ચાલ ભેરુને સંગ
લાલ દોરીને રંગ
ચિત્ત ચોટેના આજ કોઈ કામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચોક ફળીયા સૂમ સામ
પોળ કરતી આરામ
ગામ રંગે ચડ્યુ છે બધું ધાબમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
લાલ પીળા ચટ્ટક
ફુલ ખિલ્યાં અઢળક્ક
જાણે ધરતી વરસી’તી આસમાનમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
બોર ગંડેરી પાક
ખાવ ઉંધીયાના શાક
સાંજ રડવડતી ખાલી સૌ ઠામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
માર કાઈપા ની બૂમ
પછી પકડ્યાની ધૂમ
કોઈ દોડે લઈ ઝાંખરાંને વાંસમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ફરરર ઉડી ગઈ લાજ
છેડ બિંદાસી સાજ
વહુ તાળી દે સસરાનાં હાથમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ક્યાંક હૈયાનાં તાર
ક્યાંક છુપો અણસાર
પેચ લાગે છે ક્યાંક કોઈ આંખનાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં
ચાંદ તારાને રાત
ઉગે સરખું પરભાત
તોયે કરતી ઉત્પાત
સાલી માણસની જાત
આભ વહેંચે છે અલ્લા ને રામમાં
22.12.09
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
sali manas ni jaat...aabh vaheche chhe allah ne ram ma... bahut khub...
Post a Comment