30.4.08


છે અષાઢી વાદળો, ને આ કલમ
માંડજે તું મીટ આભે ઓ સનમ

સ્પર્શને સૂરમાં મઢી, દેતો ભ્રમર
ચુંબને એકેક કહેતો એ નઝમ

મન ખુદા તારું, ને દિલ સાજણ તણું
કેમ ફંટાશે કહો, બન્ને કદમ

સ્વપ્નમાં તું જે રીતે તરછોડતી
વાસ્તવિકતા ના હશે આથી અધમ

જીવવાનું ઠોસ કોઈ કારણ નથી
ક્યાં સુધી જીવ્યા કરું આમજ મભમ

ફાયદો બસ મોતનો એકજ હતો
ના કોઈ ખાતું હવે મારી કસમ

25.4.08


વ્યર્થ એની જીવવાની હર ક્ષણો
અર્થ જે સમજે નહીં જીવન તણો

આંસુઓને પણ વિસામો જોઈએ
એટલે તો હોય બન્ને પાંપણો

ઘાવ તેં દીધા નથી ઓછા મને
સાચવ્યા સઘળાં, ગણીને થાપણો

લ્યો હુલાવ્યું પીઠમાં ખંજર અમે
કોઈ તો અમને હવે માણસ ગણો

આંખ લૂછવી કોઇની, બાજુ રહી
લઈને ઉભા એ, ચિતાએ વિંઝણો

18.4.08

મૌન અને શબ્દ


મૌન છે, કારણ કે, સામે શબ્દ છે
હોઠ પર, સરખે જ ભાગે શબ્દ છે

જે સમય ગરકાવ થાશો મૌનમાં
માનજો ઉપકાર, સાથે શબ્દ છે

મૌનના માહોલમાં સૌ ઝુમતા
જામમાં ઓગળતો આજે શબ્દ છે

મેઘલી રાતે વરસતું મૌન ,પણ
મણવો ઝળહળ સવારે શબ્દ છે

આયનો વિસ્તાર જાણે મૌનનો
પણ ઉભો સામે, તો ત્યારે શબ્દ છે

મૌનના વાદળ ચડે ઉરમાં પછી
ખાબકે સાંબેલ ધારે શબ્દ છે

એ ખુદા, તારી ઝુબાં, જો મૌન છે
છો રહી, પક્ષે અમારે શબ્દ છે

17.4.08



આમતો વર્ષો સુધી લંબાય છે
જીંદગી ભાગ્યેજ કોઇ, જીવાય છે

પુષ્પ ખિલ્યું, જો ઉપેક્ષિત થાય તો
ભીતરેથી બાપડું કરમાય છે

હર કોઈ વસતું અમારા દિલ મહીં
એજ ભ્રમમાં આયનો હરખાય છે

તડ પડેલાં સ્વપ્નની આગોશમાં
કોઈની યાદો સતત સચવાય છે

સાદ જે દરિયાએ દીધાં ગ્રીષ્મમાં
તે બધાં વરસાદમાં પડઘાય છે

જામની વાતો બધી પોકળ હતી
આંખથી, આંખો બધી છલકાય છે

13.4.08

ઇંગઝલીશ




let the wintry wind touch your cheeks honey
લાગશે દિન રાત કે તું બન-ઠની

though the fingers look alike like a beauty
તું પ્રિયે મારી છે જાણે તર્જની

you utter in any tongue, hearty feelings
શબ્દ સાથે ક્યાં કોઈ છે અનબની

no sooner you be in a greeny season
બાગમાં ફેલાઈ જાતી સનસની

dream comes true if even in dreams then
આપણે તો દિવ્યશી ઘટના બની

11.4.08


જીંદગી ની આ કિતાબે કો’ક પાના ખુટતાં
કાળ ને સંજોગ અમને એક થઈ ને લુટતાં

ભાગ્યના તુટી જતાં ઝાળાઓ સાંધુ છું સતત
હું પ્રયત્નો જ્યાં કરું, બીજા હજારો તુટતાં

દુર્દશા મારી હતી શું એટલી અનહદ બુરી ?
કે સદન નાં આયનાઓ આપમેળે ફુટતાં !

હા..શકારો કો’કવારે લાગતો એવો રૂડો
કેમ જાણે કંઇક પંખી પિંજરાથી છુટતાં

મા કસમ, ઉજવાય છે પહેલો પ્રસંગ ધામે ધૂમે
સૌ અમારાં મોત પર છાતી અમસ્તાં કુટતાં

5.4.08



સ્પર્શને ક્યાં હોય છે કોઈ વ્યાકરણ
હોય છે બસ લાગણીનું આવરણ

કર્મ
, ને દ્રઢતા તણી બાંધો જટા
તો પછી ઈચ્છાનું થાયે અવતરણ

દાદ ના પગલાં કદી પાડો, પ્રિયે
મેં બિછાવ્યું છે ગઝલનું પાથરણ

સ્વપ્નમાં આવે અચૂક એ, શું કરું
કેટલા કરવા અમારે જાગરણ

મોક્ષને પામી શકો ના એમ કંઇ
જીવવું પડશે બધાયે આમરણ

1.4.08

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું