24.5.09

તડકો અમારો શ્વાસ છે, ઉચ્છવાસ રાત છે
શબ્દો વહે છે લોહીમાં, એવી આ જાત છે
.
શમણાંમાં તમે આવશો એવા ઉચાટમાં
ખુલ્લી રહેલી આંખની પાંપણ બિછાત છે
.
કિસ્સા વિનાના શહેરની સુની સવારમાં
મલકી ઉઠો જો આપ, એય વારદાત છે
.
સરનામુ ખત ઉપર લખ્યું ભાષામાં પ્રેમની
ઉકલી શક્યું ના, ગામ એટલું પછાત છે ?
.
જન્મ્યાથી છેક મોત સુધીના ચિતારમાં
વચ્ચે મળ્યાંતા આપણે, એ આડ વાત છે

22.5.09


હાથની રેખાના વળ ખુલતા હશે
રાહમાં એનીજ સહુ જીવતાં હશે
.
ભોળપણ ને બાળપણ બન્ને હજુ
ઉંબરા પાસેજ ટળવળતાં હશે
.
છન્ન પાયલ, ને સુરાના છમ્મથી
કેટલાના કાળજા ઠરતાં હશે
.
મૈકદામાં ક્યાં કદી આવે ખુદા
બેઉ જોકે પ્રાસમાં મળતા હશે
.
બોધ પરવાના ઉપરથી લઈ બધાં
મોતની શમ્મા ઉપર જલતા હશે

19.5.09

હા...પસ્તાવો વિપુલ ઝરણું.....
.
ધાર્યું કશું, શું થઈ ગયું
નેતા થવું’તું, રહી ગયું
.
ઉંઘે ભલે સરકાર, પણ
સુતું નથી જન, કહી ગયું
.
બે ધાર છે વાણી તણી
સંદેશ એવો દઈ ગયું
.
જેને મળ્યું, જે જે મળ્યું
તે ફાંટ બાંધી લઈ ગયું
.
જે પાંચ વરસે લાંગરે
એ વ્હાણ પાછું વહી ગયું
.જાગો અરધ લોકો હવે
આ દુધ જો, થઈ દહીં ગયું

18.5.09

ટોડલા, તોરણ અને ડેલી હવે
વારતામાં કેદ થઈને ધુંધવે
.
સૌ વ્યથા નદીઓ ત્ણી અંતે પછી
સાગરે મોજા બનીને ઘુઘવે
.
એક ના પડઘો પડ્યો બોલાશનો
મૌન છે ભાષા અમારી, સુચવે
.
કોણ છું, કોના થકી ને ક્યાં સુધી
કેટલા અમને સવાલો મુંઝવે
.
મોત સૌના હાથમાંથી જીંદગી
એક યા બીજા બહાને ખુંચવે

16.5.09


ચાલો ’ગઝલ’ ને ગઝલમાં ’માણીએ’
.

સવારી શબ્દની કરીએ
ગઝલને ગામ વિહરીએ
.

ઉતારો કોકદિ’ મત્લા
કદી મક્તા સુધી જઈએ
.

નહીં છાલક અછંદાસી
ધૂબાકા છંદમાં દઈએ
'

લયોને સૂરમાં ઢાળી
સૂરાલયની મઝા લઈએ
.

તમે દાદે ખુદા મારા
અદબથી આપને નમીએ
.

લડીને પ્રાસને પાદર
સ્મરણના પાળીયા થઈએ
.

પુન: લેવા જનમ ચાલો
ગઝલ બીજી હવે લખીએ

12.5.09


ઠેસ વાગી સહેજ દિલ પર, શબ્દનો ખડીયો તુટ્યો
ને કલમ બોળી ગઝલનો મેં પ્રથમ કક્કો ઘુંટ્યો

.

એક પરપોટો ઝઝુમ્યો આંધીઓમાં, તટ સુધી
ને બિચારો છીપનાં ચુંબનથી પરબારો ફુટ્યો
.

શું કરું, બેબસ મિનારો હું હતો મસ્જિદ તણો
મેં ચરણ સહુના લથડતાં જોઈને લહાવો લુંટ્યો

.

હમસફર એકેય ના મળતાં, ફ્કીરી પંથમાં
ને અમીરી ચાલમાં ટોળા વળ્યા, રસ્તો ખુટ્યો
.

જીંદગીથી છુટવાનાં નામમાં શામિલ ન કર
હું કહું કે શ્વાસ નામે હંસલો મારો છુટ્યો

11.5.09


વેદ ગીતા ને કુરાં જગમાં ભલે વંચાય છે
એક તારા ખંજને અમને બધું સમજાય છે

.

કેટલા ફાંટા મહી રસ્તો સુઝાડ્યો તેં, અને
છેક પહોંચી મંઝિલે પગલાં હવે ફંટાય છે
.

ના હવે ઘર ખોરડું, પાદર અને ભેરુ હતાં
યાદ જુની શ્વાન થઈને ગામમાં અટવાય છે

.

ક્યાં હતી શ્રધ્ધા તણી બારી કોઈ દિવાલમાં
બાંગ તારી એટલે પડઘો બની અફળાય છે
.

એ ખુદા તારી કૃપા મારા ઉપર ભરપુર છે
જેમ હું પીતો ગયો, ખાલી પણું છલકાય છે

6.5.09

સ્વર થકી પહોંચી શકું ઈશ્વર સુધી
દેહ લઈ અક્ષર તણો નશ્વર સુધી

પીઠ પર પસવારતા એ હાથને
પહોંચવું અઘરું નથી ખંજર સુધી

કુંડમાં ગુલમહોરના સંધ્યા કુદી
ને જુઓ છાંટા ઉડ્યા અંબર સુધી

મૌન બીજું કંઈ નથી, રસ્તો હતો
ચૂમવાનો, હોઠ બે તત્પર સુધી

સ્પર્શવા એ ટોપલાને યત્ન કર
જળ જમુનાના હજુ કમ્મર સુધી

4.5.09


રસ્તો થવું ગમે છે મને ભીડની તળે
મંઝિલ બનું તો લોક ફકત એક બે મળે

છળના અફાટ રણમાં પિગળતો આ આયનો
મૃગજળ થઈને આજ ફરીથી મને છળે

વાતો તણો સબંધ હવે ક્યાં રહ્યો છતાં
અફવા જરાક અમથી બધાં કાન સાંકળે

પીળા કરમ કરીને બધાં પાંદડાં ખરે
લીલું મઝાનું પૂણ્ય ઉગે એક કૂંપળે

તુલસી નહીં, ન જળ કોઈ જીહવા ઉપર હશે
રમતું તમારું નામ સતત આખરી પળે