રેત પર પાડીને પગલાં કોઈ તો ચાલો
મૃગજળે જાવું અમારે, હાથ તો ઝાલો
ચૂર થઇ પર્વત ઉપરથી છેક અફળાતો
હું જ છું પડઘો, હવે શું સાદ દે ઠાલો
કાન દેજે કુંડ દામોદર, તળેટીએ
સેંકડો સંભળાય છે, જાણે કે કરતાલો
છે હળાહળ બાઈ મીરાના કાટોરાનું
હર વખત કંઈ જામનો હોતો નથી પ્યાલો
પાદરે ભિંજાય છે એક પાળિયો સાંજે
કોઈને નક્કી હજી એ લાગતો વ્હાલો