27.9.12


શંકરો, કેશવ, ને અર્જુન, હે....ન મો 
કો'ક દિ' તો એક થાળીએ જમો..!!

છે ખબર માહિર છો ચોપાટમાં 
એક દા' તો કો'કને માટે રમો 

વાકનાં બાણો પ્રથમ લાગ્યા રૂડાં
પણ હવે આવે છે સહુને અણગમો 

રાજ્યના સરવરમાં ઉભો, બગ બની
માછલીને તો હતો ઘા કારમો 

લાકડા છુટ્ટા ને ભારાની હવે
વાત સમજાશે તુરત થોડું ખમો...!!!

25.9.12


ભૂલા પડ્યા તારા વિચારો આજ તો 
એના નગરમાં ભીડ છે, તું ના જતો

છે સ્તંભ ને, છે ઓલિયો, પથ્થર ઘણા 
તારે હવે કરવો રહ્યો છે ઘા જ તો

અલ્લાદીને પ્રાગટ થવું છોડી દીધું
જુના દીવા નાહક ઘસીને માંજ તું 

બચપણ લઇ, બે આંગળીએ ધ્રુજતી
આજે હજુયે આંખમાં હું આંજતો 

પડઘો પડે  કાળો કલુષિ રાત થઇ 
કેવી મજાની હોય છે આ સાંજ તો 

20.9.12

ફરી બહાનું મળ્યું'તું દોડવા અમને સતત રણમાં
અમારે આંજવા'તા ઝાંઝવા આ કોરી પાંપણમાં 

જરા સંગાથ માગ્યો બે ઘડી, તે હાથ દઈ દીધો
અમે પામી ગયા'તા આપની કીમીયાગરી ક્ષણમાં 

બધી તે વાત સમજાવી હતી ઇતિ સુધી, અથ:થી 
છતાંયે શોધવાના છે સવાલો તારા કારણમાં 

ભલે જાહેરમાં ચર્ચા કદી હોતી નથી મારી 
અમારું સ્થાન તો નક્કી હતું હર એક ચણભણમાં 

પ્રતીબિમ્બોયે સુધ્ધા દંભમાં રાચી રહ્યા આજે
હવે દેખાય જે, સાચું નથી હોતું એ દર્પણમાં 

કહો તો શ્વાસને બે પળ હું તરછોડી શકું
ગઝલ સાથેનો નાતો કઈ રીતે તોડી શકું..??

દુઆ કર એ ખુદા, સૌ દોસ્ત છે માટીપગા
મટુકી હું ચડી ખુદ પર, હવે ફોડી શકું

સફરમાં કંટકો સંજોગના અઢળક છતાં
હજીયે હામ છે, કે રાહ પણ મોડી શકું

સબંધો થઈ ગયા પ્રતિબિંબ શા, દર્પણ ને રણ
હરણ થઈ, ઝાંઝવા પાછળ ફકત દોડી શકું

"મને ડીસ્ટર્બ ના કરશો", એટલુ દેજો લખી
મઝારે જઈ, પછી તકતી નહીં ચોડી શકું...!!

14.9.12


બે ત્રણ રેખા હાથોમાં તેં આપી, ભગવન
વિસ્તરવાની સઘળી પાંખો કાપી ભગવન

ઇજ્જતને બેઇજ્જત કરવા ધાર્યુ છે તેં...!!
રણ વચ્ચે સાકીની મુરત સ્થાપી ભગવન..?

શબરીના સમ, જીવતરના જંગલમાં, આંખો
થાકી ગઈ તમને ટાંપી ટાંપીને ભગવન..

અમને તો બસ હાથ મશાલી થાવુ’તું બસ,
ભડભડ કાં આ લીલા આખી ચાંપી ભગવન..

તલનો અમથો છાંટો થઈ ગ્યો એના ગાલે
ખ્યાતિ આખા જગમાં મારી વ્યાપી ભગવન...

12.9.12

ટહુકાને પૂછ્યું, શું તારા છે મોલ..?
ટહુકી ને ટહુકાએ કીધું, 'અણમોલ'

લખશે, એ ભુંસાશે, રહી જાશે દોસ્ત
જીવતરની પેન્સિલના કર્મોનો છોલ

ઈશ્વર તે સહેજે પણ પૂછ્યું જો હોત
તારે શું બનવુ ભઈ, દાંડી કે ઢોલ ..!!

સપના જો સાચુકલા કરવા હો તો જ
ધીરેથી આંખોની પાંપણને ખોલ

ચુંબનથી હોઠોએ ઉજવ્યું'તું મૌન
ઘટના પર તારું શું કહેવું છે, બોલ.??
Like · ·
........#.#.....૯/૧૧ .....
માનવના માનવ સાથે સંદર્ભો ખૂટ્યા
ગૌરવ ને સિદ્ધિના રૂપે ટાવર તૂટ્યા

સ્થાવર ને જંગમના યુધ્ધે, લાગણીઓના
દંભોથી ભરચક્ક, એવા પરપોટા ફૂટ્યા

ચપટીમાં કુંપળની પેઠે મસળી નાખી
બેરહેમીથી ઈન્સાની ફૂલોને ચુંટ્યા

પથ્થર દિલ..., તારા પથ્થર દિલ બંદાઓએ
મજહબના ખંજરની અણીએ મજહબ લુંટ્યા....
ઉઠી છે જે આંધી, ગલીમા તમારી
હાવામાં લખેલી વ્યથાઓ છે મારી

તમે ના દીધી દાદ, તે ના જ દીધી
કહો કોણ આપી ગયુ’તું સુપારી..??

પ્રતિબિંબ જ્યારે ઉઠાવે સવાલો
અરીસેથી હટવાનુ લેજો વિચારી

ગગન આખું આવીને ઉભુ’તું દ્વારે
હજી તો અમે ફક્ત પાંખો પ્રસારી

મઝા જીંદગીની તો એ છે, કે સહુએ
અકારી હતી તે છતાં ના નકારી..!!