મિત્રો,
સાલ મુબારક
અનેક રંગો ગઝલ, કવિતા કે ગીત રૂપે
શેર કરતો આવ્યો છું......આજે દિપાવલીના
દિવસે ચિરોડીના રંગે જ્યારે મે રંગોળી કરી
ત્યારે આ નવા વર્ષે કરવા લાયક દ્રઢ
સંકલ્પો વિષે એક રચના સ્ફૂરી તે મારી રંગોળી
સાથે આપ સૌને અર્પણ.........
કંઈક નવલો ચાલને સંકલ્પ કરીએ એટલો
માનવી માનવ બને, સંકલ્પ કરીએ એટલો
હાથ છે સાબૂત, કદી હાથો બનાવીશું અમે
ના ખુદા, ના રામને, સંકલ્પ કરીએ એટલો
કાળ, સંજોગો, વિધિ, પુરૂષાર્થની પગથી વડે
આંબવું છે આભને, સંકલ્પ કરીએ એટલો
સાવ બદલી નાખીએ નક્કર હકીકતમાં હવે
આપણાં સૌ ખ્વાબને, સંકલ્પ કરીએ એટલો
જેટલા સંકલ્પ કરીએ, પૂર્ણ કરીએ ખંતથી
હાથમાં લઈ આબને, સંકલ્પ કરીએ એટલો
29.10.08
28.10.08
19.10.08
આપણે તો ચાલવાનું બળ મળે
છેક જો મંઝીલ ખુદા આગળ મળે
સ્પર્શની ભાષા હવે વાંચી શકું
છો રહ્યો કોરો, મને કાગળ મળે
રાત આખી સ્વપ્નને ખેડ્યા પછી
હોઠને તરબોળવા ઝાકળ મળે
જીંદગી હારીને ખરવું ટાળ તું
જો ચમનમાં કેટલી કુંપળ મળે
આયનો છલના છે સાંગોપાંગ પણ
તોડવા બેસો તો અગણિત છળ મળે
આયખાની કાપવા આખી સજા
શ્વાસની પગમાં પડી સાંકળ મળે
16.10.08
13.10.08
આપણો સંગાથ આકર્ષણ સુધી
શી રીતે પહોંચી ગયા ઘર્ષણ સુધી
વિસ્તરે છો પહોંચ તારી ચોતરફ
બિંબની ઓળખ રહે દર્પણ સુધી
એક ક્યારાની સૂણો તુલસી કથા
ડાળથી કાપે મજલ તર્પણ સુધી
તે પછી રસ્તા ઘણા નીકળી પડે
તું પ્રથમ આવી તો જો અડચણ સુધી
દિલ સુધી ઉતરે બધાં, પણ આપ તો
રક્તમાં વહેતાં અમારાં કણ સુધી
હોય જાણે કેમ રેખા લક્ષમણી
આંસુઓ આવે ફકત આંજણ સુધી
9.10.08
સ્મિત એનુ ભલભલું ખાળી શકે
કેટલા અટ્ટહાસ્યને વાળી શકે
પાંપણોના મ્યાનમાં એની નજર
સેંકડો લાશો હજી ઢાળી શકે
આગીયા સૂરજ થવાની હોડમાં
ક્યાં સુધી અંધારને ટાળી શકે
દોસ્ત ખિસકોલી થવું મંજુર છે
કો’ક રમતા-રામ પંપાળી શકે
હસ્તરેખા ક્યાં તિલસ્મી આંખ છે
કે થવાનુ શું ?, બધું ભાળી શકે
લાગણીથી તરબતર ભીની ચિતા
રે ! નિ:સાસો આપનો, બાળી શકે