21.6.08


શ્વાસ લીધા બાદનો ઉચ્છવાસ છું
શબ્દના દરબારમાં ઉપહાસ છું

રૂબરૂની વાત ક્યાં, હું એમના
સ્વપ્નમાથી જે લીધો, વનવાસ છું

લાગણીના શહેરની વચ્ચે છતાં
ના થયો જે કોઈને, અહેસાસ છું

છે ખબર અંજામ પરવાના તણો
તે છતાં, શમ્મા તણો સહેવાસ છું

અંધકારે જીંદગી જીવ્યા પછી
ભડભડે જે આખરી, અજવાસ છું

8.6.08


સબંધોને સુંવાળું નામ દઈ દે
સુખદ એને પછી અંજામ દઈ દે

ખખડતી ડેલિઓ ઉઘડે નહીં તો
ખુલેલી બારીએ પૈગામ દઈ દે

ભલે સાકી જગત હાંસી ઉડાવે
દરજ્જો, તું મને , બદનામ દઈ દે

પ્રથમ તો દોડવાની દે સજા તું
પછી મ્રુગજળ તણો ઈલ્ઝામ દઈ દે !!

સતત શ્વાસો થકી થાકી ગયો છું
ખુદા થોડો હવે આરામ દઈ દે