29.4.12

ઍક નિઃસાસો વાવ્યો રણમાં
આજ ઉગ્યો ભીની પાંપણમાં

ડાળ લચી ગઈ ધાર્યા કરતાં
કો'ક હશે મારા આંગણમાં

મ્હેક હજુ તારી આવે છે
વ્હાલ ભરી, સુક્કા તોરણમાં

ઍમ કદી પડઘાય નહીં એ
સાદ કરો, અમથો ગણગણમાં

ચોટ શબદની ધારી કરવા
નાખ ગઝલ નામે ગોફણમાં

યાર ,નમાજીને ઘડપણમાં

યાદ ખુદા આવે ગોઠણમાં

25.4.12

સબંધોની છત હો, ને માઈનસ દિવાલો
ચણો કંઈક એવું જ રહેણાંક ચાલો

કમાડો, કડી, બારસાખો ને સાંકળ
વિરહનો તમે ખુબ ખડક્યો રસાલો

ઉગાડો બધી ડાળ, જલસાની કૂંપળ
ખરે પાનખર થઈ બધી આ બબાલો

અમે તો સતત ગાન કરતા પ્રણયનું
આ ઘડપણનો ઠેકો જરા છે બતાલો

ધરા, આભ, અગ્નિ, સરિતા તમારૂં
અરે..દઈ દીધો શ્વાસનોયે હવાલો

23.4.12

ટેરવેથી રંગ શબ્દોના ભરૂં
ને ગઝલની સાચવી લઉં આબરૂ

મૃગજળો પણ ઓગળી દુર્લભ થયા
આજનુ રણનુ વલણ છે આકરૂં

કલ્પનાએ એક કૂંપળની, હજી
ક્યાંક જીવી જાય સુક્કુ ઝાંખરૂં

સાવ સીધો સાંપડી જાશે હરિ
હાથ મીંરાનું ચડે જો ઝાંઝરૂં

એ જ તો શ્રધ્ધાંજલિ મોટી હશે
આંખ ભીની થાય, જ્યારે સાંભરૂં

19.4.12

ખુલ્લી બજારે નીર ભરી હેલ થઈ જશું
ઉભી કરો જો વાડ, અમે વેલ થઈ જશું

પત્તાની જોડમાં જ મને સાચવો સદા
બાજી તરીકે રાખશો, તો ખેલ થઈ જશું

પાયેથી લઈને કાંગરે ન મુકશો મને
ભાંગી ને ભુક્કો, આશ તણો મહેલ થઈ જશું

અવતાર આઠમો જો તને અવતરે, પછી
ઉઘડી જતી સ્વયંભૂ બધી જેલ થઈ જશું

અવ્યા નહીં તમે જો સમયસર ખરા સમે
મરવાની, ખુલ્લી પાપણોએ, પહેલ થઈ જશે

17.4.12

પડી કાંકરી એક સરવરમાં મારા
ઉઠ્યા જે વલય ચોતરફ, છે તમારા

ચરણ લુછતી જ્યા સમંદરની છોળો
અમે પાથરી ત્યાં દીધાતાં કિનારા

ગઝલ સાંભળીને તમે ચણભણ્યા’તા
અમે એમ સમજ્યા, દુબારા દુબારા..!!

બધા પુછતાં મૈકદે નામ મારૂં
અમે ક્યાં હતાં રાત ને દિ’ પીનારા ??

સતત ઝીંદગીની સફર ખેડતા મેં
હરેક અડચણોને ગણી’તી ઉતારા..

15.4.12

હરિ ને મારે, ઘર જેવું
બળ્યા કરે, એ કર જેવું

જીવુ તમારા કંકરથી
સદા ફુટી, ગાગર જેવું

ચરણ પખાળીને નટવર
દિસો સખા ચાકર જેવું

ભરી સભામાં લજ્જાના
અખય સમા પાતર જેવું

જરા ઉપાડી પર્વતને
શિરે ધરો છાપર જેવું

તમે ત્રિભુવનના દાતા
અમે તણખ પામર જેવું

14.4.12

જીંદગી ને મોતના પૂંઠા વચાળે
સાવ કોરૂં જીવવું મારે જ ફાળે

બે કરચલી, એક દીધી છે જમાને
ને વિધિતાએ લખી બીજી કપાળે

પ્રેમમાં થઈ જાય પારંગત બધાયે
કોઈ જો કે ના શીખ્યું આવું નિશાળે

પુષ્પ ને પર્ણો સમય કેરા ખરે, પણ
કંટકો સંજોગના તો છે જ ડાળે

મોત યાને કે પ્રભુ બે દાવ વચ્ચે
આપવા ભવ આવતો, સિક્કો ઉછાળે

12.4.12

તરસને છેડે તમારૂં ઘર છે
પરતના રસ્તાઓ તરબતર છે

રવિ વિરહનો હજુ તપ્યો ના
મધુરી ઝાકળ ભર્યા અધર છે

તમે નિભાવી’તી બેવફાઈ
વફા અમારીયે ધરકધર છે

નજરથી પી ને રહો છો મયકશ
અદા છે એવી, કે કરકસર છે..!!

ન શબ્દ ટહુકા, ન કોઈ કલરવ
અહિં કબરમાં વસ્યું નગર છે..

11.4.12

દર્પણમાં ટગરાતાં રહેવું રહેવા દેજો
ખુદને ખુદથી છળવા દેવુ રહેવા દેજો

નખરાં, છણકા, ઝખ્મો, ગુસ્સો, જુઠ્ઠા સોગન
ગમતાનુ સઘળુંયે સહેવું રહેવા દેજો

પડઘાતી છાતી રાખીને ખુલ્લું બોલો
કાના ફુસી કરતાં કહેવું રહેવા દેજો

ચંચળતા ઝરણાની માફક રાખો, કિંતુ
અથડાતાં કુટાતાં વહેવું રહેવા દેજો

શ્વાસોના લીધાં દીધાંના સોદા કરતાં
એમા પણ વળતરનું લેવું રહેવા દેજો
હલ્લેસું એક તારી ’હા’ નું
ભવસાગર તરવાનુ બહાનુ

વિશ્વાસે વાવેલા વૃક્ષે
પંખી એક બેઠું શંકાનુ

અરધી રાતે શમણું સળગ્યું
સોનેરી મારી લંકાનું

મયખાને જઈને મૌલાઓ
સરનામુ પુછે અલ્લાનુ

અવતરવાનુ રોતા રોતા
અવગત થાવું છપનું છાનુ

10.4.12

અટકળની નગરીમાં હાલો
ના કરવાનુ કરવા ચાલો

અંધારે અવસર ઉજવવા
પડછાયાનો છેડો ઝાલો

પર્વત દ્વારા તરછોડાયો
પડઘો અમને ભારે વ્હાલો

મુઠ્ઠી મૃગજળ રણમાં નાખી
હરણાની હેરતને મ્હાલો

ગીરવે મુકી દીધાં સૌએ
મંજીરા, વિણા, કરતાલો
શબ્દનું એક બીજ મેં વાવ્યું હતું કાગળ ઉપર
એ ગઝલનું વન થશે, નહોતી ખબર, આગળ ઉપર

ઓ પડ્યો..હમણા પડે....એવું રચીને ના પડે
શું ભરોસો રાખવો એ તરકટી વાદળ ઉપર

તું સમયના સુર્યને વળગી રહે તો શું કરૂં ?
મેં લખ્યા’તા પ્રેમપત્રો મખમલી ઝાકળ ઉપર

એ હવે માહિર છે પગની દબાતી ચાલના
કાન સરવા રાખજે બસ દ્વારની સાંકળ ઉપર

પ્રેમમાં ડૂબી ગયાના પાળિયા ઉપર લખો
મીણબત્તી ઓગળી, સળગી સતત, આ સ્થળ ઉપર

7.4.12

"મતલાથી મક્તા સુધીની ક્ષણને પરખો
શબ્દોમાંથી નીતરતી સમજણને પરખો

ગોધૂલીમાં વાંસલડી પાછળ ઘેલી થઈ
રાધાને પગ ચોંટેલી રજકણને પરખો

નિ:સ્સાસા પહેરી શું ઉભા દરપણ સામે
ફાટેલા, પણ અંદરના બચપણને પરખો

પર્વત બોદો છે કે મારી નિયત નબળી
પડઘા ના પડઘાવાના કારણને પરખો

પ્રગટીને આથમતી જ્વાળાને વિસરીને
હૈયામા સચવાયેલા આ જણને પરખો"

5.4.12

એ ખુદા તારી ખતા છું
એટલે તો રિક્તતા છું

સાવ ભાંગીને ભુકેલી
હું બિચારી શિષ્ટતા છું

દુશ્મનીમાં પણ ખિલેલી
જળ કમળવત મિત્રતા છું

લાગણી બરછટ ભલે હો
પ્રેમ કેરી સ્નિગ્ધતા છું

દિવ્ય ચક્ષુ છે અમારા
ક્યાંક ગાંધારી, છતાં છું

4.4.12

અમે જો આંગળી થઈએ, તમે પર્વત થજો
જશું લઈ કાશીએ ગરદન, પછી કરવત થજો

કરો જો પ્રેમ, તો ભરચક્ક છલોછલતો કરો
મદિરા ના, વધેલી જામમાં નહીંવત, થજો

ભરી મહેફિલ મહીં વરતો તમે, છો પારકું
મળો જો સામસામે તો જરા અંગત થજો

ખૂટે આ શ્વાસ આખર, નામ પણ વિસરાય છે
ગઝલ બેચાર મુકી જઈ, પછી શાશ્વત થજો

ઉપાડી, કાફલો આખો જશે અમને, સનમ
તમે પણ, સમ અમારાં, હમસફર અલબત થજો

3.4.12

ज़मानागौरसेसुनतारहाथागुफ्तेगु
सुनाहैआपकीभीथीयहीतोआरझु

थमादीजिंदगीसारीहमेउनकेलिये
हमेतोचाहीएथेखुदाबसचारसू

खुदाकेनामपेक़तराभीमयकानामिला
चलेहमआजमयखानेसेहोबेआबरू

फरकक्याआपमेंऔरआयनेमेंहैभला
कहादिदारकोआनापडेगारूबरू

दरोदिवारकोमद्देनज़ररखनाजरा
यहांतस्वीरतेरीभीलगेगीहुबहु

गौरसे=ध्यानसेचारसू= चारदिन, क़्तरा=बूंद,
दिदारको=मिलनेकोमद्देनज़र=ध्यानमेंरखना