30.4.09

MADHUSHAALAA
કશ્મકશ મંદિર અને મદિરાલયો વચ્ચે હતી
સ્વર્ગની સઘળી મઝા, બસ બે કદમ, નીચે હતી

એટલે નક્કી કર્યું બદનામ થાવું મેં ખુદા
નામના તારી, શહેરના હર ખુણે ખાંચે હતી

આપણી જાહોજહાલી કેટલી ચર્ચાઈ ગઈ
સૌ કહે છે આંગળીઓ જામમાં પાંચે હતી

આ મદિરા ચીજ પણ કેવી અલૌકિક ચીજ છે
જેમ એ તળીયે જતી, દિવાનગી ટોચે હતી

એ ખરું, આંખો નશાના ભારથી ઢળતી સતત
શ્વાસના સમ, આજ આંખો બંધ બે સાચ્ચે હતી

***********
લ્યો હવે ઝાંઝર તુટ્યા। બોતલ તુટી
જે હતી હમણાં સુધી લજ્જા, છુટી

હર ખૂણે, હર શ્વાસમાં મહેકો તમે
કોણ કસ્તુરી ગયું પળમાં ઘુંટી

આપને જોયા’તાં બસ સપના મહીં
એટલે તો મેં ખણી ખુદને ચુંટી

કેશ, કંકણ, સ્પર્શ ભીની આહટો
મેં ધરા પર સ્વર્ગની રોનક લુંટી

ચાંદ પણ મશગુલ થઈ થંભ્યો અને
રાત ચાલી એ...ટલી, મદિરા ખુટી

28.4.09

ના કશું લઉં શ્વાસમાં એ બસ નથી?
દઉં પરત ઉચ્છવાસમાં એ બસ નથી?

હાથ ગીતા પર મુકું કે ના મુકુ
અશ્રુઓ છે આંખમાં એ બસ નથી?

બિંબ હોવું ઝાકળે ઝંખુ છતાં
હું વસ્યો છું કાચમાં, એ બસ નથી?

દુશ્મની જાસાના ઉત્તરમાં નર્યો
પ્રેમ હો પૈગામમાં એ બસ નથી?

જીંદગી નામે ગઝલ ટૂંકી ખરી,
પણ હતી એ પ્રાસમાં, એ બસ નથી?

મૈકદે ક્યાંથી કરું હું બંદગી
બે ઘડી છું હોશમાં એ બસ નથી?

25.4.09

ફરી આજ તેઓ હસાવી ગયા છે
નગર સ્મિત નામે વસાવી ગયા છે

ન જાણે ધબકતાં આ દિલ નામે મૂડી
કયે ભાવ દિલબર કસાવી ગયા છે

અછંદાસ, બિંદાસ થઈને ફરે, ને
મને છંદમાં એ ફસાવી ગયા છે

બળે હાથ લખતાં ગઝલ (પ્રાણવાયુ)
કવિ એક એવું ઠસાવી ગયા છે..!!

ઘડી મુક્ત થાવાની આવી મરણશી
ખરે ટાંકણે, કસકસાવી ગયા છે

ફેંકાયેલા બુટની વ્યથા...
હે પ્રભુ મંજુર છે
લોકો તણા
પગ ચાટવા...
હર પળે તૈયાર છું
પગની તળે
કચરાવવા...
એવડા તે કઈ ગુનાની
રે સજા
ફરમાવવા...
તેં ચુંટ્યા અમને
આ બેશર્મીઓને
ફટકારવા...
જેમને તળીયા નથી
દોરી નથી
મ્હો બાંધવા...
માઈક દેખી
આદરે ગાળો બધાને
ભાંડવા...
ન્યાય ને નીતી
બધાને મન ફકત
છે ઝાંઝવાં...
કોઈનુ છાંડેલ પણ
છોડે નહીં એ
છાંડવા...
...
ના ભલે તકદીરમાં
મંદિર, મહેલ કે
માંડવા...
આ બધા
ઉપર પડી
અમ અંગને
અભડાવવા...!!!
અમ અંગને
અભડાવવા...???

21.4.09

આજ કહો તો કહેશે કાલે
હાથ હવે ક્યાં કોઈ ઝાલે

ચાલ ચલ્યો સુરજની જેવી
મ્હાત કર્યો સંધ્યાની ચાલે

કોણ કહે છે કંકુ ચોખા ?
બુંદ હતાં પ્રસ્વેદી ભાલે

શેર જવાબી એક કહ્યો ત્યાં
મૌન ધરી લીધું વૈતાલે

લાખ અને ચોર્યાશી ભવનુ
કામ કર્યું અંતે કરતાલે

17.4.09

જીવનનો એકડો હમણા ઘુંટ્યો છે
હુકમ, થઈ જા ફના, તારો છુટ્યો છે

જે પરપોટો ટક્યો’તો આંધીઓમા
તમારા સ્પર્શથી આજે ફુટ્યો છે

વિણીલે રૂપનો એકેક ટુકડો
અરીસો નહીં, અહમ તારો તુટ્યો છે

ખરીને, રૂક્ષ થઈ ડમરીએ ઉડી
નજારો પાનખરનો પણ લુંટ્યો છે

ભરેલો ગમ અને દર્દે જીગરથી
કદી આ જામ ક્યાં મારો ખુટ્યો છે

15.4.09


....ચુટણી....ટાણે....

ભલે સોડમ હશે સૌ ભાષણોમાં લાગણીઓની
મને તો બૂ સતત આવી રહી છે માગણીઓની

ન જાણે સા રે ગ મ પ ધ ની સા કઈ રીતે રચશે
અસૂરો શી દશા કરશે બિચારી રાગિણીઓની

ચડીને પીઠ પર, મૃગજળ સુધી દોડાવશે નક્કી
પછી કરશે ઊજાણી, ખાલ ચીરી, સાંઢણીઓની

નર્યા નફ્ફટ ફુગા અણઘડ હવાથી ખૂબ ફુલ્યા છે
જરુરી છે સમજદારી તણી બસ ટાંકણીઓની

જરા આળસને ખંખેરી જજો મતદાનને મંદિર
કરી ઘંટારવો નીંદર હણો સમરાંગણીઓની

13.4.09




...સુનહરી યાદેં...

જેતપુર ખાતે યોજાયેલ સાહિત્ય વિવેચન અંગેના
રાષ્ટરીય પરિસંવાદ ના ઉદઘાટન પ્રસંગે શ્રી સિતાંશુ
યશષચંદ્ર મહેતા સાથે ગાળેલી મુખ્ય મહેમાન તરીકે એ અઢી કલાક અવિસ્મરણીય રહેશે...

ડો. જગદીપ નણાવટી

9.4.09

તને સપનામા હાક કેમ મારવી
અમે ઉંઘમાંથી વાત એજ તારવી

હજી ફુટવાની કૂંપળ જ્યાં થાય ત્યાં
નથી પાનખરની વાતો ઉચ્ચારવી

નરી ભડભડતી હોડ આજ લાગતી
શમા પાંખોથી કેમ કરી ઠારવી

લખું કાગળ, ને હિમ સમા ટેરવે
વહે ખળખળ જે ગંગા, શેં વારવી

દુઆ માંગુ જો મધદરીયે હાથ લઈ
કયે હલ્લેસે હોડી હંકારવી

અમે જીવ્યા પછીનુ મોત એટલે
ફરી હારેલી બાજીને હારવી
તને સપનામા હાક કેમ મારવી
અમે ઉંઘમાંથી વાત એજ તારવી

હજી ફુટવાની કૂંપળ જ્યાં થાય ત્યાં
નથી પાનખરની વાતો ઉચ્ચારવી

નરી ભડભડતી હોડ આજ લાગતી
શમા પાંખોથી કેમ કરી ઠારવી

લખું કાગળ, ને હિમ સમા ટેરવે
વહે ખળખળ જે ગંગા, શેં ઠારવી

અમે જીવ્યા પછીનુ મોત એટલે
ફરી હારેલી બાજીને હારવી

4.4.09

કોણે કહ્યું કે અશ્રુઓ આંખોનો ભાર છે
સઘળાં પ્રસંગે મ્હોરતો નવલો નિખાર છે

નજરું તમારી પાપણોમાં મ્યાન રાખજો
ખાંડા સરીખી તેજ લાગણીની ધાર છે

લહેરાતી લ્હેરખી અને વસંતી વાતનો
ઊડતાં પતંગીયાઓ જાણે ટૂંકસાર છે

ઉભો રહ્યો’તો આયના સમક્ષ જે રીતે
ત્યારે થયું કે "હું" જ મારી આરપાર છે

કાગળ ન આપને લખ્યો એ મારો દોષ ક્યાં ?
શબ્દો જ, જે મળ્યા નહીં, કસુરવાર છે

મૃગજળ સમીપ પહોંચવામાં આયખું વિત્યું
દિવાસળીને ચાંપ, એટલીજ વાર છે

3.4.09

અક્ષરો બિંદુ હતાં ને શબ્દ રેખાકિંત હતાં
ભાવ મારી હર ગઝલમાં એટલે ચિત્રીત હતાં

મુઠ્ઠીઓ વાળી સતત જીવ્યો છું હું માટેજ આ
હાથ મારા, દસ્તખત તકદીરથી વંચિત હતાં

બાણ શય્યા હૂંફ કેરી ના કદી પામી શક્યો
આપ સૌની લાગણીના તીર બહુ કુંઠીત હતાં

જ્યારથી હાંફ્યો હતો વાયુ વસંતી ત્યારથી
પાનખરમાં બેફીકર થઈ પાન સહુ નિશ્ચિંત હતાં

કાળજી પૂર્વક બધાંયે અસ્થિઓ વીણી લીધાં
રાખમાંથી ઉઠવાની વાતથી ચિંતીત હતાં