26.11.07

.......બોમ્બ...બ્લાસ્ટ.........


સુરંગો હજુ કેમ ફુટ્યા કરે છે
સબંધો મહી કંઈક ખુટ્યા કરે છે

ધજાઓ ધવલ બેય છેડે ફરકતી
છતાંયે હજી તીર છુટ્યા કરે છે

ભલે પ્રેમ છલકંતો બન્ને કિનારે
ભરોસાના સેતુઓ તુટ્યા કરે છે

લૂંટી આબરુ માણસે માણસોની
હવે માણસાઇને લુંટ્યા કરે છે

બધાં ગટગટાવો, બની આજ મીંરા
ભલે ઝેર રાણાઓ ઘુંટ્યા કરે છે

22.11.07

.....શિયાળા ની સવાર.......


કૂપળ ફુટ્યાનું મને સપનું આવ્યું
ને મારી ઉગી’તી લીલ્લી સવાર
સુરજ પહેરીને થયો , હરિયાળા સાફાને
લીલુડે ઘોડે અસવાર......
મરી ઉગી’તી લીલ્લી સવાર

આંખ્યુંની છાજલીયો વારતાઓ થઈ ગઈ ને
છત્રી નો ઉતર્યો ખુમાર
તડકાઓ આજ હવે લાગે છે છાંયડા ને
છાંયડાઓ મળતા ખુવાર......
મારી ઉગી’તી લીલ્લી સવાર

રણમાં લહેરાય હવે લીલા વંટોળ
નથી મ્રુગજળનો સહેજે અણસાર
ધરતીયે ટાઢકથી ધગધગતી આજ
જાણે મખમલીયો મ્હોર્યો જુવાર......
મારી ઉગી’તી લીલ્લી સવાર

ભાલેથી દડદડતાં પ્રસ્વેદી સસલાંઓ
ઝાકળનો જાણે અવતાર
અગનિની પરબુને માંડે , જે ભામાશા
એને છે ઝાઝા જુહાર.......
મરી ઉગી’તી લીલ્લી સવાર

આંખોમાં ઉભર્યું આ ધુમ્મસ


આંખોમાં ઉભર્યું આ ધુમ્મસ
કે નભથી વરસ્યું આ ધુમ્મસ

ઉષાનો ઉચ્છવાસ થઇને
શ્વાસોમાં સરક્યું આ ધુમ્મસ

કૂંપળ પર ઇશ્વરનું જાણે
વ્હાલ સમુ નિતર્યું આ ધુમ્મસ

સુરજની સંતાકુકડીમાં
આજ ફરી છટક્યું આ ધુમ્મસ

દિલ મેલા ચશ્મા ને કાઢી
દેખ , હવે વિખર્યું આ ધુમ્મસ

15.11.07


નદીઓ , ઝરણ વાંઝણા આંખમાં છે
છતાંયે સમંદર ઘણા આંખમાં છે

પડી’તી નજર જે ક્ષણે આપની પર
પછી ક્યાં સમાણા કણા આંખમાં છે

હજુ યાદની સાંકળો ખટખટાવો
એ બારી અને બારણા આંખમાં છે

થિજેલી બધી લાગણીને પિગળવા
કર્યા અશ્રુના તાપણાં આંખમા છે

કહીદો નગર વાસીઓને હવેથી
વસેલા ફકત બે જણા આંખમાં છે

સતત પામવા સ્વપ્નમાં સ્પર્શ તારો
છુંદાવ્યા અમે છુંદણાં આંખમા છે
હું
કોઇ અદનો
કવિ નથી
કે
ગીત લખું
કોઇ ગીત રચું....
હું તો
ખંતીલો
મ્રુદુ ખાણીયો,
શબ્દ ખીણમાં
ઊંડો ઉતરી
છંદ પ્રાસને
તારવતો રહી,
ભાવ સમી
ભેખડને
ખોદું.....
ભેખડના
એ ભારા
લઇને
ગઝલ રૂપી
ગાડામાં નાખી
અવિરત ચાલે
હાકે રાખું........
હાકે રાખું........ હાંકે રાખું......

6.11.07

આખે આખી રે તને ચાખી..........

ભીના આ ટેરવાને સહેજે ચાટું ને થાય, આખે આખી રે તને ચાખી
અરધો પીવું ને પછી અરધો રાખું કે જાણે નજરું સામે રે તને રાખી
અરે આખે આખી રે તને ચાખી…….
સુક્કા દરિયાને મુકી, ભીના ખાબોચીયામાં લીલ્લો રે છમ્મ થઈ ન્હાતો
સપનાનો દેશ હવે વહાલો લાગે ને પછી યાદો થઈ જાય બધી ઝાંખી
અરે આખે આખી રે તને ચાખી……..
ચુકવું હું ૠણ તારી ચીંધીં તે આંગળીનું, માંડવડે મસ્તી પધરાવું
આરતી ઉતારી તારા લઈ લઉં ઓવારણા ને પ્યાલી પરસાદી પીવું આખી
અરે આખે આખી રે તને ચાખી…….
સીધો મારગ છે આ તો હરિયાના દેશ ભણી, વચમા ના કાંટા કઢાપો
જીવતર જીતીને હું તો ઉડ્યો આકાશે, મેંતો ભવની ભરમાર બહુ સાંખી
અરે આખે આખી રે તને ચાખી……….

5.11.07

મોતને મમળાવવા બસ ક્ષણ મળે


મોતને મમળાવવા બસ ક્ષણ મળે
ને જીવન કાજે સમયના રણ મળે

એટલે માર્યું નહીં મટકુ કદી
કો’કદિ તો ઉંઘનું ભારણ મળે

સુખ નહી તો દુ:ખ ભલે દઇ દે પ્રભુ
જીવવાનું કોઇ તો કારણ મળે

કેડીઓ, રસ્તા, પથિક, મંઝિલ ગયા
હમસફરમાં બસ હવે દર્પણ મળે

બાંધ સંબંધોની ગઠરી , શું ખબર
એ અજાણ્યા ગામમાં સગપણ મળે

ખિલ્યુ’તું કમળ એક ક્યારાની વચ્ચે


ખિલ્યુ’તું કમળ એક ક્યારાની વચ્ચે
તમે ત્યારથી છો અમારાની વચ્ચે

ભલા કેમ લાગે છે પિંછા સમો આ?
હશે ક્યાંક કૂંપળ આ ભારાની વચ્ચે

સિમાડાની રસમો , રિવાજો ન તોડ્યાં
ઘુઘવતો રહ્યો હું કિનારાની વચ્ચે

શરૂ થઇ હશે મૌન ભાષા કદાચિત
અબોલાથી તારા ને મારાની વચ્ચે

ખુદા બંદગી તેં સ્વિકારી અમારી
સુતો તે દિવસથી મિનારાની વચ્ચે

મળ્યા ધૂપ , સન્માન , પુષ્પો છતાં પણ
હતો સાવ એકલ ઠઠારાની વચ્ચે

3.11.07


નરસિંહ ને ભજવાનું વાલા
જળ , પાણિ લેવાનું વાલા

કાન કરમ , ને રસમો રાધા
રાસ મહીં ઘુમવાનું વાલા

જીવતરની ભંગૂર મશાલે
હાથ સુધી બળવાનું વાલા

કામ આપણું ’શેઠ’ ભરોસે
હૂંડીઓ લખવાનું વાલા

મન મંદિરમાં એકજ માતમ
કેદારો ગાવાનું વાલા

પરભુ ’પીળી’ માળા પહેરી
હળવેથી ખરવાનું વાલા