20.5.10

બે ગઝલ


શબ્દને બોળી મદિરામાં, પછી લલકાર તું
મેદની પણ લાગશે, જેવો હશે ચિક્કાર તું

આપણો પડછાયો પણ ના કામ લાગે આપણે
આવશે તારી જ સાથે એ, ભલે ધિક્કાર તું

કાફલો તો શ્વાસ છે, મંઝિલ અને રસ્તા તણો
ચાલતાં રાખી ચરણ, ધરતી સતત ધબકાર તું

ક્યાં હવે એ સ્વપ્ન કે અરમાન તારા ગ્યા પછી
આંખમાં ડોકાઈ જો, તો ભાળશે સુનકાર તું

ટૂંટીયા વાળ્યા સદા ને, હાથ બે લીધી જ્ગ્યા.?
કબ્રમાં પણ તેં કર્યું પુરવાર, છે મક્કાર તું..!!!

*******************************


જે હવા જઈ વાંસમાં, ટહુકો બને
મ્હોરતી રાધા બની વૃંદાવને

ગુલમહોરી ગામમાં ચીંધે ભલા
પાનખરનું કોણ સરનામુ તને ?

સુર્યના વારસ છીએ એવું કહી
આગિયા ધમરોળતાં મધરાતને

તું ભલેને ચોપડે કરતી જમા
હું ઉધારૂં આપણા સંજોગને

એજ રસ્તો આખરી, મળવા તને
આંખમાં થોડી જગા દે ખ્વાબને

No comments: