29.11.09


અટકળ જમા કરી અને ઈચ્છા ઉધારતો
ખાતાવહી હું સાવ અમસ્તો વધારતો


શબ્દો તણાં કવન મેં સજાવ્યા છે મૌન પર
નહીંતર દશા શું હોત વેદનાની, ધાર...તો..!!


જાજમ બિછાવો કેસરી ગુલમ્હોરની, પછી
ટહુકા ઉપર સવાર થઈ, ફાગણ પધારતો


તાળો મળે કે ના મળે, પરવા નથી મને
જે દાખલો ગણું, પ્રભુ એને સુધારતો

18.11.09


અમથીયે ક્યાં કોઈ અમને પડી છે
’જખ મારે દુનિયા’ એ બુટ્ટી-જડી છે


હોઠે મેં પ્યાલી અડાડી હજી જ્યાં
મયખાનું પીધાની અફવા ઉડી છે


સપનાઓ બિચ્ચારા આળોટે રણમાં
વર્ષોથી બન્ને ક્યાં આંખો રડી છે


લક્ષમણની ખેંચેલી રેખાઓ સામે
ભીતરની ઈચ્છાઓ જંગે ચડી છે


મૃત્યુને સૌ કોઈ સંગાથે ગાજો
જીવતરના ગીતોની છેલ્લી કડી છે

17.11.09



જીંદગી જાણે રમત શૂન-ચોકડી મારી હતી
ભાગ્યમાં મીંડુ, પ્રણયમાં ચોકડી તારી હતી


આવ-જા ના બેય પલ્લે પગ મુકી સાધ્યું અમે
લક્ષ્યમાં મારા, તમારી અધખુલી બારી હતી


વીરડીનાં શાંત જળ, અધ્યાય છે મીઠાશનાં
ને ઘૂઘવતાં સાગરોની વારતા ખારી હતી


એ ખરૂં વાતાવરણમાં ચોતરફ કલરવ હતો
જે હતી ટહુકામાં તારા, વાત કંઈ ન્યારી હતી


નાખુદા માન્યો તને, પણ ક્યાંય દીઠો ના ખુદા
માન કે ના માન, તારી સાવ ગદ્દારી હતી

10.11.09


જત લખવાનુ કે હરી હવે
અવતરવું પડશે ફરી હવે


મધદરિયાના મરજીવા પણ
તટ ઉપર લે છે તરી હવે


સંસ્કારો, સંયમ, દયા॥અરે ..!

માનવતા સુધ્ધા મરી હવે

રાવણને લોકો ભુલી ગયા
સંતોએ એવી કરી હવે


ચપટીમાં, ખોબો છલકાતો
ખોબામાં, ચપટી ભરી હવે


દેખા દેખીની ધજા ચડે
મંદિર મસ્જીદમાં નરી હવે


અંતર્યામી છો, નઝર ભલા
આ બાજુ કરજો જરી હવે

3.11.09



ચાલ તણખલે સાત સમંદર પાર ઉતરીએ
હામ તણાં હલ્લેસા મારી રામ સમરીએ

આજ સુધી તો ડાળ હતાં શૈષવની કુણી
શિલ્પ જીવનનું હાથ હથોડે, કાળને ઘડીએ

ગૂઢ અધૂરા મર્મોના અક્ષર કરતાં તો
સહેજ અડ્યાનાં અણસારે બિંધાસ્ત ઉકલીએ

ઘોર હતાશા રાત બની હરરોજ ઢળે છો
રોજ પ્રભાતે સોનેરી શમણાં થઈ ઉગીએ

રેત સરી ગઈ, ખાલીપાનો શ્વાસ ભરીલે
યાદ બની ઝળહળ, જીવતર આખું વિસરીએ