27.1.13


રેત પર પાડીને પગલાં કોઈ તો ચાલો
મૃગજળે જાવું અમારે, હાથ તો ઝાલો  

ચૂર થઇ પર્વત ઉપરથી છેક અફળાતો 
હું જ છું પડઘો, હવે શું સાદ દે ઠાલો  

કાન દેજે કુંડ દામોદર, તળેટીએ  
સેંકડો સંભળાય છે, જાણે કે કરતાલો  

છે હળાહળ બાઈ મીરાના કાટોરાનું 
હર વખત કંઈ જામનો હોતો નથી પ્યાલો  

પાદરે ભિંજાય છે એક પાળિયો સાંજે  
કોઈને નક્કી હજી એ લાગતો વ્હાલો  

26.1.13


રે તમે વળગણ સમા થઇ છેક છેટે ઉભતાં 
બે કિનારા આપણે, ને વ્હાણ મારા ડૂબતાં 

કંટકો ઉપર થઇ આવ્યા અમે નફરત તણા  
સાવ કૂણી લાગણી છું, તોયે આંખે ખુંચતા ..??

સૌ પ્રથમ તારી ગલીમાં હર અદા તારી સનમ,
ને પછી ચોરાહ પર સંજોગ અમને લુંટતા 

જે પ્રતિબિંબો અહમને કાયમી ઉકેલતા 
આજ ખુદ થઈને સવાલી આયનાને પૂછતાં 

જીંદગી આખી સફર કાપી અને છેલ્લે પછી
શ્વાસ, ઘરથી કબ્ર તક સૌના હંમેશા ખુટતા 

18.1.13


સમય છંછેડવા કોશિષ ના કર, સંજોગ થઇ જાશે
પ્રથમ એ સ્પર્ષ  હૂંફાળો, પછીથી રોગ થઇ જાશે

અદાઓ ઘેર મુકી આવજો, નહિંતર અમારાથી
ઘણીયે ખાનગી બાબત ઉઘાડે છોગ થઇ જાશે

વફામાં  કોઈ રાહુ, કે ન કેતુ કોઈ દિ' નડતો
હથેળી હાથમાં મુકો, પ્રણયનો યોગ થઇ જાશે

ગઝલ હું માત્ર લખતો પાનખરમાં, કેમ કે જો હું
વસંતોમાં લખીશ, તો એ તમારા જોગ થઇ જાશે

સુગંધી ખત હતો, કારણ કે છે અત્તરનો વેપારી
તમારી ખામખાં શંકા તણો એ ભોગ થઇ જાશે 

5.1.13પાંપણે આવીને ટીપું ધાર પર લટકી ગયું  
કેમ જાણે એક ચોમાસું નભે અટકી ગયું 

કેટલી રાતોને વિનવી સાચવ્યું'તું જે અમે
એક મટકું મારતાં, શમણું ફરી છટકી ગયું  

આમ તો નફરતનું રણ આખુયે મેં ઠલવી દીધું 
એક તારા પ્રેમનું  મૃગજળ મને ખટકી ગયું  

સામસામાં આપણે તાક્યા નજરના તીર, પણ
આપનું દિલ પર, ને મારૂં હાય રે બટકી ગયું  

આંખમાં મેં પોરવ્યા'તાં કંઇક દિવાસ્વપ્નને 
ને જમાનો કે', કે સાલાનું જરા ફટકી ગયું