વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો
ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો
આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો
થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો
આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો
1.7.08
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ડો.જગદીશભાઈ !
પ્રથમ વખત જ મળીએ છીએ આપણે.....
પ્રસ્તુત ગઝલ મને ખૂબ જ ગમી....-જે શબ્દચિત્ર વણાયું છે એમાં,ક્ઠણકાળજાને પણ
કૂણું કરી પાપણથી પ્રવાહિત કરી શકે એવું લાગણીતત્વ વણાયેલું મેં અનુભવ્યું......
સર !
લયસ્તરો પર જે ગઝલ વાંચીને દિવસ સુધરી ગયો,એ -ડો.મહેશ રાવલ ના નમસ્કાર..!
જગદીશભાઈ,
નમસ્તે.
તમારી કલમથી પરીચય થયો પછી તમારી બહુમુખી પ્રતિભા વિશે સાઈટ પરથી જાણ્યું. તમારા સુંદર સર્જનોની પાછળ એક બહુરંગી વ્યક્તિત્વ છૂપાયું છે એની બહુ ઓછાને જાણ હશે. તમારી આ કૃતિ પરવાનગી વગર જ મેં મારા બ્લોગ http://www.mitixa.com પર મૂકી હતી. આજે આપની જ અન્ય કૃતિ મૂકવા જઈ રહ્યો છું. માનું છું આપની રચના અમારા વાચકોને ગમશે. સાથે તમને પણ તમારી રચનાઓ બહોળા વાચકો સુધી પહોંચતી જોઈને આનંદ થશે. શબ્દના માધ્યમથી મળતા રહીશું. આવજો.
- દક્ષેશ
Post a Comment