29.12.11

અમારું મટકવું, ને તારું નીકળવું
તને આંખ મારી’તી, હરગીઝ ન ગણવું

ઘણી બારસાખે લખેલું, "શ્રી સવ્વા"
અઢી, પ્રેમ અક્ષરનું, અડધું સમજવું.?

હરણ અમને દેખી ગયું મૈકદામાં
કદાચિત એ તે દિ’થી શીખ્યું તરસવું

મને વાત અફવાની એવી ગમી ગઈ
ન અસ્તિત્વ હો, તે છતાં પણ પ્રસરવું

અમે તાલ ખાસ્સા કર્યા જીંદગીમાં
હવે થઈને કરતાલ નરસી, ખણકવું

૨૯-૧૨-૧૧ ડો. જગદીપ
સમયની સાંકળો પગમાં પડી છે
અને તારે નીકળવું અબઘડી છે

દરદમાં ઓર લિજ્જત આપનારી
દવા એવી અમોને સાંપડી છે

હુકમનું એક પણ પાનુ નથી ને
રમતને જીતવાની આખડી છે

મદિરા કંઈ નથી, અલ્લાહ સાથે
અમોને જોડતી નબળી કડી છે

મુલતવી મોત સાથે રહી સગાઈ
બચેલા શ્વાસની સોબત નડી છે

27.12.11

આ નવા વર્ષે....૨૦૧૨..

ચાલ થોડા સ્વપ્નને ઉગાડીએ
ઝાંખરા જે થઈ ગયા, ઉખાડીએ

જે હરણ મૃગજળ સુધી પહોંચ્યા નથી
પાર એને રેતની પુગાડીએ

માછલી ઈચ્છા તણી જે ટળવળે
સાંત્વનના જળ મહીં ડુબાડીએ

કંઈ કબુતર અવનવી આશા તણા
એક નવલું નભ દઈ ઉડાડીએ

ભ્રષ્ટ નામે કાલીયાને નાથવા
ક્યાંક સુતા કૃષ્ણને ઉઠાડીએ

26.12.11

બાળ ગઝલ....
(એલા ગઝલ બાળતાં નહિ..!!!)
ઓલા કાગડાએ આંખ મને મારી
નથી વાત મેં એ કેમે વિસારી

કહે પોપટ નસીબ તારું ખોલું
પે'લા પિંજરની કેદ ખોલ તારી

ચકી લાવી ચોખાનો એક દાણો
ચકે પિત્ઝાની વાત ત્યાં ઉચારી

કળા મોરલાની જેમ કરી ઝાઝી
સાલી ફાવી નથી રે ક્યાંય કારી

નર્યા બગલાની જેમ સંત ઉભા
બીજા પગને સંતાડી વ્યભિચારી

મને પારેવાં જોઈ જોઈ થાતું
એવી જીંદગી જીવું હું એકધારી

jagdip 26-12-11

24.12.11

ગમ ગીલાની વારતા પુરી કરો
જીભને થોડી હવે તુરી કરો

પામવો ઈશ્વરને કંઈ અઘરો નથી
એક પથ્થર સહેજ સિંદુરી કરો

ઠીક છે, એ મસ્જિદે વર્જીત હશે
વાત તો બે ચાર અંગુરી કરો..!!

મૌનમાં પણ શબ્દની કુંપળ ફુટે
હોઠ બે વચ્ચે અગર દુરી કરો

એક સાલી કબ્રને માટે તમે
જીંદગી આખીયે મજદુરી કરો..??

ડો. જગદીપ ૨૪-૧૨-૧૧

23.12.11

પથ્થર આગળ ઝુકી જાતો
ઈશ્વરને એ ચુકી જાતો

પડછાયાનો ઋણી રહેજો
ઘર સુધી એ મુકી જાતો

રણ નિ:સાસે, દરિયો કાયમ
કાંઠા પર વાસુકી જાતો

લબ ઝબ થાતો દિવો, માણસ
છેલ્લા શ્વાસે ફુંકી જાતો

ડો.જગદીપ ૨૩-૧૨-૧૧
નાખી સરવર મહીં કાંકરી
પહેરી જાણે જળે ઝાંઝરી

શુકનવંતી ભરી ઉંઘને
બિલ્લી શમણે તમે આંતરી

કોરે કાગળ શબદ વાવતાં
આખ્ખે આખી ગઝલ પાંગરી

અણબોલે જે બની દૂરતા
પડઘો થઈને અમે આવરી

સુક્કી આંખે તને ભિંજવુ
ઈચ્છા મારી ફળી આખરી

ડો.જગદીપ..૨૩-૧૨-૧૧

22.12.11

માંડ બન્ને આંખને બીડવા તણું શુકન થયું
ત્યાં જ કમબખ્ત આપણું શમણું વળી સોતન થયું

દિ’ ઉગે ને આકરો તડકો બધે વાવ્યા પછી
સાંજની લાલી અમારું રોજનું વેતન થયું

શબ્દને ફેંકી હું પડઘા બે ગણાં કામી શકું
મૌનના સંગાથમાં જીવતર હવે નિર્ધન થયું

પાંદડું થઈ લાલ પીળું ડાળને છોડી ગયું
શી ખબર શા કાજ આવું આકરૂં વર્તન થયું ?

મોતને પણ શ્વાસ જેવી મખમલી જાજમ ઉપર
આખરે હળવેથી પગ બે માંડવાનું મન થયું
ડો. જગદીપ ૨૨-૧૨-૧૧
સફરમાં હમસફર થઈને સતત ચાલ્યા કરો
અમારી ઠોકરે હર, હાથને ઝાલ્યા કરો

રગે રગ વહાલ થઈ ને ના વહો તો કંઈ નહીં
અમસ્તા મન મહી ખટકો થઈ સાલ્યા કરો

દિવાલો ગેર સમજણની ભલે ઉભી થતી
સમજદારીની લીલી વેલ થઈ ફાલ્યા કરો

અપેક્ષાએ હું પત્રો પ્રેમના તમને લખું
જવાબો ના સહી, ડૂચા પરત આલ્યા કરો

જનમ સાથે તને સરપાવ દીધો, "જીંદગી"
કમસ કમ એટલું માની તમે મ્હાલ્યા કરો

21.12.11

અસંભવને સંભવ કરી, છોડવું છે
તુટેલા ધનુષને ફરી જોડવું છે

અનર્થો ભર્યું, લાગણી શૂન્ય તારું
કવચ શબ્દનું, મૌનથી તોડવું છે

હથેળીમાં મારી, તમારા સ્મરણના
શિલાલેખ જેવું કશુંક ખોડવું છે

મળ્યા ઢાળ અઢળક સફ઼રમાં, છતાંયે
અમારે તો ઉત્તંગ તરફ દોડવું છે

મર્યો ત્યાં સુધી મન ભરીને જીવ્યો’તો
કબર પર ફકત એટલું ચોડવું છે

20.12.11

હું....વ્યસની

આંખોના બે પાન તણા બીડામાં નાખી શમણાં
ચાવીને ચકચૂર થયો એવો કે દુ:ખતાં લમણાં

નક્કરતા હુક્કામાં નાખી, સતની સટ લીધી ત્યાં
ગોટે ગોટા થઈ ધૂમાડે ઉડી ગઈ સૌ ભ્રમણા

સંબંધો પડમાં મુક્યા મેં, ચોપાટે જીવતરની
નીતીના પાસા ફેંકીને ઢરડી લીધાં બમણાં

સંજોગોના પાના લઈને સર પાડી મેં "પ્રિતી"
પત્તાએ હુકમના તમને હાથ કર્યા’તાં નમણા

હરિયો મારો સાકી, પાતો હરિરસ ઘૂંટડે ઘૂંટડે
મંદિરને મયખાને લાગી રામ રટણની રમણા

ડો.જગદીપ....૨૦-૧૨-૧૧

19.12.11

આજ કાગળ સાવ કોરો કટ હતો
મૌનથી ભરપુર, ચોખ્ખો ચટ હતો

વેદના ક્યાં ઠાલવે સાગર બધી
એટલા માટે જ આખો તટ હતો

એક નાની ઝંખના ઉપર ટક્યો
જીવ, પીળા પાન શો પાકટ હતો

જે હતો, તે માહ્યલો તારો હતો
આયનો ક્યાં સહેજ પણ બરછટ હતો

જીંદગીએ મોત ના માંગ્યુ કદી
તું ખુદા, કાયમનો ઉપરવટ હતો

17.12.11

નથી કોઈ ખોફ એને મોતનો, કારણ
ન જાણે વાર કે દિનાંકની કઈ ક્ષણ

અમે ચોપાટ રમતા જિંદગાનીની
હતા સંજોગ, લેખાં, કાળ બીજા ત્રણ

હતી બસ ફીણની ઓકાત કાંઠા પર
સહુ છું તોય દરીયાલાલના મારણ

લથડતા ગેર સમજણમાં અમે જયારે
ભરીને પી અમે લેતા જરા સમજણ

કરી દીધી અમે ખુલ્લી કિતાબો લ્યો
તમારે કાઢવાનું છે હવે તારણ

15.12.11

ખોબો લઈને દરિયો આખા રણમાં નાખો
ઘટનાની ઘટમાળો જાણે ક્ષણમાં નાખો

ખૂણે ખાચર બાઝેલા યાદોના ઝાળા
વડલો થઇ ઉગશે થોડા આંગણમાં નાખો

ગોપી કરતાં નજર્યું ઓલી વૃંદાવનની
પાનીએ પગની ચોંટી રજકણમાં નાખો

નિંદરમાં માણેલા સઘળા સપનાઓને
ખુલ્લી આંખે જોવા કંઈ આંજણમાં નાખો

હું ક્યા આખા મયખાનાની વાત કરું છું
અરધો પ્યાલો પીધેલો તર્પણમાં નાખો
Jagdip 15-12-11

13.12.11

લ્યો અમે આ અક્ષરો બદલાવમાં મુક્યા
મર્મને દરિયે, શબદની નાવમાં મુક્યા

મૌન, કોઈ આગવી રીતે ઉજવવું’તું
એટલે ટહુકા અમે સુઝાવમાં મુક્યા

બંધ આંખે ઉંઘની ખુલતી બજારોમાં
આજ શમણાં સાવ સસ્તા ભાવમાં મુક્યા

છળ કપટની હોડ જ્યારે આયને લાગી
મેં પ્રતિબિંબો બધાયે દાવમાં મુક્યા

જીંદગી ને મોતને નિષ્પક્ષ થઈને મેં
શ્વાસની બન્ને તરફ સમભાવમાં મુક્યા

10.12.11

પ્રતિબિંબો હવે સુધ્ધા નથી સંગાથ દેવાના
કહે છે સૂર્ય સામે આગિયાઓ બાથ ભીડવાના

શમા ને પ્રેમ-જ્વાળાના દીધા છે ખાસ પરવાના
નથી અમથા બધા બિંદાસ થઇ બળતા આ પરવાના

હસો છો, છમ્મ લીલી કુંપળો, પીળાશની ઉપર
તમે પણ કાળની પિછી વડે રંગાઈ ખરવાના

શિરસ્તો જાળવી રાખ્યો અમે, ગાલીબથી ઘાયલનો
સતત ખાલી કરો, બેફામ થઇ, સાકીએ ભરવાના

જરા દરિયાદિલી તો જોઈ લો ખારા સમંદરની
ડૂબી મરવા સમા હર સખ્શ થઈને લાશ તરવાના

9.12.11

સાવ અંગત છું, બુકાની છોડજે તુર્તજ
ગુફતેગુ કરવા અબોલા તોડજે તુર્તજ

ક્યાંક પગની છાપ રણમાં નાં પડે નાહક
હાથમાં લઇ બે ચરણને દોડજે તુર્તજ

અધમુઓ પથ્થર વડે થઇ જાય એ પહેલા
થાંભલો વધસ્થંભ કેરો ખોડજે તુર્તજ

ક્યા હતી ઓકાત તારી કે સતત ગૂંથે
લાગણીના દોર તૂટે, જોડજે તુર્તજ

ખુદ પ્રતિબિંબો સમો થઇ જાય એ કરતા
છળ સરીખા આયનાને ફોડજે તુર્તજ

7.12.11

આમ જુઓ તો સાવ નિરર્થક, છતાં અર્થની પાછળ
માણસ નામે મૃગલો દોડે, નર્યા તર્કની પાછળ

મરહમ, પટ્ટા, દુઆ, માનતા, દવા,ડોઝ ને ધાગા
પાગલ કુત્તા માફક ધસતા બધા દર્દની પાછળ

ટહુકા, કલરવ, ચિચિયારીઓ, ડણક ગહેક ને લાળી
નાહક માથાફોડી કર તું નવી તર્જની પાછળ

ગૌર બદન, ચોડી છાતીઓ અંગ બધા અણીયાળા
ઘડપણ ઉભું સાવ અડીને છળયા ગર્વની પાછળ

જીવન રૂપી તજી કાંચળી આતમ સરકી જાતાં
સત્કર્મોના લીટા માતર રહે સર્પની પાછળ


નામ છે માટેજ હું બદનામ છું
ધોબીઓ વચ્ચે સદાયે રામ છું

જાણ પણ સહેજે નથી આગાઝ્ની
તે છતાં હર વાતનો અંજામ છું

મોહ, માયા, રાગના ઘેઘુર શા
વૃક્ષ નીચે બેસતો નિષ્કામ છું

જિંદગી જેની સજા રૂપે મળી
એવડો સંગીન હું ઈલ્ઝામ છું

હું ગઝલના ગામમાં ધૂણી કરી
શબ્દની ફૂંકુ ચલમ બેફામ છું

6.12.11

Jagdip Nanavati
શેરીએ તારી કશું ઠેબે ચડ્યું
એમ કરતા દિલ મને પાછું જડ્યું

સાવ હળવા ફૂલ જેવું થઇ જવું
સહેજ ઝંઝાવાત માં ભારે પડ્યું

એક પીછું આશ લઇ અરમાનની
બેય પાંખો વીંઝતું આભે અડ્યું

આજ તસ્બી ભૂલથી હોઠે અડી
રોજ સાલું મૈકદે જાવું નડ્યું

ક્યા રહી પહેચાન કોઈ કબ્રની
એક સરખું મોતનું મહોરું ઘડ્યું

3.12.11

મૌનને બોલાવવા કોશિશ ન કર
શબ્દને ગૂંગળાવવા કોશિશ ન કર

ફૂલ તારે હાથ ગર આવે નહિ
કંટકોને વાવવા કોશિશ ન કર

છે પ્રતિબિંબો પરંતુ છળ હતા
એમને સરખાવવા કોશિશ ન કર

હાથની બાજી રમી લે, નાંસમજ
પાનને સરકાવવા કોશિશ ન કર

એ ખુદા છે, માફ કરશે બે ઘડી
હર વખત અજમાવવા કોશિશ ન કર

2.12.11

ટેરવે ઉભરાઈ મારા શબ્દ ઢોળાયા
ને પછી દર્દે જીગર થઇ ખુબ ઘોળાયા

સ્વપ્ન તો જોયા ઘણા, કિન્તુ પથારીમાં
સળ બની એકાંતના ચોપાસ રોળાયા

સહેજ તારા વહેમનો પથ્થર પડ્યો ને, જો
આપણાં સંબંધ કેરા નીર ડહોળાયા

દિલ, જીગર, આંખો, સતત ધબકાર ને શ્વાસો
એમનું પરબીડિયું ખુલતા ઝબોળાયા

ભાગ્યના બે ચાર લીટા ખુબ સાચવવા
હાથની મુઠ્ઠી કરી, તો સાવ ચોળાયા



મુક્તક....

એક મુઠ્ઠી રણ, ભરી લીધું અમે
ને પછી મૃગજળ સતત પીધું અમે
દોડજો, આ છળ હવે ખૂટી જશે
એટલું મૃગને ફકત કીધું અમે..!!