29.7.08

હથેળી હકીકતમાં ચોપાટ છે
નરી અટકળોની રઝળપાટ છે

સબંધોના શહેરોયે સૂના પડ્યાં
હરેક મોડ પર કોઈ કચવાટ છે

હવે મ્રુગજળોનાયે સોદા થતાં,
તરસ, છળ, હરણ, રણ માં રઘવાટ છે

તમારા વિરહમાં આ ટહુકા તો શું
ખર્યું પાન પણ એક ઘોંઘાટ છે

હવા કોણ દેતું ચિતાને સતત
તમારાજ શ્વાસોના સુસવાટ છે

23.7.08

આભમાં ભિનાશ જેવું છે કશુંક
આંખમાં વિષાદ જેવું છે કશુંક

ટોડલે ચિતરેલ ટહુકે મોરલા
ગામમાં વરસાદ જવું છે કશુંક

નાવ કાગળની અને ખાબોચીયા
બાળપણના સાદ જેવું છે કશુંક

એ નિતરતાં કેશ ને ભીનું બદન
જો , હજુ ઉન્માદ જેવું છે કશુંક

સાંભળી નેવા ટપકતાં થાય , કે
મૌનને સંવાદ જેવું છે કશુંક

હર્ષની હેલીઓ મુશળધાર છે
ઇશ્વરી સોગાદ જેવું છે કશુંક

10.7.08

જીંદગી ક્ષણમાંજ તાળી હાથમાં દઈ જાય છે
યાદના દરિયા પછી સોગાદમાં દઈ જાય છે

હૂંફ જે પામ્યા નથી આ આયખું આખું અમે
તે ઘડી ભરમાં, કોઈ સંગાથમાં દઈ જાય છે

સ્વપ્નના હરણાઓ દોડી ખ્વાઇશોના રણ મહી
ઝાંઝવાના જળ સમુ કંઈ આંખમાં દઈ જાય છે

શબ્દ, પોથી, ગ્રંથ ના ઉકલી શક્યા એ મર્મનો
અર્થ , મદિરા ઘુંટ બે, એક જામમાં દઈ જાય છે

જળ, જમુના, ગોપીઓ, ગોકુળ અને વ્રુંદાવનો
એક હળવી ફુંક એની વાંસમાં, દઈ જાય છે

પ્રશ્ન આખો જે જટિલ જીવન રૂપે પુછાય છે
મોત, ઉત્તર સાવ સીધો રાખમાં દઈ જાય છે

5.7.08

ચાલ સપને ઝુલાવું તને
કોઈ આપે જો નીંદર મને

સેજ તારી સુંવાળી સદા
બેય ભીની આ પાંપણ બને

એક પૂનમ તણું આભમાં
રૂપ બીજું અમારી કને

હૂંફ એવી દઉં કે જલન
થાય પરીઓ તણા દેશને

ન મદિના ન મક્કા ગયો
સહેજ ચૂમી લીધા ઓષ્ટને

2.7.08


વરસતે વરસાદે

વરસે કેવો અનહદ અનહદ
સૌ પાર કરી સરહદ સરહદ
ઘન ઘોર થઈ
ઉમટે આંગણ
લીલો દરિયો
છલકે પ્રાંગણ
સૌ બાળ, બળુકા વડમાથા
નાચત મન મૂકી થૈ તાથા
યૌવન પલળે
નજરૂ નિતરે
કોઈ છાનગપત
કોઈ અળવીતરે
બીજું નભ થઈ, નેવાં ટપકે
જલ બિંદુ સમ દિવા ઝબકે
મન મોર શબદ
થઈ ટહુકંતા
ને ગઝલ રૂપે
એ થનગનતાં
પાકુ થઈ ગ્યું છે લગભગમાં
ઈશ્વર જેવું કૈં છે જગમાં


હાથ કોનો, ક્યાં કદી પુછાય છે
હર પ્રસંગે ખંજરો ચર્ચાય છે

આમતો પાષાણ છું, પણ પ્રેમમાં
એ મને પડઘો બની અફળાય છે

એમ ના મદિરા ગળે ઉતરે કદી
એ ગળાના સમ થકી પીવાય છે

વેદ, ગીતા ને કુંરાં ટૂંકા પડે
ત્યાં પછી મારી ગઝલ વંચાય છે

ના જશો આ કબ્રનાં દેખાવ પર
જીંદગી આખી અહીં સચવાય છે

1.7.08


વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો

ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો

આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો

થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો

આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો