29.4.13

પથ્થરો વાવું, ને ઝરણું ઉગતું
નામ મારૂં આમ દરિયે પૂગતું

બદનસીબી તો જુઓ મારી તમે
આંખમાં આંસુયે અમને ખૂંચતું

શી ખબર, મોતી વિષે કોણે કહ્યું ?
ફીણ પણ તળીયે જવા ઉત્સુક હતું

કોણ કે’ મારો સમય બદલાઈ ગ્યો
ગીત એ નુ એ જ આજે ગુંજતું

કંઈ નવુ કરતું જવાની લ્હાયમાં
લાશ થઈને કોઈ આજે ડૂબતું

શ્વાસ છેલ્લો લઈ પછી પણ લાગતું
કે કશુંક સાલુ હજીયે ખુટતું....

28.4.13


જે લખ્યું, તે પ્રેમનો હેલો હતો
આજ મારો હાથ  સળગેલો હતો

હાથ લેવો હાથમાં બીજો કદી
એ અનુભવ બેયનો પહેલો હતો

માનવીની જાત પર જાણે અહમ
ઝાડની ફરતે ઉગ્યો વેલો હતો

તું "પસીનો" નામ દઈ અકળાય છે
હું કહું ખુદ્દારનો રેલો હતો

ના નજર કે દ્રશ્યમાં ખામી હતી
કાચ ચશ્માનો જરા મેલો હતો
27.4.13


અડધા બોલે ઝાલે એવો સહિયર આપો
આજે નહિ તો કાલે, એવો સહિયર આપો 

વનરાવનનો વાયુ થઈને સહેજે  
ચૂમી લેતો ગાલે એવો સહિયર આપો

પગલું માંડે હૈયે મારા હરદમ  
ગજરાજાની ચાલે, એવો સહિયર આપો

સંસારી સમશેરે ઝીંક્યા ઘાને  
ઝીલી લેતો ઢાલે એવો સહિયર આપો  

સોનાવર્ણો ઉગતો સૂરજ જાણે 
ઝગમગતો હો ભાલે એવો સહિયર આપો

કંકૂ, ચૂડો, પાનેતર ના  જોતું  
શણગારી દે વ્હાલે, એવો સહિયર આપો 


26.4.13


તે કદી સુંઘી નહિ ચિત્કારતી એની વ્યથા
દોસ્ત, અત્તરમા  ભળી હર ફૂલની કાળી કથા

હોઠના સોગન લીધા તેથી બિચારું શું કરે
મૌનને પણ બોલવાનું મન થતું'તું અન્યથા 

કેમ ના વાવી શકો ટહુકા તમારે આંગણે ?
ચાલને થોડી ઘણી બદલાવીએ જૂની પ્રથા

માનવીએ છે ખરા, ઈશ્વર, ગુરુ, જીસસ, ખુદા
કોઈએ જોયા નથી, ને આવતાં બથ્થમબથા 

લાંગરી દીધું છે મૃત્યુ નામનું લંગર, હવે
લાખ મારો શ્વાસ છેલ્લાના હલેસા, છે વૃથા  

13.4.13

કોંગ્રેસની (અં)જળ યાત્રા....
ભાજપની અકળ યાત્રા.....

કોઈ તો પહોંચાડો પાણી
બહુ છલકાવી સૌએ વાણી

રોજે વહેલા ઉઠી થાતી
ન્હાવાથી માંડીને ઘાણી

ચારે બાજુ ખાવા ધસતાં
નેતા નામે ખંધા પ્રાણી

નોટુ ધરબી, ખાલી બેડે
અંદર અંદર કરતાં લ્હાણી

ટીપે ટીપું જીવતર ગણજો
સમજણ હું આપુ છું શાણી

10.4.13


હોઠે ના આવેલી વાતો કહું છું તમને 
અધકચરી જે વિતી રાતો, કહું છું તમને 

સંજોગોએ મારી ઉપર એવી કીધી
દર્પણમાં ખુદથી શરમાતો, કહું છું તમને

જીવન આખું શોધ્યો નહી મેં, માની લીધું
ઈશ્વર પણ શાથી સંતાતો ?, કહું છું તમને

સ રે ગા મા પ ધ ની સા ગાયું  સૌએ 
સુરની વચ્ચે હું શું ગાતો, કહું છું તમને

ઉતરડો તો લોહીથી લથબથતો, એવો
શબ્દોની સાથે છે નાતો, કહું છું તમને  

3.4.13


હવે તો શ્વાસ લેવો એય મોટી ભૂલ છે
જીવનની હર ક્ષણો જાણે કે એપ્રિલ ફૂલ છે  

વહાણા વહી ગયા એને ઉભ્યાને, તે છતાં 
તમે માનો કે ના, દર્પણ હજી મશગુલ છે..

મળ્યા જે સ્વપ્ન છીપે ઊંઘના દરિયા તળે 
પલક પર એ જ મોતીની સજાવી ઝૂલ છે  

કહે કંટક, ભલે હો માં જાણ્યા કિન્તુ સદા
અમારી દુશ્મનીમાં મોખરે સૌ ફૂલ છે

અમે ડૂચો કરી કાગળ  છુપાવેલો દીધો
ઉઘાડો, લાગણીથી તરબતર તાંદૂલ છે   

 

1.4.13

હું કદિ’ પ્રતિબિંબમા ફાવ્યો નહીં
આયનેથી હાથ કોઈ આવ્યો નહીં

જોઈને સંબંધના જંગલ બધે
લાગણીનો છોડ મેં વાવ્યો નહીં

ત્યાં સતત ચર્ચા થતી’તી મૌનની
શબ્દને વચમા પછી લાવ્યો નહીં

આખરે ખુદ હું ટપાલી થઈ ગયો
તે છતાં કાગળ હજુ આવ્યો નહીં

શ્વાસ છેલ્લાથી ખરીદ્યું મોતને
એ કદિ’ ખાતામાં ટપકાવ્યો નહીં