ઝાંપલી ને ઊંબરા વચ્ચે કશું રંધાય છે
એમ ફળીયું કેટલા દિવસોથી ચાડી ખાય છે
ઓટલાએ જૂઈ, બાહુપાશમાં લીધી હતી
શ્વેત પાલવ એટલે સરકી બધે લહેરાય છે
એક બીજાના સતત સહેવાસને કારણ, જુઓ
બારણાં બારી વચાળે નાતરો બંધાય છે
આયનો ચૂમી રહ્યો છે, બિંબ થઈ દિવાલને
ને ખુણે ને ખાંચરે, ઝાળા બધાં કતરાય છે
ઝીંદગી આખી વિતાવી વૃધ્ધ કુવા સંગ, પણ
રાંઢવા માટે હજુયે બાલટી હિજરાય છે
પાંદડા ઓઢીને પીળા, દિવસો ધરતી તણાં
આભના તડકા ને છાંયા પુછવામાં જાય છે
સૌ ગુઝારે છે વખત, લઈ એકમેકની ઓથને
ફક્ત જુની યાદ અહીં વિધવા બની અટવાય છે