31.5.10

લાશની ઇચ્છા અધુરી રહી જતી
શ્વાસ સાથે સહેજ દુરી રહી જતી

મૌન તારા શહેરમાં મારૂં જવું
ને બધી વાતો જરૂરી રહી જતી

સાંઈ એક તારા પ્રતાપે બસ હવે
ક્યાંક શ્રધ્ધા ને સબુરી રહી ગઈ

એક અમથી મૈકદે કરતો નજર
પણ અસર એની અસુરી રહી જતી

સ્પર્શનો દિવો હથેળીમાં કરો
તે પછી ખુશ્બુ કપુરી રહી જતી

29.5.10

અક્ષત


એક અક્ષત છે પ્રભુનાં ભાલ પર
એક ચોંટ્યુ અર્ધ ભુખ્યા ગાલ પર

પુજવા લાયક ખરેખર એ હતું
જે થયું કુરબાન એક બેહાલ પર

22.5.10

સતત કાફલામાયે ઝંખુ છું તમને
ઘણી વાર વળતાં મેં રોક્યા, કદમને

હળ્યા ને મળ્યા, ખુબ થઈ ચાર આંખો
હવે ઠોસ કંઈ નામ આપો મભમને

ગઝલ ના સહી, એક મત્લો લખી દઉં
હજી ક્યાં મુકી છે મેં નેવે કલમને

ખરીદવાને થોડી ગરજ નીકળ્યો છું
અમે કાલ વેંચી દીધો છે અહમને

જીવન સાવ પાંખુ, દીધું મોત આખું
દઉં દાદ તારા, ખુદા આ સિતમને

પછી તો રહે અક્ષરો તકતીઓ પર
અહીં ભુલતાં, ભલભલા સૌ ઇસમને

21.5.10

ફિલ્મ પ્યાસા

( યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ )

પરથી સુઝેલું એક

પ્યાસું પ્યાસું ગીત...!!




( ઉતાવળ ઉતારીને વાંચજો ..)




ઉનાળે આ ધગધગતા શ્વાસોની દુનિયા

ઝરે આભથી જે, ધખારાની દુનિયા

પરાણે જીવે છે એ લાશોની દુનિયા

છતાં નાસમજ માનવીઓની દુનિયા

છે દુનિયા પ્રલયના તીરે તોયે શું છે

આ દુનિયા ભળે રાખમાં તોયે શું છે


નથી ક્યાંય વૃક્ષો, ન ઉદ્યાન લીલાં

છે પથ્થર સિમેન્ટોના જંગલ હઠીલાં

કરે કૂંપળો આજ શિકવા ને ગીલા

વસંતોના હાથોમાં ઠોક્યા છે ખીલા

ભલે આજ દરિયો ખપી જાય રણમાં

નથી હોંશ મૃગજળના તરસ્યાં હરણમાં

આ દુનિયા ભળે રાખમાં તોયે શું છે


કદર બુંદની એક સમજો તો સારૂં

નહીંતર જીવન સાવ થાશે અકારૂં

થશે એક ડોલે, આ મારૂં આ તારૂં

પીવાનાં છે સાંસાં, નહી આગ ઠારૂં

નદી નાળ કુવાએ ધીંગાણું જામે

હશે પાળીયાઓ પરબડીના નામે

આ દુનિયા ભળે રાખમાં તોયે શું છે


પ્રતિગ્ના કરો, હાથમાં લઈને આંસુ

કે પર્યાવરણના કમાડો ના વાસુ

હરેક જન્મ ટાણે, નવું બી ઉગાસું

ફરી આજ લીલાપે દુનિયા ઉજાસું

ઉઠે પૂર હરિયાળા ચારે તરફથી

ફરી થાય હેમાળો ગદ ગદ બરફથી

આ દુનિયા ભળે રાખમાં તોયે શું છે

20.5.10

હેય ઉનાળો
છેલ છોગાળો..!!

વૃક્ષની દેખાય સઘળી પાંસળી
પાનખર જ્યારે વગાડે વાંસળી

સુર્યને દોહ્યા પછી ઉભે ગળે
સૌ પીવે તડકો, ભરીને તાંસળી

ધોમ ધખતે, ઝાડનું ઠુંઠુ દીસે
આગનો પર્વત ઉંચકતી આંગળી

ધૂળની ડમરીઓ જાણે ગોકુળે
ગોપીઓ રૂમ ઝુમ રમે ઉછાંછળી

માનવી, દડ દડ પસીને, લૂ તણા
નાગને નાથી, ઉતારે કાંચળી

હા...શના વસ્ત્રો હરી વૈશાખડો
ઝુલતો, બેસી કદંબી ડાંખળી

બે ગઝલ


શબ્દને બોળી મદિરામાં, પછી લલકાર તું
મેદની પણ લાગશે, જેવો હશે ચિક્કાર તું

આપણો પડછાયો પણ ના કામ લાગે આપણે
આવશે તારી જ સાથે એ, ભલે ધિક્કાર તું

કાફલો તો શ્વાસ છે, મંઝિલ અને રસ્તા તણો
ચાલતાં રાખી ચરણ, ધરતી સતત ધબકાર તું

ક્યાં હવે એ સ્વપ્ન કે અરમાન તારા ગ્યા પછી
આંખમાં ડોકાઈ જો, તો ભાળશે સુનકાર તું

ટૂંટીયા વાળ્યા સદા ને, હાથ બે લીધી જ્ગ્યા.?
કબ્રમાં પણ તેં કર્યું પુરવાર, છે મક્કાર તું..!!!

*******************************


જે હવા જઈ વાંસમાં, ટહુકો બને
મ્હોરતી રાધા બની વૃંદાવને

ગુલમહોરી ગામમાં ચીંધે ભલા
પાનખરનું કોણ સરનામુ તને ?

સુર્યના વારસ છીએ એવું કહી
આગિયા ધમરોળતાં મધરાતને

તું ભલેને ચોપડે કરતી જમા
હું ઉધારૂં આપણા સંજોગને

એજ રસ્તો આખરી, મળવા તને
આંખમાં થોડી જગા દે ખ્વાબને

19.5.10

નીકળે અંગત બધાયે બુદબુદા
જીંદગી ત્યારે બને છે ગુમશુદા

એટલીયે ઉમ્ર ના છુપાવ, કે
આયનો પુછે સવાલો બેહુદા

ના કભી હોંગે જુદા, લખનાર સૌ
આંગળા પોતે હતાં પાંચે જુદા..!!

બંદગી છોડી, હલેસા ઝાલ તું
આજથી ખુદનો બની જા નાખુદા

જીવતાં ફુટપાથ ના પમ્યો કદી
ને હવે ખોલી જુદી, વાહ રે ખુદા..!!

17.5.10

સમયને સહેજ રોકીને ઘણુયે થાય, જાણું
હશે ક્યારે તને બે ચાર લેવા શ્વાસ ટાણું

તપસ્યા કેટલાં દિવસોની કરતાં રામ પામી
હરેક સાંજે કર્યું શબરીએ નહોતું મ્હો કટાણું

હ્રદયનાં ઘાવ તારાં સ્પર્શથી ગહેરા થયા છે
અમારૂં દિલ અતિશય પ્રેમમાં આજે ઘવાણું

ઉછેર્યા વૃક્ષ મૃગજળને પીવાડી મૌનનાં મેં
હવે ક્યાંથી ઉગે નિ;શબ્દ ડાળે કોઇ ગાણું

અમે ઉભા તમારે દ્વાર કહી છલ્લક છલાણું
પ્રભુ અમને કહી દેશે ફરી કો’ ઘેર ભાણું

15.5.10

જીંદગી ધારી હતી
એમ, બે ધારી હતી

પ્રેમની પગથી વિના
વાવ નોંધારી હતી

આંખમાં કીકી નહીં
અધખુલી બારી હતી

હર મજલમાં હમસફર
આપની યારી હતી

ગર્વની રેખા ઉપર
ક્યાંક લાચારી હતી

ઝળહળી તકદીર, પણ
આમ ગાંધારી હતી

આપણી તો રીત સૌ
સાવ અલગારી હતી

મોતને દુલ્હન ગણી
લાશ શણગારી હતી

14.5.10

માણસ જ્યારે
અટકળની અગાસીએથી
પ્રલોભનનાં પતંગો
ચગાવતાં ચગાવતાં
ગણતરીમાં ગોથું ખાઈ
શક્યતાની સીડીએથી
ધારણાની ધરતી ઉપર
ધબ્બ.....કરતો
પટકાય છે....
ત્યારે તે
હ્કીકતનો હાથ ઝાલી
તથ્યનાં તકિયે
માથું અઢેલી
વાસ્તવિક્તાની સાથે
વાતો કરતો
થાય છે.....

13.5.10

નર્યા બાળપણના એ ઘરની દિવાલો, મને જાણે આલિંગને કચકચાવે
જીવનની ઇમારત ઉભી જેની ઉપર, એ યાદોના પાયા સહિત હચમચાવે

પ્રણયના કુરૂક્ષેત્રમાં સામ સામે, અમે આજ ઉભા પણછ ખેંચી કાને
પવન એની વાતોને ટહુકે પરોવીને જમણેથી ડાબે સનન સનસનાવે

નગર, નામે આંખો, ની વચ્ચેથી મધરાતે શમણાંની ખળખળ નદી જાય વહેતી
ને પાંપણ કિનારે, એ વહેલી સવારે અધુરી બધી કામના છબછબાવે

મને આમ તો એનો પગરવ જરા પણ ન કાને પડે એ રીતે એ જતાં , પણ
નજર એની કાતિલ કરી સાંકળે, ને જતાં આવતાં દ્વારને ખટખટાવે

અહીં એક મજનુ સુતેલો મઝારે, લઈ આશ મીઠા મધુરા મિલનની
નહીં આજ, તો કાલ, નક્કીપણે આવશે એમ કહીને હજુ મન મનાવે

11.5.10

લાગણી તાણો અમારો, આપનો વાણો અનાદર
બેઉના સંબંધની વણવા મથુ છું એક ચાદર

હાર કે ગજરો નહીં, આદી અમે એક ફુલનાં બસ
ભીડ ઘટનાની નહીં, અવસર તણું એકાંત પાદર

આંગળીમાં ચક્ર રાખે, હોઠ પર મુસ્કાન કાયમ
આ જગતમાં કૃષ્ણ નામે એક છે એવો બિરાદર

કાતિલોની હર અદા કેવી સુકોમળ ને મુલાયમ
મહેફીલે શમ્મા પતંગાને નિમંત્રે રોજ સાદર

આંખ ભીની, હાથમાં બે ફુલ સુક્કા હોય હરદમ
જે અધુરી રહી ગઈ, એ ખ્વાઈશોનો એજ આદર

આયના સાથે પનારો રાખજે
છળ સમો, એક ભાઈચારો રાખજે
.

હો ભલે જ્વાળામુખી તું શાંત, પણ
રાખમા નાનો તિખારો રાખજે
.

થાક જીવતરનો જરા હળવો થશે
કોઈના દિલમાં ઉતારો રાખજે
.

હાથમાં તકદીરની રેખા તણો
બંધ મુઠ્ઠીમાં ઈજારો રાખજે
.

ફીણ થઈ પગમાં સમુંદર આવશે
બાનમાં તું બસ, કિનારો રાખજે
.

બંદગીથી વાત જ્યારે ના બને
તું મદિરાનો સહારો રાખજે
.

આપલે કરવા, પછીથી મૌનની
સાવ પડખે બે મઝારો રાખજે

10.5.10

સો દફા પકડી ખુદાની આંગળી
ના કદી દીદારની ઇચ્છા ફળી
.

વાંસનાં તો વન હતાં ગોકુળમાં
એકનું પ્રારબ્ધ, બનવું વાંસળી
.

રેતનાં અસ્ફાટ રણમાં, થોરનો
કાંકરી ચાળો કરે એક વાદળી
.

ગાલ પરનાં શેરડા, સંધ્યા ગણી
સાંજ પણ આજે જરા મોડી ઢળી
.

સૌ પતંગિયા, ફુલ પાસેથી હવે,
રંગ ઉઘરાવ્યાની અફવા સાંભળી
.

શ્વાસ છેલ્લા શું જરા ચોરી લીધા
ને સજાએ મોત બદલામાં મળી

8.5.10

ચો દિશા, ચો પાસ અજવાળા હતાં
અંધકારે સુર્યના તાળા હતાં

હું કહું પુરૂષાર્થનો પર્યાય છે
તું કહે કે માત્ર એ ઝાળા હતાં

હોઠ બે નિ:શબ્દ રાતે, આપના
મૌનમાં ગુંથેલ પરવાળા હતાં

આંખને છાલા પડ્યા, જે વાંચતાં
શબ્દ તારા સહેજ કાંટાળા હતાં

છો, મઝારો હોય સંગેમરમરી
ભીતરે પથ્થર બધે કાળા હતાં

ફાંસી

જે સજા, પળવારમાં, ફાંસી હતી
આજ આખા દેશની હાંસી હતી

લાડ તો એવા લડાવ્યા આપણે
માં ધરા, જાણે સગી માસી હતી

ડોક્ટરો, વૈદ્યો, હકીમ હાજર કરો
રાતના એને જરા ખાંસી હતી

કાપજો, પણ સર ઝુકાવીશું નહીં
વીરતા સઘળી હવે વાસી હતી

માંચડે કહેતા નહીં કે થોભજો
ગાળીયાની ગુંથણી ત્રાંસી હતી

6.5.10

રંજીશો દિલમાં તમામ રાખુ છું
તે છતાં ચહેરે દમામ રાખુ છું
.
આપમેળે મંઝિલો ઉભી થતી
માર્ગમાં જ્યાં જ્યાં મુકામ રાખુ છું
.
મુઠ્ઠીઓ બે હાથની વાળ્યા કરૂં
એ જ હાથોમાં સલામ રાખું છું
.
કો’ક દિ’ ઉજાગરા રાતે કરી
સ્વપ્ન પર થોડી લગામ રાખુ છું
.
મોત બીજું કંઈ નથી, પણ હું સદા
જીંદગી વચ્ચે વિરામ રાખુ છું

5.5.10

એ ન કાઉન્ટ કર..!!!
રાવણો બિંદાસ, એ ન કાઉન્ટ કર
તુચ્છ તું છે દાસ ,એ ન કાઉન્ટ કર
.
જીંદગી આખી ગઈ ખાખી મહીં
ને સહ્યો ઉપહાસ, એ ન કાઉન્ટ કર
.
એ અગન ગોળા ધરે, ને આપણે
લાકડી બકવાસ, એ ન કાઉન્ટ કર
.
સો ગુનાઓ માફ એના સૌ કરે
તું સદા બદમાસ ,એ ન કાઉન્ટ કર
.
કેર એનો કાયદો કાળો કરે
આપણો સુરદાસ, એ ન કાઉન્ટ કર
.
કોણ શેકે રોટલા કોની ઉપેર
ચો દિશા ચોપાસ, એ ન કાઉન્ટ કર

3.5.10

કોઈ એક
ચોક્કસ જગ્યાએ
છ બાય બે ના માપની
જમીન મેળવવા
એક કરોડપતિએ
જીંદગી આખી અઢળક
સંઘર્ષ કરી
તાણ ભરી જીંદગી
ગુઝારી......
જ્યારે
એક ભિખારીએ
બેફિકર,
બિંદાસ જીંદગી
જીવીને એ જ્ગ્યા
મેળવી લીધી.....
બોલો
આ બે માથી
નસીબદાર કોણ...????

2.5.10

તમે શ્વેતમાં, ને અમે શ્યામમાં
હતાં બેઉ પ્યાદા, આ સંસારમાં
.
દુઆથી વધુ શું કરીયે શકે ?
હલેસા નથી હાથ, મઝધારમાં
.
ઢળેલી બે આંખોએ શમણાં તણો
કર્યો ખુબ વેપાર મધરાતમાં
.
મઝા મૌનમાં જે, તમારા હતી
કદીએ ન માણી અમે વાતમાં
.
જીવનભર લખેલી મેં પાટી ખુદા
ભુંસી નાખ આખીયે પળવારમાં