27.11.10

અમથે અમથું સાવ લગોલગ ક્યાં લગ ચાલું
ઘટનાની ઠોકર વાગે તો હમણા ઝાલું

મોટાપાનો ઉંબર આવે શેરી આડો
બચપણ ત્યારે યાદ ખરેખર આવે સાલું

ટકરાવીને એક બીજાથી જામ ભરેલા
હસતાં સહુએ અરસ પરસ, પણ ખાલે ખાલુ

સઝદા હો કે સાકી ચાહું સરખા દિલથી
ઈશ્વરને ક્યાં હોતું કંઈએ દવલું વ્હાલું

અંધારે, અણધારે જીવતર આવ્યું આરે
ચાલો આજે ઝળહળતાં અજવાળે મહાલું

25.11.10

રણ નગર, મૃગજળ ગલી
આટલી ઓળખ ભલી

એક શમણે ટળવળું
રાત આખી પાછલી

કેટલા દરિયા વહ્યા
આંખ બે જ્યારે છલી

પ્રાણ વાયુ છે છતાં
સૌ ફફડતી માછલી

છે શિલાલેખો બધાં
ગાલ પરની કરચલી

લાશ ક્યાં બોલે કદી
જે હરી, કે યા અલી

24.11.10

આપણી માટે જે અત્તર દાન છે
પુષ્પના સ્વજનોનુ કબ્રસ્તાન છે

આપનો પાલવ સર્યોતો મહેફીલે
દ્ર્યષ્ય એ સહદેવ વાળું ગ્યાન છે

લાખ ચાહે આપણો પડઘો છતાં
એમનુ સામે કદી ક્યાં સ્થાન છે

પાડ માનો જીભની સમશેરને
મૌન જેવું સભ્યતાનું મ્યાન છે

અર્ધ્ય મારી જાતનું હોમ્યા પછી
આજથી હોવું એ અંતરધ્યાન છે

15.11.10

શકુની ની માફક ન પાસા રમાડો
ઉઘાડો ધડાધડ હ્રદયનાં કમાડો

ગઝલ કેડીએ ચાલતો હું અવિરત
અમારે ન મંઝિલ, ન કોઈ સિમાડો

સફળતા નો હકદાર કાયમ છે શત્રુ
ભલે હોય અણગમતો તોયે ગમાડો

નઠારા સમયને ગણીને સુદામો
કરી યાદ સોનાને થાળે જમાડો

પ્રથમ ડગ તો અમથુંયે હોતું કબરમાં
વિધિવત હવે આજ બીજુયે માંડો

12.11.10

ભ્રષ્ટ નેતાઓથી, ત્રસ્ત જનતાનો
સ્પષ્ટ નાદ........


આજ મારા દેશને એકાદ ગાંધી જોઈએ
ભ્રષ્ટ નેતા ડામવાને લોક આંધી જોઇએ

લાખ હો કે હો કરોડો, ભુખ અબજોની રહે
પેટ પણ નાનુ પડે, એમાય કાંધી જોઇએ

સંત, દેવી , દેવતાના આચરણ ભેગા કરી
એમને ખાવા મદિરા પાક રાંધી જોઇએ

નફ્ફટાઇ પણ હવે ફાટી પડી છે હર ખૂણે
નેક નામે સોયથી થોડીક સાંધી જોઇએ

છે વિધાતા એક માત્ર આપણી આશા હવે
રાખડી એનીયે ચાલો આજ બાંધી જોઇએ

11.11.10

એક સન્નાટો બધે વ્યાપી ગયો
શબ્દ સઘળું મૌનને આપી ગયો

યાદને રણ, ખ્યાલ સુધ્ધા આપનો
કેટલી ૠતુઓને ઉપસાવી ગયો

બંદગીનો સાવ ખોટો રૂપિયો
બાખુદા વ્યવહારમાં ચાલી ગયો

જીંદગી શું ચીજ છે તારા વિના
એક ખાલી જામ સમજાવી ગયો

રે અભરખો સૂર્ય થાવાનો સતત
આગીયામાં આગને ચાંપી ગયો

શ્વાસને જે પારણાં ઝુલાવતાં
રેશમી એ ડોર તું કાપી ગયો

આજ અસ્થિ આપણા સંબંધના

આજ અસ્થિ આપણા સંબંધના
મેં જ પધરાવ્યા ૠણાનુબંધના

ઠાવકું મહોરું અમે પહેરી લીધું
શબ્દ પણ ખુટ્યા હતાં આક્રંદના

લાગણીના તાતણે ગુંથેલ સૌ
દોરડાં છુટી ગયા પાબંદનાં

ગા લગાગા ગા લ ગા જેના હતાં
અક્ષરો વિલાઈ ગ્યા એ છંદનાં

જન્મ લીધો’તો ઊછીનો તે હવે
ચોપડે થઈ ગ્યો જમા અરિહંતનાં

8.11.10


જે અમે ન બોલીએ બસ એ તમે બોલી ગયા
કહી દીધું "જય હિંદ" ને દિલ કેટલા ચોરી ગયા

આમ તો અગડમ અને બગડમ બધું જાતું હતું
શબ્દ થોડા સાંભળી હિંદી, બધાં ડોલી ગયા

લઈ ગયા કે દઈ ગયા શું, એજ સમજાતું નથી
કેવડો પ્રશ્નાર્થ એ મોટો બધો છોડી ગયા

માડ આડોશી અને પાડોશમાં શાંતી હતી
એ ઝગડવાને ફરીથી દ્વાર સહુ ખોલી ગયા..!!

સરભરામાં મસ્ત સઘળા એટલું ભુલી ગયા
ત્રણ દિ’માં દેશ આખાનું જમણ ઓરી ગયા

6.11.10

ઓબામા

ધન્ય થજો, આવી ગયા ઓબામા
પાવલી બે નાખવાને ખોબામા

કેવો કળિયુગ ઘોર આવ્યો છે
કાનો આવ્યો, ને દોડે સુદામા..!!

એવી તે ભિતી શું ભાળી ગ્યા
પાડોશી કરતા’તાં ઉધામા

એક સો જનમ લેવા પડશે રે
નાખવાને પગ એના જોડામાં

ખોલી દુકાન અમે ધોકામાં
રાખવા આ માલને ઘરોબામાં

ગરજે મા-બાપ એને કહી દેજો
ખપશું નહીંતર બધાયે ડોબામાં

વાત કરૂં એના જો ખરચાની
આંતક પડ્યો’તો ઘણો ઓછામા


5.11.10

ગત વર્ષ (૨૦૬૬)નું

ગાણું....


ધડાક દઈને ડેલી વાસો, બહાર ઉભો હું ડોસો
મોર પિચ્છ મારૂં કાઢીને મુગટ નવાએ ખોસો..!!
અમને મારી દીધો ઠોસો ??!!

કેટ કેટલી વ્યથા અમોએ તારી સાથે બાંટી
જલસા પાણી તારા ખાતે, દ્રાક્ષ અમોને ખાટી..!!
તોયે અવળી મારી આંટી..??

કાળા ધોળા કંઈક કર્યા તેં, ઢાંક પિછોડો કરવો
છબછબીયા દેખાડી સહુને, અંદર દરિયો તરવો..!!
કેવો વેશ તમારો વરવો...??

મારામાંથી ધડો લઈને નવી વાનગી રાંધો
સંબંધોની સોઈ થકી વણસેલા રીશ્તા સાંધો
એવી ગાંઠ જીવનમાં બાંધો
તમને કોઈ પછી ના વાંધો

દઈ દ્યો આજ અમોને કાંધો
દઈ દ્યો આજ અમોને કાંધો....!!!


હાથ રાખો હુંફનો આડો જરી
સ્નેહ ને સબંધનો દિવો કરી

આગીયાને નામ કાગળ નાખજો
બંધ પરબિડીયે તમસ થોડું ભરી

શબ્દને વનવાસ, ભિક્ષા આપવા
મૌનની રેખા કદી ના આંતરી

વાટ જોતાં આપની અંતે જુઓ
આજ ડેલીએ પ્રતિક્ષા કરગરી

સર્વનાં આંસુ હતાં મૃગજળ સમા
છેવટે થાકી, ચિતા મારી ઠરી

4.11.10

નજર નાખી, હથેળી જોઈ તો લે
કદાચિત કોઈ રેખા કંઈક બોલે

ખુદા નાકામીઓ તારી ઉજવવા
બિચારો માનવી બોતલને ખોલે

કવિથી સહેજ છે નોખો વિવેચક
લખ્યા કરતાં અણિ ઝાઝી એ છોલે

વિદાયે, બાપના ડૂંસકા દબાવી
કરી નાખી’તી અનહદ આજ ઢોલે

જમા પાસું કબરનું એટલું છે
ન આડોશી કે પાડોશી ટટોલે

3.11.10

એક સરખી પગ તળે સહુના, ફરસ
અન્યને પીવડાવ તું, મુકી તરસ
કાશ એનુ નામ છે, નવલું વરસ

સ્વાર્થનું છોડી અહંકારી તમસ
દેશને ગણજો હવે ખુદની જણસ
કાશ એનુ નામ છે, નવલું વરસ

સાવ અંધાધૂંધમાં આંખો બળે
શ્વાસ જો બે શિસ્તના લેવા મળે
કાશ એનુ નામ છે, નવલું વરસ

વૃક્ષનુ છેદન કરે જે માનવી
એજ હાથે કૂંપળો ફુટે નવી
કાશ એનુ નામ છે, નવલું વરસ

એકઠા આ ભ્રષ્ટ નેતાઓ કરી
દ્યો સજા ભેગા મળી સહુ આકરી
કાશ એનુ નામ છે, નવલું વરસ

બંધ આંખે ક્યાં સુધી આ પાલવે ?
સહેજ ખુલ્લી આંખથી જીવજો હવે
કાશ એનુ નામ છે, નવલું વરસ

2.11.10

દિવડાના મોલ ઉગ્યા આંગણે
લોક હરખી આજ ખુશહાલી લણે

રંગ જીવતરના બધાં ચપટી ભરી
પાથરી દીધાં ઉમંગે બારણે

ચોતરફ જલસા, મજાની ભીડમાં
એકલુ માતમ પણે માથું ખણે

ઝળહળે આકાશ, જાણે ઇશ્વરે
દ્વાર પર ટાંગ્યા તિખારા તોરણે

છે ચડાઈ અન્નની મિઠાશની
મન તણી કડવાશ ઉપર હર ક્ષણે

રામ તો આવ્યા અયોધ્યા, પણ હવે
દિલ મહી ક્યારે ધરીશું આપણે

1.11.10

ચાલ કદી તો મળીએ અમથું કારણ વગર
આજ સુધીનુ ભુલવા સૌ, સંભારણ વગર

ભેદ મૌનનો ગહન પામવા ચુંબન ધરી
હોઠ ફરીથી અલગ પડ્યા કોઈ તારણ વગર

રોજ બરોજી વિપદાઓની ખળ ખળ નદી
શિર ઉપર મારા વહેતી અવતારણ વગર

રંગ ભર્યો ઠાંસી ઠાંસીને પાંખે, તોયે
ફુલ ઉચકતું પતંગીયાઓ ભારણ વગર

જીવ કદાચિત જોઈ ગયો આકાશી મૃગજળ
ફાળ ભરી મૃગલાની માફક મેં રણ વગર