31.5.13


સમજી લેજે, તું પણ કંઈ અપવાદ નથી
મંદિર હો કે મસ્જીદ હો,  કોઈ બાદ નથી

ઓછા વત્તા અંશે પણ એ ખાય વદી 
અમથો આખો સરવાળો બરબાદ નથી

વરસો સુધી ડેલી ખોલી હોય, છતાં  
સાંકળ અંદર આવી હો એ યાદ નથી  

મુશળધારે,  કિન્તુ તારો સાથ ન હો  
ભીંજાવી દે એવો કોઈ વરસાદ નથી

લીલી કુંપળ, લીલ્લું છમ્મ થઇ પાન ખર્યું  
ડાળી સાથે હરગીઝ પણ  વિખવાદ નથી
Jk

25.5.13


આજ હું  ની " હું " ની સાથે છે લડાઈ 
આયનાની જાત પર જાણે ચડાઈ 

સહેજ પણ અફવા ન માનો, લાગણીને 
તું મુલાકાતી બનીને કર ખરાઈ 

તો જ વૈષ્ણવજનમાં  ગણના થાય તારી 
પીડને જાણી શકે જો તું પરાઈ

સાવ સુક્કો ભઠ્ઠ બાવળ લાગતો, કે
નગ્ન થઇ લીધી ઉનાળે અંગડાઈ

જિંદગી કંઈ એકલું તા-થઈ, નથી કંઈ 
મોત પર્યંત ખેલવી પડતી ભવાઈ  

23.5.13


હલકી ફૂલકી .....

"હવાથીયે હલકો" ને 'ધરતીથી ભારે'
અલ્યા....તું બદલમાં, કથન વારે વારે 

અમારે તો કાયમ ચગળવી'તી એને 
ખબર નહી આ વાતો ચવાઈ'તી ક્યારે 

' અ ' અફવાનો ઉચ્ચારતાં જ્યાં અમે, ત્યાં
દિશા મારી ઉપર ધસી ગઈ'તી ચારે 

હતો સાથ તારો, તો મંઝિલનો આછો
કર્યો'તો મેં અહેસાસ હર એક ઉતારે 

જવું તો હતું બસ કબર તક ઘરેથી 
ને આવી પડી ગામની ફોજ વ્હારે ...!!

18.5.13
ભાવ નગર, ને ગલી કલમની, આવો છો ને ?
ફૂંક લૂટીશું  ગઝલ ચલમની, આવો છો ને ?

ઘાવ તમારા અમે ઉછેર્યા , જેની ઉપર  
ઍક ઉગી છે કળી મલમની, આવો છો ને ?

દ્વાર ખુલા છે, કહો ખુલીને ખુલ્લા દિલથી
બ્હાર ઉતારી છબિ શરમની, આવો છો ને ? 

ગેરસમજની, સમય વચાળે ગંઠાયેલી 
ગાંઠ ઉખેળી બધી ભરમની, આવો છો ને ?

રાહ તમારી હજી મઝારે જોતા રહીશું 
વાટ પકડશું પછી અગમની, આવો છો ને ?

17.5.13


નાખ ટહુકો  સરવરે, ઉઠશે વમળ
ને વસંતી નામનું ઉગશે કમળ

સ્હેજ શમણાઓ હશે મારા જલદ
દિ' ઉગે પણ આંખ બે રહેશે સજળ 

હસ્ત, રેખા, મુઠ્ઠીઓ, મારી છતાં 
એ મને કહેતો કે તું થાશે સફળ.!!

નાં પ્રતિબિંબો ખપે સાક્ષી રૂએ 
ત્યાં પુરાવા આપવા પડશે સબળ

રાખ સાકી પર ભરોસો મૈકદે 
એ જ પ્યાલી રાતભર રાખે અતળ 
jk

9.5.13


ખુદા  ઢુંઢવાનો  શિરસ્તો બદલ
પગરખાં નહિ દોસ્ત, રસ્તો બદલ

ઉતારી શકે ના તું ચહેરો અગર
દીવાલે અરીસો અમસ્તો બદલ

કબુલાઈ ગઈ હો દુઆ, તો પછી
પ્રભુને કહો કે ફરિસ્તો બદલ

શકુની, કપટ, એ જ ચોપાટ હો
ફરી હાર માની, શિકસ્તો બદલ

જીવનથી છટકવાને મૃત્યુ હવે
થયો સાવ મારગ છે સસ્તો,.... બદલ

4.5.13


દસે આંગળીમાં, ચડે એક તારી
અમસ્તા ન કહેતા તને ચક્રધારી 

અમે બેય પાસાને સાધી લીધા છે
શકુનીયે નાનો પડે પાસ મારી

અગર મૌનના ફૂલ વાચાને ફૂટે
મહેકવાની આશા બધી છે ઠગારી

જીવન દોરડે છેક આકાશે પુગું 
પ્રભુ તુંય જબરો કમાલી મદારી

લખો હર કબર પર, હતી જિંદગી બહુ
અકારી છતાં કોઈએ ના નકારી