28.2.09


મુક્કદર ચીજ શું છે ક્યાં કદી જોયુ હથેળીમાં
કસી ને મુઠ્ઠીઓ દોડ્યો સદા જીવન પહેલીમાં

અહમના ઓડકારો સાંભળ્યા ઝાંપા સુધી તારા
અમે લાવ્યાતાં ચપટી પ્રેમના તાંદુલ પછેડીમાં

ગઝલ, સાકી, મદિરા, દાદની જાહોજહાલી ક્યાં ?
હવે સૌ ભૂત થઈને મ્હાલતા તારી હવેલીમાં

નહીંતર એક પ્યાલી લઈ જતી તારા સુધી અમને
કરું છું બંદગી આજે ખુદા એની અવેજીમાં

થયું છે જર્જરીત આ દેહ માફક ખોરડું મારું
છતાં તારો હજુયે સાદ જો, પડઘાય ડેલીમાં

27.2.09


સમજણને મે ઘોળી છે
સમજો તો બસ સમજી જાજો

ન સમજો તો..........होली...है...!!!

જ્યારે
કેસરીયા
મઘમઘતા
રંગે રંગાઈ
તમે
લેતા’તાં
ગુલમહોરી
છાંયડો......

ત્યારે
મન્ન મારું
ઘેલુ તે એવું,
કે પુછતુ’તું
બન્ને
વચ્ચે છે
ક્યાંય
આયનો......?!

24.2.09


ઓણુકી હોળી



ચૈન અમનમા જાત ઝબોળી
ખેલ પછી મનવા તું હોળી

પ્રેમ તણી પિચકારી લઈ લે
ફેંક, છરા, બંદુક ને ગોળી


આજ ભુલીને ટોળા દંગા
યાદ કરો બચપણની ટોળી

જામ નવેસરથી ભરવાને
ચાલ અમે નફરતને ઢોળી


રંગ દુ:ચારી ખૂબ લગાવ્યા
કાઢ હવે પીંછી તું ધોળી

કુંભ કરણને કોઈ જગાડો
આંખ અહંકારીની ચોળી

ગેર સમજની વિંધ માછલી
બેય ધરમના પલડે તોળી

જ્યોત જગાવીને સમજણની
સત્ય સનાતનને લે ખોળી

માંગ અમારી એકજ યારો
સ્નેહ થકી છલકાવો ઝોળી

18.2.09

ચટાકેદાર ચુંટણી

નર્યા આશ્વાસનોના હર દુકાને સેલ લાગ્યા છે
"વચન બે ફ્રી મળે છે, એક ઉપર" બોર્ડ ટાંગ્યા છે

અચાનક પૂર આવી , લાગણીના નીર છલકાશે
ભલે ફીટકારશો, ચહેરા સદા હસતાજ રાખ્યા છે

કરી લહાણી, મૃદુ વાણી થકી, લઈ જાય મત તાણી
પછી હું કોણ , ને તું કોણના રિશ્તા નિભાવ્યા છે

સમજતા નહી હવે કે બોર એંઠા રસ મધુરા છે
હવે શબરીએ સઘળી, બોર પહેલા ’રામ’ ચાખ્યાં છે

ધનુષી મેઘ છોડી, લાલ ને લીલે રમે હોળી
અસલમાં રંગ શૈતાની બધાનાં દિલમાં વ્યાપ્યાં છે

તમારે છોડવા પડશે આ કઠપુતળી તણા નાટક
કીશનની આંગળી માનીને આ, મા ભોમ સોંપ્યા છે

ન અંગુઠા, સમજદારીની સહુએ ચાંપ દાબી છે
જરૂરી હોય તો કરશું ડીલીટ, એ હાથ આપ્યા છે

16.2.09

હજુ ક્યાં એટલી ઝાઝી અસર છે
મદિરા કેટલી બાકી, ખબર છે

હશે નફરત તમારી સર બુલંદી
અમારી લાગણી પણ ધર કધર છે

ભરો હળવી તે કેવી સાવ ચૂમી
અમારા હોઠ સુધ્ધાં બે ખબર છે

નિ:સાસે એક ઉંડાથી અમારો

જીવન ફુગ્ગો સમજ ફુટ્યા ઉપર છે

નથી આઘો બહુ એ દિલ વિસામો
હવે બસ બે કદમ ઉપર કબર છે

10.2.09

મિત્રો,
થોડા સમય પહેલા મે એક ગઝલમાં લખ્યું હતું
કે....
પાન એકાદું ખરે એ પાનખર કહેવાય નહીં.....

સાચું, પણ તો પછી ખરેખર પાનખર કોને કહેવાય ?
આમ જુઓ તો દરેક ક્ષેત્રમાં જે થવું જોઈએ
તે ધારણા મુજબ ન થાય તેનુ નામ પાનખર...
તેવુંજ કંઈક કહેતી આ રચના તમારા માટે...

વૃક્ષ લીલું સહેજ પણ ફરકે નહીં....એ પાનખર
સાવ અંગત , હોઠમા મલકે નહીં....એ પાનખર

વાયરો ચૂમે અને ઝાકળ કરે અભિષેક, પણ
સુર્યના સ્પર્શે પ્રથમ, મહેકે નહી....એ પાનખર

હોઠ તરસ્યા, મસ્ત સાકી, ને છલોછલ જામને
મૈકદે મૈકશ, છતાં ઉચકે નહી....એ પાનખર

કેટલાં કામણ કરે પ્રશ્નોત્તરી સામે ઉભી
ને અચળ દર્પણ કદી બહેકે નહી....એ પાનખર

ઢોલ ધ્રબકે, હોંશ વરસે, ધૂળ ઉડતી પાદરે
મોરલા ચિતરેલ જો ગહેકે નહી.... એ પાનખર

વણફળી ઈચ્છાઓ, શમણાં, ઓરતા ભારેલ છે
તોય પણ મારી ચિતા ચહેકે નહી....એ પાનખર

7.2.09

આંખથી રીસાઈને દ્રષ્ટિ નગરમા ક્યાં જવું
દ્રશ્ય ગમતું આંખમાં આંજીને શમણે રાચવું

ચંદ્ર, સુરજ, રાશીઓ, નક્ષત્ર મુકી તોળતો
જીંદગી મારી ખુદા, લઈ આસમાની ત્રાજવું


કેદ બન્ને પૃષ્ઠની વચ્ચે અમારાં મુક્તકો
ક્યાં સુધી ઝખ્મો તમારા પ્રેમ પૂર્વક સાચવું

મૌનની ભાષા લખીને મોકલ્યું પરબિડીયું
બંધ આંખે, ઓષ્ટ બે, ને ટેરવેથી વાંચવું

આખરી ઇચ્છા પ્રબળ છે, આયનામા જઈ અને
આપણી ઓકાત શું, પ્રતિબિંબને સમજાવવું

ના ખબર, ઘરથી અમારી કબ્ર તકનો ફાંસલો
યાર, પગપાળા કદી ક્યાં છે અમારે ચાલવું