28.2.11

આપને નીરખું નહીં એ હુસ્નની તોહીન છે
બાગમાં ન શ્વાસ લેવો એટલું સંગીન છે

આંગણે અટ્ટહાસ્યના આજે પધાર્યું મૌન છે
એટલે લાગે જરા વાતાવરણ ગમગીન છે

છત, ગલી, હર રાહદારી ક્યારના જોયા કરે
બારીઓ બે સામ સામી પ્રેમમાં તલ્લીન છે

બંધ હો કે સાવ ખુલ્લી હાથમાં તારા જ છે
ખેલ આખો જીંદગીનો દોસ્ત પત્તી તીન છે

જીંદગી આખી બતાવી પીઠ, આજે કાંધ દે
લાશ પણ હસતી હશે , કેવો મજાનો સીન છે


25.2.11

દીકરીને વળાવી, પાછા ઘરમાં પગ મુકતાં.......

શુન્યતાથી તરબતર દહેલીજ છે
આજ જાણ્યું પાનખર શું ચીજ છે

લાગણી સુક્કા હવે આ ઘર મહીં
આંખ ભીની રાખવા તજવીજ છે

સાંજ ઢળતાં એમ બસ લાગ્યા કરે
આભમાં પૂનમ, ને આંગણ બીજ છે

વ્હાલનો દરિયો હતો જે, વહી ગયો
નાવ, હલ્લેસા, અને રેતી જ છે

કોઈ મરહમ કારગત નીવડ્યો નહીં
બાવડે બસ યાદનું તાવીજ છે

18.2.11

अब तो अपनीभी कुछ सुनाया करो
शम्मा दिलकी सनम जलाया करो

गर खुदाई कहीं ना पाओ तो
युंही बस मैकदेमें आया करो

सुन ना पाये सादा जो वो अपनी
उसकी तस्वीरको बुलाया करो

कर सको याद तो करना हमको
वरना हर मोड़ पे भुलाया करो

कब्र पे मेरी, ए मेरे हमदम
सुखे पत्ते सही चढाया करो

17.2.11

પ્રતિબિંબ ખુદનુ જ નાનુ જણાયું
કહે, કાયદે સર ટી ડી એસ કપાયું

અમારો જ પડછાયો અડવા ગયા તો
તરત પાસવર્ડ નું ગતકડું મંગાયુ

હવાની લહેરખી જરા શ્વાસમાં ગઈ
પવનનુ થયું અપહરણ છે, છપાયું

ભ્રમરના નિકંદનને કાજે કમળને
ફુલોએ સુપારી દીધી, સંભળાયું

જો નફરત ગલીમાં તમે પ્રેમ હાંક્યો..?
તો લાઈસન્સ "કુણી લાગણી" રદ કરાયું

જરા પાંખ ઈચ્છાની ફેલાવો જો, તો

જમાના નો રાવણ હણે છે જટાયુ


16.2.11

ચાલ હવે મૃગજળમાં મારીએ ધુબાકલા
મૌન ભલે કાંઠે ઉભીને કરે હાકલા

માર હજી હલ્લેસા મધદરિયે રેતનાં
ક્યાંક તને સાંપડશે બળબળતાં માછલાં

ઘૂંટ ભરૂં ઈચ્છાના વરસોથી કેટલા
તોય મારી તરસ્યુથી છલકાતાં માટલાં

ભીડ મહીં મુંજારો થાય મને પંથમાં
સાથ હતાં એકલતા પહેરેલા કાફલા

અંત ઘડી ઉભરાયું હેત કેમ આટલું ?
ક્યાંય કદી જોયા ના ભાઈબંધ આટલા

10.2.11

ક્ષિતિજે હવે વ્યાપ ટૂંકા કર્યા છે
કે મારા વિચારો વધુ વિસ્તર્યા છે

વસંતે આ વૃક્ષોને ઘેલા કીધાં છે
જુઓ પાંદડા સાવ લીલા ખર્યા છે

અમે મૈકદાને જ મેવાડ માની
બની આજ મીંરા, હળાહળ ભર્યા છે

કરે આજીજી દુરથી મૃગજળો પણ
હરણ, સાંભળ્યું છે હવે વિફર્યા છે

વિવિધ ચેક ફાટે જનાજે જનાજે
ન સમ ખાવા એકેય પાછા ફર્યા છે

7.2.11


મિત્રો,

સાહિત્યની દુનિયામાં એક કવિ નો મુખોટો ધારણ કરીને ૩ વર્ષ પહેલાં ગઝલ અને કવિતા
લખવાનું શરૂ કર્યું.....લખી લખીને બધી જ રચનાઓ બ્લોગ ઉપર મુકવાનું શરૂ કર્યું....
ધીમે ધીમે રચનાઓ નો સંઘરો થવા લાગ્યો, ઘણા હિતેચ્છુ અને મિત્રોએ સંગ્રહ માટે આગ્રહ
અને આજીજી કરી પણ કામની વ્યસ્તતા અને થોડું નહી પણ ઘણું આળસ તેમા "કામ કરી" ગયું..!!!!!!
એની વે.... આ રચત્નાત્મક કાર્ય કરતાં કરતાં ક્યારે દિકરી મોટી થઈ ગઈ અને ક્યારે
તેને સાસરે વળાવવાનો પ્રસંગ આવી ગયો તેની ખબર જ ન રહી....મારી ટેવ ( કે કુટેવ..!!)
મુજબ વારંવાર પ્રસંગોપાત રચનાઓ લખવાનું મને જાણે અજાણે વ્યસન થઈ ગયું હતું......આજ જ્યારે મારા
ઘરમાંજ અંગત પ્રસંગ આવી રહ્યો છે ત્યારે આદત પ્રમાણે લાગણીથી તરબોળ રચના
લખાઈ ગઈ......અને જોગાનુજોગ તો જુઓ.. અમારી વહાલસોઇ દીકરીને સંબોધીને રચેલી આ ગઝલ
મારા બ્લોગ ઉપર ૫૦૦ મી રચના છે........જે આજ મારી દીકરીને અર્પણ કરૂં છું.........
( અરે યાર ૫૦૦ કવિતા સુધી તમે કોઈ પણ બોલ્યાએ નહીં.. અને મને સહન જ કર્યા ક્ર્યો..? તમારી ધીરજને
પણ ૫૦૦ સલામ.....)
ચાલો આ રચના વાંચીને તમે પણ તમારી લાડકવાયીને
બે ઘડી પ્રેમથી યાદ કરી લેશો એટલે બંદાની મહેનત સાર્થક...!!!
મારી એક ડાળીને ફુટી છે પાંખો
જોતી રહી ઝળઝળતી બન્નેની આંખો
પાંચીકે રમતી’તી આંગણીયે ત્યાંતો
વ્હાલપનો દરિયો કોઈ લુંટી ગ્યો આખો
માવડીયે સીંચી છે પિયરીએ એવી
સાસરીયે પડશે ના જન્મારો ઝાંખો
ટોડલીએ ચિતર્યા મોરલીયાને કહી દો
યાદોનાં ટહુકાને સંભાળી રાખો
હરખાતી મોલાતે આંસુડા છાંટું
પરભુજી કેવી આ અવઢવમાં નાખો

ડો. નાણાવટી

6.2.11

સપના મેં વાવ્યા ને ઉગ્યા ઉજાગરા
પાંપણથી ઉચકે ના આંસુના કાંગરા

બિચ્ચારા આગીયાઓ ભેળા તો થાય પણ
અંતે તો અંધારે કરવા ધજાગરા

ઈચ્છાના દ્વારોને દોડવાની ઘેલછા
કિંતુ જો જકડે આ મનના મિજાગરા

સાકીની મૈયતમાં પિરસો જો જામને
રિંદોને કબરસ્તાં દેખાશે આગરા

ટેકો જ્યાં લેવાને લંબાવ્યો હાથ ત્યાં
મુકી ગ્યા સમશાને, ભારે કહ્યાગરા...!!!
સજા તેં જીવનની દીધી જ્યારની
હું ચક્કી પિસું શ્વાસની, ત્યારની

પડી દોસ્તોના શહેરમાં જુઓ
તડાપીટ ખંજર ખરીદનારની

સમયના પડીકે ઉતાવળ દીધી
પડી ના સમજ અમને વ્યવહારની

અસર મૌન કરતું હદે કેટલી
કહી કાનમાં વાત ચકચારની

દવા ને દુઆના સતત જંગમાં
કફોડી દશા, હાય બિમારની

1.2.11

સમયને કાફલે, ભુલી પડેલી ક્ષણ સમો
ચરણ રજ આપની બનવા તલસતા કણ સમો
.
હતો ના ઠોસ કે નક્કર હકિકત હું કદી
બધેથી સાંભળેલી વાતના તારણ સમો
.
અરિસાની અદાલતમાં ઉભો હું એ રીતે
પૂછાયા હર સવાલોના કોઈ કારણ સમો
.
નથી શમણું, નિશા ઘનઘોર કે નીંદર અમે
ઉજાગર આંખની પાંપણ ઉપર ભારણ સમો
.
કબર નહોતી, હતી આ બાણશય્યા, પર સુતો
પળાયું જે નથી એવા અધુરા પ્રણ સમો