29.4.10

હવે હાથમાં ઝાંઝવાના દિસે જળ
નથી કોઈ રેખા, ન રંગીન છે પળ
.
તમન્ના નથી કોઈ સંબોધનોની
હસી દો જરા, તોયે દિલને વળે કળ
.
નર્યા દંભ પહેરી, ઉભો આયને તું
જુઓ આજ છે આમને સામને છળ
.
સિકંદર થવાની ઘણી હોંશ કિંતુ
થયો હું મુક્કદ્દરથી બદનામ કેવળ
.
ભલે "રામ બોલો" રમે સૌની જીભે
ખરેખર તો મનમાં હતું કે, હવે ટળ

સુર્ય પુજા


આ રાત ભલે રઢિયાળી પણ બહુ અડવું અડવું લાગે છે
એક સોનલ વર્ણા સાથ વગર બહુ અડવું અડવું લાગે છે
પરભાતે રાતો હેત ભર્યો
સંધ્યાએ ભીનો પ્રેમ કર્યો
સાથે એની ઉગીએ ઢળીએ
દિ’ આખો જેની આંગળીએ
મને હુંફળા એ હાથ વગર બહુ અડવું અડવું લાગે છે

દુનિયાને ચીંધે રોજ દિશા
આઘી રાખે ઘનઘોર નિશા
છે રોમ રોમ ને દલડામાં
જાગું કે જોઉં સપનામા
હવે અજવાળા સંગાથ વગર બહુ અડવું અડવું લાગે છે
પુજા અર્ચન મેં ખુબ કીધાં
તહેવારે, વારે દાન દીધાં
દ્વાદશ ચિર્યાશી ધામ ફર્યા
દુ:ખડાં નવ કોઈ તોય હર્યાં
નર નારાયણના નાથ વગર બહુ અડવું અડવું લાગે છે

28.4.10

અરીસો આપનો થઈ, જો મને સામે ધરૂં
તમારાં સમ, તમારી હર અદા જોયા કરૂં
નગર આખામાં અફવા છે તમે મારાં થયા
મને પણ થાય છે કે ખોજ તારી આદરૂં
ભલે માન્યુ કે રસ્તો સાવ ખરબચડો હતો
તમારા ઘર સુધી હું રોજ આંખો પાથરૂં
ગણો તો બંદગી, ને આમ મજબુરી હતી
જવા હું મૈકદે, તારી મસીદો ચાતરૂં
કબરમાં, ઘર અમારાથી, કશું નવતર નથી
દિવાલો ચાર, ને ઉપર તુટેલું છાપરૂં
તમારા લખેલ
પત્ર પર
આજે એક
પતંગિયુ ઉડતું
આવીને બેસી ગયું.....
શાયદ,
તમારાં અલંકારીક
શબ્દોને પુષ્પનો
પમરાટ સમજીને.....
અથવાતો
કદાચ,
મારી આંખમાંથી
ટપકેલ અશ્રુને
સળગતી શમ્મા
માનીને....
આજ અકારણ ગણગણવું છે
મોર ટહુકે થનગનવું છે

પાંખ વિચારોની પ્રસરાવી
દુર ગગનમાં ફડફડવું છે

એક કદમ આગળ ચાલીને
કંઈક ધરા પર ધણધણવું છે

થાવ તમે જો આંગળીઓ, તો
તાર બનીને ઝણઝણવું છે

રાસ થકી તલ્લીન બનીને
હાથ અમારે બળબળવું છે

27.4.10

માર્ગનાં પથ્થરને શું પુછ્યા કરો
એ બિચારાની મૂડી છે ઠોકરો
.
ના સહન થાતો હવે હું આયને
આપણો શું આપણાને ખરખરો
.
ખુબ શમણાં બાગનાં આવ્યાં હશે
શ્વાસમાં મહેકે હજુયે મોગરો
.
મૈકદે મળશે સકુને યાર, સૌ
મસ્જિદો સામે ભલેને કરગરો
.
ક્યાં સુધી નભવું હવે આ શ્વાસ પર
કોઈ તો ચીલો નવો કંઈ ચાતરો

26.4.10

જામમાં પીંછી જરા તો બોળ તું
જો પછી રંગોની છાકમછોળ તું
તો જ તું ઉજાગરો વેઠી શકે
પાંપણોને જો સતત ઢંઢોળ તું
છો સુકાતી શાહી, પણ કિત્તો સદા
રાખ એની યાદથી તરબોળ તું
મીટ માંડી ને બધાં બેઠાં હતાં
થાય રે ક્યારે વરસની સોળ તું
લાગણી જ્યાં હોય છે ચારે ખુણે
ચોકમાં ચાદર બિછાવે ગોળ તું..!!

24.4.10

એક પણ પાના વિનાની ચોપડી તમને મળી છે ?
જીંદગી મારી હતી એ બાપડી, તમને મળી છે ?
સોણલાં, અરમાન ને ઇચ્છા બધી પુરી થવાના
ખ્વાબમાં ખરડાઇ’તી જે આંખડી, તમને મળી છે ?
એમના એક વેણથી ભાંગી પડેલા મુજ હ્રદયની
સાવ ઝીણી પણ કરચ ના સાંપડી, તમને મળી છે ?
વાંસળીમાં પ્રેમની, શબ્દો અમે ફુંકી દીધાં પણ
ના સુઝે બીજી હવે એની કડી, તમને મળી છે ?
પ્રાત:, ગિરીનારી હવામાં આજ પણ જે ખટખટે છે
કુંડ દામોદર જતાં એ ચાખડી, તમને મળી છે ?
"છે અમારૂં આ બધું, પેલું, પણે મારૂં બધું છે"
નામ પોતાનું લખેલી ઠાઠડી, તમને મળી છે ?

23.4.10

પર્વતને નાથવા કદી રસ્તા થવું પડે
સીધા કે સર્પકાર શિરસ્તા થવું પડે
મતલબને પામવાને કોઈ ખાસ વાતના
જીવનમાં ક્યાંક દોસ્ત, અમસ્તાં થવું પડે
વ્યવહાર લાગણીના પરસ્પર નિભાવવા
મોંઘા મટીને સહેજ તો સસ્તા થવું પડે
પુષ્પો, પતંગિયા, ભ્રમર ને વાયરા તણા
સંબંધ મોલવાને ગુલિસ્તાં થવું પડે
દિલની કિતાબ વાંચવાં લૈલા કે હીરની
અલ્લા નહીં , ખુદાએ ફરિસ્તા થવું પડે
શેર-એ-I P L
લારીની ખારી શીંગ, તને કંઈ ખબર નથી
કેસરની ટીમમા જવા પિસ્તા થવું પડે...!!!

21.4.10


અંગત અમારૂં સર્વ સરેઆમ થઈ ગયું
મુશ્કીલ, તમારૂં સાવ સરળ કામ થઈ ગયું

ચોખટ ઉપર તમારી જરા શ્વાસ શું લીધો
બદનામ, તોયે આપણું તો નામ થઈ ગયું

સુનકાર તારૂં ઘર હજુયે યાદ છે મને
ને આસપાસ આજ હવે ગામ થઈ ગયું

પીવાની બાબતે જરા ઉદાર હું ખરો
ચાખ્યા પછી તો બે હિસો-બેફામ થઈ ગયું

ચારે ખભાનુ દોસ્ત કરજદાર મન રહે
દર દર ભટકતું રોજ, ઠરી ઠામ થઈ ગયું

20.4.10

"પ્રસંગ"

ગઝલને આંગણે શબ્દો વરે છે
રદીફ ને કાફીઆ ફેરા ફરે છે

પ્રથમ, શરણાઈયુ મત્લા વગાડે
પછી વસમી વિદા મક્તા કરે છે

લગાગા ગાલગાને શામિયાણે
વિવિધ અશઆરની વાની ધરે છે

વડીલોની જગ્યાએ મહેફિલે સૌ
મરીઝ, ગાલિબ, ને ઘાયલને સ્મરે છે

તમારી વાહ વાહી થી ભર્યો એ
હજુ માહોલ અમને સાંભરે છે

17.4.10

બારણુ ખોલું ને રસ્તા ધસમસે
ને પછી આખું નગર ઘરમાં વસે

પ્રેમમાં પણ કેટલી સોદાગરી..?
’હાસ્ય’ને કાપ્યા પછી, થોડું ’હસે’..!!

સાવ શતરંજી બની ગઈ છે ફરજ
શેહ આપો તો જ એ ડગલું ખસે

કાફીઆ, બુઠ્ઠી કલમ, થોડાં રદીફ
છંદ બે ત્રણ, બસ મળ્યાં છે વારસે

સહેજ અજવાળી, ને ધીમી ધારથી
કેટલા પીધાં તિમિર, આ ફાનસે

16.4.10

આટલુંયે યાદ આવ્યા ના કરો
કે રગે રગ શૂળ થઈને પાંગરો

એક તો ભીનાશ, ને તારી હવા
આંખમાં વાવી દીધો ઉજાગરો

સાત પેઢી દુરનાં પાયા અમે
ઓળખે ક્યાંથી બિચારો કાંગરો

મેં જરા પુછ્યું, કે બીજો ક્યાં મળે
એટલામાં એ ખુદા, કાં થરથરો.?

એક પંખી મોત નામે ફાંસવાં
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો

કદી તો ખુલે બંધ બારી તમારી
સતત રાહમાં આંખ ખુલ્લી અમારી

સરે જીંદગાની, સહજ સોયમાંથી
નથી ગુંચ કોઈ, ન મેં ગાંઠ મારી

બડી બોલબાલા છે પ્રસ્તાવનાની
અને વારતા થોથવાતી બિચારી

ખબર કાઢવા ઘર સુધી છેક આવો
તો મંજુર છે આવી સો સો બિમારી

નયન બેય કાતિલ, અદા "માર ડાલે"
મદિરા, શમા, કેટલી છે કટારી..?

અરિસામાં ભાળ્યો જે જાણીતો ચહેરો
સફેદીની પાછળ હતી જાત મારી

14.4.10

કૃષ્ણ ગીત
.
આજ હજી જળ-થળ, પનઘટનાં
યાદ કરે રાધાની ઘટના
ધન્ય હજો જીવન એ વ્રજના
બાલ સખા, ગોપી, નટખટના
એક ભરી તાંદુલની મુઠ્ઠી
કામ કર્યાં શ્યામે કેવટનાં
ખેલ દડા-ગેડીના નામે
નાગ હર્યા કાલિ ઝંઝટનાં
રાસ રમાડ્યા, કર બાળીને
શામળીયા સાથે રમઝટનાં
વાંસ મહીં વહાલાની ફુંકે
નાદ ઉઠે, ધા ધા ધીરકીટ નાં
ચીર પુરે મધદરિયે માધવ
પુર શમે સઘળાં સંકટનાં
નાથ ઉંચક અમને આંગળીએ
થાય દરસ મન મોર મુકુટનાં
બાઈ કહે મીરાં, મેવાડા
પીત કટોરા રોજ કપટનાં

13.4.10

આપની, સિતાર પરની સુર ક્રીડા
આંગળીને ટેરવાઓની પીડા
ક્યાં હવે એ વૃક્ષ, ડાળી ને ઘટા
ચાંચમાં માળો વસાવે પંખીડાં
મુખવટો રાખ્યો લવિંગ જેવો ભલે
પાનનાં ભીતરથી નોખા છે બીડાં
કેટલી હદ ચાતરી ગઈ ફેશનો
મોર પણ ચિતરાવતો એના ઈંડા
એકડો તો આપ છો સહુનો, ખુદા
ને અમે સૌ પાછલા પડતર મીંડા
મોતને પાછું વળી જોવા તમે
ના કબરમાં રાખતાં એકે છીંડા

9.4.10

ગઝલની આંગળી ઝાલીને નીકળ્યો રાહ પર
ભરોસો ક્યાં સુધી રાખું હવે અલ્લાહ પર

શબદના અર્થની બાંધીને ગઠરી ક્યારનો
ઉભો છું આપ સૌની દાદના ચૌરાહ પર

પ્રણય, ને પ્રેમ, પ્રિતી છે વિષય જુના હવે
નિબંધો સૌ હવે લખતાં અમારી આહ પર

લખ્યું તેં "દોસ્ત ", મારી પીઠ પર ખંજર વડે
છતાંયે કેમ વારી જાઉં, તારી ચાહ પર.?

ખબર છે આપના ખભ્ભે જવાનું છે પછી
ઉપાડ્યો કાં મને સીધોજ બિસ્મિલ્લાહ પર

7.4.10

નદી પણ ક્યાં નદી જેવી રહી
સ્મરણનાં રણ વહે તેવી રહી

કસમ ખાધી હતી કાંઠા તણી
જુદાઈ એટલે સહેવી રહી

લગાવું ડૂબકી, ત્યાં તો બધાં
કિનારે પુછતાં, કેવી રહી..?

ચરણ બે બોળ, ગંગાને હવે
જરા વિશ્વાસમાં લેવી રહી

સમય દરિયાની માફક વહી જતો
નદી તો એવીને એવી રહી

6.4.10

એક સમયે
કોઈ ખાસ કામે હું
ઘટનાના શહેરમાં
જઈ ચડ્યો...
અંધાધૂંધી માર્ગ પર થઈ
તંગદિલી સોસાયટી પાસેથી
આંતક મોલ ગયો,
ત્યાંથી ડુંસકા નગરથી સીધો
તિરસ્કાર ચોક પસાર કરી
ભય ગલીની સામે વળી
દંગા સ્ટેશન પહોંચ્યો.....
અને પુછ્યું કે
’ઉકેલ’ ઉદ્યાન ક્યાં આવ્યું..?
લગભગ કોઈ પાસે
જવાબ નહોતો...
એક અતિ બુઝર્ગે
ધ્રુજતા હાથે આંગળી ચીંધી દૂર
એક ઉદ્યાન બતાવ્યું......
વેરાન, નિસ્તેજ,
ઉજ્જડ, સુકું ભઠ્ઠ,
અવાવરૂં, અને નધણિયાતા ઉદ્યાનમાં
આવેલી ગાંધી બાપુની
ધૂળ ખાતી મુર્તિ પાસે ઉભી
મેં પુછ્યું..
એ ન બોલ્યા...
મેં હાથ હલવ્યા...
તેણે ન જોયું...
મેં બુમો પાડી...
એણે ન સાંભળી...
અંતે હારી થાકીને
પાછો વળ્યો ત્યારે
ત્રણ વાંદરાં
મારી સામે
ચાળા કરી,
કિકિયારી પાડી,
ખડખડાટ હસતાં હતાં.....
ઘટનાનાં શહેરમાં....!!!

5.4.10

કાફલામા કોઈ પણ અંગત નથી
આપ છો, પણ આપની સંગત નથી
ઝાકળો, થઈ મહેનતાણું માંગતી
ફુલની બસ ત્યારથી રંગત નથી
હાથ ઝાલી હું કદી છોડું નહીં
હાથ ચાલાકી મને અવગત નથી
ભિક્ષુકો ને ભક્ત જુદા એ રીતે
મંદિરોમા એમની પંગત નથી
હું ધબકતા આભનું પંખી, મને
કબ્રનો માહોલ સુસંગત નથી

3.4.10

લોહીનુ એકાદ ટીપું જો ભળે
લાગણી લિખીતંગ સુધી ખળભળે

શબ્દ દેહે બેયને મળવું હતું
ને અભણનો આશરો અમને મળે

ચાલ જીવનની સદા લોલક સમી
આગમન સાથે ગમનને સાંકળે

જામ શું છે ચીજ અમને પુછમાં
ઘુંટ બે ઉતાર તું તારે ગળે

મસ્જીદોમાં ક્યાંય ના દેખું તને
હું નમાજો સાવ પઢતો અટકળે

એક સ્વ-છંદાસ
રચના

કાશ સમયને ઝોકું આવે,
હેલ શ્વાસની
જીવતરના આ
પનઘટ ઉપર
હળવેથી મુકીને તારી
ખળ ખળ વહેતી યાદ નદીમાં
ઘટનાનાં
બે પગ બોળીને
છબછબિયાં કરવા’તાં મારે.....

પણ હાય...

સમય કદી ના પોરો ખાતો,
શ્વાસ હેલને
માથે મુકી,
સંજોગોના નીર ભરીને
છલકાતી,
આછેરી યાદે
ભીંજાવાનો ડોળ કરીને,
ભવની કેડી
ઉપર ચાલું...
હચરક...ડચરક
હચરક...ડચરક
હચરક...ડચરક........

કાશ સમયને....

1.4.10


વસંતનો વરઘોડો

કંકુ ને અક્ષત ચોડાવો
તોરણીયા લીલા લટકાવો
રૂમઝુમ કરતો વસંતનો વરઘોડો આવ્યો

ઝાકળને દ્વારેથી પેઠો
ફાગણને ઘોડે એ બેઠો
મોર બપૈયા સાજ બજાવો
ટહુકાના ગાણા ગવરાવો
રૂમઝુમ કરતો વસંતનો વરઘોડો આવ્યો

કેસરીયા કેસુડે પોંખો
ગુલમહોરી દીસતો એ નોખો
કુમળા રે તડકા પથરાવો
ડોલરીયા મંડપ રોપાવો
રૂમઝુમ કરતો વસંતનો વરઘોડો આવ્યો

યૌવન આખું ઉમટ્યું જાને
મોજ, મજા, મસ્તી યજમાને
ૠતુઓની પ્યાલી છલકાવો
દસે દિશાઓ આજ ગજાવો
રૂમઝુમ કરતો વસંતનો વરઘોડો આવ્યો

બે મુક્તક

સમય છે હવે એ કસમ તોડવાનો
"કદીએ ન પીશું", એ ભુલી જવાનો
ખબર ક્યાં હતી કે આ રસ્તો છે સીધો
ખુદા સાથે અંગત રીતે જોડવાનો
****************************
જંગ મારો આયના સામે હતો
ધુંધળી સંભાવના સામે હતો
મૃગજળોના જામ સૌ પીધા કરે
એજ એની ભાવના સામે હતો