31.10.11

ચમનમાં ખુદા તેંય રાખ્યા છે વારા
કદી કંટકો, તો કદી ફુલ મારાં

કદાપિ ન પહોંચી શક્યો મંઝિલે હું
હતાં વેષ થોડા, ને ઝાઝા ઉતારા

હરેક ડાળ ખુદની વ્યથાઓ સુણાવે
ધરાને રજેરજ, ખર્યા પાન દ્વારા

અનુભવની કાળાશ આંજી જીવનમાં
થયા એટલે કેશ, ધોળા અમારાં

સમયને ભરી શાહીની જેમ કિત્તે
પછીથી લખાયા છે સંજોગ મારાં

ગઝલ રૂપ જીવનનો મક્તા મરણ છે
કહે લોક એમાયે વાહ વાહ દુબારા

30.10.11


અમે પાથરી, રંગ રંગી ચીરોડી
બધી આંગળીઓ મરોડી મરોડી...
આ વર્ષની રંગોળી.....
ગમી...?????

24.10.11

હવે તો હસીલે, જો આવી દિવાળી
ભલે મોંઘવારી તણી ચીસ કાળી

છે મુઠ્ઠીમાં બોનસ, ને ખોબાનો ખરચો
ઉજવણીની રીતો છે કેવી નીરાળી

દિવે તેલ રેડીને અજવાળી રાતો
પુછે કોણ, કેવી પછી રાત ગાળી..?

પુરો રંગ બેરંગી રંગોળીઓ પણ
કદી એવી રંગતને ઘરમાં ન ભાળી

છ મહીનાનું રાશન, અને શાકભાજી
ફટાકે, રકમ એટલી આજ બાળી

બનાવટથી ભરપુર ખાધી બનાવટ
હજી કોઇ ઈચ્છાઓ કેમે ન ખાળી..!!

ન ઘરમાં ટકે એનુ પુજન કરો છો
પછી એ જ કરશે સતત દેવા-વાળી

ફરી આજ પહેરીલે મહોરું ખુશીનું
ઉતારી મુકી દેજે કાલે સંભાળી

ગઝલને આ વાંચી ન વાંચી ગણી લો
કહું આજ સહુને હું હેપ્પી દિવાળી

19.10.11

તમને હજીયે આંખમાં રાખી મુક્યા અમે
શમણે કદી ના આપને, હરગીઝ ચુક્યા અમે

કરતાલ સાંભળી ગિરી પર્વત હતા છતાં
કેડી બનીને કુંડના ચરણે ઝુક્યા અમે

છે ફર્ક એટલો મને રાધા મળી નહીં
બાકી ઘણાયે વાંસળીમાં સૂર ફુંક્યા અમે

ભરચક્ક સભામાં શિસ્તની, લજ્જાના મંચથી
મહોરું ચડાવી મૌન તણું તાડુક્યા અમે

શ્વાસોનાં હરણ ઝાંઝવે પહોંચી શક્યા નહીં
જીવનનાં રણમાં વીરડી માફક ડૂક્યાં અમે
બંદગી મારી તને મંજુર ના
તો ખુદા, તું પણ મને મંજુર ના

આ જ હો મારું પ્રતિબિંબ આયને
ઉભવું એની કને મંજુર ના

પ્રેમનો સંબંધ, નક્કર વાતથી
સહેજ સરખો વહેમને મંજુર ના

સાવ પથ્થર-દિલ તને અથડાવવું
લેશ મારી ઠેસને મંજુર ના

દિવડાનાં કરતુતો કાળા થકી
બદનસીબી મેશને મંજુર ના

17.10.11

ક્યાંક તો સંતાઈ 'એ' બેઠો હશે
માર્ગથી ફંટાઈ એ બેઠો હશે

આપણા સૌના નહિ તો કોઈના
દિલ મહી પન્કાઈ એ બેઠો હશે

ફૂલ ચંદન કે છતર સોને નહિ
ઝૂંપડે ઢંકાઈ એ બેઠો હશે

કેસુડાં, ચંદન લઇ ઠાલા ફરો
પ્રેમથી રંગાઈ એ બેઠો હશે

આ કલમ એણેજ પકડાવી, પછી
સ્યાહીમાં રેલાઈ એ બેઠો હશે

વેદ, ગીતા કે કુંર્રા બાઈબલ પઢો
થઈને અક્ષર ઢાઈ એ બેઠો હશે

બંદગીને જો તમે તાણે વણો
ચાદરે ગૂંથાઈ એ બેંઠો હશે

માનવી તારા અનૈતિક ધામમાં
હર ખૂણે લજવાઈ એ બેઠો હશે