30.7.11

હળાહળ મૌન રાખ્યું મેં ગળે
મધુરા શબ્દ ક્યાંથી નીકળે

પ્રતિબિંબોયે સુધ્ધાં ના કળે
અરિસો એમ હળવેથી છળે

નગર નામે હવે એકાંતમાં
અબોલા બસ અમોને સાંકળે

હવે પડઘા બધે વેંચાય છે
પછી આ સાદનુયે શું મળે

અમસ્તી ચાલને ટોક્યા કરો
પ્રથમ ઈચ્છા, પછી ડગલું વળે

27.7.11

હજી રાત માઝમ ઘણી છે, ઓ સાકી
જરા જેટલો રાખજે જામ બાકી

નથી હું થયો તરબતર એ અદાએ
ને અંગડાઈ તારી હજીએ ન થાકી

મહાભારતે મૈકદાના, છું અર્જુન
નજરથી અમે આંખ તારી જ તાકી

લઈ હાથમાં એક પ્યાલી, હું ચાતક
હવે સહેજ કરજે સુરાહીને વાંકી

હતી ના કોઈ આબરૂ, કે ન ઇજ્જત
અમસ્તી તેં પથ્થર ને ફુલોથી ઢાંકી

26.7.11

હવે ભીંત પરથી આ ચિત્રો ઉતારો
પસીનો વળ્યો જે દિવાલે નિતારો

ન હરગીઝ ધરા પરનો સુરજ ઢળેલો,
કરી સર બુલંદી, થજે તું સિતારો

હવે કંઈક સાકી સમુ કર , ખુદા તું
નથી મસ્જીદે જોઈ લાંબી કતારો

દિસે મોહ માયાનું બ્રહ્માંડ આખું
ભલે હાથમાં તેં લીધો એક-તારો
હથેળીના રણમાં છે રેખાઓ મૃગજળ
કહે લોક એને જ પાણી ને અંજળ

સફળતાના શિખરની સીડીનું પહેલું
પગથીયું તળેટીએ છે, નામ નિષ્ફળ

લચ્યાં વૃક્ષ ઘટનાનાં અમથાં નથી કંઈ
અમે જીંદગીની ઉઝેરી’તી હર પળ

નથી હક મને પથ્થરો ફેંકવાનો
અરિસે શીખ્યો છું, જીવનના હરેક છળ

23.7.11

બાણશૈયા મખમલી લાગે હવે
મોર પિછું ત્યારથી વાગે હવે

જીંદગી મારું રહ્યું સપનુ ફકત
જીવવાને, શું ભલા જાગે હવે

ઝાંઝવા તો ઝાંઝવા, પીવા રહ્યા
પથ્થરો નાખી દીધા કાગે હવે

ગીત મારી વેદનાના, કોઈ થી
ના ગવાતા કોઈ પણ રાગે હવે

જે હતાં બાકી, અમારી જીંદગી,
એ ચિતાનું નામ લઈ, દાગે હવે

શું બુકાની, મોતની, પાછળ હશે
જે હશે પડશે ખબર આગે હવે

19.7.11

સમય પત્રકે હસતો માણસ
પછી ભીતરે રડતો માણસ

સતત જીવતો એકલ પંડે
છતાં ભીડમાં વસતો માણસ

છતી કૂકરીએ પોતાની
રમત બીજાની રમતો માણસ

નરી તાજગી જીવવા મથતો
ધરી બેબસી, સડતો માણસ

હવે દોસ્ત ને દુશ્મન કેરી
હવા માત્રથી ડરતો માણસ

6.7.11

मेरी कश्ति, तेरे साहिलपे लगाउं कैसे
जो शमा ही ना जली हो, वो बुझाउं कैसे

मेरे किस्से, मेरे चर्चे तो सुनाइ देंगे
जो हकिक़्त ही नही हो, वो सुनाउं कैसे

झुक गई आंख, क़मरभी तेरे दर तक़ आते
ईससे बढकर मेरे सर को में झुकाउं कैसे

जो भी ग़म थे, सभी अपनोसे मिले है यारो
कोइ क़तरा, किसी गैरोको पिलाउं कैसे

बेखबर हम है, वफा चीज़ है क्या, ना जानु
जिसकी फितरत ही नही उसको जताउं कैसे

5.7.11

દિવસે ઊષા, સાંજે સંધ્યા, કેવું રે..!!
સુરજ પાસેથી પણ શીખવા જેવું રે...!!!!

મુશળધારે લાગણીઓ વરસાવીને
ઝળઝળીએ ટપકે, પાંપણનું નેવું રે

હલ્લેસા દે, નહીંતો શઢમાં હામી દે
મધદરિયે શું હાલક ડોલક રહેવું રે

તારી યાદોને ખંડેરે આજે પણ
ઈચ્છા નામે ફડફડતું પારેવું રે

અંતે મયખાને જઈ પ્યાલી ભરવી રહી
સજ્જનતાનું મહેણું ક્યાં લગ સહેવું રે