10.4.12

શબ્દનું એક બીજ મેં વાવ્યું હતું કાગળ ઉપર
એ ગઝલનું વન થશે, નહોતી ખબર, આગળ ઉપર

ઓ પડ્યો..હમણા પડે....એવું રચીને ના પડે
શું ભરોસો રાખવો એ તરકટી વાદળ ઉપર

તું સમયના સુર્યને વળગી રહે તો શું કરૂં ?
મેં લખ્યા’તા પ્રેમપત્રો મખમલી ઝાકળ ઉપર

એ હવે માહિર છે પગની દબાતી ચાલના
કાન સરવા રાખજે બસ દ્વારની સાંકળ ઉપર

પ્રેમમાં ડૂબી ગયાના પાળિયા ઉપર લખો
મીણબત્તી ઓગળી, સળગી સતત, આ સ્થળ ઉપર

No comments: