3.11.10

એક સરખી પગ તળે સહુના, ફરસ
અન્યને પીવડાવ તું, મુકી તરસ
કાશ એનુ નામ છે, નવલું વરસ

સ્વાર્થનું છોડી અહંકારી તમસ
દેશને ગણજો હવે ખુદની જણસ
કાશ એનુ નામ છે, નવલું વરસ

સાવ અંધાધૂંધમાં આંખો બળે
શ્વાસ જો બે શિસ્તના લેવા મળે
કાશ એનુ નામ છે, નવલું વરસ

વૃક્ષનુ છેદન કરે જે માનવી
એજ હાથે કૂંપળો ફુટે નવી
કાશ એનુ નામ છે, નવલું વરસ

એકઠા આ ભ્રષ્ટ નેતાઓ કરી
દ્યો સજા ભેગા મળી સહુ આકરી
કાશ એનુ નામ છે, નવલું વરસ

બંધ આંખે ક્યાં સુધી આ પાલવે ?
સહેજ ખુલ્લી આંખથી જીવજો હવે
કાશ એનુ નામ છે, નવલું વરસ

No comments: