાં
પ્યાલીને તું સમજી લેજે તર્પણ જેવું

મારૂં હોવું મહેફિલ વચ્ચે તારી, જાણે
પગમાં ચોંટી મેલી શી એક રજકણ જેવું

ક્ષણના તાણા વાણા વણતાં ઘટના સાથે
પહેરી લીધું આખર પહેરણ ઘડપણ જેવું

ખુલ જા સીમ સીમ બોલ્યા ન્હોતા, તોયે ખુલતાં
મૃત્યુના આ દ્વારે લાગે અડચણ જેવું

2.12.10

મૈકદે પિરસો તમે દિવાનગી
વાત કોનાથી રહે એ ખાનગી

ચાતરો રેખા બધી, ખેંચેલ મેં
ને પછી માંગો તમે પરવાનગી..!!

સ્પર્શ સામે સાંભળ્યું છે, કે હવે
છેડશે લજ્જામણી મર્દાનગી

એક પણ ચહેરો નથી મહોરા વગર
ભીડમાં છલકાય છે વિરાનગી

જીંદગીએ, દાવતે દીધી કબર
ચાખશું પહેલી દફા આ વાનગી

1.12.10

હજી ચીઠ્ઠી ખોલી મેં તારા ગામની
નરી ખુશ્બુ આવી રે તારા નામની

ભરી મહેફિલને સહેજે ગરમાવવા
કરો હરકત બે, બરકત "બેફામ"ની

નથી તસ્બીથી પામ્યા અલ્લાહને
પછી ઈર્ષ્યા કરે કાં, એ જામની..?

તને શમણે મળીને આંખ ખોલતાં
જુઓ ઝાકળ બાઝી ગઈ બદનામની

મને દફનાવ્યો, કારણ બસ એજ છે
નડી અમને પણ શંકા શ્રી રામની