.................નગર ચર્યા........................
ઉગતા સુરજની શેહમાં રમતું મળે નગર
હર શ્વાસ ને ઉચ્છવાસમાં રમતું મળે નગર
દફતર ભરી સવારમાં, જનનીની લ્હાયથી
પીઠે લદાયા ભારમાં, રમતું મળે નગર
રસ્તા, ગલી, કુચી ને વળી ફ્લાય ઓવરે
ચોગમ વળેલી ગુંચમાં, રમતું મળે નગર
ગિરજા મસીદ હો, કે હો મંદિરનાં દ્વાર પર
યાચી રહેલા હાથમાં રમતું મળે નગર
પકવાન દોઢસો ને ઓડકાર દંભનાં
ભભકે ભરેલી નાતમાં, રમતું મળે નગર
સઘળાં નિયમને ઓકતી નફ્ફટ આ ચીમનીઓ
ગળફે પડેલા રક્તમાં રમતું મળે નગર
આદર, અદબ, ને સ્મિત બિડાયા છે મૌન માં
ભંકસ, ટપોરી વાતમાં રમતું મળે નગર
ઓળા ઉતરતાં રાતના, વ્હિસ્કીને બોતલે
છલકી જતાં એ જામમાં રમતું મળે નગર
મણની તળાઈ રેશમી હો કોઈની ભલે
ફુટપાથ પરના સખ્શમાં રમતું મળે નગર
શહેરીજનો તો ઠીક ભલા ગામે ગામનાં
એકેક જણના ખ્વાબમાં રમતું મળે નગર
No comments:
Post a Comment