27.9.09

બિચારો આયનો
કેટલું સહેતો બિચારો આયનો
મૂક થઈ જોતો બિચારો આયનો
રૌદ્ર, રૂદન દુ:ખ અને શ્રુંગારનો
હમસફર રહેતો બિચારો આયનો
સાવ કડવું તે છતાં ખુલ્લુ કરી
સત્યને ધરતો બિચારો આયનો
કાયમી ક્યાં કોઈ વસતું ભીતરે
રોજ કરગરતો બિચારો આયનો
ઘા સહી પથ્થર તણો, દિલ પર, પછી
સો ગણું જીવતો બિચારો આયનો

23.9.09


ચાલો વ્હાલા બચપણ પાછું દત્તક લઈએ
ઢીંગલા ઢીંગલી થઈને બન્ને ગમ્મત કરીએ


દંભી ચહેરા ફોડી નાખી, ઉપર છલ્લા
ભીતર ભીની લાગણીઓને દસ્તક દઈએ


ઘડપણ વિત્યું, વહાલ વિનાનુ કોરે કોરૂં
વ્હાલા થઈને દાદાજીના, ખિલખિલ હસીએ


અમથું અમથું માળા જપ જપ કરવા કરતાં
ગિલ્લી દંડા, પાંચીકાની રમ્મત રમીએ


ગાડી , એસી, બંગલાઓના મુંઝારેથી
ખુલ્લ પગલે, ઠેસ લગાવી પાદર ફરીએ


વસિયતનામા, હુંડી , સઘળા ચેક મુકીને
પાટી ઉપર ધ્રુજતે હાથે મમ્મમ લખીએ..!!


ઘરડાં ઘરથી વાયા વૈંકુઠ દોડ લગાવી
પાપા પગલી કરવા જલદી પાછા વળીએ

20.9.09


આમ તો એ સાવ તુરી હોય છે
ઘુંટ પીધા બાદ, ’નુરી’ હોય છે


હાથની રેખા સતત લાગ્યા કરે,
કેમ જાણે કે અધુરી હોય છે...!!


સુખ વિષેના મુલ્ય જો સમજો નહીં
દર્દ ત્યારે, બસ જરૂરી હોય છે


છો અમાસી રાત હો, પુનમ તણી
યાદ પણ કેવી મધુરી હોય છે


તું પતંગા જેટલો અંગત ન બન
એ નિકટતામાં જ દુરી હોય છે

12.9.09

શબ્દના ભાથાના, જો કે તીર છે
હર ગઝલ મારી, અલગ તાસીર છે
દોસ્ત ડૂબકી મારશો તો જાણશો
કેટલા ઊંડા અમારાં નીર છે
આયનો સામી દિવાલે કંઈ નથી
પળ-પળે બદલાય જે, તસવીર છે
નફરતી નામાવલી શોભાવવી
આપણી તો એજ બસ તકદીર છે
કેમ જાણે લાગતું કે દુ:ખ બધાં
તું સતત પૂર્યા કરે એ ચીર છે
કો’ક કહેતું મીર શું માર્યો તમે
કો’ક એવું પણ કહે, તું મીર છે
બાવડાં ઉપર હતી શ્રધ્ધા અડગ
એજ મારા ઓલીયા, ને પીર છે
ના અનુભવ કબ્રનો અમને કદી
એટલે ચહેરો જરા ગંભીર છે

9.9.09

લાખોની સોગાદ મળી ગઈ
પાંપણ ભેળી સાંજ ઢળી ગઈ
વર્ષો વિત્યા, એજ વિચારૂં
પળમા ઇચ્છા આમ ફળી ગઈ??
યાદો તારી ઝળઝળીયામાં
મૃગજળ થઈ, સરેઆમ ભળી ગઈ
પરવાનાની સંગે સઘળી
શમ્મા, તારી વાત બળી ગઈ
માટી ઘેલો સાવ હતો, એ
દુનિયા આખી, આજ કળી ગઈ !!

4.9.09

તમારા નૈન હું વાંચી ચુક્યો છું
નર્યા ઊંડાણને માપી ચુક્યો છું

સુરીલા ટેરવે, અધરોની સંગે
સફર હું વાંસની કાપી ચુક્યો છું

વ્યવસ્થા દ્રૌપદીની કર હવે તું
શકુની ખેલમાં માગી ચુક્યો છું

હવે સાંકળ ચડાવો કે નકુચા
તમારે ઉંબરે આંબી ચુક્યો છું

લગાડી સ્વાર્થનો ’સ્વ’ નામ આગળ
સ્વયં હું મોક્ષને સાધી ચુક્યો છું