22.8.09


ગુલાબી ગાલની મોસમ
હજુ છલકે, તમારા સમ

ઝખમ, તારીજ યાદો દે
લગાવે એજ બસ મરહમ

અરીસો કઈ રીતે તોડું
પ્રતિબિંબો જ છે હમદમ

પિછાણું ક્યાં તૃષાને હું ?
અમે પીતા રહ્યા હરદમ

અમારા અસ્તને ગણજો
નવા અજવાસનો ઉદગમ

15.8.09

સ્વાહા તંત્ર દિવસે
શ્રી કૃષ્ણને સુદામાનો
સંદેશ...
એવા અમે સાવ સુદામા
તારે ઘેર નાખવા ધામા
તાંદુલ, પોટલી, લાકડી, પોતડી, એવું હવે કાંઈ નહીં
માખણ મિસરી, દૂધ ખોવાણાં, છાશ મળે, ના દહીં
પિઝા બરગરની વાતુ
મારે કેમ બાંધવું ભાતુ
ફોન કર્યાં તને કેટલાં, વાંહે કર્યા ઈ-મેઈલુ લાટ
કાગળ પત્તર હમજ્યાં, જોતો મિસ કોલુની વાટ
હવે તારે ફંદાઉ ઝાઝા
મેલી મુઆ ટીવીએ માઝા
તારી પાહેં નથી ટાઈમ, ને મારી વાંહે વધે ના કોડી
ઉછળે નહીં એવા ચેકુ મોકલજે, લેશું બાકીનું ફોડી
નથી મારે જોઈતી નોટુ
વળી જોવું સાચું કે ખોટું
સાંઈઠ વરહનાં વાણાઉ વિત્યાં, તોય ઉભા અમે આ
મેરા ભારત મહાન છે એવું ક્યાં લગ ગાણું ગા
આવકારો ખપે ના સહેજે
’સુદામા’ને જાકારો દેજે
’સુદામા’ને જાકારો દેજે

14.8.09


પાંદડાઓ પ્રાસ, ને હર ડાળખીઓ કાફીયા
વૃક્ષને કોણે અછંદાસી કુહાડે કાપીયા ??

ના કરૂં સહેજે ભરોસો દોસ્ત તારો, આમ પણ
ક્યાં જગ્યા પીઠે રહી, ખંજર બધાંયે મારીયા

શબ્દથી જે ના થયું એ મૌનથી હાંસિલ કર્યું
કાચબાએ લો, ફરી સસલાઓને હંફાવીયા

છે અમાસી રાત, ને કાળી ઘટાનો કાયદો
આગીયે બળવો કરી અંધારને અજવાળીયા

રાહ તારી જીંદગી આખી અમે જોયા કરી
છેવટે શેઢે અમે ઉભા છીએ થઈ પાળીયા

13.8.09


આજ મને સમજાયું, દે તાલ્લી
કોઈ પણે શરમાયું, દે તાલ્લી

સહેજ તને દીઠી, ને શૈષવ પણ
ક્યાંક જુઓ સંતાયું, દે તાલ્લી

કાલ મને સપનુ જે આવ્યું’તું
આંખ મહીં અંજાયું, દે તાલ્લી

સંગ હતાં આપણે તો કાંટાની
ફુલ ભલે કરમાયું, દે તાલ્લી

લાવ ગળે રાખું હું શિવજી થઈ
એમ કહી પિવાયું, દે તાલ્લી..!!

ફુટ પડી જીવતરની પાટીમાં
નામ પછી ભુંસાયું, દે તાલ્લી

પરવાનાના ખુન તણો પરવાનો લીધો
શમ્મા, તેં પણ સોદો ખુબ મજાનો કીધો

કોમળ કાયા, અમે આટલી ધારી નહોતી
હડસેલો મેં અમથો સહેજ હવાનો દીધો

વ્હિસ્કી, બ્રાંડી, સ્કોચ, વોડકા રમ ના પીધાં
આજે તો બસ, એનો યાર નઝારો પીધો

પંડીત, મૌલા, ગિરીજા, ઉભા ગલી ગલીએ
મયખાનાનો રસ્તો કોઈ બતાવો સીધો

આંગળીએથી...કાંડે...., અંતે ખભ્ભે પૂગ્યો
આગળ અમને જાવા કો’ક સહારો ચીંધો

4.8.09


ક્ષણને વાવો, ઘટના ઉગશે
શમણાથી ડાળીઓ ઝુકશે


અક્ષર ઢાઈ શીખ્યો આજે
પહેલો કાગળ તમને પુગશે


ચપટી તાંદુલ આપી તો જો
સંબંધોની ભ્રમણા તુટશે


છળ-છલતાં મેં પીધાં એવા
રણનાં સઘળાં મૃગજળ ખુટશે


ભરચક્ક જીવજો, કોણે જાણ્યું
કોનો, ક્યારે નાતો છુટશે


માળા કેરા મણકા આપણ
સહેજે ખસતાં, બિજો ઉભશે

1.8.09

આમ તો અંધાર, કાયમ સંચરે
મુખવટો અજવાસનો દિવસે ધરે

પુષ્પની કાળી વ્યથા કેવી હશે ?
ઓસથી આંખો પરોઢે ઊભરે

અંચળો ઓઢી ’અવાચક’ નામનો
શબ્દ આજે મૌનને પણ છેતરે

ના જરૂરી સ્યાહી કે કિત્તો હવે
ટેરવેથી લાગણીઓ નિતરે

જીંદગીનું આંગણું તલસે મને
ને ઉભો’તો હું કબરને ઉંબરે