26.8.08

નયન તારા તણુ
બની જઈએ કણુ
તમે અડક્યા કરો
ગમે અમને ઘણુ

થઈ ઉષા થકી
ઉગમણુ બારણુ
સદા પાવન કરો
અમારૂં આંગણું

ઝુલાવો પાંપણે
શરમનું પારણુ
પછી શમણું કહો
રહે શેં વાંઝણું

ચહો, રૂખ, તે રીતે
બદલીએ આપણું
ઉનાળે વાયરો
શીયાળે તાપણું
ઘણું નરસી ભણ્યો
હવે બસ હું ભણું
શબદ મારો સતત
રહે સંભારણું

17.8.08

હજુયે કોઈની આંખો સજળ છે
તકાજો જીવવાનો બહુ સબળ છે

ભલે અફવા સ્વરૂપે, પણ અમારું
તમારા કાન પર પડવું સફળ છે

ઘણા નખરાં સહ્યા’તાં માનુનીના
છતાંયે આયનો કેવો અચળ છે

હરણ થઈ, અક્ષરો દોડ્યા કરે પણ
ગઝલ-જળ પામશે કે નહીં, અકળ છે

પ્રભુ તેં તો ઉઘાડ્યાં દ્વાર તારા
પરંતુ મોહના આડે પડળ છે

ઘુઘવતા કેટલા દરીયા છે કિંતુ
અમોને ઓસનુ વળગણ પ્રબળ છે

13.8.08

R O C K ..’N....રા...સ

Hey.. ક્રિષ્ના, hey.. ક્રિષ્ના
we love you love you, હે ક્રિષ્ના.....

તારી વાંસલડીના સૂર અમુને
spelll...bound કરે ક્રિષ્ના...
ફર ફરતું પિછું, મોર મુકુટ
ammmazing....લાગે હે ક્રિષ્ના....
હે ક્રિષ્ના, હે ક્રિષ્ના…..

ઓલી રાસે રમતી રાધા સાથે
let me dance દુલારે ક્રિષ્ના...
એના તાનપૂરે, મીરાંની સંગે
all we sing o.. હરે ક્રિષ્ના....
હે ક્રિષ્ના, હે ક્રિષ્ના….

તારી આંગળી ઉપર પર્વત છું
don't let me down, મોરે ક્રિષ્ના....
પાપોના ડોલે કાળી નાગ
you rien them down ઓરે ક્રિષ્ના...
હે ક્રિષ્ના, હે ક્રિષ્ના….

11.8.08


સોનેરી કુંભકરણ જાગ્યો ફટાકડીએ

લાખ લાખ વંદન છે બિન્દ્રા......
માણી લેજો, કે પછી રહી જાશો કાયમ,

એ કરવાનો સદીઓની નિંન્દ્રા....!!!!!

5.8.08

પ્રશ્ન મારો એ નથી હું કોણ છું ?
પ્રશ્ન છે, શાથી કહો છો ગૌણ છું

આંખ પંખીની ફકત થાવું હતું
ને તમે કહી દો મને, કે દ્રોણ છું

આપનુ જીવન હતું વર્તુળ સમુ
મેળ ના ખાશે કદી, હું ‘કોણ’ છું

ષડરિપુ ચારે તરફ વસતાં છતાં
કાળમાં પંકજ સમો ષટકોણ છું

2.8.08

જીભે તમારું નામ છે
હૈયે હજુય હામ છે
બાકી, પડે જરૂર તો
આખો ભરેલ જામ છે

પથ્થર ઉપર લખી લખી
રટવું તમારું કામ છે
કાગળ, કલમમાં સ્ફુરતાં
શબ્દોજ મારાં રામ છે

સરનામુ મારું બાપડું
ના કંઈ વિષેશ, આમ છે
નીંદર બનીને આવશો
શમણે અમારું ગામ છે

ઈજ્જતના ખુદના ચીર, જો
લુંટાય ખુલ્લેઆમ છે
માણસ, કે માણસાઈની
કોની આ કત્લેઆમ છે ?

મૃત્યુ એ બીજું કંઈ નથી
અમથો જરી મુકામ છે
ચોર્યાસી લાખ ખેપમાં
બે પળનો બસ આરામ છે