30.11.11

મધદરિયે સૌ કારસ્તાનો ખોટા કરતો
પશ્ચાતાપે કાંઠે એ પરપોટા કરતો

મસ્જીદમાં જે કહેવાનું એ નહોતો કહેતો
છત પર જઈને અલ્લાહને હાકોટા કરતો

અફવાઓને વિધ વિધ કાનોમાં સિંચીને
રજ સરખી વાતોના પર્વત મોટા કરતો

પલ્લું હરદમ સરખું રાખે એ તો નક્કી
સ્થાવર જંગમ વિસ્તારી દિલ છોટા કરતો

આદત થઇ બિચ્ચારો થઈને મેળવવાની
શ્વાસે શ્વાસે માણસ ક્વોટા ક્વોટા કરતો

29.11.11

પાંપણના સુંવાળા પડદા સહેજ ખસેડી નજર્યું નાખો
અશ્રુ સરતાં બે ત્રણ, બાકી અંદર ઘુઘવે દરિયો આખો

સંબંધોના સરવાળાઓ પળપળ ક્ષણક્ષણ બદલાતા રે...
શબરી થઈને ક્યાં લગ ખાટા મીઠા ઘટનાનાં ફળ ચાખો

લીલા કુણાં ફર ફર થાતાં પર્ણો જોતા એવું લાગે
ટહુકાની સોબતમાં રહીને ડાળીઓ ફેલાવે પાંખો

જીવતરના પહેરણને છેડે, ધ્રુજતા હાથે લુછતાં લુછતાં
ચશ્મામાથી બચપણનો ચહેરો ઉભરાતો ઝાંખો ઝાંખો

ઢળતી આંખો, ઢળતો સુરજ, ઢળતી’તી પ્યાલીમાં હાલા
હું તારા પર ઢળતો સાકી, સુર્રાહીને ઢળતી રાખો

27.11.11

મુક્તક

ઝાંઝવાને ચોતરફ કાપ્યું અમે
નામ એને આયનો આપ્યું અમે
મૃગ બની હું ક્યા સુધી દોડ્યા કરું
બિંબ થઇ ઊંડાણને માપ્યું અમે

25.11.11

રણોત્સવ

રણને કણ કણ રંગાયો છું
હરણાં માફક રઘવાયો છું

મૃગજળની વાતો કહી કહીને
હું પણ થોડો ભીંજાયો છું

લીલપ નામે છૂટક છૂટક
કાંટે કાંટે ફેલાયો છું

મીઠા જળની વીરડી રૂપે
ચોરે ચૌટે ખોદાયો છું

લૂ ની લથબથ લિજ્જત પાવા
આસવ થઈને ઘૂંટાયો છું

વહાણાના વંટોળે બેસી
ચારે બાજુ ફૂંકાયો છું

આઠે અંગે વાંકા નામે
બદ્નામીમાં પંકાયો છું

23.11.11

લખતા લખતા ક્યારે જાણે અક્ષર થઇ ગ્યો
તલવારેથી બંદો સીધો બખ્તર થઇ ગ્યો

ઝાકમઝાળા ફેટાનું ફૂમતુ થાવામાં
અન્ગરખાનું મેલું ઘેલું અસ્તર થઇ ગ્યો

ઈશ્વર, અલ્લાહ, જીસસ વચ્ચે લાથાડાયેલો
માયખાનેથી પાછા ફરતા પગભર થઇ ગ્યો

સુખમાં દુઃખમાં સથવારાના દાવા કરતો
અંધારામાં પડછાયો છૂ મંતર થઇ ગ્યો

સંબંધોને તાણે વાણે બરછટ એવો
રુદિયો મારો સુક્ષમ જેવો નશ્વર થઇ ગ્યો

20.11.11

Jagdip Nanavati
અંધારાને ઝંખે દીવો
અજવાળાને ક્યા લગ પીવો

નડતી હો જો સંકુચિતતા
ખોલી નાખો આંતરસીવો

મધ દરિયાનો માણસ છે એ
કાંઠે શું કરશે મરજીવો

એકાબીજા ડરવા કરતા
ખુદના પડછાયાથી બીવો

સૌને અર્જુન થઇ જાવું'તું
હાજરમાં નહોતા ગાંડીવો

17.11.11

આંસુની ઓળખાણ ભલા રાખજો તમે
દિલના ઝખમની જાણ ભલા રાખજો તમે

હાથે હલેસા, હામ જીગરમાં હશે છતા
શઢમાં હવાનું તાણ ભલા રાખજો તમે

પંખીની આંખ ક્યાંક અચાનક નજર ચડે
તાકી ધનુશે બાણ ભલા રાખજો તમે

ક્યારે ખબર આ જાત હવે ઓગળી જશે
પરછાઈનું એંધાણ ભલા રાખજો તમે

મૃત્યુને પહોંચવું તો ફરજીયાત થઇ પડે
શ્વાસો તણું ધિરાણ ભલા રાખજો તમે

16.11.11

મીણબત્તી ઓગળે છે શ્વાસની
જીંદગી જીવી લીધી અજવાસની

માંન્ઝીલોનો યશ મને ક્યાંથી મળે
કેડીએ ચાલ્યો હતો ઉપહાસની

આપવાની સંમતિ આપી ફક્ત
વાત ક્યા કીધી અમે વનવાસની

કંટકોથી વાત મેં શીખી લીધી
ફૂલ જેવા રેશમી સહવાસની

બંધ પરબીડિયું અમે ચૂમી લીધું
વાત જયારે નીકળી વિશ્વાસની

એમ જો માનો, તો અમને ટેવ છે
આ ગઝલ રૂપી નર્યા બકાવાસની

14.11.11

ક્ષિતિજો, ચોતરફ દીવાલ ધારો
ઉઘાડું આભ શિરે છે સહારો
રવિ મહેતાબ અજવાળે દિશાઓ
હરેક તારો હતો જાણે તિખારો
હવા મર્મર અમારે શ્વાસ વ્યાપે
ટહુકે, વાગતી જાણે સિતારો
રતુંબલ ફૂલ, લીલી કંદરાઓ
અલૌકિક કોણ જાણે કો ચિતારો
ફળાદી ધાનના ઢગ વિસ્તરે છે
ન ખૂટે કોઈ દિ એવો પટારો
ધારા ભીની અને મદમસ્ત માતી
સુગંધે સ્નેહનો જાણે ઈજારો
ફક્ત તારી હવે છે ખોટ પ્રિતમ
હવે તો આપ મારે ઘર પધારો

11.11.11

પતિ ને પથ્થરો પર પાડ સિંદુરનો ઘણો
દરજ્જો દઈ દીધો પળવારમાં દેવો તણો..!!

હતી ના એક-તારી, બે કે ત્રણ ની ચાસણી
ખુદા મજબુત છે આ બંદગીનો તાંતણો

હરફ ઉચ્ચારતા નહોતા છતાં લોકો અહીં
અમારા મૌન પરથી કાઢતા’તાં તારણો

લીધી તસ્બી અમે, પ્યાલો મુકીને જામનો
અમારો હાથ જાણે લાગતો’તો વાંઝણો

ભલે સંજોગની ચોપાટમાં હું હારતો
સમય પણ આવશે એ દોસ્ત જો જે આપણો

9.11.11

વેલ્લી સવાર...!!!

ઝાકળની રંગોળી ફુલડે, સુરજ ઠેબું મારે
રંગ બધો ઉડે આકાશે રાતો, રોજ સવારે

શીતળ મીઠો શ્વાસ અનિલનો, રોમ રોમ અજવાળે
દસે દિશાએ પાંખો વિંઝુ, કલરવને સથવારે

પનિહારીની કેડ ઉપરથી પાણીડા છલકાતાં
છલકાતાં ઝાઝા રે એથી લટક મટક લટકા રે

ભાંભરતાં વાછરડાં ગજવે આંગણ ને શેરીઓ
રણક રણક રણકે ઘંટડીઓ ગાયોની સૌ હારે

મંદિરની ઝાલર બાજે ને "ઓમ" ઉગે નાભિએ
કંઈક અલૌકિક સઘળે વ્યાપી, હૈયું કેવું ઠારે

છ સત્તરની-સાત વીસની ગાડી મુકી, આવો
સ્વર્ગ નહીં, પણ સાવ ઢુંકડું, ગામ તને સંભારે

6.11.11

એકલા તાણે, અગર ચાદર વણો
તો તમારી જાતને અલ્લાહ ગણો

વાયરા સાથે સબંધો બાંધતાં
આભમાં પહોંચી શકે છે રજકણો

સ્વપ્ન મારાં થનગને, વાસ્તવ થવા
ક્યાં હજી સમજી શકી છે પાંપણો

હાથ હુંફાળો દીધો તમને અમે
એટલો વિસ્તાર છે, બસ આપણો

મૌન જ્યારે હોઠ પર આરૂઢ હો
શબ્દ લાગે છે અતિશય વામણો

4.11.11

એક ઘુંટે સેર જન્નતની કરે
એ પછી ક્યાંથી ખુદાને કરગરે..?

બાળપણ, ઘેઘૂર વડલો થઈ ઉભો
જે અમે વાવી ગયા’તાં પાદરે

શ્વાસ ને ઉચ્છવાસનુ લોલક સતત
હાજરી અસ્તિત્વની હર પળ ભરે

ધાક પણ કેવી ગજબ છે મૌનની
બે ઘડી રાખો, ને અધરો થરથરે

પ્રશ્ન પાયાનો, ઈમારતને કદી
એક પણ પુછ્યો નહીં આ કાંગરે

2.11.11

અમે ક્યાં જામને સહેજે હજી હોઠે અડાડ્યો છે
હજુ તો જીવ, તારી તરબતર આંખે ડૂબાડ્યો છે

પતંગા તો ફના થઈ જાય છે, ઝળહળતી શમ્માએ
મને શીળી પુનમની ચાંદનીએ પણ દઝાડ્યો છે

દરદ સાથે કરીને દોસ્તી લગભગ જીવી જાતો
તબીબોએ અમારો રોગ ના હરગીઝ મટાડ્યો છે

સબંધોનાં શિખર હું કેટલાયે સર કરી ચૂક્યો
ઘણી વેળા મને બસ લાગણીઓએ પછાડ્યો છે

પ્રતિબિંબો ફકત મારાં જ ખપ, કપરી ક્ષણે આવ્યાં
રડી લેવા ખભે ખુદના, અરીસો મેં લગાવ્યો છે

જમાનો ગાઈને સરગમ સુરીલી સુઈ ગયો ત્યારે
અમે સુર આઠમો માં દેવકી કૂખે વગાડ્યો છે

પડે પાસા બધાં પોબાર એવો હું અઠંગી છું
શકુની છું છતાં હર ચાલમાં એને જીતાડ્યો છે

હતું કારણ સબળ તારું, અભયનુ દાન દેવામાં
ક્ષણે ક્ષણ મારવા માટે મને પળ પળ જીવાડ્યો છે