
શમા ઉપર જઈ ફના થવામાં એની પણ કોઈ મોજ હશે
સદા ઉગીને આથમવામાં એની પણ કોઈ મોજ હશે
કરોળીયાના અથાગ યત્નો, છતાંય તંતુ બન્યો નહીં
ફરી ફરીને તૂટી જવામાં એની પણ કોઈ મોજ હશે
સમય અવિરત વહે, સ્થગિત બે કાંટાંઓની નજર તળે
ધરીની ફરતે ભ્રમણ કર્યામાં, એની પણ કોઈ મોજ હશે
હતી ખબર કે નથી તરસના કોઈ વિસામા મૃગજળમાં
અફાટ રણમાં આથડવામા, એની પણ કોઈ મોજ હશે
ગુલાલ થાપા એક બીજાને નીરખી લેતા ટગર ટગર
અરસ પરસનાં મૌનપણામાં એની પણ કોઈ મોજ હશે