10.8.12

આજ થવા દે રાધા, બાકી છું જ સદા હું મીરાં
રાસ રમી લઉં, નહિંતર અમથા હોય ભલા મંજીરા

મોર મુકુટ, કે ચક્ર-આંગળી, વાંસલડી કે પિંછું
કાંઈ ન માંગુ નાથ, કરો નથના ઝગમગતા હીરા

લાગણીઓની વચ્ચે વહેતો તેજ પૂંજ ટોપલીએ
ઊર અમારાં ઉછળતાં ચૂમવાને થઈ અણધીરા

સહેજ અભરખો નથી મને પિતાંબર જરકસી જામા
પીડ સમે પૂર્યા જે વહાલે અવિરત, થઈશું લીરા

દોડ સખી ખુલ્લા પગલે ઉભી શેરીએ વ્રજની
ધૂળ ભરી લઈ ધન્ય કરૂં પગના તળિયાના ચીરા

રોજ વણુ કાવાદાવા, ને ચાખડીઓ પાખંડી
બે’ક હવે દેજો પળ, જીવવા નરસી, સંત કબીરા

7.8.12

વાદળો ઉતર્યા બધા, હડતાળ પર
માનવી આવી ગયો છે, ગાળ પર

"વાહનો", અ-વૃક્ષતા", ને "પાપ" સૌ
કેટલા લેબલ લગાવ્યા આળ પર

જે હતી, ફર્નીચરોમાં લુપ્ત થઈ
કોયલો ટહુકે હવે કઈ ડાળ પર..??

જંગલે કોંક્રીટ, ટિટોડી ઝુરતી
બાંધવો માળો રે ક્યા ક્યા માળ પર..!!

બહુ હવે દોડ્યા કર્યું, બિંદાસ થઈ
ચાલ, ચડવાનુ હવે છે ઢાળ પર....

’મેઘલી કાળી ઘટા’, કોરે મુકી
માંડજે લખવા ગઝલ દુષ્કાળ પર