28.4.09

ના કશું લઉં શ્વાસમાં એ બસ નથી?
દઉં પરત ઉચ્છવાસમાં એ બસ નથી?

હાથ ગીતા પર મુકું કે ના મુકુ
અશ્રુઓ છે આંખમાં એ બસ નથી?

બિંબ હોવું ઝાકળે ઝંખુ છતાં
હું વસ્યો છું કાચમાં, એ બસ નથી?

દુશ્મની જાસાના ઉત્તરમાં નર્યો
પ્રેમ હો પૈગામમાં એ બસ નથી?

જીંદગી નામે ગઝલ ટૂંકી ખરી,
પણ હતી એ પ્રાસમાં, એ બસ નથી?

મૈકદે ક્યાંથી કરું હું બંદગી
બે ઘડી છું હોશમાં એ બસ નથી?